Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 10

વીર ગોરા બાદલ

           બાદશાહ અલાઉદ્દીન ખીલજીએ કિલ્લાની બહાર, સલામત અંતરે આવતાં જ, કાચિંડો જેમ રંગ બદલે તેમ મિત્રતાનો ભાવ બદલીને રાણાજીને બંદીવાન બનાવી દીધા. અગ્નિની જવાળાની માફક સમસ્ત ચિત્તોડગઢમાં મહારાણા ભીમસિંહની કેદ થવાની વાત ફેલાઈ ગઈ. બાદશાહની પ્રપંચલીલામાં તેઓ આબાદ ફસાઇ ગયા હતા.

પ્રજાએ આંચકો અનુભવ્યો. ઘડી પહેલાં તો યુદ્ધ પૂરું થવાની અને દિલ્હીનો બાદશાહ મિત્ર થવાની વાતથી ચિત્તોડગઢના સર્વ યોદ્ધાઓ, નર, નારી, બાળકો અને વૃદ્ધો સર્વ આનંદમાં આવી ગયા હતા. ત્યાં તો અચાનક મહારાણા બંદીવાન બન્યા અને એક નાનકડું યુદ્ધ ગઢના દ્વારે ખેલાઈ ગયું. તેની ખબરથી સૌના મુખપર ગમગીની છવાઈ. સિંહ સમાન મહારાણાને અફઘાન સેનાના કડક ચોકી-પહેરા હેઠળ રાખવામાં આવ્યા.

 બાદશાહે અટ્ટહાસ્ય કર્યું. એટલે મહારાણા ક્રોધાભિભૂત થઈને કૂદયા પરંતુ બીજી ક્ષણે અફઘાન સિપાહીઓએ બંધનમાં નાખી દીધા.

રાણા રતનસિંહ જે વેળા કેદ પકડાયા તે વેળા ગોરાસિંહના ઘરે આનંદોત્સવ ચાલતો હતો. ગોરા સિંહના એકના એક પુત્ર બાદલની પત્ની સૌ પ્રથમવાર પિયેરથી સાસરે આવી હતી.

ચિત્તોડગઢ ની પ્રજા પણ કેવી ખમીરવંતી! યુદ્ધના વાતાવરણમાં પણ જિંદગીની રફતાર તો તે જ ગતિએ ચાલતી જ હતી. મહાભારતમાં પણ અભિમન્યુએ બીડું ઝડપ્યા પછી જ ઉત્તરા-અભિમન્યુની પ્રથમ મિલનરાત યોજાઇ હતી. સમાજના સર્વ કામો ચાલતા હતા. જન્મ, મરણ અને વિવાહ અસ્ખલિત પણે વહેતા હતા. એ કદી રોકાયા ન હતા.

મેવાડના અગ્રગણ્ય વીરો ભેગા થયા. મેવાતના રાવે ઊભા થઇ બયાન આપ્યું, “વીર સાથીઓ, અમે બધા સાવધ હતા. પરંતુ મહારાણાજીને બાદશાહે વાતોના જાળમાં ફસાવી દીધા. એક જ ક્ષણમાં કાચિંડો જેમ રંગ બદલે તેમ મિત્રતાનો રંગ બદલી નાખ્યો. ખરેખર, શાહે પ્રથમથી જ આ યોજના ઘડી હશે. ગઢની બહાર, ઝાડીમાં મોટી સંખ્યામાં પહેલેથી જ અફઘાનો છુપાયા હશે એની તો અમને કલ્પના જ ન હતી. રાણાજીએ કિલ્લાની બહાર પગ મૂક્યો ત્યારે જ એમને કંઈક ગરબડ થશે એવી આશંકા આવી ગઈ હતી. એટલે જ ગઢના દરવાજા બંધ કરાવી દીધા નહીંતો આજે અફઘાન સેના ચિત્તોડગઢ માં ઘુસી ગઈ હોત.”

