Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 12

વીર હમ્મીરદેવ

           ચિત્તોડગઢમાં વ્યથિત હ્રદયે શાહજાદો ખીઝરખાં વિચાર કરી રહ્યો હતો, અબ્બાજાને મેવાડ પર વિજય તો મેળવ્યો પરંતુ આ હઠીલા રાજપૂતોએ જૌહર અને કેસરિયાં કરીને સર્વનાશ નોતર્યો બાકી હતું તે અબ્બાજાને ક્રોધના આવેશમાં નિર્દોષ પ્રજાની કત્લેઆમ કરાવી. આજે દશ વર્ષે પણ હું મેવાડપર પડેલા આ કારી ઘાને રૂઝાવી શક્યો નથી. મેં ગંભીરી નદીપર પુલ બંધાવ્યો. પ્રજાના નાનામોટા સુખો માટે કાર્યો કર્યા પરંતુ મેવાડીઓના મન હું જીતી શકયો નથી.

 હવે તો શાસનની સર્વ ધુરા એમના જ રાજપુત સરદાર માલદેવ સોનગિરાને મેં સોંપી દીધી છે.  એ મારો વફાદાર રાજપૂત સરદાર છે. એ મળશે પરંતુ ગુહિલોતવંશના નબીરાને મદદ તો નહીં જ કરે. બીજા જ દિવસે એકાએક દિલ્હીથી એક કાસદ આવ્યો. “શાહજાદા, બાદશાહ સલામત આપને યાદ ફરમાવે છે. જનાનીખાનામાં ષડયંત્ર વધી ગયા છે. બેગમો કુટિલનીતિ અપનાવી રહી છે. અધિકારીઓ નિરંકુશ થતાં જાય છે. બાદશાહ સ્વયં દર્દથી પીડાય છે. હવે એમનો વફાદાર મલેક કાફુર રંગ બદલવા માંડ્યો છે.” શાહજાદા ખિઝરખાં તુરંતજ દિલ્હી રવાના થયો. ચિત્તોડગઢની તમામ સત્તા માલદેવ અને સોનગિરાને સોંપવામાં આવી. થોડા દિવસોમાં સમાચાર આવ્યા કે, દિલ્હીમાં સત્તાની સાઠમારી પરાકાષ્ઠાએ પહોંચી છે. ગુજરાતના માધવમંત્રીએ કુટિલતાથી બાદશાહના વિશ્વાસુ સરદાર મલિક કાફુરના હૃદયમાં બળવો જગાવ્યો. એણે મહત્વકાંક્ષાથી પ્રેરાઈને બાદશાહને ભોજનમાં ઝેર આપી ખતમ કર્યો. મેવાડ હમણાં તો દિલ્હી તરફથી નિશ્ચિત બન્યું.

 મહારાણી પદ્મિનીના હાથમાં પ્રખ્યાત અંબાભવાની તલવાર હતી. મેવાડમાં ગુહિલોતવંશના આધસ્થાપક બાપા રાવળને સ્વયં ભવાનીએ આ તલવાર આપી હતી. એ શમશેર સાથે જ પદ્મિનીએ અગ્નિસ્નાન કર્યું. રાજપુતોના ગૌરવ સમાન દેવી પદ્મિનીના અસ્થિ ગુફામાં સુરક્ષિત હતા. કારણકે ગુફાના અગ્રભાગે ભયાનક કાળોતરો નાગ હંમેશા ચોકી કરતો હતો. શાહજાદા ખિઝરખાના સમયમાં એ તલવાર મેળવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ સિપેહસાલારો મરણને શરણ થયા હતા. કેટલાંક ગભરાઈને ભાગી આવ્યા હતા અને પાગલ થઇ ગયા હતા.

માલદેવના સમયમાં સ્વયં એણે પ્રયત્ન કરી જોયો. પરંતુ નાગનો ફુંફાડો જોઈ એને પણ જીવ બચાવીને ભાગવું પડ્યું. પછી તો એ દિશાએ પગ મૂકવાનુજ સૌ ભૂલી ગયા.

