૪૧. પૃથ્વી પર શાંતિ
યુરોપ આજે ઇશ્વરની અથવા ખ્રિસ્તી ધર્મની ભાવનાનું નહીં પણ સેતાનું પ્રતિનિધિ છે એવો મારો દૃઢ મત થયો છે. અને સેતાન ઇશ્વરનું નામ હોઠે લઇને કાર્ય કરતો દેખાય છે ત્યારે તેની સફળતા પણ વધારેમાં વધારે ભાસે છે. યુરોપ આજે નામનું જ ખ્રિસ્તી રહ્યું છે. ખરેખર તે મૅમન, સંપત્તિના દેવની આરાધનામાં પડ્યું છે. ‘આખું ઊંટ એક વાર સોયના નાકામાંથી નીકળી જાય પણ સંપત્તિવાળા માણસને સ્વર્ગમાં પ્રવેશ મળ્યો શક્ય નથી.’ ઇશુએ ખરેખરું આવું કહ્યું છે. તેના નામધારી અનુયાયીઓ પોતાનો નૈતિક વિકાસ પોતાની માલિકીની ભૌતિક સંપત્તિને માપે માપે છે.
યંગ ઇન્ડિયા, ૮-૭-’૨૦
ઇશુના પર્વત પરના પ્રવચનમાંથી જે ઝરા ફૂટે છે તેમાંથી થાય તેટલું પાન બેશક કરો પણ ગૂણપાટ ઓઢી રાખને ઢગલે ચડી પશ્ચાત્તાપ કર્યા વગર તમારો છૂટકો નથી. તે પ્રવચનનો ઉપદેશ આપણામાંના એકેએકને સારુ હતો. તમે ઇશ્વર ને સંપત્તિના દેવના રૂપમાં સેતાન, એ બંનેની સાથે સેવા કેવી રીતે કરી શકશો ? કરુણાળુ, રહીમ અને ક્ષમાની મૂર્તિ જેવો ઇશ્વર મૅમન રૂપી સેતાનને તેનું ચાર દહાડાનું ચાંદરણું ભોગવવા દે છે. પણ હું તમને કહું છું.... આપમેળે નાશ પામવાવાળા મૅમનના માયાવી દેખાવથી આધા નાસી છૂટો.
યંગ ઇન્ડિયા, ૮-૧૨-’૨૭
પોતાની જરૂરિયાતો વધાર વધાર કરવાના પાગલ ધસારામાં જે લોકો આજે પડ્યા છે અને જે લોકો નાહક માને છે કે એ રીતે પોતે પોતાના સાચા તત્ત્વમાં વધારો કરે છે, દુનિયાના પોતાના સાચા જ્ઞાનમાં વધારો કરે છે તેમને બધાને માટે એક દહાડો પાછા વળી ‘એમ આ શું કરી બેઠા ?’ એવું પૂછવાનો વખત આવ્યા વગર રહેવાનો નથી. એક પછી એક સસ્કૃતિઓ આવી ને ગઇ અને પ્રગતિની આપણી બધી મોટી મોટી બડાશો છતાં મને ફરી ફરીને પૂછવાનું મન થાય છે કે, ‘આ બધું શાને સારુ ? એનું પ્રયોજન શું ?’ ડાર્વિનના સમકાલીન વૉલસે એ જ વાત કહી છે. તેણે લખ્યું છે કે જાતજાતની નવી નવી આંખ આંજી નાખનારી શોધોનાં પચાસ વરસમાં માનવજાતની નૈતિક ઊંચાઇ એક આંગળ પણ વધી નથી. ટૉલ્સટૉયને તમે જોઇએ તો ખ્વાબી અને તરંગી કહો પણ તણેયે એ જ વાત કરી છે. ઇશુંએ, બુદ્ધે અને મહંમદ, જેના ધર્મનો આજે મારા મુલકમાં ઇન્કાર તેમ જ ખોટો અમલ થઇ રહ્યો છે તેણે, એમ સૌએ એક જ વાત કહી છે.
