સત્ય એ જ ઈશ્વર છે - 24 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્ય એ જ ઈશ્વર છે - 24

૨૪. ઇશ્વર અને દેવો

પેલા સાધુએ કહ્યું, “હિંદુ ધર્મ એક ઇશ્વરને માનતો થઇ જાય તો ખ્રિસ્તી ધર્મ અને હિંદુ ધર્મ સાથે મળીને હિંદુસ્તાનની સેવા કરી શકે.”

ગાંધીજી : “એવો સહકાર થાય એ મને ગમે, પણ જ્યાં લગી આજનાં ખ્રિસ્તી મિશનો હિંદુ ધર્મની ઠેકડી કરવાનું અને હિંદુ ધર્મની ત્યાગ અને તેની નિંદા કર્યા વિના કોઇ સ્વર્ગ જઇ જ ન શકે એમ કહેવાનું ચાલુ રાખે ત્યાં લગી એવો સહકાર શક્ય નથી. પણ કોઇ ભલો ખ્રિસ્તી મૂકભાવે સેવા કરતો હોય અને ગુલાબના ફૂલની પેઠે પોતાના જીવનની સુવાસ હિંદુ કોમ પર પાડતો હોય એવું ચિત્ર હું કલ્પી શકું છું. ગુલાબને એની સવાસ ફેલાવવાને વાણીની જરૂર પડતી નથી, એ સુવાસ આપોઆપ ફેલાય જ છે. એવું જ સાચા ધર્મપરાયણ જીવનને વિશે છે. એમ થાય તો જગતમાં શાંતિ સ્થપાય ને માણસો પરસ્પર સદ્‌ભાવ રાખતા થાય. પણ જ્યાં લગી ખ્રિસ્તી ધર્મ લડાયક કે ‘સાબૂત કાંડાંબાવડાંવાળો’ રહેત્યાં સુધી એ બની ન શકે. ખ્રિસ્તી ધર્મનું એ રૂપ બાઇબલમાં નથી જડતું, પણ જર્મની અને બીજા દેશોમાં જોવા મળે છે.”

“પણ હિંદીઓ એક જ ઇશ્વરને માનવા લાગે અને મૂર્તિપૂજા છોડી દે તો આ બધી મુસીબતો ટળી જાય એમ આપને નથી લાગતું ?”

“એથી ખ્રિસ્તીઓને સંતોષ થશે ? તેમનામાં એકતા છે ખરી ?”

“ખ્રિસ્તી સંપ્રદાયોમાં તો એકતા નથી.”

“ત્યારે તમે તો માત્ર તાત્ત્વિક પ્રશ્ન પૂછ્યો. હું તમને પૂછું કે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ બંને એકેશ્વરવાદી મનાય છે છતાં તેમનું જોડાણ થયું છે ખરું ? આ બેનું જોડાણ ન થયું હોય તો તમે સૂચવો છો એવી રીતે ખ્રિસ્તી ને હિંદુનું જોડાણ થવાની આશા એથી ઓછી રખાય. મારી પાસે એનો ઉકેલ છે; પણ સૌથી પહેલાં તો હિંદુઓ અનેક દેવને માને છે ને મૂર્તિપૂજક છે; એ વર્ણનની સામે જ મારો વિરોધ છે. તેઓ જરૂર કહે છે કે દેવો અનેક છે, પણ તેઓ સ્પષ્ટ શબ્દોમાં એમ પણ કહે છે કે ઇશ્વર એક છે, અદ્ધિતીય છે, ને એ દેવોનો પણ દેવ છે. એટલે હિંદુઓ અનેક ઇશ્વરને માને છે જેમ માણસોનું વસેલું એક જગત છે અને પશુઓનું જુદું જગત છે. એ દેવોનેઆપણે જોતા નથી છતાં તેમની હસ્તી તો છે જ. દેવ કે દેવતા એ શબ્દને માટે અંગ્રેજી ભાષામાં ગૉડ શબ્દ વપરાય છે તેને લીધે જ આ બધો ગોટાળો થયો છે. સંસ્કૃત શબ્દ છે ઇશ્વર, દેવાધિદેવ એટલે કે દેવોનો પણ દેવ. હું પોતે પૂરેપૂરો હિંદુ છું પણ ઇશ્વર અનેક છે એમ કદી માનતો નથી. નાનપણમાં પણ માનતો નહોતો; અને એવું કોઇએ શીખવ્યું જ નહોતું.”