મેવાડની ગાદીએ માલદેવ સોનગિરાને જોઇને મેવાડીઓ ઉકળી ઉઠતા. ખેલવાડામાં રાજ્ય કરતા અભયસિંહે સાંભળ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં એના મોટાભાઈ ઉર્સિનો પુત્ર મોટો થઈ રહ્યો છે. એને યાદ હતું કે પિતાજી પણ આ ગુપ્ત વાત જાણતા હતા. સોમનાથની યાત્રાએ જતા યુવરાજ ઉર્સિ સૌરાષ્ટ્રની એક ક્ષત્રિયાણી સાથે ગંધર્વવિવાહથી જોડાયા હતા. ત્યાં થોડો વખત રોકાયા હતા. પાછળથી એને પુત્રરત્ન સાંપડયું એવા સમાચાર પણ આવ્યા હતા. આથીજ તેમણે ચિત્તોડની ગાદી માટે તેનું જ સૂચન કર્યું હતું. આથી અજયસિંહ તેની ભાળ મેળવવા પોતાના ચુનંદા સાથીઓ સાથે સૌરાષ્ટ્ર ઉપડ્યા. વાત ફેલાવી કે, પોતે ભગવાન સોમનાથની યાત્રાએ જાય છે. ધીંગી ધરા સૌરાષ્ટ્રની, ગીરની ભોમકામાં એક ગામના પાદરે તેમણે મુકામ કર્યો. સવારનો બીજો પ્રહર ચાલતો હતો. એક માત્તિલો સાંઢ વિફર્યો. ગામ ભણી દોડ્યે જતો હતો. જે વચમાં આવે તેને અડફેટે લેતો. લોકોની ચિચિયારી અને શોરબકોર મચી ગયો. રાજા અજયસિંહ તંબુમાંથી બહાર આવ્યા. એવામાં એક દૂધમલ ૧૮ વર્ષનો જુવાન ગામમાંથી દોડતો આવ્યો. એણે મલ્લની અદાથી કૂદી સાંઢના બંને શીંગડા પકડી લીધા. બે મુક્કામાં તો સાંઢ ઢીલોઢફ થઇ જમીન પર ગબડી પડ્યો.

 આ દ્વંદ્યુધ્ધા જોઈ રહેલા રાજા અજયસિંહે જ્યારે પેલા યુવાનનો ચહેરો જોયો ત્યારે દંગ થઈ ગયા. “અરે! આતો આબેહૂબ મોટાભાઈનો જ અવતાર લાગે છે. જેને ખોળી રહ્યા છે એ મળી ગયો.” તપાસ કરતા એની જનેતાએ મેવાડી યુવરાજના પ્રણયની અને આ તેના ફળની વાત કરી. “હમ્મીર, તારા કાકા રાજપુતાના માંથી તને લેવા આવ્યા છે.” “માં આવી ધીંગી ધરા હું કેમ છોડુ?” અવાજમાં ખીન્નતા હતી. “બેટા, મેવાડ તને પોકારે છે, એના વારસને પુકારે છે. હું રાજપુતાણી છું. તારો કર્તવ્યપથતો તારા જન્મથી જ કંડારાયેલો છે. હું તારા કર્તવ્ય પથની આડે નહીં આવું. ભલે મારે એકાકી જીવન ગાળવું પડે.