 “હવે આપણે મહારાણાજીને છોડાવવા દૂત મોકલીએ તો ખબર પડશે ને કે, બાદશાહ શું ચાહે છે. સરદાર જોરાવરસિંહે વાક્ય પૂરું કર્યું ત્યાં તો ગોરાસિંહ આવી પહોંચ્યા. તેમણે ઉગ્રતાથી કહ્યું, “અને જો એની કોઈ અજુકિત માંગણી હશે તો આપણે કેસરિયા કરીશું.” વીર ગોરાજી શાહની મનોઈચ્છા સમજતા હતા. તેથી મહારાણીના કાકા ગોરાજી માટે હવે ક્રોધ કાબૂમાં રાખવો અશક્ય હતો. દૂત બાદશાહની છાવણીમાં ગયો. ઉગ્ર ચર્ચા ચાલી. મોડેથી દૂતે પાછા આવીને સંદેશો આપ્યો.

“બાદશાહ મહારાણાની મુક્તિના બદલામાં મહારાણી પદ્મિનીદેવીની માંગણી કરે છે.”

 સમગ્ર સભામાં સન્નાટો છવાઈ ગયો.

 “હવે કેસરિયા કરીને દુશ્મનોને વાઢતા વાઢતા મરવું એ જ એક માર્ગ છે.  કાર્ય સિદ્ધ કરો અથવા વીરગતિને પામ્યા.” સિંહનાદ કરી મેવાતના રાવ ખડગ તાણી ઊભા થઈ ગયા. પરંતુ તે જ વખતે જનાનખાનામાંથી સંદેશો આવ્યો.

“કાકા ગોરાજીને મહારાણીજી મળવા ઈચ્છે છે. અને તેથી તેઓ તેમના નિવાસસ્થાને થોડા સમય પછી પધારશે..”

 “હવે સૌ વિખરાઈ જઈએ. મોડી રાત્રે ફરી મળીએ છીએ.” મેવાતના રાવે આદેશ આપ્યો. સૌ છુટા પડ્યા. આવતીકાલે ભયંકર યુદ્ધ થશે એવી હવા જામી હતી. રાત્રીનો અંધકાર જામતો હતો. સ્વયં મહારાણી કાકા ગોરાજીના નિવાસ્થાને, પાલખીમાં બેસીને પધાર્યા. મહારાણીની ચાલમાં એ જ ગૌરવ હતું. પરંતુ મુખમંડળ પર નિરાશા છવાયેલી હતી.

“કાકાજી……….” પદ્મિનીદેવીનો અવાજ રુંધાતો હતો. “હિમ્મત ન હારો, ભગવાન એકલિંગજીનું રક્ષણ કરો. હવે તો બસ કેસરિયાં કરીને શત્રુઓ પર તૂટી પડવું છે. ગોરાજી બોલ્યા.

“એ નિર્ણય તો અંતિમ તબક્કે લઈશું જ પરંતુ આપણે કોઈક માર્ગ વિચારીએ. હમણાં સર્વનાશ નો વિચાર શા માટે?” રાણી પૂરી સ્વસ્થતાથી બોલી.

“પરંતુ આપણે માટે સમય કિમતી છે, કાસદ સંદેશો ફેલાવ્યો છે કે જો મારી પહેલી શરત નહીં સ્વીકારો તો હું રાણા રતનસિંહની હત્યા કરીને યુદ્ધ ચાલુ રાખીશ.”

 ગંભીરતા વ્યાપી ગઈ. થોડીવાર મૌની પ્રભાવ ફેલાવી દીધો. અચાનક મહારાણીના મુખપર હાસ્ય ઉપસી આવ્યું. “કાકાજી, બાદશાહે આપણને દગો દીધો. જો આપણે ધારત તો પહેલાં જ બાદશાહને કેદ કરી લીધો હોત.” “ આપણે કદી યુદ્ધની નીતિ છોડતા નથી. એવો ભરોસો તો આજે પણ બાદશાહને છે. એટલે જ એ પોતાના અંગરક્ષકો વગર કિલ્લામાં આવ્યો હતો. તેથી મહારાણા તેની જાળમાં ફસાયા.” “એનો અર્થ એ કે, આપણે દગો કરી શકતાં જ નથી. દુશ્મન ગમે તેટલી ચાલબાજી ખેલે પરંતુ રાજપૂતો  તો કેવળ ધર્મયુદ્ધ જ ખેલશે એવી સામે પક્ષે ખાતરી છે.”

“હા, વિશ્વામિત્રના પ્રપંચ સામે હરિશ્ચંદ્ર વિનય છોડતા નથી જ.

