સત્ય એ જ ઈશ્વર છે - 42 - છેલ્લો ભાગ Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્ય એ જ ઈશ્વર છે - 42 - છેલ્લો ભાગ

૪૨. પ્રકીર્ણ

મૃત્યુ

બાળક, જુવાન કે બુઢ્ઢા મરે તેથી આપણે શાને ભયભીત થઇએ ? એક ક્ષણ એવી નથી કે જ્યારે જગતમાં ક્યાંયે જન્મ અને મરણ થઇ રહ્યાં નથી. જન્મથી રાજી થવુંને મરણથી ડરવું એમાં ભારે મૂર્ખતા છે એમ આપણને લાગવું જ જોઇએ. જેઓ આત્મવાદી છે - અને આપણા - માંનો કોણ હિંદુ મુસલમાન પારસી આત્માના અસ્તિત્વને માનતો નથી ? - તે તો જાણે છે કે આત્મા મરતો નથી. એટલું જ નહીં, પણ જેઓ જીવે છે તે ને મૂઆ છે તે બધા જીવો એક જ છે, તેના ગુણો એક છે, તો પછી જગતનો ઉત્પત્તિ લય દરેક ક્ષણે થયા જ કરે છે તેમાં આપણે ખુશી થવાનું શું ને દુઃખી થવાનુંયે શું ? દેશી લગી આપણી ભાવના જાય ને દેશમાં જન્મ થાય તે બધા આપણે ત્યાં થયા માનીએ તો કેટલા જન્મ ઊજવીએ ? દેશમાં મરણ થાય તેને સારુ રુદન કરીએ તો આપણી આંખો ભીની જ રહે. આમ વિચારી આપણે મરણભય છોડવો જ જોઇએ.

નવજીવન, ૧૪-૮-’૨૧

જન્મ અને મરણ બે જુદી અવસ્થા નથી પણ એક જ અવસ્થાનાં બે પાસાં છે. એકને માટે સોકાતુર થવાને નજીવું કારણ છે તેવું જ બીજાને માટે હરખ પામવાનું છે.

યંગ ઇન્ડિયા, ૨૦-૧૧-’૨૪

અમરત્વ

આત્માના અમરપણાને હું માનું છું તમને હું સાગરની ઉપમાં સમજાવું. સાગર પાર વગરનાં જળબિંદુઓનો બનેલો છે, તેમાંનું હરેક જળબિંદુ એક સ્વતંત્ર વ્યક્તિ છે, અને છતાં તે હરેક સાગરના જળરાશિનું અંગ છે; ‘એક અને અનેક’. જીવનના આ સાગરનાં આપણે બધાં નાનકડાં જળબિંદુઓ છીએ. મારા સિદ્ધાંતનો અર્થ એવો છે કે મારે સકળ જીવન સાથે, જે કંઇ જીવે છે તેની સાથે એકરૂપ થવું જોઇએ અને ઇશ્વરની હજૂરમાં જીવનની ભવ્યતા અનુભવવી જોઇએ, આ સકળ જીવનનો એકંદર સરવાળો ઇશ્વર છે.

ઇન્ડિયાસ કેસ ફૉર સ્વરાજ (૧૯૩૨), પા. ૨૪૫

વીમો

મને લાગતું કે વીમો ઉતરાવવામાં કંઇક ભીરુતા ને ઇશ્વરને વિશે અવિશ્વાસ છે. વિમો ઉતરાવીને મેં મારાં બાળબચ્ચાંને પણ પરાધીન બનાવ્યાં. તેઓ કેમ સ્વાવલંબી ન થાય ? અસંખ્ય ગરીબોનાં બાળબચ્ચાંનું શું થાય છે ? હું મને તેમના જેવો કાં ન ગણું ? હું જ પહેલો મરીશ એમ પણ કેમ ધાર્યું ? પાલન કરનાર તો ઇશ્વર છે; નથી હું કે નથી ભાઇ.

