ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૧૧
આપણે જોયું કે પોતાના મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક એ શનિવારે ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. પણ કેતલા કીમિયાગારના સાસુ અચાનક બીમાર પડતાં એણે પિતલી પલટવાર સાથે ત્યાં જવાનુ નક્કી કર્યુ. મૂકલા મુસળધારનું બગડી ગયેલુ સ્કૂટર એના સમેત મધરસ્તે ગગડી પડ્યુ એટલે વિનીયો વિસ્તારી એના ફ્રેક્ચરના ઈલાજ માટે એને એની જાણીતી હાડ હોસ્પિટલ લઈ ગયો અને ધૂલા હરખપદૂડાની કાર રસ્તામાં ખોટકાઈને અટકી પડી એટલે એ મેકેનિકને શોધવા નીકળી પડ્યો. આમ એ પાર્ટી સાથે સાથે સધકી સંધિવાતની મહેનત પણ નકામી થઈ ગઈ હતી. હવે આગળ...
સધકી સંધિવાતનો સનેપાત ભાવલા ભૂસ્કા પર આફત બની તૂટી પડ્યો. શરૂઆતમાં તો ભાવલાએ એના મિત્રોનો પરિસ્થિતિ પ્રમાણે બચાવ કર્યો પણ સધકીની આંખોની વર્ષાથી પ્રભાવિત થઈને એણે ભૂસ્કો લગાવ્યો. એણે ધૂલાને ફોન કર્યો, "યાર ધૂલા, તું ને ઈશા ગમે તેમ કરીને આવી જાવ. સધકી રડવા બેઠી છે."
ધૂલો શુષ્ક અવાજે બોલ્યો, "ભાવલા, મારી કાર વર્ધમાન ચોક નજીક મેઈન રોડ પર સાઈડમાં પાર્ક કરેલી છે. એ રેઢી મૂકીને કેમ આવીએ?"
ભાવલો ભડક્યો, "પણ અહીં અમે નિશ્ચિત બેઠક માટે તૈયારીઓ પૂર્ણ કરી બેઠાં છીએ અને સાવ કોઈ પણ ના આવે એમ થોડી ચાલે! મયુરીઓ કળાકાર અને બૈજુ બાવરી બહારગામ છે. કેતલો કીમિયાગાર અને પિતલી પલટવાર, એના સાસરે છે. મૂકલો મુસળધાર અને વિનીયો વિસ્તારી હોસ્પિટલમાં છે અને હીરકી હણહણાટ અને સોનકી સણસણાટ ઘરે બેઠાં છે. ધૂલો હરખપદૂડો અને ઈશા હરણી રાજમાર્ગ ઉપર બિરાજમાન છે. તો અહીં અમે શું કરીએ, ભજન?"
ધૂલો શાંત હતો, "ભાઈ હવે કથા શરૂ કરી છે તો પૂર્ણ પણ કર. ત્યાં સધકીને સંધિવાત ઊપડ્યો છે એટલે ભાવલો ભૂસ્કા લગાવે છે. પણ તું પરિસ્થિતિ તો સમજ. અમે અને માત્ર અમે બે જ આવીને પણ એવી મજા નહીં માણી શકીએ."
"હું કાંઈ ના જાણુ. જો તારી ગાડી બગડી ગઈ હોય તો હું મારી ગાડીમાં તમને તેડવા વર્ધમાન ચોક આવુ છું." ભાવલો ભૂસ્કો ભરાડી બન્યો હતો. સધકી એના પતિની ચાલાકી પર ઓવારી ગઈ. એણે ભાવલાને ઇશારો કર્યો, 'ફટાફટ નીકળ.'
એ પોતાની કાર પાર્કિંગ પ્લોટમાંથી કાઢીને ધૂલા તથા ઈશાને તેડવા ઉપડી ગયો વર્ધમાન ચોક તરફ. ટ્રાફિક હોવા છતાં વીસ મિનિટનું અંતર એણે ખાસી પચાસ મિનિટમાં કાપી લીધુ. પણ ધૂલો, ઈશા કે એમની કાર ત્રણે નજરે ચડે નહીં. ફરી ફરીને, એણે કંટાળીને ધૂલાને ફોન કર્યો.
"ક્યાં છો તમે લોકો?" એણે ઘાંટો પાડ્યો, "ત્રણ આંટા લગાવ્યા વર્ધમાન ચોકના."