“દુશ્મનની આ ધારણાનો પૂરેપૂરો લાભ ઉઠાવવાની હવે જ તક આવી છે.” આપણે ચાણક્ય નીતિ અપનાવીએ. કુરુક્ષેત્રના રણમેદાનમાં કૃષ્ણે શઠં પ્રતિ શાઠ્ય નીતિ અપનાવીને જ વિજય મેળવ્યો હતો. જયદ્ર્થ વધ અને કર્ણનો વધ યાદ કરો.”

અને પછી એક યોજના ઘડવામાં આવી. ચિત્તોડગઢની પ્રજા જ્યારે નિદ્રાદેવીને શરણે હતી ત્યારે ત્યાંના કેટલાક મુત્સદીઓ એક દાવ ખેલવા તનતોડ મહેનત કરી રહ્યા હતા. જાણે અર્જુન ક્રુષ્ણની ગેરહાજરીમાં ચક્રવ્યુહ તોડવાની પાંડવો તૈયારી કરી રહ્યા ન હોય. ગોરાસિંહના ઘરે પ્રથમ આણે પત્ની આવી હતી છતાં યુવાન બાદલ ગર્જતો હતો. “ચિતોડના રાજમહેલમાં મારી બહેન મહારાણી પદ્મિની આંસુ સારી રહી હોય, મ્હારા મહારણા ક્રૂર અને જાલિમ બાદશાહની કેદમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતા હોય ત્યારે હું મારા જીવનનું સુંદર સ્વપ્ન, પ્રિયમિલનનો ઉત્સવ ઊજવું? એ અસંભવ છે.”

“બેટા, દુનિયાદારીની રીત એવી જ છે, ક્યાંક શહનાઇ વાગતી હોય તો ક્યાંક માતમ છવાયો હોય છે.”

“પરંતુ પિતાજી, જે બહેને મને રક્ષા બાંધી છે. એની દુઃખદ પળોમાં હું તેની સહાયે જાંઉ કે પત્નીના મુખડાને જોવા અધીરો બનું. આ વેળા તો પિતાજી હું આપની સાથે જ રહીશ. આ મારો અફર નિર્ણય છે. બાદલે કહ્યું.

 ઘરના સ્ત્રીવર્ગે ‘ધન્ય ધન્ય’ કહી એને વધાવી લીધો.

ક્ષત્રિય વિરાંગના પતિની વીરતાને જિંદગીમાં સૌથી વધુ મહત્વ આપે છે. બાદલ પિતાની સાથે શસ્ત્ર સજી ને નીકળી પડ્યો. બારીમાંથી એને જતો જોઇને એક સુંદરી મનમાં બોલી ઊઠી. “હે, મા અંબાભવાની, તેં મારી લાજ રાખી. હવે જેવી તારી મરજી.”

 કિલ્લાની બહાર આફઘાંસેના વિજયોત્સવ મનાવી રહી હતી. સૈનિકોને વિજય નો નશો હતો. જ્યારે બાદશાહને ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરવાનો ઉન્માદ હતો.

છવણીમાં મોડીરાત સુધી મશાલો સળગતી હતી. નાચગાનના જલસા ચાલ્યા. પકવાનો પર હાથ અજમાવ્યા. બાદશાહ અલાઉદ્દીન ખીલજીને યકીન થઈ ગયું કે, આવતીકાલે ચિત્તોડની રાણી બદલામાં સોંપાઈ જશે જ.

સવારના પહોરમાં, સૂર્યનાં કિરણો પ્રુથ્વીપર પડે ન પડે ત્યાં તો મેવાડ્થી, ગઢમાંથી દૂત આવ્યો.

બાદશાહે સ્મિત વેર્યું અને બોલ્યા, “કહો શો પયગામ લાવ્યા છો?” “બાદશાહ સલામત, ચિત્તોડ આપની શર્ત મંજૂર કરે છે. તેઓ ઇચ્છે છે કે, મહારાણાજીને મુક્ત કરી, માન સહિત ચિત્તોડગઢમાં રવાના કરી દેવાય. સાથે સાથે મહારાણી પોતાની તમામ બાંદીઓ સાથે લઈ આવવા ઇચ્છે છે.”

“યહ તો ઔર ભી અચ્છા, અમારી શાન વધશે.”

