Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 7

વીર સમરસિંહજી

           બપ્પાદિત્ય ઉર્ફે કાલભોજ એ ગુહિલોત વંશના રાજા ગુહાદિત્યનો આઠમો વંશજ હતા.

           (1)  ગૃહદત્ત અથવા ગુહાદિત્ય (2) ભોજરાજ, (3) મહેન્દ્ર દેવ, (4) નાગાદિત્ય, (5) શીલ ઉર્ફે શિલાદિત્ય, (6) અપરાજિત, (7) મહેન્દ્ર-બીજો ઉર્ફે નાગદિત્ય-બીજો

બાપ્પાદિત્ય પછી એમનો પુત્ર ખુમાણદેવ મેવાડ નરેશ બન્યા. એમના પછી ગહવર ગાદીપતિ બન્યા ત્યાર પછી મેવાડની રાજ્યધુરા સંભાળી એમના પુત્ર ભર્તુભટે પછી ભર્તુભટના પુત્ર સિંહે પણ મેવાડપર શાસન કર્યું. આ સિંહનો પુત્ર તે ખુમાણસિંહ બીજો. મેવાડનો આ નરેશ ઇતિહાસમાં પોતાના કાર્યોથી અમર નામના મેળવી ગયો. એ શક્તિશાળી રાજવી હતો. તેઓએ ઈ.સ. 812 થી ઈ.સ. 836 સુધી, લગભગ ૨૪ વર્ષ શાસન કર્યું.  તેમના સમયમાં જ બગદાદના ખલીફા અલમામૂએ ચિત્તોડ્ગઢ પર ચડાઈ કરી. આ અલમામૂ વિખ્યાત હારૂન અલરશીદના પુત્ર હતા. મેવાડ પર આફતના ઓળા ઉતરી આવ્યા. પરંતુ રાણા ખુમાણસિંહે સિંહનાદ કર્યો. મેવાડની રક્ષા કરવા તેમની સમશેર તૈયાર હતી.

 એ વખતે ભારતના રાજપૂત નરેશોનું સંગઠન પણ મજબૂત હતું. આક્રમણની ખબર પડતાં જ ધર્મસંરક્ષક મેવાડપતિ મહારાણાની પડખે, રાહિરગઢના ચાલુકયો, મંડોરના ખેરાવી, માંગરોલના મકવાણા જેતગઢના જોડિયા, જૂનાગઢના જાદવ, લોહરગઢના ચંદાણા, દિલ્હીના તુંવાર, પાટણના ચાવડા, ઝાલોરના સોનગિર, શિરોહીના દેવરા, ગાંગરોતના ખીચીઓ, પાટડીના ઝાલા, કનોજના રાઠોડ, પીરગઢના ગોહિલ, ચંદેલો, જેતવાઓ, જાડેજાઓ આવીને ઊભા રહ્યા.

એક મજબૂત સામનો થયો. આક્રમણ પાછું હટાવ્યું. મેવાડપરની આફત ટળી ગઈ. ત્યારપછી ચિત્તોડગઢની ગાદીએ નીચે પ્રમાણે રાજવીઓ થઇ ગયા. વીરતાનો નાદ રાણા  ખુમાનસિંહે ગજવ્યો હતો. તેના ભણકારા ચિત્તોડગઢમાં કાયમ સંભળાયા કરતા.

 બલિવેદી સુની હૈ કબ સે, સમરાંગણ યુગ યુગ સે ખાલી.

 ચિત્તોડ દેશ ચમકા દે તું, ફિર સે ઉસ મે લહુ કી લાલી.

