૨૫. મંદિરો ને મૂર્તિઓ
મંદિરની હસ્તીને હું પાપ અગર વહેમ માનતો નથી. સમાન ઉપાસનાનું કોઇક સ્વરૂપ અને ઉપાસના માટેનું સમાન સ્થળ એ માણસની જરૂરિયાત હોય એમ લાગે છે. મંદિરોમાં મૂર્તિઓ રાખવી કે ન રાખવી એ પ્રકૃતિ અને રુચિ પર અવલંબે છે. હિંદુ અથવા રોમન કૅથલિક લોકોની ઉપાસનાના સ્થળમાં મૂર્તિઓ હોય છે તેથી તે બંંધા અવશ્યપણે ખરાબ હોય છે અથવા વહેમનાં ધામ હોય છે એવું હું માનતો નથી અને મસીદ અથવા પ્રૉટેસ્ટન્ટ લોકોના ઉપાસનાના સ્થળમાં મૂર્તિઓ હોતી નથી તેટલા જ કારણસર તે સારાં હોય છે એવું પણ હું માનતો નથી. ક્રુસ અથવા ગ્રંથ જેવી પ્રતિકરૂપ વસ્તુ સહેજે બુત બની જાય અને તેથી વહેમનું આલંબન બની જાય. અને બાળકૃષ્ણ અથવા વર્જિન મેરીની મૂર્તિની ઉપાસના અથવા પૂજા ભક્તને ઊંચે ચડાવે અને વહેમથી મુક્ત હોય. એ બધું ઉપાસક ભક્તના હ્ય્દયના ભાવ ઉપર આધાર રાખે છે.
યંગ ઇન્ડિયા, ૫-૧૧-’૨૫
આપણે સર્વ મનષ્યો તત્ત્વચિતક નથી હોતા. આપણે માટીના માનવી છીએ, ધરતી પર વસનારા રહ્યા એટલે આપણાં મન ધરતીમાં જ રમે છે, ને આપણને અદૃશ્ય ઇશ્વરનું ચિંતન કરીને સંતોષ નથી થતો. ગમે તેમ પણ આપણને એવું કંઇક જોઇએ છે જેનો આપણે સ્પર્શ કરી શકીએ, જેને આપણે નરી આંખે જોઇ શકીએ, જેની આગળ આપણે પગે પડી શકીએ. પછી ભલે એ વસ્તુ કોઇ ગ્રંથ હોય, કે એકાદ પથ્થરનું ખાલી મકાન હોય, કે અનેક મૂર્તિઓથી ભરેલું પથ્થરનું મકાન હોય. કોઇને ગ્રંથથી સમાધાન થશે, બીજા કોઇને ખાલી મકાનથી તૃપ્તિ થશે, તો વળી બીજા ઘણા એ ખાલી મકાનોમાં કંઇક ચીજ સ્થપાયેલી નહીં જુએ ત્યાં લગી એમને સંતોષ નહીં થાય. વળી હું તમને કહું છું કે આ મંદિરો વહેમનાં ઘર છે એવો ભાવ મનમાં રાખીને તમે ત્યાં નહીં જતા. મનમાં શ્રદ્ધા રાખીને આ મંદિરમાં જશો તો તમને જણાશે કે તેમ દરેક વકતે ત્યાં જઇ આવી શુદ્ધ થશો, ને જીવતાજાગતા ઇશ્વર પરની શ્રદ્ધા વધતી જશે.