 “પરંતુ સાતસો બાંદીઓ છે અને મા માફાવાળી પાલખી માં આવશે આપને કઠે તો નહીં.”

“દૂત, એ શું બોલ્યો? મારા જનાનખાનામાં હજારો બાંદીઓ છે. બે લાખ ગુલામો હું રાખું છું. ચિતોડની સાતસો બાંદીઓ મને ભારે પડે. કદાપિ નહીં. જા, મહારણીને કહે જે તમારો પૂરો વૈભવ જળવાય એની હું હિફાજત કરીશ.”

 દૂત ગઢ તરફ રવાના થયો. અલાઉદ્દીન ખીલજી રાજપુતોના ભોળપણ પર હસતો હતો. આવી પ્રજા દુનિયામાં બીજે ક્યાંય હશે ખરી? કપટ તો એમના લોહીમાં મળે જ નહીં. નહીં તો હું કિલ્લામાંથી પાછો આવાત ખરો?

બાદશાહે સેનામાં કડક આદેશ આપી દીધો, ચિતોડની મહારાણી અને એની બાંદીઓ છાવણીમાં આવે ત્યારે પુરા સન્માન પૂર્વક વર્તવું. છાવણીની મધ્યમાં એક બાજુ બાદશાહની રાવટી હતી. અને થોડે દૂર બીજી  રાવટીમાં રાણા રતનસિંહને મજબૂત ચોકી પહેરા હેઠળ કેદ રાખવામાં આવ્યા હતા. ચિત્તોડગઢ માંથી સાતસો માફાવાળી પાલખીઓ ઉસકી ભોઈ લોકો લગભગ દોડતી ગતિએ આવી પહોંચ્યા.

“કમાલ હે યે લોગ, યહાં કે સિપાહી તો હટ્ટે કટ્ટે હૈ હી, લેકિન યે પાલકી ઉચક્નેવાલે ભી મજબૂત લગતે હૈ.” એક ખાન બોલ્યા.

“કહીં ઐસા તો નહી હૈ કિ યે સિપાહી હી હો.” બીજા ખાને શંકા વ્યક્ત કરી. અરે, તુમ એસા ક્યું સોચતે હો? જબ તક રાના હમારી કૈદમેં હૈ યે લોગ કુછ ભી નહીં કર સકતે. યે લોગ અપને રાના કો દેવ સે ભી જ્યાદા માનતે હૈ. ઉનકી જિંદગી કે લિયે સબકુછ કુરબાન કર સકતે હૈ.”

“હમે ક્યાં? ખુદ બાદશાહને હમે કુછભી ગરબડ નહીં કરનેકા આદેશ દિયા હૈ સો હમ અપને મેં હી રહે. કહીં ઐસા ના હો હમારી બાત સે સ્વયં જહાંપનાહ હી હમપર ખફા ના હો જાય.” બાદશાહની ધાક જબરી હતી. મનમાં ઊઠેલી આશંકાને તત્ક્ષણ દબાવીને ખાન વળી પાછા પોતાની મસ્તીમાં ડૂબી ગયા.  વિજયનો નશો આદમીને પાગલ બનાવી દે છે. સૈનિકોના દિમાગ તો બાદશાહના જનાનખાનામાં પદ્મિની દેવી અને તેની સાતસો બાંદીઓ આવશે એ વિચારથી જ ઉન્માદી બની ગયું હતું. કશું પણ વિચારવાની શક્તિ જ કુંઠિત થઈ ગઈ હતી.

 ગઈકાલે મહારાણી પદ્મિનીદેવીએ પણ એ જ કહ્યું હતું. “કાકાજી બાદશાહ કામી છે, એના મન પર જે નશો છવાયો છે એ નશામાં એના કદમ આગળ ખાડો હશે તોપણ તેને નહીં દેખાય. આપણે આપણી યોજનામાં સાવધાનીથી આગળ વધીએ. મને શ્રદ્ધા છે કે, વિજય આપણો જ છે, નહીં તો મૃત્યુને વરણ ફરતા કોણ રોકવાનું છે?”