“માં, પણ બોલવું સહેલું છે. પ્રત્યક્ષ વર્તન અસહ્ય છે. “બેટા, જાણુ છું હૈયાને ચીરીને આપવા જેવી વેદના થાય છે પણ હું સ્વાર્થી ન બની શકું.” હવે રાજા અજયસિંહ વચ્ચે પડ્યા, “દીકરા, તારા દાદાને મેં વચન આપ્યું છે કે, મેવાડપતિ બનાવીશ તો મારા ભત્રીજાને અને હમ્મીર તું આજે મળ્યો છે ત્યારે મારા વચનને પાળવા મને સાથ આપ. મેવાડીઓ  એક નિર્ણાયક યુદ્ધ લડવા કટિબદ્ધ છે. જોઈએ છે એને પોતાનો નાયક. તું અમારો રાહબર થા અને ગુણવંતવંશની ધજા ફરી એકવાર ચિત્તોડગઢમાં આપણે ફરકાવીએ.” “પરંતુ કાકાજી, મારે માનો વિયોગ?” “બેટા, તું રાજપુત છે. મેવાડની ધરતીમાં પેદા થનારો ક્ષત્રિય ફર્જને ખાતર સગાંવ્હાલાથી તો શું પણ તનથી જુદા થવામાં રંજ અનુભવતો નથી. અને તું તો રાજબીજ છે. રાજબીજ જે રાણાવંશને ૩૬ કુળના રાજપુતો પોતાના શિરછત્ર માને છે એવું ગુહિલોત કુળનું રાજબીજ, અને, તારું નામ તો હમ્મીર દેવ છે. થોડા વર્ષો પહેલાં રણથંભોરમાં હઠીલો હમ્મીર થઈ ગયો. જેણે દિલ્હીના બાદશાહ અલ્લાઉદ્દીનના પ્રાણ કંઠે લાવી દીધા હતા.

રાજા અજયસિંહે વાત શરૂ કરી. સૌ શાંત થઇ સાંભળવા લાગ્યા.

સિંહ,સુવન, સતપુરુષ વચન, કદલી ફલ એક બાર,

ત્રિયા, તેલ, હમ્મીર હઠ, ચડે ન દુજી બાર.

 અલાઉદ્દીન ખીલજીએ ખફા થઇને એના એક સેનાપતિ મહંમ્મદ શાહ મંગોલને પોતાની તહેનાતમાં તશરીફ લાવવાનો હુકમ કર્યો. પરંતુ મહંમદશાહ મંગોલ જાણતો હતો કે, એકવાર વાંકુ પડ્યા  પછી ક્રૂર બાદશાહની સામે જવું એટલે મોતને સામે ચાલીને ભેટવું. એ ભાગ્યો ,રાજપુતાનામાં. રણથંભોર ના નરબંકા રાજવી હમ્મીરદેવ ચૌહાણની જવામર્દી પર ભરોસો હતો. નરશાર્દુલ હમ્મીરદેવે એને આશરો આપ્યો.

અલ્લાઉદ્દીન ખીલજીએ જ્યારે જાણ્યું કે, સિપેહસાલાર મંહમ્મદશાહે મારા હુકમની તૌહીન કરી છે. એ વિદ્રોહી બની ગયો છે. અને એ બાગીને  રણથંભોરના રાજવી હમ્મીરદેવે શરણ આપ્યું છે. ત્યારે એ ગુસ્સાથી સળગી ઉઠયો, ગર્જી ઉઠ્યો. “રણથંભોરના રાજાને લખી જણાવો કે, તારી બર્બાદી ચાહ્તો હોય તો મોહંમદશાહ મંગોલ જે મારો અપરાધી છે તેને આશરો આપજે. નહીં તો અમારા માણસોને સોંપીને તું અમારા ગુસ્સાથી નિર્ભય થઈ જા.”

કાસદનો સંદેશો સાંભળી હમ્મીરદેવે સિંહનાદ કર્યો.