 કરો મરો સ્વર ગૂંજ રહા, સૂન લો સુની ચટ્ટાનોં મેં,

માં માંગ રહી હૈ કુરબાની, કહ રહા કૌન યહ કાનોં મેં,

 રાણા ખુમાનસિંહને પોતાના વંશનું ભારે ગૌરવ હતું. તે હંમેશા કહેતા, “મેવાડના રાજવી સૂર્યવંશી છે. સૂર્યના દર્શન કર્યા વગર ભોજન કરી શકાય જ નહીં. માટે વર્ષા કાળમાં જ્યારે સૂર્ય વાદળમાં છુપાઈ જાય ત્યારે મહેલના પ્રવેશદ્વારે જે સોનાનો સૂર્ય લટકાવેલો છે. એના દર્શન કરીને પછી જ ભોજન કરીએ છીએ. સૂર્યદેવનો ઉપાસક કદી આંધળો, ગરીબ, દુઃખી કે શોકથી ઘેરાતો નથી. સૂર્યદેવ પ્રત્યક્ષ પરમાત્મા છે. રાજા કર્ણ સૂર્યદેવનો મહાન ભક્ત હતો. જે પ્રાતઃકાળે સૂર્યની ઉપાસના કરી પુષ્કળ દાન કરતો. એની ગણના મહાન યોદ્ધા કરતાં દાનવીર તરીકે વધુ થતી હતી. ખુમાનસિંહ બીજા પછી તેમનો પુત્ર મહાચક્ર ગાદીએ આવ્યો. પછી અનુક્રમે 25 રાજાઓ થઈ ગયા.

(1)ભર્તુભટ્ટ-બીજો (2)અલહર (3)નરવાહન (4)શાલીવાહન (5)શક્તિકુમાર (6)અંબાપ્રસાદ (7)શુચિર્વર્મા  (8)નરવર્મા (9)કીર્તિવર્મા (10)યોગરાજ (11)વૈરીસાલ (12)હંસપાલ (13)વિજયસિંહ (14)અરિસિંહ (15)ચૈડસિંહ (16)વિક્રમસિંહ (17)રણસિંહ વા કરણસિંહ (18)ક્ષેમસિંહ (19) સામંતસિંહ (20)કુમારસિંહ (21)મયનસિંહ (22)પદ્મસિંહ (23)જગસિંહ (24)તેજસિંહ (25)સમરસિંહ.

 સમરસિંહ સમર વિક્રમસિંહના નામે પણ ઓળખાતા. સમરસિંહજી પ્રખર શિવભક્ત હતા. સવારનો મોટો સમય તેઓ ભક્તિ અને જ્ઞાનાર્જનમાં વિતાવતા. તેઓ રાજર્ષિ હતા. તેઓ જટાધારી, ત્રિપુંડધારી હતા. એમનો પ્રચંડ દેહ પ્રભાવશાળી હતો. તેમનો વાન શ્યામ રંગનો ભીનો હતો. પાણીદાર આંખો હતી. યુદ્ધમાં મહારથી હતા. ધનુર્વિદ્યામાં પોતાના જમાનામાં તેઓ નિષ્ણાત હતા. પરમ પંડિત જેવા શાસ્ત્ર-વિશારદ હતા. નિપુણ સલાહકાર હતા. ધર્મનિષ્ઠ અને સત્યપ્રિય હતા.

