ભીષ્મ પ્રતિજ્ઞ ચંડ
માંડુંના સુલતાન પોતાના રસાલા સાથે ચિત્તોડગઢ પધાર્યા. મહારાણા લક્ષસિંહ, યુવરાજ ચંડ, કુમાર રાઘવદેવ, સેનાપતિ ભદ્રદેવ, મંત્રી કશ્યપદેવ, મહાજનો અને પ્રજાએ ઉમળકાભેર સ્વાગત કર્યું. એક અઠવાડિયું શિકાર અને સહેલગાહમાં પસાર થઈ ગયું. સમવયસ્ક હોવાને કારણે સુલતાન અને ચંડની મિત્રતા વધી ગઈ.
વિદાય લેતા સુલતાને માંડુ પધારવા આમંત્રણ આપ્યું. “તમારા જેવો જીગરજાન મિત્ર હોય તો જીવનમાં ઓર રંગત આવે.” માંડુંના સુલતાન બોલ્યા. થોડા સમય પછી મેવાડની ગાદીપર મુકુલને બેસાડવામાં આવ્યો. પિતાને આપેલ વચન મુજબ યુવરાજ ચંડ મેવાડપતિ મુકુલ અને રાજમાતા હંસા દેવી વતી રાજ્યનું સંપૂર્ણ ઉત્તરદાયિત્વ સંભાળતા હતા. રાજકાજમાંથી તેઓને ભાગ્યેજ ફૂરસદ મળતી. પ્રત્યેક કાર્યપર તેઓની ચાંપતી નજર રહેતી.
સેનાપતિ ભદ્રદેવ બીમાર પડ્યા, વૃદ્ધ કાયા હવે આખરી શ્વાસ ગણતી હતી.
“યુવરાજ, હું તો હવે પ્રભુની સેવામાં ચાલ્યો જઈશ. રાજમાતા હંસાદેવીએ અંગત દબાણ કરીને કેટલાક રાઠોડ સરદારોને મેવાડી સેનામાં સ્થાન અપાવ્યું છે. હજુ સુધી તો તેઓ માંથી કોઈએ પણ બેવફાઈ કરી નથી પરંતુ તેઓની નિષ્ઠા રણમલ તરફ છે, મેવાડપતિ તરફ નહીં. તમે આ આંતરિક દુશ્મનોથી ચેતતા રહેજો.”
“સેનાપતિજી, પિતાને આપેલા વચનને ખાતર હું પણ મેવાડી સેનામાં રાઠોડોની વધતી સંખ્યા તરફ બેપરવા હતો. પરંતુ થોડા સમયથી મને પણ એનો અણસાર આવી ગયો છે. હજુ થોડા સમય પહેલાં જ મેવાડના કિલ્લેદાર ગોપાલસિંહ રાઠોડ, હુકમ ના હોવા છતાં રાત્રે કિલ્લાની, દરવાજાની ડોકા બારીમાંથી માણસોની અવરજવર કરવા દેતા હતા. કમનસીબે તપાસ આરંભ કરું તે પહેલાંજ તેઓનું દુઃખદ અવસાન થયું. તરત જ એ જગ્યાએ મેં કલ્યાણસિંહ ગુહિલોતને મૂકી દીધા. રણમલની ઈચ્છા અજીતસિંહ માટે હતી મેં એ દરખાસ્ત નકારી કાઢી, જેથી રાજમાતા નારાજ પણ છે.”
સેનાપતિના અવસાન પછી યુવરાજ ચંડે જાતે સેનાપતિનું કાર્ય સંભાળી લીધું. “હંસા, હું તારો ભાઈ છું. આ યુવરાજ ચંડ બધી સત્તા કેન્દ્રિત કરી રહ્યો છે. એક દિવસે એ તને અને મુકુલને ખતમ કરી નાખશે. સત્તાના ચાવીરુપ સ્થાને તો આપણાં જ માણસો હોવા જોઇએ.એના બદલે ચંડ તો રાઠોડોને હટાવીને મેવાડીઓને ગોઠવી રહ્યો છે.”