આત્મકથા, પા. ૨૫૯

તેઓ તો કહે છે કે : ‘સાધન એ આખરે સાધન જ છે.’ હું કહું છું કે : ‘સાધનમાં જ બધું સમાઇ ગયું.’ જેવા સાધન તેવું સાધ્ય. સાધ્ય અને સાધન વચ્ચે અંતર નથી. જગતકર્તાએ તો સાધનના ઉપર આપણને જૂજજાજ પણ કાબૂ બક્ષેલો છે, સાધ્યના ઉપર બિલકુલ નહીં. એટલે જેટલાં શુદ્ધ સાધન રાખશો તેટલા જ પ્રમાણમાં સાધ્યની શુદ્ધિ હોવાની. આ વિધાનને એકે અપવાદ નથી.

નવજીવન, ૨૦-૭-’૨૪

રાજકારણ

આવા વ્યાપક સત્યનારાયણના પ્રત્યક્ષ દર્શનને સારુ જીવમાત્રની પ્રત્યે આત્મવત્‌ પ્રેમની પરમ આવશ્યકતા છે. અને તે કરવાને ઇચ્છનાર મનુષ્ય જીવનના એક પણ ક્ષેત્રની બહાર નથી રહી શકતો. તેથી જ સત્યની મારી પૂજા મને રાજ્યપ્રકરણમાં ખેંચી ગઇ છે. ધર્મને રાજ્યપ્રકરણની સાથે સંબંધ નથી એમ કહેનાર ધર્મને જાણતો નથી ‌એમ કહેતાં મને સંકોચ નથી થતો, એમ કહેવામાં હું અવિનય નથી કરતો.

આત્મકથા, પા. ૪૯૨

ધર્મ વિનાનું રાજકાજ દુર્ગંધમય છે, રાજકાજ વિનાનો ધર્મ અર્થહીન છે. રાજકાજ એટલે પ્રજાકલ્યાણની પ્રવૃત્તિ. જે ઇશ્વરને ઓળખવા માગતો હોય તે આ કલ્યાણ પ્રવત્તિ કર્યા વિના કેમ રહી શકે ? અને મારે મન તો ઇશ્વર અને સત્ય એક હોવાથી મારો તો રાજ્યપ્રકરણમાં પણ સત્યનું રાજય સ્થપાયેલું મનોરથ સદાય રહેવાનો.

નવજીવન, ૨૧-૬-’૨૫

આખી માનવજાતિ જોડે આત્મીયતા સાધ્યા વિના મારી ધર્મભાવના સંતોષાય એમ નથી. અને રાજદ્ધારી બાબતમાં ન ભળું ત્યાં સુધી એ બનવાજોગ નથી. આજની દુનિયામાં માણસની પ્રવૃત્તિ એક અને અવિભાજ્ય છે. તેમાં સામાજિક, આર્થિક, રાજદ્ધારી અને શુદ્ધ ધાર્મિક એવા નોખા નોખા ખંડ પાડી શકાય તેમ નથી. માનવહિતની પ્રવત્તિથી જુદો એવો ધર્મ હું જાણતો નથી. એવી ધર્મભાવના વિનાની બીજી તમામ પ્રવૃત્તિ નૈતિક પાયા વગરની છે અને જિંદગીને ‘અર્થહીન ધાંધલ અને શોરબકોર’ માત્ર કરી મૂકે છે.

હરિજનબંધુ, ૧-૧-’૩૯

ભાવિ

પ્ર૦ - હરેક વ્યકિતના મરણનાં સમય, સ્થળ અને રીત સર્વસમર્થ પરમેશ્વરે આગળથી મુકરર કરેલાં હોય છે ? એમ જ હોય, તો માંદા પડીએ ત્યારે બેચેન શું કામ થઇએ, ‘ફિકર’ શા સારુ રાખીએ ?