 પશુ, પક્ષીની ગતિ તથા એવા બીજા લક્ષણો ઉપરથી જોષ જોવામાં પણ નિપુણ હતા. તેમની ફળાફળની ગણના સચોટ નીવડતી. તેઓ યુદ્ધક્ષેત્રમાં વ્યૂહરચવામાં અને મેદાનમાં અશ્વ દોડાવવામાં અતિ પાવરધા હતા. ધર્મનીતિ, રાજનિતી, સમાજનીતિ, મંત્રીને પારખવાની રીત તથા રાજદૂતના આચાર આ વિષયોના તેઓ અજોડ પ્રવક્તા હતા. રાજાના ધર્મ વિશે તેઓ કહેતા, “રાજાએ પોતાનો ધર્મ યાદ રાખવો જોઈએ. તેને ધર્મ, સત્ય અને ન્યાયને જાળવવાનો છે. રાજાએ જીવનમાં કદી શરાબી ન બનવું. વિલાસી ન બનવું. અનેક સ્ત્રીઓના સંગથી ચિત્તને ભ્રમર જેવું ન બનાવવું જોઇએ. તમે ધર્મ પાળશો, પ્રજાનું રક્ષણ કરવા કટિબદ્ધ રહેશો અને મદિરાને નહીં અડકો ત્યાં સુધી જીત છે.” અજમેરના રાજવી સોમેશ્વર ચૌહાણની પ્રિય પુત્રી પૃથાનો  વિવાહ સમર વિક્રમસિંહ સાથે થયો. અલબત્ત આમાં પોતાના પ્રિય પુત્ર પૃથ્વીરાજ ચૌહાણ અને ભાઈ કાન્હ ચૌહાણની સમ્મતિ તો હતી જ. પૃથ્વીરાજ ચૌહાણને અજમેરના યુવરાજપદે સ્થાપવામાં આવ્યા ત્યારે જ પૃથાનું સમર વિક્રમસિંહ સાથે વેવિશાળ કરીને સોનામાં સુગંધ ભળાવી.

અજમેરપતિના પુરોહિત ગુરુરાય હતા. અતિ આનંદ સહ તેઓ સગાઈનું નારિયેળ લઈને ચિત્તોડગઢ ગયા. આ સમાચારથી ગઢમાં આનંદ છવાઈ ગયો. બે બળવાન રાજ્યો લગ્ન સંબંધથી જોડાય એ મહત્વની વાત હતી. આ લગ્ન રાવલ સમરસિંહનું પાંચમું લગ્ન હતું. રાજાઓને રાજકીય કારણોસર આવા લગ્ન કરવા પડતા.

“પુરોહિત ગુરુરાયજીને પુષ્કળ ધન આપો.” પરંતુ વિનમ્રતા સાથે પુરોહિતે તે લેવાનું ઇનકાર કર્યો કારણ પૂછતાં તેઓ બોલ્યા, હે ચિત્તોડના અધિપતિ હું આપનું ધન લેવાનો ઇનકાર કરીને આપનો અનાદર કરી રહ્યો છું એવું તો સ્વપ્નમાં પણ વિચારશો નહીં. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હું કન્યા પક્ષનો રાજપુરોહિત છું. રાજકુમારી પૃથાનો વિવાહ થયો છે. પ્રુથા મારી દીકરી કે બહેન સમાન ગણાય. તેથી આ ઘરનું ધન લેવામાં હું બાધ સમજુ છું.”

 ચિત્તોડેશ્વર સમરસિંહ લગ્ન માટે નીકળ્યા ત્યારે આ શુભ પ્રસંગે દાન કરવા 64 રથો ભરીને આવ્યા હતા. એવું કહેવાય છે કે, રાવલ સમર વિક્રમસિંહ લગ્નની વેદી પર પહોંચ્યા ત્યારે એમની સાથે પરમ વૃક્ષ દેવપરા શ્રીપત શાહ,સનાઢ્ય ગુરુ રામપુરોહિત,દાયમા ઋષિકેશ, ચંદ્રગુપ્ત જલ્હણ હતા.

 લગ્નમંડપમાં જ્યારે પ્રથમ ફેરા ફર્યા ત્યારે મેવાડના 60 ગ્રામ, બીજા ફેરામાં 11 હાથી, ત્રીજા ફેરામાં સાંભર આપ્યું. ચોથા ફેરામાં પુષ્કળ સંપત્તિ આપી. જાનને દશ દિવસ રોકી, અજમેરમાં આ દશ દિવસ જાણે મહાઉત્સવ અજમેરે માણ્યો. દરરોજ જુદા જુદા સરદારોએ ભોજન સમારંભ યોજ્યો. ઈતિહાસમાં એની પણ નોંધ લેવાઈ છે. પહેલા દિવસે સરદાર નીડરરાયે ભોજન સમારંભ યોજ્યો.

 બીજા દિવસે સરદાર ગોવિંદરાયે પોતાને ત્યાં નિમંત્રણ આપ્યું.