મૂર્તિપૂજા

“હવે મૂર્તિપૂજા વિશે. કોઇ ને કોઇ રીતની મૂર્તિપૂજા વિના માણસને ચાલતું જ નથી. મુસલમાન મસ્જિદને ઇશ્વરને ઇશ્વરનું નિવાસસ્થાન કહે છે ને તેનો બચાવ કરવા જાન આપે છે એ શા સારુ ? ખ્રિસ્તી દેવળમાં શા સારુ જાય છે અને શપથ ખાવા પડે ત્યારે બાઇબલના શપથ કેમ ખાય છે ? મને પોતાને તો એમાં કાંઇ વાંંધો દેખાતો નથી. અને માણસો મસ્જિદો અને રોજાઓ બાંધવા માટે અઢળક ધન આપે છે એ મૂર્તિપૂજા નહીં તો બીજું શું ? અને રોમન કેથલિકો પથ્થરની ઘડેલી કે કપડાં કે કાચ પર ચીતરેલી કુમારિકા મેરી અને સંતોની કાલ્પનીક પ્રતિમાઓ આગળ ઘૂંટણિયે પડે છે ત્યારે મૂર્તિપૂજા નહીં તો શું કરે છે ?”

“પણ હું મારી માતાની છબી રાખું છું ને માતા પ્રત્યેના ભક્તિભાવથી છબીને ચુંબન કરું છું, પણ છબીની પૂજા નથી કરતો. તેમ જ સંતોની પણ પૂજા નથી કરતો. હું જ્યારે ઇશ્વરને પૂજું છું ત્યારે એને જગતનો સર્જનહાર અને કોઇ પણ મનુષ્યના કરતાં મોટો માનું છું.”

“એ જ પ્રમાણે અમે પથ્થરને પૂજતા નથી પણ પથ્થર કે ધાતુની પ્રતિમાં ગમે એટલી બેડોળ હોય તોય એમાં ઇશ્વરને પૂજીએ છીએ.”

“પણ ગામડાંના લોકો તો પથ્થરને જ ઇશ્વર માનીને પૂજે છે.”

“ના. હું કહું છું કે તેઓ ઇશ્વરને જ પૂજે છે, બીજા કશાને નહીં. તમે કુમારિકા મેરી આગળ ઘુંટણિયે પડો છો ને તેના આશીર્વાદ માગો છો ત્યારે શું કરો છો ? તમે તેની મારફતે ઇશ્વર સાથે યોગ સાધવા માગો છો. એ જ પ્રમાણે હિંદુ ઉપાસક પાષણની મૂર્તિ દ્ધારા ઇશ્વરની સાથે યોગ સાધવા માગે છે. તમે કુમારિકાના આશીર્વાદ માગો છો, તે ઇશ્વરની જોડે તમારો સંબંધ બાંધી આપે એમ માગો છો એ હું સમજી શકું છુ. મુસલમાન મસીદમાં દાખલ થતાં આદર અને ભક્તિ કેમ અનુભવે છે ? આખું જગત એ મસીદ નથી ? અને આપણે માથે આકાશનું જે ભવ્ય છત્ર પથરાયેલું છે તેનું શું ? એ મસીદના કરતાં કંઇ ઊતરે એવું છે ? પણ હું મુસલમાનોને સમજી શકું છું ને તેમના પ્રત્યે સમભાવ રાખું છું. ઇશ્વરની ઉપાસના કરવાનો તેમનો એ તરીકો છે.એ જ પરમાત્માને પ્રાપ્ત કરવાનો હિંદુનો તરીકો જુદો છે. આપણી સાધનાના માર્ગ જુદા છે, પણ એથી ઇશ્વર જુદો જુદો નથી બનતો. ”

“પણ કૅથલિકો માને છે કે ઇશ્વરે સાચો રસ્તો એમને બતાવ્યો છે.”

“પણ તમે કેમ કહો છો કે ઇશ્વરની ઇચ્છા બાઇબલ નામના એક જ પુસ્તકમાં પ્રગટ થયેલી છે અને બીજામાં નથી ? તમે ઇશ્વરની શકિતને મર્યાદિત શા સારુ માનો છો ?”

“પણ ઇશુએ ચમત્કારો દ્ધારા સિદ્ધ કર્યું કે એને ઇશ્વરનો અવાજ સંભળાયો હતો.”