હરિજનબંધુ, ૨૪-૧-’૩૭
આત્માની શુદ્ધિને સારુ દેવળે જવાનું હોય છે. દેવળે જનારો ઉપાસક પોતાનામાં રહેલી ઉત્તમોત્તમ વૃત્તિઓને કેળવે છે. કોઇક જીવતા માણસને નમસ્કાર કરવાથી નમસ્કાર સ્વાર્થ વગરનો હોય તો નમસ્કાર કરનાર ભક્ત જેને નમસ્કાર કરે છે તેનામાં રહેલી સારામાં સારી વૃત્તિને બહાર આણે છે. જીવતું માણસ બીજા કોઇ પણ માણસના જેવું જ વત્તુઓછું ભૂલને પાત્ર હોય છે. પણ મંદિરમાં માણસ જીવંત ઇશ્વર જે આપણે કલ્પી શકીએ તેથીયે વધારે પૂર્ણ છે. તેને ભજે છે. જીવતા માણસને લખેલા આજીજીના કાગળોના જવાબ મળે છે તોયે ઘણી વાર હ્ય્દયને ભાંગી નાખે છે અને વળી એવા કાગળોનો જવાહ હંમેશાં મળે જ એવુંયે હોતું નથી. ભક્તની કલ્પના પ્રમાણે મંદિરમાં રહેનારા ઇશ્વરને લખવાના પ્રેમના કાગળને માટે નથી શાહીની જરૂર પડતી, નથી કલમની જરૂર પડતી, નથી કાગળની જરૂર પડતી, અરે, તે માટે વાણીનીયે જરૂર નથી પડતી. કેવળ મૂક ઉપાસના ભક્તની આજીજીનો પત્ર બને છે અને તેનો જવાબ અચૂક મળ્યા વગર રહેતો નથી. એ આખુંયે કાર્ય શ્રદ્ધાના પ્રત્યક્ષ અમલનું સુંદર રૂપ લે છે. અહીં કોઇ પ્રયત્ન એળે જતો નથી, કોઇ હ્ય્દય ભાંગતાં નથી, ગેરસમજ થવાનો કશોયે ડર નથી. મંદિરોમાં, મસીદોમાં કે ગિરજાઘરોમાં થતી ઉપાસનાનું સરળ તત્ત્વજ્ઞાન સમજી લેવાનો લેખકે અવશ્ય પ્રયત્ન કરવો જોઇએ. ઇશ્વરને વસાવવાને માણસે યોજેલાં જુદા જુદા પ્રકારનાં આ ધામોમાં હું કોઇ ભેદ કરતો નથી એટુલું લેખકને સમજાશે તો મારી વાત તે વધારે સારી રીતે સમજી શકશે. માણસના દિલમાં વસતી શ્રદ્ધાએ નિર્ણાણ કરેલાં એ બધાં ધામ છે. જે અદૃશ્ય છે તેને જોવાની અને પહોંચવાની માણસના દિલની તાલાવેલી અગર ઝંખનાના જવાબમાં એ બધા ઊભાં થયાં છે.
હરિજન, ૧૮-૩-’૩૩
મૂર્તિપૂજક અને મૂર્તિભંજક એ બે શબ્દોનો સાચામાં સાચો અર્થ હું જે કલ્પું છું તે અર્થમાં હું તે બંને છું મૂર્તિપૂજાના ભીતરમાં રહેલી ભાવનાની હું ભારે કિંમત આંકું છું. માણસજાતને ઊંચે ચડાવવામાં તે મહત્ત્વનો ફાળો આપે છે. અને આપણી આ ભૂમિને પાવન કરનારાં હજારો મંદિરો વગેરે પુણ્યધામોને મારા જાનના જોખમે બચાવવાની શક્તિ મારામાં હોય એવું હું ઇચ્છું છું.
યંગ ઇન્ડિયા, ૨૮-૮-’૨૪
ઇશ્વરને ભજવાની પોતાની રીત સિવાયની બીજી કોઇ પણ રીતમાં કશીયે સાર્થકતા જોવાનો ઇન્કાર કરવાવાળા ધર્મઝનૂનના સૂક્ષ્મ સ્વરૂપની મૂર્તિપૂજાને હું તોડું છું તેટલા અર્થમાં હું મૂર્તિભંજક છું. પથ્થરના નાના ટુકડાની સાથે અથવા સુવર્ણની મૂર્તિની સાથે ઇશ્વરને એકરૂપ માનવાવાળી ભક્તિની પ્રત્યક્ષ દેખાતી અણધડ રીતનાકરતાં આ સ્વરૂપની મૂર્તિપૂજા વધારે ઘાતક છે કેમ કે તે વધારે સૂક્ષ્મ હોઇ તેના અસલ સ્વરૂપે પકડી શકાતી નથી.