 ત્રીજા દિવસે ચિત્તોડનરેશ કછવાહા પજવનરાયના અતિથિ બન્યા.

ચોથો દિવસ કાકા મહાવીર કાન્હે આતિથ્ય કરવા ઝડપી લીધો.

 પાંચમા દિવસે પૃથ્વીરાજના મંત્રી અને મિત્ર કૈમાસે માંગી લીધો.

છઠ્ઠા દિવસે વીરવર પુંડરીકે હૃદયથી સમરવિક્રમને આવકાર્યા.

 સાતમા દિવસે ચિત્તોડના જાનૈયા રામરાય બડ્ગુજરના મહેમાન બન્યા.

આઠમા દિવસે પહાડરાય તોમારે રંગ રાખ્યો.

નવમા દિવસે અચલરાય ખીંચીએ સમારંભ યોજ્યો.

દશમા દિવસે સલખરાય પરમારે આ લ્હાવો લીધો. ચિત્તોડનરેશ સમરવિક્રમસિંહજી અને મહાવીર પૃથ્વીરાજ પ્રેમથી ભેટી પડ્યા. મહારાજ સોમેશ્વર ભાવવિભોર થઈ બોલી ઉઠ્યા. “ભારતના આજના આ બંને વીરોનો આ પ્રેમ અટૂટ રહો. સ્નેહની ગાંઠ બંધાયેલી જ રહો.”

“આપની અભિલાષા પૂર્ણ હો. યુવરાજ પૃથ્વીરાજને હું સદાયે મારો હસ્ત માની એના સુખમાં અને દુઃખમાં સહભાગી બનીશ. મારું અજોડ આતિથ્ય કરનાર નગરવાસીઓને, મહાનુભાવોને, સરદારોને હું વચન આપું છું કે, હું હર હાલતમાં તમારી અને પૃથ્વીરાજને પડખે રહીશ. અમારી મિત્રતાની ગાંઠ પ્રાણાંતે પણ નહીં તૂટે. ભગવાન એકલિંગજી મને મારા આ નિર્ણયના પાલન માટે બળ આપે.”

સુંદર દ્રશ્ય હતું. જાણે ફરી એકવાર વાસુદેવ અને કૃષ્ણ ધરતી પર સમરસિંહ અને પૃથ્વીરાજના સ્વરૂપે પધાર્યા ન હોય!

 જેમ ભગવાન શ્રીકૃષ્ણે સહોદરા સુભદ્રાને વળાવતી વખતે અઢળક સંપત્તિ મોકલાવી તેમ પૃથ્વીરાજે બહેન પ્રુથાને વળાવતી વખતે 380 હાથી, 350 ઘોડા, ચાંદીની સજાવટ સાથે આપી દીધા. સો દાસીઓ અને સો પાલખીઓ ભેટ આપી.

 મહાબલી પૃથ્વીરાજ જાતે પાંચ કોશ ચાલીને બહેન બનેવીને વિદાય આપી આવ્યા. જનારાઓ અને વિદાય આપનારાઓના હૈયાનો સાગર ખળભળી રહ્યો હતો. એ જ વખતે ચિત્તોડપતિએ દુલ્હન તરફ ધ્યાન થી જોયું. “ઓહ પૃથા, સુંદરતાની મૂર્તિ, તું મેવાડની શોભા બનીશ.” તીરછા નયને પ્રિયને નિહાળતી પ્રુથાએ પણ સંતોષનો શ્વાસ લીધો. પૃથ્વીરાજને શિકારનો ભારે શોખ હતો. એક વખતે નગરકોટથી તેઓ ગીચ જંગલમાં શિકારે ઉપડ્યા. સાથે મહામંત્રી કૈમાસ, સેનાપતિ ચામુંડરાય, ચિત્તોડપતિ સમરસિંહજી, કવિમિત્ર ચંદબારોટ અને વીર યોદ્ધાઓ હતા.