રાજમાતા હંસાદેવીને રણમલની વાત વજૂદવાળી લાગી. એને ડર પેસી ગયો કે ચંડ જો વિશ્વાસઘાત કરે તો રણમલ સિવાય મારું કોણ? સિતારાદેવીએ રણમલનો કાંટો કાઢવા હંસાનું નાળિયેર મોકલાવ્યું હતું. વિધિની વક્રતા તો એવી સર્જાઈ કે, હંસાદેવીને જ આ રણમલ પોતાનો સહાયક લાગ્યો. ચંડની મૂર્ખાઈને કારણે જ પોતાને વૃદ્ધ સાથે વિવાહ કરવા પડ્યા. વૈધવ્યદશાને ભેટવું પડ્યું. દુઃખોની પરંપરા સર્જાઇ એમ હંસાદેવી માનતી હતી.
રણમલ સતત ભંભેરણી કરતો હતો. નાની નાની વાતોમાંથી એ ચંડને ગુનેગાર ઠરાવે એવી રજૂઆતો કરતો હતો. એમાં સત્યની માત્રા તો હતી જ નહીં.
ઉશ્કેરાયેલી રાજમાતા હંસાદેવીએ યુવરાજ ચંડને કહ્યું, “યુવરાજ, સત્તાના મદમાં તમે અમારી અવગણના કરવા લાગ્યા છો. પોતાના સંબંધી હોવાને લીધે જ રાઠોડોની અવગણના થઈ રહી છે. હાડાઓ, સોલંકીઓ, પરમારો, સોનગિરાઓ, ચૌહાણો બધાં સેના માં ચાલે, અજીતસિંહને તમે કિલ્લેદાર ના બનાવ્યો. રણમલને સેનાપતિપદ ન આપ્યું. તમે મેવાડની ગાદી હડપ કરી જવાનો પેંતરો રચો છો. ચિત્તોડગઢમાં મુકુલ નામનો જ મહરાણો છે. હું નામની જ રાજમાતા છું. અમે તો તમારા કેદી છીએ આ સ્થિતિ અસહ્ય છે.” “રાજમાતા, હું સત્તાનો લોભી નથી. મેવાડની ગાદીનો સંરક્ષક છું. તમે મને સમજવામાં ભૂલ કરો છો.”
“ભૂલ તો પહેલા કરતી હતી. હવે મને ભાન થઇ ગયું છે. અમે માત્ર કઠપુતળી નથી. મેવાડના કિલ્લેદાર તરીકે કલ્યાણસિંહ કે જે મારાં મામા થાય છે તેમને એટલા માટે મૂક્યા કે, એમનો વિરોધ ન કરી શકું.”
“રાજમાતા, આટલી બધી નફરત ભરીને તમે મારી પાસે સ્વચ્છ રાજ્યતંત્રની આશા રાખો એ અસંભવ છે. મેવાડના શાસનની શમશેર આપના ચરણે મૂકીને હું મુક્ત થવા માંગું છું. સ્વપ્નમાંય તમને કે મુકુલને દગો દેવાનો વિચાર કર્યો નથી પરંતુ સત્તા ચાહે છે કે, હું અહીં ન રહું તો મારો રહેવાનો કોઈ અર્થ નથી. પરંતુ એક દિવસ એવો આવશે કે, તમારે પસ્તાવું પડશે. મેવાડને ચંડ વગર ચાલવાનું નથી અને ચંડને મેવાડ વગર ગમવાનું નથી. ભલે, પરંતુ એક વાત યાદ રાખજો. જ્યારે તમારી ઉપર આફત આવે, મુકુલ જોખમમાં મુકાય ત્યારે તમે અહંકારમાં આવીને મને ન બોલાવવાની ભૂલ ન કરતા. મેવાડની આફતના સમયે તો હું ગમે ત્યાં હોઈશ મને બોલાવી લેજો.”
