સત્ય એ જ ઈશ્વર છે - 10 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્ય એ જ ઈશ્વર છે - 10

૧૦. ઇશ્વરનો અનુભવ

મારે મન સત્ય જ સર્વોપરી છે અને તેમાં અગણિત વસ્તુઓનો સમાવેશ થઇ જાય છે. આ સત્ય તે સ્થૂલ - વાચાનું - સત્ય નહીં. આ તો જેમ વાચાનું તેમ વિચારનું પણ ખરું. આ સત્ય તે આપણે કલ્પેલું સત્ય જ નહીં. પણ સ્વતંત્ર ચિરસ્થાયી સત્ય; એટલે કે પરમેશ્વર જ. પરમેશ્વરની વ્યાખ્યાઓ અગણિત છે. કેમ કે તેની વિભૂતિઓ પણ અગણિત છે. એ વિભૂતિઓ મને આશ્ચર્યચક્તિ કરે છે. એ મને ક્ષણવાર મુગ્ધ પણ કરે છે. પણ હું પૂજારી તો સત્યરૂપી પરમેશ્વરનો જ છું. એ એક જ સત્ય છે અને બીજું બધું મિથ્યા છે.એ સત્ય મને જડ્યું નથી, પણ એનો હું શોધક છું. એ શોધવાને અર્થે જે વસ્તુ મને પ્રિયમાં પ્રિય હોય તેનો ત્યાગ કરવા હું તૈયાર છું, અને એ શોધરૂપી પજ્ઞમાં આ શરીરને પણ હોમવાની મારી તૈયારી છે અને શક્તિ છે એવો મને વિશ્વાસ છે. પણ એ સત્યનો હું સાક્ષાત્કાર ન કરું ત્યાંં લગી મારો અંતસત્મા જેને સત્ય ગણે છે તે કાલ્પનિક સત્યને મારો આધાર ગણી, મારી દીવાદાંડી ગણી, તેને આશ્રયે મારું જીવન હું વ્યતીત કરું છું. આ માર્ગ જોકે ખાંડાની ધારે ચાલવા જેવો છે, છતાં મને એ સહેલામાં સહેલો લાગ્યો છે. એ માર્ગે જતાં મારી ભયંકર ભૂલો પણ મને નજીવી જેવી લાગી છે. કારણ કે એ ભૂલો કરતાં છતાં હું બચી ગયો છું અને મારી સમજણ પ્રમાણે, આગળ પણ વધ્યો છું. દૂર દૂરથી વિશુદ્ધ સત્યની - ઇશ્વરની ઝાંખી પણ કરી રહ્યો છું. સત્ય જ છે, એ સિવાય બીજું કાંઇ જ આ જગતમાં નથી, એવો મારો વિશ્વાસ દિનપ્રતિદિન વધતો જાય છે.

આત્મકથા, પ્રસ્તાવના પા. ૬

વળી, જેટલું મારે સારુ શક્ય છે તેટલું એક બાળકને સારુ પણ શક્ય છે એમ હું વધારે ને વધારે માનતો થયો છું, અને તેને સારુ મારી પાસે સબળ કારણો છે. સત્યની શોધનાં સાધનો જેટલાં કઠણ છે તેટલાં જ સહેલાં છે. એ અભિમાનીને અશક્ય લાગે અને એક નિર્દોષ બાળકને તદ્દન શક્ય લાગે. સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે, પણ સત્યનો પૂજારી તો રજકણ સુધ્ધાં તેને કચડી શકે તેવો અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે.