 તેઓ જ્યારે ગાઢ જંગલમાં પહોંચ્યા ત્યારે એક ભવ્ય મૂર્તિ દેખાઇ. દેવાંશી કવિ ચંદ બોલી ઉઠ્યો. “સમ્રાટ, આ મૂર્તિના મસ્તકને તોડો તો તમારું નસીબ ખુલી જશે. આ જંગલમાં પ્રાચીન સમયમાં ગાંધર્વો રહેતા હતા. મને  સ્વપ્ન આવ્યું હતું કે, આ મૂર્તિ તળે અઢળક દોલત છુપાયેલી છે.”

 સમ્રાટના મહારથીઓ વારાફરતી એ મૂર્તિના મસ્તકને તોડવા ગદા પ્રહાર કરવા લાગ્યા. કૈમાસે પ્રયત્ન કર્યો. સ્વયં પૃથ્વીરાજે ઘા કર્યા પરંતુ મૂર્તિ ના તૂટી. હવે વીર ચામુંડરાય ગદા લઈ ટૂટી પડ્યો. આખરે એના પ્રહારોથી મૂર્તિના ટુકડેટુકડા થઈ ગયા.

ત્યાં એક ભોયરા નો માર્ગ ખુલ્લો થયો. સોનામહોરોનો અપાર ભંડાર મળ્યો. સમ્રાટ, સાત કરોડ સુવર્ણમુદ્રા દ્રવ્ય છે. લક્ષ્મીદેવી આપની પર પ્રસન્ન છે.” સાક્ષાત વીર ભોગ્યા વસુંધરા જેને વરણ થઈ હતી એવા મહાબાહુ પૃથ્વીરાજે અતિ નમ્રતાથી પોતાની સહોદરા પ્રુથાના પતિ સમરસિંહજીને કહ્યું,

“ચિત્તોડના અધિપતિ સમરસિંહજી અર્ધું ધન સ્વીકારો.”

 રાજવી કરતા યોગી તરીકે જે વધારે શોભતા હતા તે મહારાણા સમરસિંહજી મંદ મંદ હાસ્ય કરતા બોલ્યા, “પૃથ્વીરાજ હું તો ભગવાન એકલિંગજીનો ભક્ત છું. મારે ધન શા કામનું? ચિત્તોડગઢ અને મેવાડ મારે માટે પૂરતું છે. પરંતુ તમે એ ધનને લઈને સેના વધારો. પ્રજાનું કલ્યાણ કરો. આપણા માથે ગુજરાતનો ભોળો ભીમ, કનોજનો જયચંદ્ર રાઠોડ અને શાહ ઘોરી સતત ગાજી રહ્યાં છે. એમના દમન માટે ચતુરંગિણી સેના તૈયાર કરવા જ ઈશ્વરે આ મહેરબાની કરી છે.”

 પૃથ્વીરાજ પોતાના પરમ હિતૈષીની મીઠી ટકોર સમજી ગયો. એણે એ ધન વડે સૈનિકો વધાર્યા. શસ્ત્રાગારો બનાવ્યા, સેનાપતિ ચામુંડરાય નિત નવાં શસ્ત્રો સાથે યુદ્ધના મેદાનમાં આવતો. આથી દુશ્મનોના હાંજા ગગડી જતા.

 દિલ્હી અને અજમેર બંને ગાદી સંભાળતા પૃથ્વીરાજ પાસે ભારતનું હૈયું હતું. એટલે એને પડાવવા એક બાજુ શાહબુદ્દીન ઘોરી તૈયારી કરી રહ્યો હતો તો બીજી બાજુ જયચંદ રાઠોડ.

 ઈર્ષાનો અગ્નિ ભૂંડો હોય છે. જયચંદ્ર એનાથી પીડાતો હતો. એને ભારત સમ્રાટ બનવું હતું. જેની પાસે દિલ્હી હોય એ જ ભારત સમ્રાટ બની શકે. એને મેળવવા માટે વિદેશી શાસક સાથે હાથ મેળવવા પણ એ તૈયાર થયો.

