મારા સ્વપ્નનું ભારત - 32 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા સ્વપ્નનું ભારત - 32

પ્રકરણ બત્રીસમું

ગોરક્ષા

હિંદુ ધર્મની પ્રધાન વસ્તુ નિરાળી જ છે. તે ગૌરક્ષા. ગૌરક્ષા એ મનુષ્યના આખા વિકાસક્રમમાં મને સૌથી અલૌકિક વસ્તુરૂપે ભાસી છે.

ગાયનો અર્થ હું માણસની નીચેની આખી મૂંગી દુનિયા એવો કરું છું.

ગાયને બહાને, એ તત્ત્વ દ્વારા માણસને આખી ચેતનસૃષ્ટિ જોડે આત્મીયતાનો અનુભવ કરાવવાનો એમાં પ્રયત્ન છે. આવો દેવભાવ ગાયને જ કેમ આપવામાં આવ્યો હશે એ પણ મને તો સ્પષ્ટ છે. ગાય જ હિંદુસ્તાનમાં માણસનો સૌથી સાચો સાથી-સૌથી મોટો આધાર હતી. એ જ એક હિંદુસ્તાનની કામધેનુ હતી. તે માત્ર દૂધ જ આપનારી નહોતી, આખી ખેતીનો એ આધારસ્તંભ હતી.

ગાય એ દયાધર્મની મૂર્તિમંત કવિતા છે. આ ગરીબ અશરાફ પ્રાણીમાં આપણે કેવળ દયા જ ઊભરાતી જોઈએ છીએ. લાખો કરોડો હિંદીઓને ઉછેરનારી એ માતા છે. એ ગાયની રક્ષા તે ઈશ્વરની આખી મૂક સૃષ્ટિની રક્ષા છે. જે અજ્ઞાત ઋષિ કે દ્રષ્ટાએ આ ગોપૂજા ચલાવી તેણે ગાયથી શરૂઆત કરેલી. એથી નિરાળું બીજું કશું એનું ધ્યેય હોઈ જ ન શકે. આ પશુસૃષ્ટિની અરજ મૂંગી છે તેથી વળી વધારે જ અસરકારક છે.

ગૌરક્ષા એ હિંદુ ધર્મ દુનિયાને આપેલી બક્ષિસ છે. અને હિંદુ ધર્મ પણ જ્યાં સુધી ગાયની રક્ષા કરનાર હિંદુઓ છે ત્યાં સુધી જ રહેશે...

હિંદુઓની પરીક્ષા ટીલાં કર્યાથી, સ્વરશુદ્ધ મંત્રો ભણ્યાથી, તીરથ- જાત્રાઓ કર્યાથી, કે ન્યાતફિરકાઓના ઝીણામાં ઝીણા નિયમો ચીવટથી પાળ્યાથીયે નહીં, પણ ગાયને બચાવવાની તેમની શક્તિથી જ થવાની છે.૧

ગોમાતા જન્મદાત્રી માતા કરતાં ઘણી રીતે અદકી છે. માતા તો બે વરસ દૂધ પાય, પણ પછી આશા રાખે કે છોકરો મોટો થઈને મારી સેવા કરશે. ગોમાતા તો બાપડી આપણી પાસે ઘાસચારા ઉપરાંત કશી સોવાની આશા નથી રાખતી. મા તો ઘણી વાર બીમાર પડે અને સેવાચાકરી માગે. ગોમાતા તો ભાગ્યે જ બીમાર પડે છે. અને એની સેવા તો એ મરે ત્યારે પણ પૂરી નથી થતી. આપણી માતા મરે ત્યારે તેને બાળવા કે દાટવાના પૈસા તો જોઈએ જ. ગોમાતા મરે ત્યારે પૈસા નથી માગતી, પણ સામી પૈસા આપે છે. એના માંસનું ખાતર થાય, એનાં હાડકાંના અનેક ઉપયોગ થાય, એનાં આંતરડાંની તાંત થાય, એનાં