ઉ૦ - મરણનાં સમય, સ્થળ અને રીત આગળથી નિર્માણ થયેલાં હોય છે કે નહીં તે હું જાણતો નથી. એટલે હું ચોક્કસ જાણું છું કે, ‘તેની મરજી વિના ઘાસનું તણખલુંયે હાલતું નથી.’ પણ આ મારું જ્ઞાન હજી ઝાંખું છે. આજે જે જ્ઞાન ઝાંખું છે, તે તેનું નામ રટતાં રટતાં આજે નહીં ને કાલે, કાલે નહીં ને પરમ દિવસે સ્પષ્ટ થશે. પણ એટલું ચોખ્ખેચોખ્ખું સમજી લેવું જોઇએ કે, સર્વસમર્થ ઇશ્વર, કર્તું-અકર્તું, અન્યથા - કર્તું, સમર્થ પરમેશ્વર આપણા જેવી વ્યકિત નથી; તે દુનિયામાં સૌથી વધારે જીવંત શક્તિ અથવા કાનૂન છે. એટલે તે પોતાની ધૂનમાં આવે તેમ કાર્ય કરતો નથી, અથવા તે કાનૂનમાં કોઇ સુધારા કે વધારાને અવકાશ નથી. તેની ઇચ્છા અથવા સંકલ્પ સ્થિર અને અવિકારી છે; તેના સિવાયના બીજા બધામાં હર ક્ષણે ફેરફાર કે વિકાર થયા કરે છે. આગળથી બધું જ નિર્માણ થઇ ચૂકેલું છે, એ સિદ્ધાંતમાંથી ખરેખર એેવો અર્થ તો નથી જ નીકળતો કે, માંદા હોઇએ, તંદુરસ્ત ન હોઇએ, તોપણ તબિયત સાચવવાની ‘ફિકર’ ન રાખવી. માંદગીને વિશે બેદરકાર રહેવાનો ગુનો માંદા પડવાના ગુના કરતાંયે મોટો છે. કાલે કરી તેના કરતાં આજે વધારે સારી કોશિશ કરવાની વાતનો છેડો નથી. ‘ફિકર’ રાખીને માંદા કેમ છીએ અથવા માંદા કેમ પડ્યા, તે શોધી કાઢવાની આપણી ફરજ છે. બિનતંદુરસ્તી નહીં, તંદુરસ્તી કુદરતનો કાનૂન છે. માંદા ન પડીએ તે માટે, અથવા માંદા પડ્યા હોઇએ તો સાજા થઇ જવાને કુદરતના એ કાનૂનની આપણે શોધ કરતા રહીએ, ને તેનો અમલ કરતા રહીએ.

હરિજનબંધુ, ૨૮-૭-’૪૬

પ્રગતિ

વિકાસ અથવા ઉત્ક્રાન્તિ હમેશ પ્રયોગાત્મક હોય છે. પ્રગતિમાત્ર ભૂલો મારફતે અને તેમને સુધારવાથી થાય છે. કોઇ સારું પાકું તૈયાર થયેલું ઇશ્વરના હાથમાંથી ઊતરી આવતું નથી. પણ આપણે જાતે વારંવાર પ્રયોગો કરતા રહી અને વારંવાર નિષ્ફળતાનો અનુભવ લઇ મેળવવાનું હોય છે. આ વ્યકિતગત વિકાસનો કાનૂન છે. સામાજિક અને આર્થિક ઉત્ક્રાન્તિ પણ એ જ કાનૂનને તાબે છે. ભૂલ કરવાનો અધિકાર એટલે કે અખતરાઓ કરવાની સ્વતંત્રતા પ્રગતિમાત્રની સામાન્ય સર્વ સ્થળે ને કાળે લાગુ પડનારી શરત છે.

સ્પીચિસ ઍન્ડ રાઇટિંગ્સ ઑફ મહાત્મા ગાંધી (૧૯૩૩), પા. ૨૪૫

રાષ્ટ્રોએ ઉત્ક્રાન્તિ ને ક્રાન્તિ બંને રીતે પ્રગતિ કરી છે. એક બીજાના જેટલી જ જરૂરી છે. મૃત્યુ, જે એક શાશ્વત સત્ય છે તે ક્રાન્તિ છે અને જન્મ અને તેની પાછળ આવતું બધું ધીમી પણ સ્થિર ગતિની ઉત્ક્રાન્તિ છે. માણસના વિકાસને સારુ મરણ ખુદ જીવનના જેટલું જ જરૂરી છે. ઇશ્વર દુનિયાએ જાણેલો અગર તે જાણશે એવો સૌથી મોટો ક્રાન્તિકારી છે. જ્યાં ક્ષણ પહેલાં બધું શાંત પ્રસન્ન હોય ત્યાં તેભીષણ તોફાનો મોકલે છે. અસાધારણ કાળજી અને અખૂટ ધીરજથી જે પર્વતોને તે ઊભા કરે છે તેમને ભોંય ભેગા સપાટ કરી દે છે. હું હંમેશ આકાશનું નિરીક્ષણ કરું છું ને તે જોઇ મારું મન ભય ને તાજુબીની લાગણીથી ઊભરાઇ જાય છે. હિંદ અને વિલાયત બંનેના શાંત, પ્રસન્ન નીલ આકાશમાં વાદળાંઓને ઘેરાતાં ને મને દિગ્મૂઢ કરી મૂકે એટલી ભીષણતાથી ફાટી પડતાં મેં જોયાં છે ઇતિહાસ નામધારી વ્યવસ્થિત પ્રગતિના કરતાં ઘણા વધારે પ્રમાણમાં અદ્‌ભૂત ક્રાન્તિઓની નોંધ છે.