 દિલ્હીપતિને માથે સંકટના વાદળો ઘેરાયા હતા. એ વખતે સેનાપતિ ચામુંડરાય ચિત્તોડ જઈ મહારાણા અમરસિંહને સહાય માટે વિનંતી કરી.

 “સેનાપતિ ચામુંડાય, પૃથ્વીરાજ પોતે અપરાજેય યોદ્ધા છે. કૈમાસ, ચામુંડરાય, આમેરપતિ, પજવનરાય, રામરાય, ચંદ બારોટ આ વીરશ્રી દિલ્હીપતિ સિવાય બીજે ક્યાંય નથી. હું અવશ્ય દિલ્હી આવીશ.” દિલ્હીમાં મંત્રણા ચાલી. મહારાણા અમરસિંહે કહ્યું, “ગુજરાતના ભોળા ભીમદેવને પાઠ ભણાવવા મહારાજ પૃથ્વીરાજે જવું જોઈએ. એમણે પિતૃતર્પણ કરવાનું છે. ચામુંડરાય આપણે સરહદ સાચવવા ઘોરી સામે જંગ માંડવાનો છે. હું મેવાડના સૈન્ય સાથે સરહદ સાચવીશ. હું પ્રણ કરું છું કે, લોહીના અંતિમ બુંદ સુધી અમે લડી લઈશું.”

 બંને મોરચે વિજય થયો.

 ભારતના રાજાઓ સાથે પૃથ્વીરાજે ઘણા યુદ્ધો કર્યા. દેવગીરીના રાજાને નમાવ્યો. ભીમદેવ નું મસ્તક ઉડાવી દીધું. ચંદેલ ના પરમાલોને હરાવ્યા. આલ્હા ઉદલને ધરાશાયી કર્યા. સર્વત્ર વિજય મળવાથી એને ગર્વનો નશો ચઢ્યો.

 એક વારાંગના માટે મંત્રી કૈમાસને તીર મારી મારી નાખ્યો. પ્રાણપ્રિય ચામુંડરાયને બેડીઓ પહેરાવી. એના રણક્ષેત્ર કરતાં એનો રાણીવાસ વિશેષ પ્રભાવશાળી બન્યો. રાણીઓ પરસ્પર કાવાદાવા કરવા લાગી. વિલાસની ગર્તામાં ડૂબેલા પૃથ્વીરાજને ધરાશાહી કરવા જયચંદ અને ઘોરીશાહ કુમંત્રણાઓમાં સતત રાચતા હતા. એક વેળા પંજાબ ઘોરી એ જીતી લીધું. પૃથ્વીરાજને આંચકો લાગ્યો પરંતુ સમરસિંહજી મેવાડી સેના સાથે આવ્યા અને ચામુંડરાયની સહાયથી પંજાબમાંથી ઘોરી ને ભગાડ્યો.

 કનોજપતિ જયચંદ કહેતો, “પૃથ્વીરાજ ભારત સમ્રાટ થવાને લાયક જ નથી. એ સદા પોતાના સ્વાર્થ માટે જ લડ્યો છે. એનો રાણીવાસ જ એની વીરતાની ઇતિશ્રી કરી નાખશે.”

 કાકા કાન્હ ની હત્યા કરાવીને સેનાપતિ હાહુલીરાયે ગુપ્ત ષડયંત્ર રચ્યું. છેવટે કપટલીલા આચરીને, સમ્રાટના હાથે કવિ ચંદનું અપમાન કરાવીને ચંદ્રને દેવીના મંદિરમાં પુરાવીને હાહુલીરાય શાહબુદ્દીન ઘોરીનો સેનાપતિ બની ગયો.