યંગ ઇન્ડિયા, ૮-૧૨-’૨૭
જગતમાં સ્થાયી શાંતિ સ્થાપવી અશક્ય છે એમ માનવું એ મનુષ્ય સ્વભાવમાં દૈવી અંશ નથી એમ માનવા બરોબર છે. અત્યાર સુધી જે ઇલાજો અજમાવવામાં આવ્યા છે તે એળે ગયા છે એનું કારણ એ છે કે જેમણે પ્રયત્ન કર્યો છે તેમના મનમાં ઊંડી સાચી દાનતનો અભાવ રહ્યો છે. એ અભાવનું ભાન થયું નથી. જેમ સર્વ આવશ્યક તત્ત્વો એકઠાં થયા સિવાય કોઇ રાસાયણિક સંયુક્ત દ્રવ્ય તૈયાર થઇ જ ન શકે, તેમ શાંતિને માટે આવશ્યક શરતોમાંની થોડીક જ પળાઇ હોય તો તેથી શાંતિની સ્થાપના ન થઇ શકે. માનવજાતિના જે સંભવિત આગેવાનોના હાથમાં સંહારના સાધનો પરનો અંકુશ હોય તેઓ જો એ સાધનોનો ઉપયોગ કરવો સર્વાંશે છોડી ન દે, ને એ ત્યાગનો પૂરો અર્થ સમજીને એ પગલું ભરે, તો કાયમની શાંતિ સ્થપાય ખરી. જગતનાં મહારાજ્યો પોતાના સામ્રાજયવાદી મનોરથો છોડી ન દે તો આ વસ્તુ બનવી અશક્ય છે એ દેખીતું છે. એ પણ ત્યાં સુધી બનવું અશક્ય છે જ્યાં સુધી જગતની મહાપ્રજાઓ આત્મઘાતી હરીફાઇ પરનો વિશ્વાસ ન છોડી દે, અને પોતાની હાજતો વધારવાનું ને તેથી ભોતિક સાધન - સંપત્તિ ખડકયે જવાનું ન છોડે. મારી પાકી ખાતરી છે કે ઇશ્વરને વિશેની જીવતીજાગતી શ્રદ્ધાનો અભાવ એ જ આ અનિષ્ટનું મૂળ છે. જગતની જે પ્રજાઓ ઇશુ ખ્રિસ્તના સંદેશામાં શ્રદ્ધા ધરાવવાનો દાવો કરે છે અને જેઓ એને ‘શાંતિરાજ’ કહે છે તેઓ પોતાની શ્રદ્ધા પ્રત્યક્ષ આચરણમાં ભાગ્યે જ બતાવે છે એ મહાદુઃખની વાત છે. ઇશુનો સંદેશો અમુક ચુનંદા માણસોને માટે જ છે એમ સાચી દાનતવાળા ખ્રિસ્તી પાદરીઓને કહેતા સાંભળીને દુઃખ થાય છે. હું મારા બચપણથી શીખ્યો છું, અને અનુભવે મેં એ સત્યને કસી જોયું છે, કે માનવચારિત્રના જે પાપરૂપ સદ્ગુણો છે તે હીણામાં હીણો ગણાતો મનુષ્ય પણ કેળવી શકે છે. મનુષ્યમાત્રમાં આટલી અચૂક શક્તિ રહેલી છે એ જ મનુષ્ય અને ઇતર પ્રાણીઓની વચ્ચેનો ભેદ છે. એક પણ પ્રજા આવો પરાકાષ્ઠાનો ત્યાગ કરી બતાવે તો આપણામાંના ઘણા આપણા જીવનકાળમાં જગતમાં દેખીતી શાંતિ સ્થપાયેલી જોઇ શકીએ.
હરિજનબંધુ, ૧૯-૬-’૩૮
જો જગતના સર્વશ્રેષ્ઠ માણસના પ્રતિનિધિરૂપ માણસોએ અહિંસાની ભાવના જીવનમાં ઉતારી નહીં હોય તો તેમને આ લૂંટફાટનો સામનો આજ સુધી ચાલતી આવેલી રીતે કરવો પડશે. પણ એ પરથી એટલું જ દેખાઇ આવશે કે આપણે જંગલી જીવનથી બહુ આગળ વધ્યા નથી. ઇશ્વરે આપણને જે વારસો આપ્યો છે તેની પિછાન અને કદર કરતાં શીખ્યા નથી અને ૧૯૦૦ વરસના જૂના ખ્રિસ્તી ધર્મનું, એથીયે જૂના હિંદુ અને બૌદ્ધ ધર્મનું અને ઇસ્લામનું પણ (જો હું એના સિદ્ધાંતને ખરા સમજ્યો હોઉં તો) શિક્ષણ પામ્યા છતાં આપણે મનુષ્ય તરીકે ઝાઝી પ્રગતિ કરી નથી. જોકે જેઓ અહિંસાને માનતા નથી તેઓ પશુબળનો ઉપયોગ કરે એ હું સમજી શકું. પણ જેઓ અહિંસાને માને છે તેમણે તો પોતાની બધી શક્તિ અંગત આચરણ વડે એમ બતાવી આપવામાં જ હોમવી જોઇએ કે આવી લૂંટફાટનો સામનો પણ અહિંસાથી જ કરવો રહ્યો છે.
હરિજનબંધુ, ૨૫-૧૨-’૩૮
શસ્ત્રબળના બીજા અખતરાઓ તો હજારો વર્ષ થયાં થતા જ આવ્યા છે. તેનાં કડવાં પરિણામો આપણે પ્રત્યક્ષ જોઇએ છીએ. ભવિષ્યમાં તેમાંથી મીઠાં પરિણામો ઊપજવાની આશા થોડી જ બાંધી શકાય. અંધારામાંથી જો અજવાળું ઉત્પન્ન કરી શકાતું હોય તો વેરભાવમાંથી પ્રેમભાવ પ્રકટાવી શકાય.
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, પા. ૨૧૮