“મેં મંહમ્મદ મંગોલને શરણ આપી છે. હું નષ્ટ થઈશ પરંતુ શરણાગતની રક્ષા કરીશ. સાચા રાજપૂતો કદી ધર્મના માર્ગેથી પાછા હઠતા નથી. દિલ્હીનો બાદશાહ તો શું સ્વયં યમરાજ પોતે આવે તો- પણ મારા નિર્ણયને હટાવી શકે નહીં.” બાદશાહની સેનાએ રણથંભોરના કિલ્લાને ઘેરો ઘાલ્યો. ઘેરો બે વર્ષ ચાલ્યો. ગઢમાં દાણોપાણી ખુંટયા. ભૂખે મરવા કરતાં કેસરિયા કરતા વીરગતિ પ્રાપ્ત કરવી એવો નિર્ણય કરી, એક દિવસે કેસરી બાનાં ધારણ કરી રણથંભોરના રાજવીએ પોતાના સાથીદારો સાથે કેસરિયાં કર્યા. ધર્મમાટે પોતાના સર્વસ્વનું બલિદાન આપ્યું.” હમ્મીરદેવ કાકાજીના ચરણે પડ્યો. માંની ચરણરજ લીધી. અને બોલી ઉઠ્યો, “ભગવાન સોમનાથની સાખે હું પ્રતિજ્ઞા કરું છું કે, હું ધર્મ માટે જીવીશ, ધર્મ માટે મરીશ. મારા પિતા મેવાડના યુવરાજ હતા. મારું પરમ કર્તવ્ય રહેશે કે, ચિત્તોડગઢ પર મારું શાસન સ્થાપવું. હવે તો મંઝીલે પહોંચવું અથવા એ પ્રયત્નમાં ખપી જવું એ જ એક ધ્યેય રહેશે.”  સૌ પ્રસન્ન થયા. પોકારી ઉઠયા. “રાજકુમાર હમ્મીરનો જય હો.”

“થોડા દિવસ અમારી મહેમાનગતિ માણો.” સૌરાષ્ટ્રની આતિથ્ય ભાવના માણવા મેવાડી મહેમાનો રોકાઈ ગયા. એક દિવસે કેટલાક ગોવાળો દોડતા આવ્યા, “સિંધના આરબ સરદારે ગાયોનું ધણ સિંધ તરફ હંકાર્યુ છે.” આ સાંભળતા જ હમ્મીરદેવ ગુસ્સે થઈ ગયો. “ગાયોના ધણને હાંકનારને સજા કરુ અને ગાયોને છોડાવું ત્યારે જ હું ખરો.” રાજા અજયસિંહે કહ્યું, “બેટા જા ફતેહ કર અને મેવાડના ભાવિ ગાદીપતિ તરીકેની કસોટીમાં પાર ઉતર.” મેવાડના થોડા સરદારો સાથે અશ્વરોહી બની હમ્મીરદેવ ઉપડ્યો. મદમસ્ત કાયાવાળા, મહાકાય બદન ધરાવતા આરબ સરદારને હમ્મીરદેવ આંબી ગયો. એણે પડકાર્યો. “ગાયોના ધણને હાંકીને ક્યાં ચાલ્યો જાય છે. મરદ હો તો મારો મુકાબલો કર.”

ખડખડાટ હસતા આરબ સરદારે કહ્યું, “અલ્યા તું મચ્છર છે મચ્છર. જા જિંદગીની મજા માણવી હોય તો ભાગી જા.”

“કાં, સરદાર, ગીરની ગાયોના અમૃત જેવા દૂધની ધારાથી પોષાયેલા આ બદનની કમાલ જોવાની ઈચ્છા નથી? તમારા અને મારા માણસોનો સંહાર નથી ઇચ્છતો. ફેસલો આપણા દ્વંદ્વયુદ્ધથી જ આવશે. કબૂલ છે, જવાન, જો તું જીતે તો અમે ગાયો સોંપીને ખાલી હાથે ચાલ્યા જઈશું અને તુ હારે તો તારે તારા ઘોડે સવારો સાથે પાછા ચાલ્યા જવું.

સરદારોના જીવ તાળવે ચોંટી ગયા. પરંતુ દ્વંદયુદ્ધ શરૂ થઈ ચૂક્યું હતું. પુષ્કળ દાવપેચ ખેલાયા. અંતે હમીરદેવનો વિજય થયો, આરબ સરદાર હાર્યો. “તું લાગે છે છોકરડો પરંતુ જબરો બળુકો છે.” ગાયોનું ધણ વાળીને હમ્મીરદેવ પાછો વળ્યો.