યંગ ઇન્ડિયા, ૨-૨-’૨૨

પુનર્જન્મ

હું પૂર્વજન્મ અને પૂનર્જન્મને માનનારો છું. સહુ સંબંધો પૂર્વના સંસ્કારોનું ફળ હોય છે. ઇશ્વરના કાયદા અગમ્ય છે. એ અખંડ શોધનો વિષય છે. તેનો પાર કોઇ પામવાનું નથી.

હરિજનબંધુ, ૧૦-૮-’૪૦

ધાર્મિક કેળવણી

ધાર્મિક કેળવણીની બાબતમાં રાજ્યે ફિકર રાખવી જોઇએ અગર તેના કાર્યને તે પહોંચી વળી શેક એવું મને લાગતું નથી. હું માનું છુ કે ધાર્મિક કેળવણી કેવળ ધાર્મિક મંડળો અગર સંસ્થાઓની જવાબદારીની બાબત હોવી જોઇએ. અહીં ધર્મ અને નીતિનો ગોટાળો ન કરશો. મને લાગે છે કે પાયાની નીતિ બધા ધર્મોને સમાન છે. પાયાની નીતિનું શિક્ષણ બેશક રાજ્યનું એક કામ છે. ધર્મની વાત કરું છું ત્યારે મારા ખ્યાલમાં પાયાની નીતિ નથી પણ સંપ્રદાયો છે. રાજ્ય સંચાલિત ધર્મસંસ્થા અને રાજયની મદદથી ચાલતા ધર્મને કારણે આપણે ઠીક ઠીક સહન કર્યું છે. જે મંડળ અથવા સમૂહ પોતાના ધર્મની હસ્તીને સારુ રાજ્યની સહાય પર પૂરેપૂરો અગર થોડોઘણો આધાર રાખે છે તે ધર્મનું નામ લેવાને લાયક નથી અથવા વધારે સારી રીતે કહીએ તો તેને ધર્મનામને લાયક એવો કોઇ ધર્મ હોતો નથી. આ સત્ય મને ચોખ્ખું દીવા જેવું દેખાય છે અને તેને માટે મારે કોઇ દાખલા આપવાની જરૂર ન હોવી જોઇએ.

હરિજન, ૩૧-૮-’૪૭

ધાર્મિક આદર્શ

જે પૂર્ણપણે આ દેહે પાળી શકાય તે ધર્મ હોય જ નહીં. શ્રદ્ધા વિના ધર્મની પરીક્ષા નથી થતી. નથી શકતી. અનેે જો આ અપૂર્ણ ક્ષણભંગુર દેહમાં રહેતાં છતાં પૂર્ણતા સંભવતી હોય તો શ્રદ્ધાને કશું ક્ષેત્ર રહેતું જ નથી. આત્માના ગુણ અનંત મનાયા છે. જો આ દેહે પૂર્ણતા સંભવે તેો આત્માના ગુણની અનંતતાનો નાશ થાય છે. જો આ દેહે પૂર્ણતા સંભવતી હોય તો આજે ધર્મ શોધવાને સારુ જે ફાંફાં મારવાં પડે છે તે ન મારવાં પડે, કેમ કે એક પૂર્ણ દાખલો જોઇ સહુ તેને અનુસરે. જો આ દેહે પૂર્ણતા સંભવતી હોય તો જુદા જુદા સંપ્રદાયો મટી માત્ર એક જ સર્વમાન્ય ધર્મ પ્રવર્તતો હોય.