ચારેબાજુ વિનાશ જોઈને સમ્રાટ પૃથ્વીરાજ ચોંક્યો. માથે શાહબુદ્દીન ઘોરીનું આક્રમણ, કનોજનું આક્રમણ ગાજતું હતું. ભારતના ઘણા રાજવીઓ દિલ્હીપતિથી વિમુખ થઈ ગયા હતા. કૈમાસ ગયો, ચામુંડરાય કેદમાં હતો. ચંદબારોટ માતાના મંદિરમાં પુસ્તક લખવા બેસી ગયો. કાકા કાન્હની હત્યા થઈ. રાણીઓ પોતપોતાના કુંવરોના ભલા માટે શોક્યો સાથે ગૃહયુદ્ધ ખેલી રહી હતી. સમ્રાટને બેચેની થવા લાગી. ફરી પોતાના પરમહિતૈષી મેવાડપતિ મહારાણા સમરસિંહ યાદ આવ્યા.

કુશળ સાંઢણી સવારો સાથે પૃથુએ રાણા સમરસિંહને સહાય માટે પ્રાર્થના કરી. સંદેશવાહકે તમામ વિગતો કહી. મેવાડપતિ દુઃખી થયા. એમણે મેવાડીસેના સજજ કરી. ભગવાન શંકરના પરમ ભક્તને અહેસાસ થઈ ગયો હતો કે, આ અંતિમ યુદ્ધ હતું. હવે પોતે ચિત્તોડના ફરી દર્શન કરી શકશે નહીં. પોતાના નાના પુત્ર કરણને રાજકાજ ની જવાબદારી સોંપી. મોટો પુત્ર કલ્યાણ સાથે આવવા તૈયાર થયો.

 “મહારાણા, હું ખતમ થઈ રહ્યો છું. બધા ગયા.” સમ્રાટ ઉદાસ હતા. “પૃથુરાજ, આપણે રાઠોડ અને ઘોરીને ભયંકર યુદ્ધ આપીશું. ઉદાસી ખંખેરી નાખો. હું તમારી સાથે જ છું.” સ્વયં પ્રુથાએ મહારાણાને અને સંયુક્તાએ પૃથ્વીરાજને બખ્તર સજાવી, ભાલે કુંમકુંમ કરી વિદાય આપી.

“મહારાણા, સમસ્ત રાજપુતાના તમે સાથે લઈ આવ્યા છો.”  સમ્રાટ બોલ્યા. “ચામુંડરાય હવે મારો રહ્યો નથી.” ભારે નિરાશા હતી પૃથુના અવાજમાં. “પૃથ્વીરાજ, એક સમ્રાટની મર્યાદા તમે તોડી છે. અભિમાને તમને મદાંધ બનાવી દીધા. તમે રાજ્યના સ્તંભોને જ ખતમ કરી નાખ્યા. છતાં ચાલો ચામુંડરાયને મનાવવા જઈએ.  “રાણાજી, તમારી કડવી વાતો પણ મને ગમે છે. મને કાકા કાન્હ અને કવિ ચંદ યાદ આવે છે. એમની કડવી વાતો જો મેં કાને ધરી હોત તો આજે આ દુર્દશા ન થાત. મારું મૃત્યુ મને વધારે નહીં સાલે પરંતુ મારા જ હાથે ભારતમાં વિદેશી સત્તા આવશે એથી મોત પણ બગડશે.”

 “સમ્રાટ,જે બની ગયું એને યાદ કરવાનો પણ સમય નથી. હજુ જો ચામુંડરાય માની જાય અને નસીબ યારી આપે તો છેલ્લો પાસો તો ફેંકી જોઈએ. હું ગમે તે સંજોગોમાં આપની સાથે જ છું.” “જાણું છું. રાણાજી આપની રાજધાનીએ બે યુદ્ધ ગુજરાત અને કનોજ સાથે ખેલાયા એ મારી મિત્રતા ના જ કારણે. તમે મને હંમેશા મિત્રની હુંફ જ આપ્યા કરી છે.”

