અજયના ઘરે પ્રીતિના આગમન માટેની બધી જ તૈયારી કરવાની જવાબદારી ભાવિની અને અજય પર જ હતી. કારણકે, સીમાબેન તો સોમવારે જાય પછી સીધા શનિવારે સાંજે આવવાના હોય! આથી તેઓ બધું જ ભાવિની અને અજયને સમજાવીને જ ગયા હતા. પ્રીતિ પેહેલી વખત ઘર જોવા આવશે તો શકનના એક જોડી કપડાં પણ લઈને જ રાખવાના કીધા હતા. મેનુ પ્રમાણેનું રાસન પણ કોઈ ઘટતું હોય તો એ પણ લઈ રાખવાનું કીધું હતું. એ બધું જ ઘરે બનાવવાનો આગ્રહ રાખતા હતા. અને એમના સ્વભાવને અનુરૂપ એમને બીજાનો સ્વાદ બહુ પસંદ પણ નહોતો. આથી મીઠાઈ કે ફરસાણ કઈ પણ ઘરે જ બનાવવાની રૂઢિ હજુ અકબંધ જ હતી. પરિવર્તન ફક્ત સીમાબહેનના જીવનમાં જ હતું. બાકી બધું જ પહેલા જેવું જ અકબંધ હતું. સમય બદલ્યો હતો પણ રહેણીકરણી કે વિચારધારા હજુ બદલી જ નહોતી, ફાસ્ટેટ યુગમાં પણ પહેલાની રીતે જ રસોઈ કરવાની ટેવ પણ હજુ એવી જ હતી. ભાવિની ઘણીવાર કહેતી કે, મમ્મી આમ કરવાથી સમય બચે છે તો તમે આમ કેમ નથી કરતા, તમે તો નથી કરતા પણ મને ફાવે તો મને પણ કેમ નથી કરવા દેતા?
સીમાબેન ટૂંકમાં જ જવાબ આપતા, 'આ સ્વાદ એ રીતથી ન આવે.' આ કારણે સીમાબેન ઘરે આવે ત્યારે જાતે જ રસોઈ બનાવતા હતા.
ભાવિની આજ બોલી, 'મમ્મી પ્રીતિને એનો પરિવાર આવે છે તો ત્યારે તો મીઠાઈ ને ફરસાણ બહારથી લઇ રાખીએ તો એમની સાથે વાત કરવાનો સમય પણ મળે ને! તે જોયું હતું ને આપણે પહોંચ્યા ત્યારે ત્યાં બધું જ રેડી હતું.'
સીમાબેનથી એ વાત ન પચી, એમનાથી કોઈના વખાણ થાય એ એમને ગમતું નહોતું. તેઓ બોલ્યા, તું જોજે ને એ લોકો આવે ત્યારે આપણે ત્યાં પણ બધુ તૈયાર જ હશે. મહેમાન જમતા જમતા રસોઈના વખાણ કરશે!'
ભાવિની બોલી, મમ્મી હું ક્યાં એવું કહું છું કે રસોઇ તમારી સારી નથી. હું તો એમ કહું છું કે, તમે આખું અઠવાડિયું નોકરી પર જાવ અને રવિવારે પણ આટલા વ્યસ્ત રહો તો થાકી જશો!'
'જો ભાવિની, તું ઘડી ઘડી વાત ન બદલ હું થાકીશ પણ નહીં અને એ લોકો આવશે ત્યારે બધું રેડી પણ હશે!' પોતાની વાત પર ભાર મુકતા સીમાબેન બોલ્યા હતા.
ભાવિનીને મમ્મીને હવે કઈ કહેવું વ્યર્થ લાગતું હતું. આથી એ ચુપચાપ મમ્મી કહે એમાં હા માં હા કરવા લાગી હતી. હસમુખભાઈ કેટલાય વર્ષોથી સીમાબેન જે કરે એ કરવા દેતા હતા. એમણે કોઈ પણ બાબતમાં સીમાબેનને ટોકવાનું જ બંધ કરી દીધું હતું. આથી ભાવિનીની વાત સાચી હતી એમણે સાંભળી છતાં તેઓ મૌન રહ્યા હતા.