“મહમદનો પણ એ જ દાવો છે. તમે ખ્રિસ્તીનો પુરાવો માનો તો મુસલામાનનો અને હિંદુનો માનવો જ જોઇએ.”

“પણ મહમદં તો કહેલું કે મારાથી ચમત્કારો નહીં થઇ શકે.”

“ના. એમને ઇશ્વરની હસ્તી ચમત્કારો વડે સિદ્ધ નહોતી કરી બતાવવી. પણ મને ખુદાની વહી આવે છે એમ તો તે કહેતા હતા.”

હરિજનબંધુ, ૧૪-૩-’૩૭

અવતાર

ઇશ્વર મનુષ્ય નથી. એટલે એ કોઇ પણ મનુષ્યમાં ઊતરે છે કે અવતરે છે એમ કહેવું એ પણ પૂર્ણ સત્ય નથી. એમ કહી શકાય કે ઇશ્વર કોઇ મનુષ્યમાં અવતરે છે એનો અર્થ માત્ર એટલો કે તે માણસમાં આપણે વધારે ઐશ્વર્ય કે ઇશ્વરપણું જોઇએ છીએ. ઇશ્વર તો સર્વવ્યાપી હોઇ બધેયે ને બધામાં છે એ અર્થમાં આપણે બધા જ ઇશ્વરના અવતાર કહેવાઇએ. પણ એમ કહેવાથી કશો અર્થ સરતો નથી. રામ, કૃષ્ણ આદિ અવતાર થઇ ગયા એમ કહીએ છીએ કેમ કે તે તે વ્યકિતઓમાં ઐશ્વર્યનો અનુભવ લોકોએ કર્યો હતો. અંતે તો કૃષ્ણાદિ મનુષ્યની કલ્પનામાં વસે છે, તેની કલ્પનાના છે. એવી ઐતિહાસિક વ્યકિત થઇ ગયેલ છે કે નહીં તેની સાથે કલ્પનાને કંઇ લેવાદેવા નથી. કેટલીક વેળા ઐતિહાસિક રામ ને કૃષ્ણને માનવા જતાં આપણે જોખમભરેલે રસ્તે ચડી જઇએ છીએ ને અનેક તર્કોનો આશ્રય લેવો પડે છે.

ખરું જોતાં ઇશ્વર એક શક્તિ છે, તત્ત્વ છે; તે શુદ્ધ ચૈતન્ય છે, સર્વવ્યાપક છે; છતાં તેનો આશ્રય કે ઉપયોગ બધાને મળતો નથી; અથવા કહો કે બધા તેનો આશ્રય મેળવી શકતા નથી.

વીજળી મહાશક્તિ છે પણ તેનો ઉપયોગ બધા મેળવી શકતા નથી. તેને પેદા કરવાના અનિવાર્ય કાયદા છે તેને વશ વર્તીએ તો જ તે મળી શકે. વીજળી જડ છે. તેના ઉપયોગના કાયદા માણસ જે ચેતન છે તે મહેનત વડે જાણી શકે છે.

ચેતનમય મહાશક્તિ, જેને આપણે ઇશ્વર નામ આપીએ છીએ તેના ઇપયોગના કાયદા છે જ.

હરિજનબંધુ, ૨૨-૬-’૪૭

હિંદુ ધર્મ મહાસાગર છે. તેમાં અનેક રત્નો પડેલાં છે. જેટલા ઊંડા જાઓ તેટલાં વધારે રત્નો મળે. હિંદુ ધર્મમાં ઇશ્વરનાં અનેક નામ છે. હજારો લોકો રામ અને કૃષ્ણને ઐતિહાસિક વ્યક્તિઓ માને છે. વળા તે લોકો માને છે કે, દશરથના પુત્રરૂપેૅ ઇશ્વરે પૃથ્વી પર અવતાર લીધો અને તેની પૂજા કરવાથી માણસને મુક્તિ મળે છે. આવું જ શ્રી કૃષ્ણને વિશે મનાય છે. ઇતિહાસ, દંતકથા અને સત્ય એટલાં બધાં નામો કાયમ રાખીને બધાંમાં નિરાકાર, સર્વવ્યાપી રામને જ જોઉં છું. મારો રામ સીતાપતિ, દશરથનંદન, કહેવાતો છતો સર્વશક્તિમાન ઇશ્વર જ છે. એનું નામ હ્ય્દયમાં હોય, તો સર્વ દુઃખો નાશ પામે છે.

હરિજનબંધુ, ૨-૬-’૪૬