“સમ્રાટ, સિંહ બનો, નિરાશા ખંખેરો, હજુ બાજી ગઈ નથી.” દ્રષદતી નદીના કાંઠે શાહબુદ્દીન ઘોરીની વિશાળ સેના સાથે કનોજની સાઠ હજારની અશ્વસેના આવીને મળી. બીજીબાજુ ચામુંડરાયે સમ્રાટને સાથ આપવા કાષ્ઠના ધનુષબાણ સજ્યા. એકાંતમાં ચામુંડરાય અને સમરસિંહ એકબીજાને મળ્યા તો બંનેની આંખમાંથી બે અશ્રુબિંદુ સરી પડ્યા.

 “ચામુંડરાય, આ કુરુક્ષેત્ર જ છે. હારજીત આવ્યા જ કરે. યાદ કરો અર્જુનના છેલ્લા દિવસો અને કૃષ્ણનું મહાપ્રસ્થાન. આપણે કર્તવ્ય પૂરું કરવાનું જ છે.” “સાચી વાત છે, મહારાણા, કાળ સૌથી બલિષ્ઠ છે. એની આગળ વાસુદેવ અને પાર્થ વિસાતમાં નથી તો કૈમાસ, ચામુંડ, ચંદ કે સ્વયં પૃથુરાજની પણ શી વિસાત? ઘામાસાન યુદ્ધ થયું. ચામુંડરાયે દગાખોર હાહુલીરાયને ખતમ કર્યો. ઘોરી સામે તીર તાકતા સમ્રાટના તીરની પણ છ ટૂટી.

 આ યુધ્ધના સેનાપતિ મહારાણા સમરસિંહજી હતા. એમણે સેનાને દોરી. ખૂનખાર યુદ્ધ થયું. બંને પક્ષે ભારે ખુવારી થઇ. લોહીની ધારા વહેવા લાગી. એથી કાદવ જામી ગયો. યોદ્ધાઓના પગ તૂટવા લાગ્યા. ધનુર્ધારી ઓના તીરથી આકાશ છવાઈ ગયું. હાથીઓની ચિંઘાડથી વાતાવરણ ગર્જી ઉઠ્યું.

 ઘોરીનો સેનાપતિ તાતારખાન પોતાની સેના સાથે મહારાણા સમરસિંહ સામે આવી ઊભો. બંને વચ્ચે મહાસંગ્રામ થયો. મેવાડી રાણાના ગજરાજે તાતારખાનના અશ્વ તરફ પ્રયાણ કર્યું. તીરોના મારાથી તાતારખાનના શરીરમાંથી રક્ત વહેવા માંડ્યું. એણે પોતાની લાંબી અસિ ઉપાડીને યુદ્ધ આપ્યું. ગુજરાતી 

 

બંને વચ્ચે ભયંકર સમર ખેલાયું. અંતે તાતારખાનના ભાલાની અણી રાણા સમરસિંહના હ્યદયને વીંધી ગઈ. પિતાની વીરગતિને નિહાળી કલ્યાણ ઉછડી પડ્યો. એણે ખાન યોદ્ધાને મોતને ઘાટ ઉતારવા માંડ્યા. પરંતુ તે ઘોરીના સૈન્યમાં ઘેરાઈ ગયો અને અંતે અભિમન્યુની માફક એ પણ વીરગતિને  પામ્યો. રાણા સમરસિંહની વીર ગતિ એ ભારત માટે દુર્ભાગ્યનો દિવસ હતો. મિત્ર ઋણ અદા કરવામાં રાણાએ  જીવનમાં કદી પાછું જોયું ન હતું. આ સમાચાર સાંભળી  પ્રુથાએ પતિ મસ્તક લઇ ચિતામાં પ્રવેશી અગ્નિસ્નાન કર્યું.

પછી તો ભારત સમ્રાટનું પતન થયું. દિલ્હી પર વિદેશી સત્તા આવી. આમ મેવાડની યશગાથામા એક સુંદર કલગીનો ઉમેરો કરી મહારાણા સમરવિક્રમસિંહ વીરગતિ પામ્યા.

to be continued ......