બાદશાહે શરાબ પીધો હતો. દૂરથી એણે પાલખીઓ જોઈ. પહેલી પાલખીમાં જ પદ્મિની હતી. થોડીવારે સંદેશો આવ્યો, “બાદશાહ સલામત, દેવી રાણા રતનસિંહની અંતિમ મુલાકાત ઈચ્છે છે?” “ઇજાજત હૈ” બાદશાહે કહ્યું. પદ્મિની દેવીની પાલખી મહારાણાની રાવટી સુધી પહોંચી. “ચલો હટો, મહારાની ઔર મહારાણા એકાંત ચાહતે હૈ.” પાલખી ઊંચકનારા ભોઈઓ બરાડી ઉઠ્યાં. એટલે બાદશાહના સિપાહીઓ દૂર જતા રહ્યા. તે વખતે આખી છાવણીમાં ખાનપાન અને ગપસપનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. રાવટીમાં નગ્ન તલવાર સાથે ગોરાસિંહ, બાદલ, મેવાતના રાવ તથા મેવાડના સેનાપતિ વિદ્યુતવેગે રાણા પાસે આવી પહોંચ્યા. બંધન તોડતા બોલ્યા,

“રાણાજી, પળેપળ કિંમતી છે. તમે દેવી પદ્મિનીને લઈને નીકળી જાવ. ગોરાજી બોલ્યા.

“અને તમે રાજકાકા,”

“અમે આજે શત્રુઓ સામે ભીષણ સંગ્રામ ખેલીશું. એક મેવાડી દશ દુશ્મનોને યમઘાટ પહોંચાડી વીરગતિને પ્રાપ્ત થશે. અમે આજે એવો જંગ ખેલીશું કે જેની ગાથા સદીઓ સુધી દુનિયા ગાશે. બાદલ તમારી સાથે છે. હું ન રહું તો એ મારી ગરજ સારશે.”

ત્વરાથી શમશેરો ઉછળી. પાલખીઓમાંથી ભગવાન શંકરના ગણ જેવા મેવાડીઓ કૂદી પડ્યા. અસાવધ અફઘાન સૈનિકોના ધડ પરથી મસ્તક કપાવા માંડ્યા. હથિયારધારી અફઘાન સૈનિકો પણ વિજયોત્સવના ઘેનમાં હતા. જોતજોતામાં ઘમાસાન યુદ્ધ ખેલાયું. શી ગરબડ છે એ સમજે તે પહેલાં તો બસો મેવાડીઓની ટુકડી ચિત્તોડગઢમાં રાણા અને રાણીને લઈને પ્રવેશી ચૂકી.

 કિલ્લાના કાંગરેથી ચિત્તોડના સૈનિકોએ ગગનને ગજવી નાખે એવો નાદ કર્યો, “જય હો ભગવાન એકલિંગજીની”.

 બાદશાહે જોયું કે, હજારો મેવાડીઓ નાગરાજની જિહવા સમાન શમશેરો સાથે અફઘાન સૈનિકોને ધરાશાયી કરી રહ્યા હતા. બાદશાહ પૂર્ણ રીતે સમજે તે પહેલાં તો ચાર હજાર મેવાડીઓ મ્રુત્યુની ચાદર ઓઢીને સૂઈ ગયા. ખરે જ આજે એમણે પોતાના કરતાં દશ ગણા દુશ્મનોનો ખાત્મો બોલાવી પોતાનું કાર્ય સિદ્ધ કર્યું હતું.

બાદશાહે દિલ્હી તરફ કૂચ કરવાનો આદેશ આપ્યો. એનું અડધું સૈન્ય ખતમ થઈ ગયું હતું. સમસ્ત મેવાડે વિજયોત્સવ મનાવ્યો. ભગવાન એકલિંગજીના મંદિરમાં મહારાણાએ ભગવાન સમક્ષ મસ્તક નમાવીને ગદગદ કંઠે કહ્યું, “ભગવાન, થારી આબરૂ, સો મ્હારી આબરુ, મેં તો તારો દિવાન સૂં” મંદિરના વયોવૃદ્ધ પૂજારી બોલ્યા.

“મહારાજ, ધર્મની રક્ષા કરનારને ભગવાન કદી નિરાશ કરતો નથી.” મેવાડનો રાજ કવિ બુલંદ અવાજે ગાતો હતો.

 ક્યા દેખ રહે હો વિસ્મયસે, હા યહી ભૂમિ, અપને દિલસે,

 ચૂન લી  સોને કો વીરોંને, ચિત્તૌડ દુર્ગ દિવાનોં કા.

to be continued......