આત્મકથા, પ્રસ્તાવના પા. ૬-૭

ઇશ્વરમાં રહેલી આ શ્રદ્ધાનું ચણતર બુદ્ધિથી પર એવી શ્રદ્ધાશક્તિ પર કરવાનું છે. જેને સાક્ષાત્કાર કહેવાય છે એના મૂળમાં પણ, ખરેખર તો, શ્રદ્ધાનો અંશ રહે છે. તે વગર એની સત્યતા પુરવાર ન થઇ શકે. વસ્તુતઃ પણ એમ જ હોવું જોઇએ. પોતાના સ્વત્વની મર્યાદાઓને કોણ ઓળંગી જઇ શકે ? હું એમ માનનારો છું કે, સંપૂર્ણ સાક્ષાત્કાર આ શરીરમાં રહીને અશક્ય છે. અને એની જરૂર પણ નથી. માણસથી પહોંચી શકાય એવી સર્વોચ્ચ આધ્યાત્મિક ઉન્નતિ મેળવવા માટે જીવંત અચળ શ્રદ્ધા એ જ એક જરૂરની છે. ઇશ્વર આપણા આ ભૌતિક ખોળિયાની બહાર નથી. એટલે, કદાચ કાંઇકેય એની બાહ્ય સાબિતી હોય તોપણ તે બહુ કામની નથી. ઇન્દ્રીયો દ્રારા એને અનુભવવામાં તો આપણે હમેશ હારવાના જ, કેમ કે એ ઇન્દ્રિયાતીત છે. ઇન્દ્રિયજીવનથી પર થઇને જ આપણે એને સ્પશી શકીએ. આપણી અંદર સતત દિવ્ય સંગીત ચાલી રહ્યું છે; પરંતુ, કોલાહલ કરતી ઇન્દ્રિયો એ સૂક્ષ્મ સંગીતને ઢાંકી દે છે. આ સંગીત આપણે ઇન્દ્રીયો દ્રારા સાંભળી કે અનુભવી શકીએ એવી કોઇ પણ ચીજથી ક્યાંય ભિન્ન અને ચડિયાતું છે.

હરિજનબંધુ, ૨૧-૬-’૩૬

મેં એમ જોયું છે ને હું માનું છું કે ઇશ્વર આપણને કદી જાતે દેખાતો નથી; નિરાશાની અંધારીમાં અંંધારી પળે તમારા ઉદ્ધારને સારુ તે કર્મસ્વરૂપે કાર્યમાં પ્રગટ થાય છે.

હરિજન, ૧૩-૬-’૩૬

સત્યથી ભિન્ન કોઇ પરમેશ્વર હોય એવું મેં નથી અનુભવ્યું. . . મારી સત્યની ઝાંખી હજારો સૂરજને એકઠા કરીએ તોપણ જેના તેજનું પૂરું માપ ન મળી શકે એવા સત્યરૂપી સૂરજના એક કિરણમાત્રના દર્શનરૂપ છે. એનું સંપૂર્ણ દર્શન સંપૂર્ણ અહિંસા વિના અશક્ય છે, એટલું હું મારા આજ લગીના પ્રયોગોને અંતે અવશ્ય કહી શકું છું.

નવજીવન, ૩-૨-’૨૯

ઇશ્વરી ઇચ્છાનો કશો ખાસ સાક્ષાત્કાર તો મને નથી થયો. મારી દૃઢ માન્યતા છે કે ઇશ્વર પ્રત્યેક માણસને અહોરાત્ર સાક્ષાત્કાર આપ્યા જ કરે છે. પણ આપણે આપણા અંતરાત્માના એ ઝીણા અવાજને કાને ધરવાની ના પાડીએ છીએ. આપણે આપણી સામેના અગ્નિથંભ સામે આપણી આંખો મીંચીએ છીએ. મને સર્વત્ર એની સર્વવ્યાપકતાનું ભાન રહ્યા કરે છે.

નવજીવન, ૨૯-૫-’૨૧

માણસનું અંતિમ ધ્યેય ઇશ્વરનો સાક્ષાત્કાર છે, અને એની સામાજિક, રાજકીય, ધાર્મિક બધી પ્રવૃત્તિઓ ઇશ્વરદર્શનના અંતિમ ધ્યેયને અનુલક્ષીને થવી જોઇએ. મનુષ્યમાત્રની સેવા એ સાધનામાં એક આવશ્યક અંગ બની જાય છે, કેમ કે ઇશ્વરને પ્રાપ્ત કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે એની સૃષ્ટિમાં એને જેવો ને એ સૃષ્ટિમાં એને જોવો ને એ સૃષ્ટિની સાથે તાદાત્મ્ય સાધવું. એ તો સૌની સેવા દ્ધારા જ બની શકે. ને એ સેવા દેશસેવા વિના બની ન શકે. હું સમસ્ત વિશ્વનો એક અંશ છું. ને માનવજાતિથી ભિન્ન એવી રીતે હું ઇશ્વરને જોઇ ન શકું. મારા દેશબંધુઓ મારા નજીકમાં નજીકના પડોશી છે. એ એવા અસહાય, એવા નિર્ધન, એવા નિષ્ક્રિય બની ગયા છે કે મારે મારી બધી શક્તિ એમની સેવામાં વાપરવી જોઇએ. હિમાલયની ગુફામાં મને ઇશ્વર જડે એવું મારા મનમાં વસી જાય તો હું તરત ત્યાં ચાલ્યો જાઉં. પણ હું જાણું છું કે માનવજાતિથી ભિન્ન એવી રીતે હું ઇશ્વરને જોઇ નહીં શકું.