શિંગડાની અનેક વસ્તુ બને, અને ચામડાની તો કેટલીક વસ્તુ બને તે તમે જાણો છો. પણ આ બધું આપણી જન્મદાત્રી માને વખોડવાને હું નથી કહેતો-તેના ગુણો જુદા જ અનેક છે જ- પણ આ તો ગામાતાને હું પૂજારી કેમ થયો એ બતાવવા કહી રહ્યો છું. ૨

આપણાં ઢોરોની આ દુર્દશા આપણી ઘાતકી બેદરકારી સિવાય બીજા કશાની જ સૂચક નથી. આપણી પાંજરાપોળો આપણી દયાવૃતિ ઉપર ખડી થયેલી સંસ્થાઓ છતાં, તે વૃત્તિનો અતિ બેહૂદો અમલ કરનારી સંસ્થાઓ માત્ર છે. તેઓ નમૂનેદાર ગોશાળાઓ કે ડેરીઓ અને ઘાતકી રાષ્ટ્રીય સંસ્થાઓ તરીકે ચાલવાને બદલે માત્ર ખોડાં ઢોરો રાખવાનાં ધર્માદા ખાતાંઓ જ થઈ પડી છે !...અત્યારે તો ગોરક્ષાધર્મનો દાવો કરનારા આપણે ગાયને અને વંશને ગુલામ બનાવી જાતને ગુલામ બન્યા છીએ. ૩

આ સાપ્તાહિકમાં અનેક વાર ભાર મૂકીને જણાવ્યું છે, તે જરા વધારે સ્પષ્ટ કરવાની જરૂર છે,-તે એ કે, કાયદો કરીને ગોવધ બંધ કરવાથી ગોરક્ષા નથી થઈ જતી; એ તો ગોરક્ષાના કાર્યનો અલ્પમાં અલ્પ ભાગ છે...લોકો એમ માનતા લાગે છે કે કોઈ પણ અનિષ્ટની વિરુદ્ધ કાંઈ કાયદો કરવામાં આવ્યો કે તુરત જ બીજી કશી ભાંજગડ વિના તે નાબૂદ થશે.

આના જેવી ભયંકર છેતરામણ એકે નથી. કોઈ દુષ્ટ બુદ્ધિના અજ્ઞાન અથવા નાનકડા સમાજની સામે કાયદો કરવામાં આવે છે તો તેની અસર પણ થાય

છે; પણ જે કાયદાની સામે સમજુ અને વ્યવસ્થિત લોકમતનો વિરોધ હોય, અથવા ધર્મને બહાને નાનકડા મંડળનો પણ વિરોધ હોય, તો તે કાયદો સફળ ન થાય. ગોરક્ષાના પ્રશ્નનો જેમ જેમ વધારે અભ્યાસ કરતો જાઉં છું તેમ તેમ મારો મત દ્દઢ થતો જાય છે કે, ગાય અને તેની પ્રજાનું રક્ષણ તો જ થઈ શકે કે જો મેં ઉપર જણાવી છે તે દિશામાં ચાલુ અને અનવરત

પ્રયત્ન કરવામાં આવે. ૪

એટલે એ સવાલ સહેજે ઉત્પન્ન થાય છે કે જે ગાય પૂરતું દૂધ ન દેતી હોય અથવા બીજા કોઈ દોષવાળી હોય તેને કતલખાનામાં જતી કઈ

રીતે બચાવવી. આ સવાલનો જવાબ નીચે મુજબ આપી શકાય : ૧. ગોવંશ પ્રત્યે હિંદુ પોતાનો ધર્મ પૂરી રીતકે પાળે. તે એમ કરે તો આપણાં ઢોર હિંદુસ્તચાનમાં શું, આખી દુનિયામાં પંકાય. આજની હાલત એથી ઊલટી છે.

૨. ગોવંશપાલન અને તેની વૃદ્ધિનું શાસ્ત્રજ્ઞાન હિંદુ પૂરેપૂરું મેળવે.

આજે આ બાબતમાં અંધેર પ્રવર્તે છે.