અજય તો પ્રીતિથી એટલો બધો આકર્ષાય ગયો હતો કે એને બીજી કોઈ વાત માં કઈ જ રસ નહોતો. એ એની કલ્પનાની દુનિયામાં ખુબ ખુશ હતો. થોડી થોડી વારે પ્રીતિનો ફોટો જોઈ લેતો હતો. અને મનોમન આનંદમાં રહેતો હતો. કંઈક અલગ જ ખુશી એને મળતી હતી.
સોમવારે કોલેજ પહોંચીને એ તરત જ રઘુકાકાને મળ્યો, કાકાને કહ્યું કે, 'તમે કીધેલી વાત ના લીધે હું કેટલું બધું નોર્મલ વર્તન કરી શક્યો. ખરેખર કાકા તમારી સલાહ મને ખુબ ઉપયોગી બની હતી. કુદરત મારી આંખ ઉઘાડી રહી હતી, પણ હું જ સમજી શકતો નહોતો. મને પ્રીતિને સ્વીકારતા જરા પણ તકલીફ નથી પડી, એ ખુબ સરસ છોકરી છે. ખાધેપીધે સુખી ઘરની દીકરી છે પણ એકદમ સાદીને સિમ્પલ એમ કહેતા અજયે કાકાને મોબાઈલમાં પ્રીતિનો ફોટો દેખાડ્યો.
રઘુકાકાએ પ્રીતિનો ફોટો જોયો, તેઓ બોલ્યા, 'વાહ ખુબ સરસ છે. ભગવાન તમારી જોડી હંમેશા સલામત રાખે.'
આ તરફ પ્રીતિ તો અજયના વિચારોમાં જ રહેતી હતી. એ પણ ખુબ જ ખુશ હતી. અને ખુશીઓના દિવસો જલ્દી વીતવા લાગે છે.
પરેશભાઈ અને કુંદનબેન આજે પોતાના ગામ બાપુજીની ખબર પૂછવા જાય છે. સાંજે તો પાછા આવી જ જવાના હોય છે. ગામડે પહોંચીને તેઓ બધાને મળે છે. બાપુજીની તબિયત સારી નહોતી આથી એમને હોસ્પિટલમાં દાખલ કર્યા હોય છે. હોસ્પિટલ જઈને પોતાના પપ્પાની હાલત જોઈને પરેશભાઈ થોડા ચિંતામાં પડી જાય છે. એમના પપ્પાનું શરીર સાવ દુબળું થઈ ગયું હતું. બહુ જ જીવ એમનો બળ્યો પણ ઉંમરને ક્યાં બાંધી શકાય છે? પોતાના ભાઈને કોઈ પણ મદદ જોઈએ તો બે જીજક કહેવા કહ્યું તથા ત્યાં સિટીમાં આવવા ભલામણ પણ કરી હતી.
ભાઇના કહ્યા મુજબ બાપુજીને હવે પોતાના ગામથી દૂર ક્યાંય જવું જ નહોતું. તેઓ દવા માટે પણ શહેર જવા રાજી નહોતા. અને એટલી બધી તબિયત પણ ખરાબ નહોતી કે શહેર ભાગવું પડે આથી એમની વાત માન્ય રાખી ત્યાં જ ટ્રીટમેન્ટ કરાવતા હતા.
પરેશભાઈ બાપુજી પાસે નજીક જઈને બોલ્યા, કેમ છો બાપુજી? મને ઓળખ્યો કે નહીં?'
'એકીટસે થોડી વાર જોઈને બાપુજી બોલ્યા, હા તું મારો પરેશ. ક્યારે આવ્યો?
'હું હમણાંજ થોડીવાર પેલા આવ્યો. કેમ છો તમે?'
'સારું છે? બસ હવે તો આવું રહેવાનું ને! કુંદન અને છોકરીઓ કેમ છે?'
'બાપુજી કુંદન આવી છે. આ રહી..'
'કેમ છો બાપુજી? કેમ સરખું જમતા નથી? ચાલો ત્યાં અમારી સાથે, થોડી હવાફેર થાય તો તમને ગમશે.'
'ના કુંદન મને ત્યાં ન ગમે. મારે અહીં જ રહેવું છે. હવે અહીંથી ક્યાંય જવું જ નથી. હવે છે એટલું જીવન અહીં જ પુરુ કરવું છે. છોકરીઓ કેમ છે? પ્રીતિની વાત મેં જાણી, હું બહુ રાજી થઈ ગયો છું. છોકરાનો ફોટો જોયો સરસ છે. પ્રીતિને પસંદ તો છે ને?'