હરિજનબંધુ, ૩૦-૮-’૩૬

આપણી આસપાસ જે અભેદ્ય અંધકાર વ્યાપેલો છે તે આપત્તિ નથી પણ આશીર્વાદ છે. એણે આપઅણને એક જ ડગલું આગળ જોવાની શક્તિ આપી છે, ને એ પ્રેમળ જ્યોતિ આપણને એ એક જ ડગલું જોવા દે તો આપણે માટે બસ હોવું જોઇએ. તો પછી આપણે ‘પ્રેમળ જ્યોતિ’ ના કવિની જેમ ગાઇ શકીએ, ‘મારે એક ડગલું બસ થાય.’ અને આપણે ભૂત-કાળના અનુભવ પરથી ખાતરી કે એક ડગલું ભર્યા પછી બીજું ડગલું આપણને દેખાશે જ. બીજા શબ્દોમાં કહીએ તો આ અભેદ્ય અંધકાર આપણે કલ્પીએ એટલો અભેદ્ય નથી પણ જ્યારે આપણે અધીરા થઇને એ એક ડગલાની આગળ જોવા માગીએ છીએ ત્યારે એ અભેદ્ય જણાય છે.

હરિજનબંધુ, ૨૯-૪-’૩૪

તમે ને હું આ ઓરડામાં બેઠા છીએ વાતની મને જેટલી ખાતરી છે એના કરતાં વધારે ખાતરી ઇશ્વરના અસ્તિત્વ વિશે છે. વળી હું તમને મારી એ સાક્ષી પણ આપી શકું છું કે કદાચ હવા ને પાણી વિના જીવી શકું પણ ઇશ્વર વિના ન જીવી શકું. તમે મારી આંંખો ભલે ફોડી નાખો, પણ એથી હું મરી નહીં જાઉં. તમે મારું નાક કાપી નાખો, પણ એથી હું મરી નહીં જાઉં. પણ તમે મારી ઇશ્વર વિશેની આસ્થા ઉડાડી દો, તો મારા બાર વાગી જવાના. તમે આને વહેમ કહેવો હોય તો ભલે કહો, પણ હું કબૂલ કરું છું કે એ વહેમ સેવવો મને ગેમ છે, જેમ હું નાનો હતો ત્યારે કંઇક ડર આવી પડે ત્યારે હું રામનાથ લેતો. મારી એક ઘરડી દાઇએ મને એ શીખવેલું.

હરિજનબંધુ, ૧૫-૫’૩૮

આ પૃથ્વી પર મારી પાસે કામ લેનારા મેં જે જે જાણ્યા છે તેમાંનો સૌથી કરડો ને સખતમાં સખત ધણી ઇશ્વર છે. તે તમારી પૂરેપૂરી તાવણી કરે છે. અને જ્યારે તમને લાગે કે તમારી શ્રદ્ધા ડગી જવાની અણી પર છે અથવા તમારું શરીર તૂટી જવાની અણી પર છે અને તમે છેક હારી જવાની અણી પર હો ત્યારે તે ગમે તે રીતે તમારી વહારે ધાય છે અને તમને ખાતરી કરાવી આપે છે કે તમારે શ્રદ્ધા ગુમાવવાની હોય નહીં અને ધા નાખો કે વહારે દોડી આવવાને તૈયાર ઊભો છે; તમારી વહાર જોકે તે તમારી ઘડીએ તેણે મને તરછોડ્યો હોય એવો એક પણ દાખલો મને યાદ આવતો નથી.

સ્પીચિજ એન્ડ રાઇટિંગ્સ ઑફ મહાત્મા ગાંધી (૧૯૩૩), પા. ૧૦૬૯