ધૂલાનો દબાયેલો અવાજ આવ્યો, "આપણી ગાડી ટોવ થઈ ગઈ છે. અમે લોકો, એટલે કે હું અહીં આરટીઓ ઓફિસ બહાર ઊભો છું. એ લોકો હકીકત માનવા તૈયાર નથી એટલે ઈશા એમને પટાવવા અંદર ગઈ છે. તને થોડીવારમાં ફોન કરૂં છું" આટલુ બોલી એણે ફોન કાપી નાખ્યો.
જીદે ચડેલો ભાવલો આરટીઓ સર્કલ પહોંચ્યો. ત્યાં પણ એ લોકો દેખાયા નહીં. એણે ફરી ધૂલાને ફોન જોડ્યો, "ક્યાં છો તમે? આરટીઓ ઓફિસ પર તો કોઈ નથી. તમારી ગાડી પણ નથી."
"અરે ભાવલા મને એમ કે તું પાછો જતો રહ્યો હોઈશ. અહીં ઈશાએ અહીંના અધિકારીને અમારી કારની હાલત સમજાવી તો એમણે ગાડી તો છોડી સાથે સાથે એક મેકેનિકનો નંબર પણ આપ્યો. એની આ મહેરબાનીની કદર કરવા અમે એ મેકેનિકને ત્યાંથી જ ફોન કરી બોલાવી લીધો. એ નાનકડા ગાડી ખેંચવાના ક્રેન સાથે અમારી મદદે આવી ગયો એટલે હવે અમે ગાડી સાથે એના ગેરેજ પર આવ્યાં છીએ." ધુલોએ લાંબુંલચક ભાષણ આપ્યુ. અને એને ધરપત આપી, "બસ કલાકેકમાં ગાડી રિપેર થઈ જાય એટલે આવ્યા જ સમજ."
"તું ગાડી મેકેનિક પાસે ગેરેજમાં મૂકીને રિક્ષા પકડી અહીં આવી જા. ગાડી સવારે આપણે જઈને લઈ આવશુ." ભાવલો ભટકી ગયો, "હજી એક કલાક! ત્યાં સુધી તો બધું ખાવાનું ઠરી જશે."
ધૂલો એને સમજાવી રહ્યો હતો, "ભાવલા, આમ પણ બીજા કોઈ આવી નથી રહ્યાં એટલે આ શનિવારીય બેઠક ઠરી જ ગઈ છે. અમે આવીએ ત્યાં સુધી તું ને સધકી પણ આમ ભૂસ્કા લગાવ્યા વગર ઠરીને ઠરીઠામ થઈ જાવ. સાવ અજાણ્યા મેકેનિક પાસે આમ ગાડી છોડી દઈએ તો તો એ આપણી ગાડીના અમુક ઓરિજિનલ સ્પેર પાર્ટસ બદલાવીને ડુપ્લિકેટ લગાવી જ દે અને આપણને એની જાણ સુદ્ધા થાય નહીં. એ જોખમ તો લેવાય જ નહીં. ભલે કલાકના બે કલાક થાય. અમે આવશું ચોક્કસ એટલે તમે લોકો અમને મોડું થાય તો પણ સૂઇ જતાં નહીં."
ભાવલા ભૂસ્કા માટે આ જવાબ વજ્રાધાત સમાન હતો. એ હવે પોતાની કારમાં ઘરે જવા નીકળી ગયો. પણ એક પ્રશ્ન મસમોટા અજગરની જેમ જડબું ફાડીને સામે ઊભો હતો કે એ સધકીને કેમ અને શું સમજાવશે! એ તો રડી રહી હશે.