 સિસૌંદામાં મેવાડીઓ ભેગા થયા. રાજા અજીતસિંહે સૌને હમીરદેવનો પરિચય આપ્યો. સૌએ હમ્મીરદેવને મહારાણાપદે સ્થાપવાની પ્રતિજ્ઞા કરી.

હમ્મીર્દેવે જાહેરકર્યું, “જો હું ચિત્તોડ પર વિજય મેળવીશ તો રાણાવંશની કીર્તિ-પતાકા કાયમ રહે તેવું કાર્ય કરીશ.” આજુબાજુના સેંકડો ગામોના રાજપૂતોએ હમીરદેવને પોતાનો તારણહાર માન્યો. હવે તે મેવાડ પ્રદેશમાં ઘુમવા લાગ્યો. સંગઠન જમાવવા માંડ્યો. માલદેવ સોનગિરાની પુત્રીને મેવાડ પ્રદેશમાં રખડતા આ યુવાનની મુલાકાત થઇ. પ્રથમ દ્રષ્ટિએ પ્રેમ ઉત્પન્ન થયો. પ્રેમની એ ધારા લગ્નમાં પરિણમી. વીર યુવક કોણ છે એ વાતથી પિતા અને પુત્રી અજાણ હતા. એ એક સાહસિક રાજપૂત યુવક છે. એટલું જ જાણતા હતા. મૂંજા વલૈયા પહાડોમાં વસનારો નિર્દયી લૂંટારો હતો. એ સ્ત્રીઓને ઉપાડી ગયો. હમ્મીરદેવે એને એની બોડમાં જઈને ખતમ કર્યો. દિલ્હીમાં અરાજકતા હતી. ચિત્તોડગઢમાં માલદેવ સોનગિરા બેફામ પણે શાસન કરતા હતા. એવા ટાણે હમીરદેવે ચિત્તોડગઢ પર હુમલો કર્યો. ગઢ જીતી લીધો. ઇ.સ. 1326માં મહારાણા તરીકે હમીરદેવનું રાજતિલક કરવામાં આવ્યું. તેમણે રાણા વંશ શરૂ કર્યો. ભગવાન એકલિંગજીના દર્શન કરીને મંદિરેથી પાછા ફરતાં વાર્તાલાપમાં દિવાન રામશાહે હમ્મીરને કહ્યું, “મહારાણાજી, મહારાણા બાપ્પા રાવળની ભવાની તલવાર હજુ પણ જહર ગુફામાં જ છે. મહારાણી પદ્મિનીના અસ્થિ પણ ત્યાં જ છે. જ્યાં સુધી એ અસ્થિવિસર્જન નહીં થાય અને ભવાની તલવાર રાજમહેલમાં નહીં આવે ત્યાં સુધી શાંતિ શક્ય નથી.” આમ કહી મહારાણાને પૂર્વ ઇતિહાસ સંભળાવ્યો. એક દિવસે ઇષ્ટદેવનું સ્મરણ કરી. ભગવાન એકલિંગજી ને મનોમન યાદ કરી કાલિકા માતાના મંદિર માં ગયા. પદ્માસન વાળીને ધ્યાનમાં બેસી ગયા. થોડા વખતમાં તેમને દિવ્ય અનુભૂતિ થઈ. તેઓ જૌહર ગુફાના માર્ગે ચાલ્યા. નિર્ભીક મહારાણા ગુફાના પ્રવેશ દ્વારે આવ્યા. ફૂંફાડા મારતો નાગ સામે થયો. એ પોતાના શ્વાસમાં ઝેર ઓકતો હતો. પરંતુ મહારાણા ન તો ડર્યા કે ન પાછા ફર્યા. જ્યાં હતા ત્યાં જ સ્થિર થયા. તેમણે ગંભીર અવાજે કહ્યું, “માં ભવાની, બાપ્પા રાવળનો હું વંશજ છું. હમ્મીરદેવ. હું મારા પૂર્વજોને આપેલી અંબાભવાની તલવાર લેવા આવ્યો છું. રાજપુતાનાના ગૌરવસમા મહારાણી પદ્મિની દેવીના અસ્થિ મારે પ્રયાગના ત્રિવેણી-સંગમમાં વિસર્જિત કરવા છે. નાગદેવતા મને માર્ગ આપે એવી હું વિનંતી કરું છું. મીંચેલી આંખો ખોલે ત્યાં તો નાગદેવતા પ્રસ્થાન કહી રહ્યા હતા. મહારાણા હમ્મીરદેવે ગુફામાં જઈ તલવાર મેળવી, અસ્થિ લીધા. સ્વયં અસ્થિ વિસર્જન કરવા પ્રયાગના ત્રિવેણી સંગમે પધાર્યા. મહારાણીએ હવે શાસનની ધૂરા સંભાળી એક દિવસે તેઓએ કહ્યું. “દિવાન રામશાહ, કાલિકા માતાનું પુરાણું મંદિર ખંડેર અવસ્થામાં છે એનું સમારકામ કરાવો.” “મહારાણાજી આપનો વિચાર ઉત્તમ છે લગભગ છસો વર્ષ જૂના આ મંદિરનું સમારકામ જરૂરી છે. ભલે મંદિર ખંડેર અવસ્થામાં હોય પરંતુ વૈશાખ સુદ આઠમને દિવસે દર વર્ષે અહીં મેળો ભરાય છે. એને ચિત્તૌડી આઠમનો મેળો કહેવામાં આવે છે.” “મંત્રીજી ,હવેથી એ દિવસે રાજ્ય તરફથી નવી ધજા ચઢાવવાની પ્રથા દાખલ કરીએ. ત્યાં અખંડ દ્વીપ પ્રજ્ઞા કરે એવી પણ વ્યવસ્થા કરો.

