સત્ય એ જ ઈશ્વર છે - 40 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્ય એ જ ઈશ્વર છે - 40

૪૦. અણુબૉંમ્બ અને અહિંસા

અમેરિકન મિત્રો કહે છે કે, બીજી કોઇ પણ રીતે નહીં થાય તેવી અહિંસાની સિદ્ધિ અણુબૉંમ્બ દ્ધારા થશે. ‌આ વાતનો અર્થ એવો હોય કે, અણુબૉમ્બની સંહારશક્તિથી દુનિયાને હિંસા પર એવી ઘૃણા આવી જશે કે, થોડા વખતને માટે તે એ માર્ગથી પાછી વળી જશે, તો એ સાચું ખરું. પણ, કોઇ માણસ ભાતભાતની મીઠાઇ પેટ ભરી ભરીને ખાઇને ગળપણથી ઓચાઇ જાય, પછી તેને રસ્તે ન જાય, અને મીઠાઇ પર આવી ગયેલો અણગમો ઓસરી ગયા પછી પાછો બેવડા ઉત્સાહથી તેની પાછળ મંડે, તેના જેવી એ વાત થઇ. અણુબૉંમ્બની સંહારક શક્તિને કારણે હિંસાનો તિરસ્કાર કરવાને પ્રેરાયેલી દુનિયા, તે તિરસ્કારની અસર ઓસરી જતાંની સાથે બરાબર પેલા માણસની જેમ હિંસાના રસ્તા પર બમણા ઉત્સાહથી પાછી વળશે.

અશુભમાંથી શુભ ઘણી વાર નીપજે છે. પણ એ ઇશ્વરની યોજના છે, માણસની નથી. માણસનો તો અનુભવ છે કે, જેમ શુભમાંથી શુભ, તેમ અશુભમાંથી અશુભ જ નીપજે છે.

અમેરિકાના વિજ્ઞાનીઓ અને લશ્કરી માણસોએ જે અણુશક્તિનો સંહારનો અર્થ ઉપયોગ કર્યો છે, તેને બીજા વિજ્ઞાનીઓ માનવહિતના કાર્યમાં યોજે, એ બેશક સંભવિત છે. પણ મારા અમેરિકન મિત્રો જે કહે છે, તેનો અર્થ એવો નથી. જે સવાલનો આવો દેખીતો સરળ અર્થ થાય, તે પૂછવા જેટલા તે લોકો ભોળા નથી. આગ મૂકનારો આતતાયી જે અગ્નિને પોતાનો પાપી આશય પાર પાડવાને વાપરે છે, તેનો જ ઉપયોગ ગૃહિણી માનવજાતના પોષણ અર્થે રસોઇમાં કરે છે.