હકીકત એ હતી કે સધકી આ શનિવારીય બેઠક ગોઠવાઈ ત્યારથી આજદિન સુધી તૈયાર નહોતી. એને એના ચાલીસ વર્ષિય માસીના દિકરા, અમીતભાઈના ઘરે એની ફોઈની સંસ્કારી છતાં પણ પાંત્રીસ વર્ષે કુંવારી રહી ગયેલી બહેનનું ચોકઠું ગોઠવવા જવું હતું. પણ આ આયોજનને લીધે એની આ અનેરી આકાંક્ષા પર અનઅપેક્ષિત નીર ફરી વળ્યાં હતાં. આમાં એની ફોઈની દિકરી, રેખાબેન કરતાં પોતાની માસીના દિકરા, અમિતભાઈની ચિંતા વધુ હતી એટલે એ રેખાને એમની વધૂ બનાવવા વધુ ઉત્સુક હતી. રેખા અને અમિત, બંને નોકરી કરતાં હતાં. જોકે વિક એન્ડ રજા રેખાને શનિવાર તથા રવિવાર તો અમિતને ફક્ત રવિવારે રજા હોવાથી એ શનિવારે સાંજે અમિત કામ પરથી આવી ગયા બાદ ગોઠવવી એવી ચર્ચા સધકી સંધિવાત અને એની માસી વચ્ચે થઈ હતી પણ એના ફોઈ આ પ્રસ્તાવથી બિલકુલ અજાણ હતાં. વળી આ મિટિંગ સધકીના ઘરે જ નિર્ધારીત કરવાની હોઈ આ મિત્ર વર્તુળની શનિવારીય બેઠક ખલનાયક સાબિત થઈ રહી હતી. છેવટે એણે માસી સાથે ઉચ્ચ સ્તરીય વાટાઘાટ બાદ, સંપૂર્ણ સંજોગો ધ્યાનાસ્થ કરી, આ મિટિંગ એક સપ્તાહ દૂર ધકેલીને એ પછીના શનિવારે ગોઠવવી એમ ગોઠવી લીધું હતું.
એના અઢવઢમાં અટવાઈ ચૂકેલા સંધિવાતી મન માટે બંને પ્રસંગ એક સમાન અગત્ય ધરાવતા હતા. છતાં ભાવલાની ખૂબ મહેનત બાદ એ આ શનિવારીય પ્રતિષ્ઠિત બેઠકને મહત્તમ મહિમા આપી આ માટે હ્રદયના ઉત્કૃષ્ટ ભાવ સાથે તૈયાર થઈ હતી.
જોકે તકદીરના ખેલ સામાન્ય મનુષ્યની સમજ બહાર જ હોય છે. એક તરફ આ શનિવારીય બેઠક પર સૌની ગેરહાજરી રૂપી ગ્રહણ લાગી ગયું હતું. તો અધૂરામાં પૂરું, એ બેઠકના દિવસે સવારે જ એની ફોઈનો સધકી પર ફોન આવી ગયો કે એમણે રેખાના વિવાહ એક ભારતીય એનઆરઆઈ, બીજવર એવા સુડતાલીસ વર્ષિય, અમેરિકા સ્થિત, ઉદ્યોગપતિ મૂકેશકુમાર સાથે નક્કી કરી લીધા છે. મૂકેશકુમાર અચાનક ભારત આવતા આ મુલાકાત, એક મેરેજ બ્યુરોની મધ્યસ્થીથી અચાનક ગોઠવાઈ ગઈ. એક અગિયાર વર્ષિય પુત્ર તથા આઠ વર્ષિય પુત્રી ધરાવતા આ છોકરા અને રેખાએ એકમેકને પસંદ કરી લીધાં છે.
સધકીને સંધિવાત ઊપડ્યો. અહીં બે મોટા કિશોર વયના બાળકોનો બાપ એ પણ બીજવર એવો સુડતાલીસ વર્ષિય છોકરો (છોકરો! માય ફૂટ, ડોસલો) ફાવી ગયો અને એના અમિતભાઈ રહી ગયા. આ ગ્રીન સિગ્નલ એ મુરતિયાને નહીં પણ અમેરિકન ગ્રીન કાર્ડને જ મળ્યુ હશે. જે હોય તે, પણ ભાવલો ભેરવાઈ ગયો. હવે સધકી, ઓલા ખાલી ચણા જેવા અમિતીયાનું ઠેકાણે નહીં પડે ત્યાં સુધી એનું લોહી પીશે એ નક્કર હકીકત હતી. આવા વિચારોમાં અટવાયેલો ભાવલો પોતાના ઘર ભણી કાર હંકારી રહ્યો હતો.
શું ભાવલા ભૂસ્કાને આ અણધારી આફતનો અંત આવશે? શું સધકી આ મિત્ર વર્તુળ પર ખફા થઈ જશે? શું ભાવલા અને સધકી સંધિવાત વચ્ચે કોઈ ખટરાગ થઈ જશે? શું આ એક દિવસીય બનાવોને લીધે આ મિત્ર વર્તુળના ઊષ્મા ભર્યા સંબંધોમાં ખટાશ આવી જશે? આપના મનમાં ઊભા થયેલ દરેક પ્રશ્નનો મજેદાર હલ મળશે, ફક્ત જોડે રહેજો. આભાર (ક્રમશ...).
લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).