ચંડ ચાલ્યો ગયો. રાજમાતા હંસાદેવી વિચારવા લાગી. હું મેવાડનું રાજ ચંડ વિના ચલાવીને એનો ઘમંડ ઉતારી નાખીશ.
ચંડ માંડુ તરફ ચાલ્યો.
“સુવર્ણ, હવે તું નૃત્યાંગના, વીરાંગના પણ બની છે. તારી શસ્ત્રની તાલીમ પૂરી થઈ છે. લે આ ખંજર અને દૂર-દૂર વૃક્ષની ડાળી પાસે, થડના ઉપરના ભાગે કરેલા નિશાન પર લગાવ.” સ્વર્ણલતાએ ખંજર ફેકયું, બરાબર નિશાનની વચ્ચોવચ ખૂંપી ગયું. “આબાદ નિશાન, તે તો કમાલ કરી” રાઘવદેવ ખુશ થયો.
“કુમાર, ખંજર રણમલનું હૈયું વીંધશે ત્યારે જ મને શાંતિ થશે.” હવે મને પણ શ્રદ્ધા પ્રગટી છે કે, રણમલની અવળચંડાઇ હવે એના હૃદયમાં કટારી જ………..”
કુમાર એણે તો યુવરાજ ચંડ સામે પણ મોરચો માંડયો છે. કપટકળામાં પ્રવીણ રણમલે રાજ- માતા હંસાદેવીને ભંભેર્યા છે. ચિત્તોડગઢમાં ચંડનું રહેવું મુશ્કેલ છે. કાં તો દુશ્મનો તેમનો પ્રાણ લેશે કાંતો રાજમાતા તેમને મેવાડ છોડાવશે.”
એ જ દિવસે ગુપ્તચરે સમાચાર આપ્યા કે, રાજમાતા હંસાદેવીએ ચંડનું અપમાન કર્યું એટલે સઘળી સત્તા છોડીને તેઓ માંડુ ચાલ્યા ગયા.
લુણાવાડાથી ગાયત્રી પાછી આવી. ગાયત્રી હંસાદેવીની માનીતી દાસી હતી. એના દૂરના ભાઈના લગ્નમાં તે ગુજરાતમાં લુણાવાડા ગઈ હતી. ત્યાંથી પાછા ફરતા એણે યુવરાજ ચંડના મેવાડ ત્યાગની વાત સાંભળી. “રાજમાતા, યુવરાજ ચંડને દૂર કર્યા અને રણમલને સેનાપતિ બનાવ્યા. બહુ મોટો ફેરફાર કર્યો?” ગાયત્રીના શબ્દોમાં પ્રચ્છન્ન વ્યંગ હતો.
“ગાયત્રી, ચંડને મેં દૂર કર્યો. રણમલને સેનાપતિ બનાવ્યો હવે હું નિર્ભય બની ગઈ છું.” “રાજમાતા, તમે ચંડને હટાવીને તમારુંજ ભયંકર અહિત કરી બેઠા છો. તમે નાદાન છો. રાજનીતિ તો કુશળ નટ જેવી છે. તમને દોસ્ત કોણ અને દુશ્મન કોણ એની ઓળખાણ નથી. તમે જેને તમારો દુશ્મન માનો છો એના જેવો તમારો હિતચિંતક આ જગતમાં ક્યાંય નહીં મળે. તમે જેને તમારો હિતચિંતક માનો છો એવો કાતિલ દુશ્મન આ સંસારમાં બીજે ક્યાંય નથી. આજે મેવાડમાં આપણી હસ્તી છે એ પણ ચંડની રહેમનજરનું જ પરિણામ છે. નહીં તો ‘મેવાડનો આત્મા’ માંડું ચાલ્યો જાય અને પ્રજા શાંત રહે એ બને જ કેવી રીતે?