'હા, બાપુજી પ્રીતિને એ પસંદ છે. પરિવારના લોકો પણ સારા છે. રવિવારે ત્યાં ઘર જોવા જવાનું છે. તમે આવશો ને બાપુજી?'
'ના, કુંદન મારી ક્યાં તબિયત સારી છે અને ભાવનગર અહીંથી ખુબ દૂર છે. તમે લોકો જે કરો એ આપણી દીકરી માટે યોગ્ય જ કરશો. હું આવું એટલે મારે માટે એક વ્યક્તિએ સતત રોકાયેલ રહેવું પડે, અને અમને વારે વારે પગ છુટા કરવા ગાડી રોકવી પડે, આથી વધુ સમય મુસાફરીનો જાય. મારો આગ્રહ ના રાખ કુંદન!'
બાપુજી આટલી ઉંમરે પણ કેટલી સમજદારીથી વર્તી રહ્યા હતા. કુંદનબેનને આ પરિવારની પુત્રબધુ હોવાનો ગર્વ ફરી છલકી આવ્યો હતો. ઉમર થાય એમ વ્યક્તિ નાના બાળક જેમ વર્તે એ વાક્ય કુંદનબેનને ખોટું લાગતું હતું. બાપુજી દરેક સમયે વધુ અનુભવથી વધુ સમજદાર જ બનતા રહ્યા હતા. કુંદનબેન કઈ જ ન બોલ્યા એટલે બાપુજી ફરી બોલ્યા, 'કુંદન તે સાંભળ્યું ને?'
'હા, બાપુજી મેં તમારી વાત સાંભળી અને મને એ વાત પાછળનો આશ્રય પણ સમજાય ગયો છે. હું તમારી સમજદારી પર ખુબ પ્રભાવિત થઈ જાઉ છું. મને તમારા પર ખુબ ગર્વ છે.'
'તમે ત્યાં જલ્દી જતા આવો અને સગાઈનું મુરત લો એટલે મારે પ્રીતિની સગાઈમાં આવવું છે. એમાં આવવાની મારી ખુબ ઈચ્છા છે.'
'હા બાપુજી જરૂર આવવાનું જ છે. પણ હવે અમે રજા લઈએ? કેમ કે બંને દીકરીઓ ઘરે છે તો રાત પહેલા પહોંચી જઈએ.' વિનંતી સ્વરે પરેશભાઈ બોલ્યા હતા.
પરેશભાઇ અને કુંદનબેને શનીવારની રાત્રે જ નીકળવા માટેની બધી જ તૈયારી કરી રાખી હતી. વહેલી સવારે જવાનું હોવાથી બધું જ રાત્રે જ તૈયાર કરીને કુંદનબેન ઉંઘવા માટે જ જઈ રહ્યા હતા, ત્યાં જ પરેશભાઈના મોબાઈલમાં રિંગ વાગી, ભાઈનો ફોન હતો. પરેશભાઈએ ફોન ઉપાડ્યો અને વાત કરી હતી.
'હેલો'
'હેલો ભાઈ'
હા, બોલને ભાઈ કેમ આટલો મોડો ફોન કર્યો બધું ઠીક ને?'
'ભાઈ બાપુજીની તબિયત ખુબ બગડી છે. ત્યાં શહેરમાં આવીએ છીએ. અહીં બધી જ ટ્રીટમેન્ટ ન થાય આથી ત્યાં આવવું પડશે.'
'સારું તમે અહીં પહોંચો ત્યાં સુધીમાં હું હોસ્પિટલ પહોંચીને ડોક્ટરની ટિમ અને રૂમ રેડી કરાવી રાખું. તું ચિંતા ન કર બધું સારું થશે.' પરેશભાઈએ પોતાના નાનાભાઈને આશ્વાસન તો આપ્યું પણ પોતાને પણ એક બીક હતી કે બાપુજી ક્યાંક... પરેશભાઈની આંખમાં પહેલીવાર ભીનાશ છવાઈ ગઈ.
શું રવિવારે અજયના ઘરે જવાનું થશે? પ્રીતિ અને અજયની કેવી હશે મનઃસ્થતી?
શું બાપુજી પ્રીતિની સગાઈમાં હાજરી આપી શકશે?
જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.
મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