૨૬. વૃક્ષપૂજા
એક ભાઇ પોતાના કાગળમાં લખે છે :
“ઝાડનાં થડનાં ઠૂંઠાં, પથ્થરો ને વૃક્ષોની પૂજા કરતાં સ્ત્રીઓ તેમ જ પુરુષો આ દેશમાં સામાન્યપણે જોવાનાં મળે છે. પણ ઉત્સાહી સમાજસેવકોનાં કુટુંબોની ભણેલીગણેલી ને કેળવાયેલી બહેનો સુધ્ધાં એ રિવાજથી પર નથી એ જોઇ મને નવાઇ થઇ. એમાંથી કેટલીક બહેનો ને મિત્રો એ રિવાજનો એવો બચાવ કરે છે કે કોઇ ખોટી માન્યતાઓ પર નહીં પણ પ્રકૃતિમાં રહેલા ઇશ્વરને માટેની પૂજ્યતાની શુદ્ધ ભાવના પર આ રિવાજ મંડાયેલો હોઇ તેને વહેમમાં ગણી શકાય નહીં. વળી, તે બધા સત્યવાન અને સાવિત્રીનાં નામનો હવાલો આપીને કહે છે કે અમે એ રિવાજોનું પાલન કરી તેનું સ્મરણ કાયમ કરીએ છીએ. મને આ દલીલ ગળે ઊતરતી નથી. આ વિષય વધારે સ્પષ્ટ કરવાની આપને વિનંતી કરું ?”
આ સવાલ મને ગમ્યો. મૂર્તિપૂજાનો અતિપ્રાચીન મુદ્દો તેમાં ઉઠાવવામાં આવ્યો છે. હું મૂર્તિપૂજાની ભાવના બગડતી બગડતી બુતપરસ્તી બને અને તેના પર ખોટી માન્યતાઓ ને સિદ્ધાંતોનું પડ વળી જાય ત્યારે એક ભૂંડા સામાજિક અનિષ્ટ લેખે તેની સામે લડવાની જરૂર ઊભી થાય છે. બીજી બાજુથી વિચારતાં જણાશે કે પોતાના આદર્શને પ્રત્યક્ષ દેખી શકાય એવો ઘાટ અથવા આકાર આપવાની વૃત્તિ તરીકે મૂર્તિપૂજા માણસના બંધારણમાં છે અને ભક્તિની સાધનાને માટે બહુ ઉપયોગી સાધન પણ છે. એટલે આપણે જે ગ્રંથિને ધાર્મિક અથવા પવિત્ર માનતા છીએ. પવિત્રતાના ભાવ સાથે અથવા પૂજ્યભાવ સાથે આપણે મંદિર અગર મસીદમાં પ્રવેશ કરીએ છીએ. ત્યારે પણ મૂર્તિપૂજા કરીએ છીએ. અને આ બધી વાતમાં મને કશું ખોટું થતું હોય એવું લાગતું નથી. ઊલટું માણસને ટૂંકી મર્યાદિત સમજ મળેલી હોવાથી તે આ સિવાય બીજી રીતે વર્તી જ નહીં શકે. એવી જ રીતે વૃક્ષપૂજામાં કંઇક સ્વભાવગત અનિષ્ટ અથવા નુકસાન માનવાની વાત તો દૂર રહી, મને તેમાં ઊંડી કરુણાની તેમ જ કાવ્યમય સૌંદર્યની ભાવનાથી ભરેલી વસ્તુ જોવા મળે છે. પોતાના સુંદર આકારો અને સ્વરૂપોની અખંડ અનંત ચિત્ર થકી જાણે કે કરોડો જીભ વડે ઇશ્વરની મહત્તાનો યશ તેમ જ વૈભવ પોકારનારી વનસ્પતિની સમગ્ર સૃષ્ટિ માટેના પૂજ્યભાવનું વૃક્ષપૂજા પ્રતીક બને છે. વનસ્પતિ વગર આપણો ગ્રહ જીવનને એક ક્ષણ માટે ટકાવી નહીં શકે. તેથી જેમાં વૃક્ષોની અછત હોય તેવા દેશામાં વૃક્ષપૂજામાં ઊંડા આર્થિક રહસ્યની વાત ખાસ કરીને સમાયેલી છે.
એટલે વૃક્ષપૂજાની સામે જેહાદ ઉપાડવાની મને કોઇ જરૂર દેખાતી નથી. પોતાના કાર્યના ભીતરમાં કેવી કેવી વિચારવાળી સમજ રહેલી છે તેનો ચોખ્ખો ખ્યાલ વૃક્ષોની પૂજા કરવાવાળી ગરીબ ભોળા દિલની બહેનોને હોતો નથી એ વાત સાચી છે. સંભવ છે કે આવી પૂજા પોતે શા સારુ કરે છે તેનો ખુલાસો પણ તે બધી આપી નહીં શકે. પોતાની શુદ્ધ, કેવળ સરળ શ્રદ્ધાની મારી તે બધી આ કાર્યમાં પ્રેરાય છે. આવી શ્રદ્ધા અવગણવા જેવી વસ્તુ નથી; તે એક મહાન સમર્થ શક્તિ હોઇ કાળજીથી સંઘરવા જેવી છે.
વૃક્ષોની આગળ જઇને તેમનાા ભક્તો જે પ્રાર્થના કરે છે ને બાધાઆખડી રાખે છે તેની વાત જોકે તદ્દન જુદી છે. સ્વાર્થી હેતુઓ પાર પાડવાને શું ગિરજાઘરોમાં કે મસીદોમાં શું દેવળોમાં કે શું વૃક્ષોની કે ધાર્મિક ઇમારતોની આગળ પ્રાર્થના કરવામાં આવે છે કે બાધાઆખડીની ભેટ ધરવામાં આવી છે તે વાતને ઉત્તેજન આપવા જેવું નથી. સ્વાર્થી આજીજીઓ કરવાની અથવા બાધા રાખવાની વાતનો મૂર્તિપૂજાની સાથે કાર્યકારણનો સંબંધ નથી. કોઇ મૂર્તિની આગળ શું કે કોઇ અદૃષ્ટ ઇશ્વરની આગળ શું, ગમે તેની આગળ કરેલી અંગત સ્વાર્થ માટેની પ્રાર્થના ખરાબ ચીજ છે.
આ પરથી જોકે કોઇ એવું ન સમજે કે હું સામાન્યપણે વૃક્ષપૂજાની હિંમાયત કરું છું. ભક્તિને માટે આવશ્યક સહાય તરીકે હું વૃક્ષપૂજાનો બચાવ નથી કરતો, પણ આ વિશ્વમાં ઇશ્વર અસંખ્ય સ્વરૂપે જોવાનો મળે છે અને તેનું એવું કોઇ પણ સ્વરૂપ મારા સહજ પૂજ્યભાવનું અધિકારી છે એટલા જ કારણસર હું તેનો બચાવ કરું છું.
યંગ ઇન્ડિયા, ૨૬-૯-’૨૯