“ગાયત્રી, યુવરાજની આટલી બધી લોકપ્રિયતા અને શાસન પરની પકડથી જ હું ચોંકી ગઈ છું. તને એમ નથી લાગતું કે, ચંડને મહારાણા બનવાની લાલસા જાગે ત્યારે હું અને મુકુલ રખડી પડીએ.” “રાજમાતા, યુવરાજ ચંડે રાજગાદીને અનેકવાર ઠોકરે મારી છે. સમસ્ત રાજપુતાના ઈચ્છતો હતો કે, મેવાડની ગાદીપર ચંડ બિરાજે પરંતુ તેમણે કદી એ માટે પ્રયાસ કર્યો નથી. એમણે તો માત્ર ઝેર જ પીધું છે. અમૃત તો તમારા બધાં માટે રાખ્યું છે. મેવાડનો સિસોદિયા વંશ પણ યુવરાજ ચંડના કારણે જેમ કુરુવંશ ભીષ્મના કારણે અમર થઈ ગયો તેમ અમર થઈ જશે. તમને સાચી માં માનીને, મુકુલને સહોદર સમ માનીને મેવાડની હિફાજત કરનાર ચંડને યશ તો ન મળ્યો. કેવળ અપયશ જ મળ્યો, તમને ખબર નથી. રણમલની નજર મંડોવર પર અને ચિત્તોડ પર છે. એ બંને રાજ્યોનો સ્વામી બનવા ચાહે છે. આજે તો તમે અને મુકુલ કેવલ એના બંદી જ છો.”
રાજમાતા હંસાદેવીને વાસ્તવિકતાનું ભાન થયું. પરંતુ એણે ચંડને બોલાવવાનું તો ટાળ્યું જ. હું મેવાડની રાજમાતા, મારો દર્પ હણાય? એને મુકુલના જીવનની ચિંતા પેઠી. ગાયત્રી અને હંસાદેવીએ એ માટે ખાસ વ્યવસ્થા કરી. ચંડના આગમનથી માંડુના સુલતાન અતિ પ્રસન્ન થયા. યુવરાજ ચંડ હલાઇ પ્રાંતની જાગીર આપ સંભાળો. આપની શક્તિઓનો લાભ માંડુને આપો. ચંડ હલાઈ પ્રાંતની જાગીરમાં ગોઠવાઈ ગયો. કેરવાડાથી રાઘવદેવ પણ આવીને મળી ગયો. મેવાડના કિલ્લેદાર કલ્યાણસિંહના સાથીદાર સૂરજમલ દ્વારા ચિત્તોડની હલચલથી ચંડ વાકેફ રહેતા હતા.
રણમલ મેવાડનો સેનાપતિ બની ગયો. મંડોવરના આ શરણાર્થી રાજકુમારે પોતાની સાવકી બહેન હંસાદેવીને જ પોતાની શતરંજનું પ્યાદું બનાવી દીધી. સ્વાર્થ શું નથી કરાવતો? મેવાડમાંથી યુવરાજ ચંડને હટાવવો એ કંઈ જેવી તેવી વાત ન હતી. રણમલને એમાં પોતાની દક્ષતાનો વિજય જણાતો હતો. મેવાડમાં શરણાર્થી તરીકે આવેલો કુમાર રણમલ વખત જતાં મેવાડના સિંહાસનને હસ્તગત કરવાના સ્વ્પ્ના જોવા લાગ્યો. રાજમાતા હંસાદેવીને તો માત્ર કઠપૂતળી જ માનતો હતો.
ચંડ તો માંડુ ચાલ્યો ગયો. પરંતુ રાઘવદેવ છે ત્યાં સુધી રાજ અને પ્રિયા મળવા સંભવ નથી. હવે તો મારી તમન્નાની સિદ્ધિ અર્થે એનો બલી આવશ્યક છે. રણમલ વિચારતો હતો. ત્યાં તો મંડોવરથી સમાચાર આવ્યા. રાજા ચુડાવતજી ગંભીર રીતે બિમાર છે.
“મંડોવર હવે મારું બનશે. આ તક હું નહીં છોડું.” એણે દાંત પીસ્યા.