 હવે સમસ્ત રાજપુતાનામાં મહારાણા હમ્મીરદેવ ચમત્કારી પુરુષ તરીકે જાણીતા થયા. પ્રજા માનવા લાગી કે, મહારાણા હમીરદેવને કાલિકા માતાની પૂર્ણ કૃપા છે. તેઓ પરમ યોગી હતા. તેઓને એક ચમત્કારી વિદ્યા સિદ્ધ હતી. તેઓ પાણી મંત્રીને કોઢ ના રોગી પર છાંટતા જેથી તેનો રોગ મટી જતો. મારવાડ, આમેર સહિત સમસ્ત રાજપુતાના રાજવીઓ તેમની આણ માનતા હતા. તેમણે પછાત એવી બોલા જાતિને ચીતોડા મહાજન બનાવીને સમાજ સુધારાનું કાર્ય પણ કર્યું. તેમની કીર્તિ સંભાળી  દિલ્હીના સુલતાન મહંમદ તઘલખે આક્રમણ કર્યું. સિમોલી ગામ આગળ ભયાનક યુદ્ધ થયું. આ યુદ્ધમાં બાદશાહ પરાજિત થયા. ત્રણ માસ ચિત્તોડગઢ્માં કેદ રાખ્યા. ભારી દંડની રકમ વસૂલ કરી તેમને મુક્ત કર્યા. આમ,હમ્મીરદેવ મેવાડના પ્રતાપી મહારાણા થઈ ગયા. દેવી અન્નપૂર્ણા નું સુંદર કલાત્મક મંદિર ચિત્તોડગઢ માં તેમણે બનાવડાવ્યો એ મંદિરની બાજુમાં માતાજીનો એક મોટો કુંડ બનાવડાવ્યો.

 ઈ.સ. ૧3૬૪ માં તેમણે અંતિમશ્વાસ લીધા.