નવજીવન, ૪-૧૧-’૨૮

આદર્શની આદર્શતા તેની અનંતતામાં રહેલી છે, એટલે કે તેની દૂરસ્થતામાં રહેલી છે. તેની નજીક ગમે તેટલા જઇએ તોપણ તે દૂરનો દૂર જ રહે છે. એમ છતાં તે પાસે જ છે, કેમ કે તેના હોવાપણા વિશે, તેના સત્ય વિશે આપણી શ્રદ્ધા અવિચળ હોય. એ શ્રદ્ધા જ આપણું જીવન છે ને સર્વસ્વ છે.

નવજીવન, ૪-૧૧-’૨૮

હકનું બીજ ફરજ છે. આપણે બધા આપણી ફરજ અદા કરીે તો હક તો આપણી પાસે જ છે. જો ફરજ છોડી હકને બાઝવા જઇશું તો તે ઝાંઝવાનાં નીર જેવા છે. જેમ તેની પાછળ જઇએ તેમ તે નાસે છે. એ જ વસ્તુ કૃષ્ણે તેની દિવ્ય વાણીમાં ગાઇ બતાવી : ‘હે રાજા, કર્મનો જ તને અધિકાર છે; ફળનો કદી ન હજો.’ કર્મ તે ધર્મ છે; ફળ તે હક છે.

નવજીવન, ૮-૧-’૨૫

ગુપ્તતા

ગુપ્તતાને હું પાપ માનતો થયો છું.... આપણે જે કંઇ બોલીએ અગર કરીએ તેનો સાક્ષી ઇશ્વર છે એવી તેની હાજરીનું આપણને ભાન રહેતું હોય તો પૃથ્વી પર કોઇથીયે કશું આપણે છુપાવવાનું રહે નહીં કેમ કે આપણા સરજનહારની હાજરીમાં આપણે મેલા વિચાર નહીં કરીએ તો તે બોલવાની તો વાત જ શી ? મેલ જ છુપાવા માગે છે ને તે માટે અંધારું શોધે છે. માનવસ્વભાવની કુદરતી વૃત્તિ મેલ છુપાવવાની છે; આપણે મેલી ચીજોને જોવા કે અડવા માગતા નથી; આપણે તેમને આંખથી આધી રાખવા માગીએ છીએ. એવું જ આપણી વાણીનું પણ હોવું જોઇએ, હું એટલે સુધી સૂચવવા માગું છું કે દુનિયાથી છુપાવવા પડે એવા વિચારો પણ મનમાં આવતા આપણે ટાળવા.

યંગ ઇન્ડિયા, ૨૨-૧૨-’૨૦

પાપ

મારા પાપનાં પરિણામમાંથી હું ઉગારો શોધતો નથી ; હું ખુદ પાપમાંથી અથવા સાચી રીતે પાપના વિચારમાંથી ઉગારો ઝંખું છું. એ નેમ વિચારો પણ મનમાં આવતા આપણે ટાળવા.

મહાત્માં ગાંધીજી આઇડિયાસ (૧૯૩૦), પા. ૭૦

ઇશ્વરની નજરે તો પાપી અને સાધુ બંને સરખા છે. બંનેનો સરખો ન્યાય તોળવાનો છે અને બંનેને ઊર્ધ્વગમન કે આપઘાતની સરખી તક મળવાની છે. બંને ઇશ્વરનાં બાળક છે, એની કૃતિ છે. જે સાધુ પોતાને પાપી કરતાં ઊંચો માને છે તે સાધુપણું ગુમાવી બેસે છે અને પાપી કરતાં હલકો બને છે; કેમ કે એને પોતે શું કરે છે એનું ભાન નથી, જ્યારે પેલો ગર્વિષ્ઠ સાધુ તો જાણતો છતાં પાપ કરે છે.