૩.વાછરડાને ખસ્સી કરવાની આજે જે નિર્દય રીત પ્રચલિત છે તેને બદલે પશ્ચિમમાં પ્રચલિત થયેલી પ્રમાણમાં નિર્દોષ ક્રિયા આપણે ત્યાં દાખલ કરવી.

૪. આજે પાંજરાપોળ ચલાવવામાં જે અજ્ઞાન પ્રવર્તે છે તે દૂર કરવાને ખાતર જાણકાર માણસો રોકી સિદ્ધ થયેલી પદ્ધતિ પ્રમાણે પાંજરાપોળો ચલાવી અજ્ઞાન દૂર કરવું.

૫.જ્યારે આ ચારે વસ્તુ થઈ હશે ત્યારે આપણે જોઈશું કે જો હિંદુ-મુસલમાનોમાં મિત્રભાવ પ્રવર્તતો હશે તો એક મિત્રતાને ખાતર જ મુસલમાનો પોતાની મેળે ગોમાંસને માટે અથવા બીજાં કોઈ કારણસર ગોકશી કરતા અટકશે.

વાંચનાર જોઈ શકશે કે આ પાંચે મુદ્દાની પાછળ એક જ વસ્તુ રહેલી છે એટલવે અહિંસકા અથવા વિશ્વપ્રેમ. એ હોય તો ઉપરની વસ્તુઓ ને એવુ બીજું બધું આપમેળે ઠેકાણે આવી જાય. જ્યાં અહિંસા પ્રવર્તે છે ત્યાં ધીરજ હોય, જ્ઞાન હોય, શાંતિ હોય, વિવેક હોય, ત્યાગ હોય. ગોસેવાનો ધર્મ બહુ કઠણ છે. ગોરક્ષાને નામે ઘણો પૈસો રેડાય છે છતાં ધર્મ અને અહિંસાને અભાવે રક્ષક હોવાને બદલે હિંદુ ગાયનો ભક્ષક થઈ પડ્યો છે. વિદેશી સત્તાને ઉખેડવામાં મુશ્કેલીઓ પડી તેના કરતાં વધારે મુશ્કેલી ગોવંશપાલન અને તેની વૃદ્ધિ કરવાની આડે પડેલી છે.

(નોંધ : હિંદુસ્તાનની ગાય સરેરાશ રાજનું બશેર દૂધ આપે છે, જ્યારે ન્યૂઝીલૅન્ડની ગાય ચૌદ રતલ, ઈંગ્લંડની પંદર રતલ, અને હોલૅન્જની વીસ રતલ દૂધ આપેછે. તંદુલસ્તી દર્શાવનારા આંકડા પણ દૂધની ઊપજના પ્રમાણમાં ઊંચા જાય છે.) ૫

ભેંસના દૂધ વિષેનો આપણો પક્ષપાત જોઈને હું સડક થઈ જાઉં છું. આપણે તાત્કાલિક સ્વાર્થ તરફ જોઈએ છીએ, દૂરના લાભનો વિચાર નથી કરતા. નહીં તો એટલું તો સ્પષ્ટ છે કે છેવટે તો ગાય જ વધારે ઉપયોગી છે. ગાયના ધી અને માખણમાં એક ખાસ પ્રકારનો પીળો રંગ હોય છે, જેમાં ભેંસના માખણ ધી કરતાં કેટલુંયે વધારે કેરોટિન એટલે કે ‘એ’વિટામિન હોય છે. એમાં એક ખાસ પ્રકારની સુગંધ હોય છે. મને મળવા આવનાર વિદેશી મુસાફરો સેવાગ્રામમાં ગાયનું ચોખ્ખું દૂધ પીને ખુશ થઈ જાય છે. અને યુરોપમાં તો ભેંસનાં ધી માખણ કોઈ જાણતું જ નથી. એક હિંદુસ્તાનમાં જ લોકોને ભેંસનાં દૂધ ઘી આટલાં ગમે છે. આને લીધે ગાયની બરબાદી થઈ છે. અને તેથી હું કહું છું કે આપણે એકલી ગાયની સેવા પર જ ભાર ન મૂકીએ તો ગાય બચી શકવાની નથી.