યંગ ઇન્ડિયા, ૨૮-૮-’૨૪
મંદિરો, ગિરજાઘરો અને મસીદો ઘણી વાર ભ્રષ્ટ થયેલાં અને તેથીયે વધારે વાર તેમના મૂળ હેતુથી નીચાં ઊતરી ગયેલાં જોવાનાં મળે છે. તેમ છતાં બધાયે પાદરીઓને પૂજારીઓ કે મુતવલ્લીઓ ખરાબ હોય છે અગર ખરાબ હતા અને બધાંયે ગિરજાઘરો, મંદિરો ને મસીદો અનાચાર ને ભ્રષ્ટતાના અને વહેમના અડ્ડા છે એવું પુરવાર કરવાનું અશક્ય છે. વળી, કોઇ પણ ધર્મને કંઇક ને કંઇક વસવાના સ્થળ વગર ચાલ્યું નથી એ પાયાની હકીકતનો દલીલ કરતાં ખ્યાલ રાખવામાં આવતો નથી; અને હું તો એથીયે આગળ જઇને કહું છું કે માણસ જેવો ઘડાયેલો છે તેવો રહેશે ત્યાં સુધી કોઇ પણ ધર્મની આશ્રયના ધામ વગર હસ્તી જ અશક્ય છે એવી સ્વભાવગત વસ્તુસ્થિતિ છે. માણસનું ખુદ શરીર સાચી રીતે આત્માનું મંદીર કહેવાતું છે અને છતાં એવો અનુભવ ક્યાં અજાણ્યો છે કે એવાં અસંખ્ય મંદિરો એ હકીકતના ઇન્કારનો ભાસ કરાવે છે અને ભ્રષ્ટતાનાં ધામ જેવાં દેખાતાં હોઇ અનાચારને માટે વપરાતાં લાગે છે ? એક વાત સ્પષ્ટપણે દર્શાવી શકાય એવી છે કે આત્માનાં માનવશરીરરૂપી થોડીં મંદિરો યોગ્ય તેમ જ સાચાં મંદિરો છે, અને એટલું સાબિત થઇ શકે તો બીજાં ઘણાં એવાં મંદિરો ભ્રષ્ટ થયાં છે તેટલા સારુ બધાંયનો નાશ કરવો જોઇએ એવા વ્યાપક સૂચનનો છેવટનો જવાબ મળી રહે છે એમ હું માની લઉં છું. ઝાઝા દેહ ભ્રષ્ટ થાય છે તેનું કારણ આપણે બીજે શોધવું જોઇએ. પથ્થર ને ચૂનાથી બાંધેલાં મંદિરો આ માનવદેહરૂપી આત્માનાં મંદિરોના ખ્યાલનો સ્વાભાવિક વિસ્તાર છે અને તે બધાં એ માનવદેહરૂપી મંદિરોની જેમ ઇશ્વરને વસવાનાં ધામ છે એવો મૂળ ખ્યાલ બેશક હોવા છતાં તે બધાં પણ માનવદેહની માફક જ કુદરતના કાનૂનને વશ થઇ જીર્ણ થયા વગર રહેતાં નથી.
હરિજન, ૧૧-૩-’૩૩
જુદા જુદા ધર્મોમાં ઇશ્વરનાં ધામ મંદિર, મસીદ, ચર્ચ, સિનેગૉગ અથવા અગિયારી એમ જુદે જુદે નામે વર્ણવામાં આવ્યા છે અને હું એવા એક પણ ધર્મ અગર સંપ્રદાયની વાત જાણતો નથી જેણે એવા ધામ વગર ચલાવ્યું હોય અથવા જેને તે વગર ચાલતું હોય. વળી, ઇશુ સમેતના મહાન ધર્મસુધારકોમાંના કોઇએ મંદિરોનો સદંતર ત્યાગ અગર નાશ કર્યો છે એવું ચોક્કસપણે કહી શકાતું નથી. તે બધાએ મંદિરોમાંથી તેમ જ સમાજમાંથી ભ્રષ્ટતા કાઢવાની નેમ રાખી હતી. બધા નહીં તોયે તેમનામાંના ઘણાએ મંદિરોમાંથી ધર્મોપદેશ કર્યો જણાય છે. મેં વર્ષોથી મંદિરોમાંદર્શને જવાનું છોડી દીધું છે. પણ તેથી તે પહેલાંના કરતાં હું વધારે સારો માણસ થયો છું એવું મને લાગતું નથી. મારી મા મંદિરે જઇ શકાય એવી સ્થિતિમાં હોય તો કદી મંદિરે દર્શને જવાનું ચૂકી નથી, સંભવ છે કે હું મંદિરોમાં જતો નથી છતાં તેની શ્રદ્ધા મારી શ્રદ્ધા કરતાં વધારે દૃઢ ને મોટી હતી. આ બધાં દેવળો, મસીદો ને ગિરજાઘરો દ્ધારા કોટિ કોટિ માણસોની શ્રદ્ધાને આધાર તેમ જ પોષણ મળે છે. તે બધાં કોઇ વહેમનાં આંધળાં અનુયાયી નથી અને ધર્મઝનૂની પણ નથી. વહેમ અને ધર્મઝનૂનનો ઇજારો મંદિરોમાં જનારા એ કરોડોએ રાખ્યો નથી. એ દુર્ગુણોનાં મૂળ આપણાં મન ને હ્ય્દયમાં છે.
હરિંજન, ૧૧-૩-’૩૩