હરિજનબંધુ, ૮-૧૦-’૩૩

મારાં અનેક પાપોનો મેં ખુલ્લેખુલ્લો એકરાર કર્યો છે. પણ એ પાપોનો ભાર માથે લઇને હું ફરતો નથી. મને લાગે છે કે હું ઇશ્વર પ્રત્યે પ્રગતિ કરી રહ્યો છું. જો એ ખરું હોય તો મારું કુશળ જ છે. કેમ કે હું ઇશ્વરના સન્નિધિતા પ્રકાશની હૂંફ અનુભવું છું. મારાં તપ, અનશન અને પ્રાર્થના મને સુધારશે એવો આધાર રાખીને હું બેસી રહું તો એ બધાની કશી કિંમત નથી એ હું જાણું છું. પણ હું આશા રાખું છું કે એ બધાં એક આત્માની તેના સરજનહારને ખોળે એનું થાકેલું શિર મૂકી દેવાની તાલાવેલીનાં લક્ષણો છે. એમ હોય તો એ બધાંની પાર વિનાની કિંમત છે.

હરિજનબંધુ, ૧૯-૪-’૩૬

પ્રેતાવાહન

મરેલાઓના આત્માઓ પાસેથી મને કોઇ સંદેશા મળતા નથી. એવા સંદેશાઓ આવવાજવાની શક્યતા નથી એવું માનવાને મારી પાસે કોઇ આધાર નથી, પણ એવો સંદેશાવહેવાર ચલાવવાના અભ્યાસને અગર તેના પ્રયાસ કરવાની વાતને હું બિલકુલ નાપસંદ કરું છું. એ સંદશાઓ ઘણી વાર ભ્રામક અને કેવળ કલ્પનાના તુક્કા હોય છે. આવો સંદેશાવહેવાર હોઇ શકે એવું માની લઇને ચાલીએ તોપણ એનો મહાવરો સંદેશાઓના માધ્યમને અને સંદેશાઓના માધ્યમને અને સંદેશા મોકલનાર જીવનેબંનેને નુકસાન કરે છે. આવી રીતે બોલાવવામાં આવતા આત્માનો ખરી રીતે આ દુનિયાથી છૂટવાનો અને ઊંચે ચડવાનો પ્રયત્ન હોવો જોઇએ તેને બદલે આમ લોભાવવાથી તે દુનિયા તરફ ખેંચાય છે ને તેના બંધનમાં પડે છે. દેહ છૂટી ગયેલો હોવાથી જીવ અવશ્યપણે વધારે શુદ્ધ થાય છે એવું નથી. પૃથ્વી પર વિચરતાં જીવ જે નબળાઇઓથી ઘેરાયો હતો તેમાંની ઘણીખરીને તે સાથે લેતો જાય છે. તેથી તેણે આપેલી ખબર અથવા સલાહ અવશ્ય સાચી અથવા સંગીન હોય એવું નથી. પૃથ્વી પરના લોકો સાથે જીવો વહેવારમાં આવવાનું પસંદ કરે છે એ આનંદની બીના નથી. ઊલટું, આવી ખોટી આસક્તિમાંથી તેને છોડાવવો જોઇએ. જીવોને થતા નુકસાન વિશે આટલું પૂરતું છે.

યંગ ઇન્ડિયા, ૧૨-૯-’૨૯

માધ્યમની વાત કરીએ તો જેને એવી ચોક્કસ ખબર છે કે મારા અનુભવમાં આવેલાં બધાં માધ્યમ કાં તો ચસકેલાં અગર નબળાં મનમાં હતાં ને એવો સંદેશાવહેવાર ચલાવતાં હોય અગર ચલાવે છે એમ માનતાં હોય તે વખતે પ્રત્યક્ષ કામ કરવા જેવી તેમની શક્તિ રહેલી નહોતી. આવા સંંદેશાવહેવાર ચલાવી જેને ફાયદો થયો હોય એવો મારો કોઇ મિત્ર મને યાદ આવતો નથી.

યંગ ઇન્ડિયા, ૧૨-૯-’૨૯

વહેમ

આપણે સાચુ, સરળ જીવન ગાળવા માંડીએ, એટલે વહેમો અને અનિષ્ટ વસ્તુઓ તો તરત જ ખરી પડે છે. એમની માન્યતાઓ સુધારવી એ હું મારું કામ નથી માનતો. હુંતો એમને સદાચરણ રાખવાનું કહું છું. તેઓ સદાચારી થાય એટલે પછી માન્યતાઓ સુધરતાં વાર નથી લાગવાની.

નવજીવન, ૨૧-૮-’૨૭

*****