Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 16

મહારાણા મુકુલજી

        ચિત્તોડગઢમાં મુક્તિનું પર્વ ઉજવાયું. ફરી એકવાર ચંડે પોતાની નિષ્ઠાનો પરિચય આપ્યો. કંચન વધુ ઉજ્જવળ થઈને બહાર આવ્યું. મંડોવરનું રાજ્ય મેવાડમાં વિલીન કરી દીધું. યુદ્ધમાં જેમણે જેમણે વીરતા બતાવી તેમને જાગીરો આપવામાં આવી. કલાજી અને વીરાજીને ઊંચા ઓહ્દા આપવામાં આવ્યા. થોડા વર્ષો પછી સુલતાન ફિરોજખાંએ મેવાડ પર આક્રમણ કર્યું. પરંતુ તેની હાર થઈ. જહાજ્પુર ખાતે યુદ્ધ ખેલાયું ત્યાં હાડાઓને હરાવ્યા. ગુજરાતના સુલતાન અહમદશાહ પહેલાને પરાજિત કર્યો. દિલ્હીના સુલતાન પર પણ મેવાડના મહારાણાની ધાક હતી.

 મહારાણા મુકુલે ચિત્તોડગઢમાં વિષ્ણુનું મંદિર બંધાવ્યું. પાસે સુંદર તળાવ બંધાવ્યું. સમદિશ્વર  મંદિરનું સમારકામ કરાવ્યું. ભગવાન એકલિંગજીના મંદિરનો કોટ ચણાવ્યો. ધાર્મિક વૃત્તિના મહારાણાએ  ઠેરઠેર મંદિરો બંધાવ્યા. દરેક મંદિરને સ્થાપત્યથી શણગાર્યું.

 તે વખતે ગુજરાત અને રાજપુતાનામાં જૈનશાસનની બોલબાલા હતી. મેવાડના મહારાણાઓ પણ આ પ્રવાહથી અલિપ્ત નહોતા મનુષ્ય તો મનુષ્ય, જાનવર માટે પણ મહારાણાઓના હૈયામાં કરુણા હતી.

મેવાડમાં પધારેલા એક કથાકારે આવું જ એક દ્રષ્ટાંત રજૂ કર્યું. તેમાં મેવાડના ગોહિલોત વંશી રાણાઓ સિસોદિયા કેમ કહેવાયા તેની કથા સમાયેલી હતી. કથાકાર આલેખે છે મહાન પૂર્વજની કથા અને મહારાણા મુકુલજી સાંભળી રહ્યા છે. “મેવાડના મહારાણાની આંખો દુખે, એવી દુખે કે, આંખોના પોપચા પણ ઊંચા ન થાય. આંખમાં કાળી બળતરા બળે. રાજવૈદ ખડે પગે ઊભા રહેતા. કંઇ કંઇ ઓસડિયાં વાટયા. આંખે બાંધ્યા, પણ બળતરામાં કંઈ કહેતા કંઈ ફેર ન પડ્યો.

 પછી તો મહારાણાએ જાહેર કરાવ્યું કે, જે કોઈ દુખતી આંખો મટાડશે એને સારામાં સારું ઈનામ આપવામાં આવશે. ઈનામની લાલચે કંઇ કંઈ વૈદોએ પોતાના કસબ અજમાવી જોયો પણ હઠીલા દર્દે સહેજ પણ મચક ના આપી. આખરે એક અનુભવી હકીમ આવ્યા. “રાણાજી આપની દુખતી આંખ મટાડી આપવાનો કીમિયો હું જાણું છું.

“હકીમજી, અનેક વૈદો આવ્યા અને વીલે મોઢે પાછા ગયા આપને વિશ્વાસ હોય અને દર્દ મટી શકે તેમ હોય તો આપ પણ ઉપાય અજમાવી જુઓ. આ દર્દથી તો હું તોબા પોકારી ગયો છું ઘડીભર ચેન નથી પડતું. ઉજાગરાથી તો આ આંખો  પાકા ટેટા જેવી થઈ ગઈ છે.” મહારાણાએ નિરાશ વદને કહ્યું મહારાણાજી, મને એકવાર તક આપો. ઘણીવાર કીમતી ઓસડિયા નાકામિયાબ નીવડે છે અને રસ્તાની ધૂળ કામ કરી જાય છે. ભલે તમે તમારું ઔષધ અજમાવી જુઓ. બીજે દિવસે હકીમજીએ  ઔષધ તૈયાર કરીને મહારાણાની આંખમાં આંજયુ. આંખમાં આંજતા જ ઠંડક ઠંડક વ્યાપી ગઈ. રફ્તે રફ્તે દર્દ ઘટતું ગયું. સાંજ સુધીમાં તો આંખ હળવી ફૂલ જેવી થઈ ગઈ. મહિનાઓના ઉજાગરા પછી આજે મહારાણા ઘસઘસાટ ઊંઘ્યા. બીજા દિવસે કહ્યા પ્રમાણે હકીમજીને મનમાન્યું ઈનામ આપીને વિદાય કર્યા. હકીમ જીને વિદાય લીધે એક બે કલાક થયા અને મહારાણાને એક વાત સાંભરી આવી. અનુચરને આજ્ઞા કરી. ‘પેલા હકીમ ને પાછા બોલાવી લાવો.’ અનુચર હકીમજીને પાછા બોલાવી લાવ્યો.