હું જોઇ શકું છું તે મુજબ, માણસજાતને જે સૌથી સુંદર લાગણીએ નભાવી રાખી છે તેને અણુબૉંમ્બે બૂઠી કરી નાખી છે. યુદ્ધના કેટલાક નામના કાં ન હોય, પણ નિયમો સ્વીકારવામાં આવ્યા હતા, અને તેને લીધે તે નભાવી લઇ શકાતું હતું. યુદ્ધના સાચા નગ્ન સ્વરૂપની આજે આપણને બરાબર જાણ થઇ છે. એ પશુબળ વિના યુદ્ધ બીજા એકે નિયમને જાણતું નથી. અણુબૉંમ્બથી મિત્રરાજ્યોનાં હથિયારોને પોલી જીત મળી. પણ, તેને પરિણામે થોડા વખત પૂરતો તો જાપાનના આત્માનો નાશ થયો છે. અને પરિણામે સંહારક પ્રજાના આત્માને શું થયું છે. તે શોધી કાઢી સમજવા જેટલો વખત હજુ વીત્યો નથી. પ્રકૃતિનાં બળોનું કાર્ય ગૂઢ, રહસ્યમય રીતે થાય છે. પણ આવા બનાવોનાં જે પરિણામો જાણવામાં આવ્યાંં છે, તેમના પરથી આ હજી અગમ્ય રહેલાં પરિણામોનું અનુમાન કરી શકાય. ગુલામને પાંજરામાં પૂરનારો જાતે તે જ પાંજરામાં પુરાયા વિના અગર પોતાની વતી કામ કરનારા પ્રતિનિધિને તેમાં પૂર્યા વિના ગુલામને વશ રાખવામાં ફાવતો નથી. પોતે રાખેલી અણઘટતી મહત્ત્વાકાંક્ષાને પૂરી કરવાને જાપાને જે અનાચારો કર્યા, તેનો મારે બચાવ કરવો છે, એમ કોઇ આ પરથી માની ન લે. બંને પક્ષો વચ્ચે જે ફેર છે, તે કેવળ પ્રમાણનો છે. હું એમ માનીને ચાલું છું કે, જાપાનનો લોભ બંને બાજુને મુકાબલે વધારે અણઘટતો હતો. પણ તેનો લોભ વધારે જાપાનના અમુક એક વિસ્તારમાં નિષ્ઠુરતાથી સ્ત્રીઓ, પુરુષો અને બાળકોનો સંહાર કરવાનો અધિકાર મળતો નથી.

અણુબૉમ્બની આ અત્યંત કરુણ ઘટનાથી વાસ્તવિક રીતે જે બોધ તારવવાનો છે, તે એ છે કે,હિંસાનો જેમ પ્રતિહિંસાથી નાશ ન થાય, તેમ એ બૉમ્બનો નાશ સામા બીજા વધારે વિનાશક બૉમ્બ બનાવવાથી થવાનો નથી. માણસજાતને હિંસામાંથી ઊગરવું હોય, તો અહિંસા સિવાય બીજો એકે માર્ગ નથી. દ્રેષને માત્ર પ્રેમથી જીતી શકાય. સામો દ્રેષ કરવાથી મૂળ દ્રષનો વિસ્તાર અને ઊંડાણ જ વધે છે. આજ સુધી પહેલાં મેં જે અનેક વાર કહ્યું છે અને મારી ગુંજાશ તેમ જ શક્તિ મુજબ જેનો અમલ કર્યો છે, તે જ વાત હું ફરી કહું છું, એનો મને ખ્યાલ છે. પણ એમ તો મેં જે પહેલાં કહેલું તે પણ નવું નહોતું. આ સૃષ્ટિની રચના જેટલું જ તે સત્ય પુરાણું છે. પણ હું બાળકોને ચીતરવાની કૉપીબુકોમાં આવતા સિદ્ધાંતોમાંનો એક માત્ર બોલી બતાવતો નહોતો; મારી રગેરગમાં જેનો અનુભવ કરું છું તે વાત ઉચ્ચારતો હતો. જીવનનાં અનેક ક્ષેત્રમાં સાઠ વરસ સુધી અજમાવ્યા પછી એ સત્ય પરની મારી શ્રદ્ધા વધારે ઢ તેમ જ સમૃદ્ધ થઇ છે, અને મિત્રોના અનુભવનું તેને સમર્થન મળ્યું છે. પણ મેં ઉચ્ચારેલું સત્ય બધી વાતોના અનુભવનું તેને સમર્થન મળ્યું છે. પણ મેં ઉચ્ચારેલું સત્ય બધી વાતોના હાર્દમાં રહેલું છે, અને એકલો એકલોયે માણસ તેને વળગી રહેવાને સમર્થ છે. છતાં વર્ષો પહેલાં મૅક્સમૂલરે કહેલું, તેમ હું પણ માનું છું કે જ્યાં સુધી સત્યને વિશે અશ્રદ્ધા રાખનારાં માણસોની હસ્તી છે, ત્યાં સુધી તેનો વારંવાર ઉચ્ચાર કરવો જ રહ્યો.

હરિજનબંધુ, ૭-૭-’૪૬