“રાણાજી, આ સેવકને કેમ પાછો બોલાવ્યો? આંખમાં પાછું દર્દ ઊપડયું કે શું?”

“ના હકીમજી, આંખમાં તો ઠંડક થઈ ગઈ છે. પણ ભવિષ્યમાં કદાચ ઉપડે તો એ વખતે તમને ક્યાં ખોળવા જવા? માટે આ ઔષધ કેવી રીતે તૈયાર કર્યું એ જરા સમજાવતા જાવ.

“મહારાણાજી, આંખનું ઓસડ તૈયાર કરવામાં એક સારું મજાનું કબુતર લેવાનું. એને મારી નાખી એનું લોહી એક વાટકામાં ભેગું કરવું. પછી……. ત્યાં તો મહારાણાના મુખમાંથી કાળી ચીસ નીકળી ગઈ. ‘હાં, હાં, હાં.. હકીમજી! આ શું કહો છો ?મારી આંખના દર્દ માટે તમે એક કબૂતર ને માર્યું! તમે તો ગજબ કર્યું! આવું હતું તો મને પહેલાં કહેવું હતું ને, ઓસડ આંજવા કરતાં તો હું સોય ભોંકીને આંધળા થવાનું વધુ પસંદ કરત. તમે તો મારા દયાધર્મની હંસી ઉડાવી.’

 આ વાત સાંભળ્યા પછી મહારાણાનું દિલ દર્દ વધી ગયું.

‘મારાથી આ શો ગજબ થઇ ગયો.’ મહારાણાએ આ વેદના રાજ્યના ધુરંધર પંડિતો પાસે ઠાલવી અને પૂછ્યું, ‘કહો પંડિતો, જીવ હત્યાનું પ્રાયશ્ચિત શું હોઈ શકે?’ પંડિતોએ રાજાના મનનું સમાધાન કરવા કહ્યું, ‘અજાણતા થઈ ગયેલા પાપનું પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી’. મહારાણા એ કહ્યું, “નહીં, હવે તો મેં જાણ્યું ને? બતાવો, એનું પ્રાયશ્ચિત બતાવો. પ્રાયશ્ચિતમાં ભલે આ દેહ પડી જાય. જો તમે ગલ્લાંતલ્લાં કરશો તો આ વેદના જ મારા મોત નું કારણ બનશે.’ મહારાણાને મક્કમ જોઈ પંડિતોએ કહ્યું, “રાણાજી, જીવહત્યાનું પ્રાયશ્ચિત કઠિન છે. કાં તો જીવતેજીવ ગંગામૈયાની ગોદમાં પોઢી જાવ. કાં અગ્નિને આપની જાત સોંપી દો. નહીં તો ધગધગતું સીસું પીને દેહ પાડી દો. પ્રાયશ્ચિતના આ ત્રણ માર્ગ છે. મહારાણાએ સીસું પીને આત્મવિસર્જન કરવાનો માર્ગ પસંદ કર્યો. બીજા દિવસે પાપનું પ્રાયશ્ચિત કરવા મહારાણા ઉકળતું સીસું ગટગટાવી ગયા. ઉકળતા સીસાએ આખી હોજરી બાળી નાખી. એક મામૂલી પ્રાણીના જીવ ખાતર શીશ દેનારા એ મહરાણાના વંશજો ત્યારથી સિસોદિયાના નામથી પંકાયા.

 “આવા હતા દયાધર્મના એ ટેકેદારો. આપણા મહારાણા મોકલજી એ પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. કથાકારે સમાપન કરતાં કહ્યું.

“મહારાણા મુકુલજી ચૌદ ચૌદ વર્ષથી શાસન કરી રહ્યા છે. પરંતુ કદી એ અમને અમારા અધિકારો પ્રમાણે યાદ કર્યા છે? અમે તો મેવાડની રાજનીતિના અસ્પૃશ્યો છીએ. શું સદગત મહારાણા ક્ષેત્રસિંહના પુત્રો કેવળ પેટીયું કાઢે એટલી જ મદદના અધિકારી છે? અમે શું રાજવંશના નથી? અમે પણ માન ના અધિકારી છીએ. પરંતુ અમને એથી વંચિત રાખવામાં આવ્યા છે.’

 ‘સુથારણ રાણીના પુત્રો શું એ જ અમારી ઓળખાણ છે?’ રાજપરિવારની આ ઉપેક્ષા કટારના ઘા જેવી તીવ્ર છે. પોતાની વૃદ્ધાવસ્થામાં ચાચાજી અને મેરાજી આવી હૈયાવરાળ કાઢતા. એમાંથી ઈર્ષા જન્મી . એમણે ષડયંત્ર રચ્યું.

મહારાણા મુકુલજીની કરપીણ હત્યા થઈ. હત્યારાઓ પકડાયા જ નહીં. આવી હત્યાના હત્યારાઓ કદી પકડાતા નથી.

રાજનીતિના જાણકારો સમજી ગયા હતા કે ચાચાજી અને મેરાજીએ આ કારપીણ હત્યા કરાવી હતી. ઈ.સ.1433 ની સાલ હતી.

 નાની ઉંમરના પુત્ર કુંભાજીને મેવાડની ગાદીપર બેસાડવામાં આવ્યા. પાછળથી એમના બીજા પુત્રે દેવલીયા પ્રતાપગઢ રાજ્યની સ્થાપના કરી.