મારા સ્વપ્નનું ભારત - 30 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા સ્વપ્નનું ભારત - 30

પ્રકરણ ત્રીસમુ

મિલઉધોગ

આજે આપણી મિલો આપણી જરૂરિયાત જેટલું સૂતર પેદા કરી શકે એમ નથી. અને એમ કરી શકે તેમ હોય તોપણ તેમને ફરજ પાડવામાં ન આવે ત્યાં સુધી તેઓ ભાવ નીચા રાખશે નહીં. તેઓ ખુલ્લી રીતે કહે છે કે તેમનો ઉદ્દેશ પૈસા કમાવાનો છે એટલે તેઓ રાષ્ટ્રની જરૂરિયાત પ્રમાણે ભાવોનું નિયમન કરશે નહીં. તેથી ગરીબ ગ્રામ-જનોના હાથમાં કરોડો રૂપિયા મૂકવા માટે હાથકાંતણની યોજના કરવામાં આવી છે. દરેક ખેતીપ્રધાન દેશને પોતાના ખેડૂતો ફુરસદના સમયનો ઉપયોગ કરી શકે તે માટે કોઈ પૂરક ઉધોગની જરૂર પડે છે. ભારત માટે આ ઉધોગ હમેશાં કાંતણનો રહ્યો છે. જે પુરાણા ઉધોગના નાશને પરિણામે ગુલામી અને દારિધ આવ્યાં છે અને ભારતનાં વસ્ત્રોમાં સંપૂર્ણ-પણે વ્યક્ત થતી, દુનિયાને જેની અદેખાઈ આવે એવી અજોડ કલા-પ્રતિભા લુપ્ત થઈ છે તે ઉધોગને ફરી સજીવન કરવાનો પ્રયત્ન એ શું તરંગીઓનો આદર્શ છે ? ૧

મોટો મિલઉધોગ એ હિંદી ઉધોગ છે એવો દાવો સામાન્યપણે કરી શકાય ખરો. પણ, જાપાન અને લૅકેશાયરની સાથે ટકકર ઝીલવાની તેની શક્તિ છતાં, એ ઉધોગ જેટલે અંશે ખાદી ઉપર વિજય મેળવે છે તેટલે અંશે તે જનસમૂહનું શોષણ કરે છે અને એમના દારિધમાં વધારો કરે છે.

આખા દેશમાં જંગી યાંત્રિક ઉધોગો ઊભા કરી દેવાની આ જમાનાની ઘેલછામાં મારા વિચારને છેક જ ફેંકી દેવામાં ન આવ્યો હોય તોયે એને વિષે શંકા તો ઉઠાવવામાં આવી જ છે. એની સામે એમ કહેવામાં આવ્યું છે કે યાંત્રિક ઉધોગોની પ્રગતિને લીધે જનસમૂહ-નું દારિધ વધતું જાય છે એ વસ્તુ અનિવાર્ય છે ને તેથી સહન કર્યે છૂટકો છે. એ અનિષ્ટ સહન કરવા જેવું તો શું, એ અનિવાર્ય છે એમ પણ હું માનતો નથી. અખિલ ભારત ચરખા સંઘે સફળતાપૂર્વક બતાવી આપ્યું છે કે પ્રજાની ફુરસદના સમયનો ઉરપયોગ જો કાંતણ અને તેના પહેલાંની ક્રિયાઓમાં કરવામાં આવે તો એટલાથી જ હિંદુ-સ્તાનને જોઈએ એટલું બધું કાપડ ગામડાંમાં પેદા કરવું શક્ય છે. મુશ્કેલી પ્રજાની પાસે મિલકાપડનો વાપર છોડાવવામાં રહેલી છે. ૨

હાથસાળ પર વણનાર વણકર મિલવાળાઓ સાથે અસરકારક હરીફાઈમાં ઊતરે, તોપણ તેમને મિલનું સૂતર પૂરું પાડ્યા કરે એવા માનવપ્રેમીઓ એ લોકો નથી. ૩

અવસર આવ્યે મિલવાળા પોતાનું સૂતર પોતે જ વણશે .

એઓનો ધંધો પરોપકારનો નથી, પૈસા કમાવાનો છે. એટલે જેથી વધારે પૈસા કમાય તેવું કામ કરશે. એ જ કારણે કાંતનારી મિલ ઊભી થઈ અને એ જ કારણે વણવાની મિલ થઈ. ૪

મિલના સૂતરનો ઉપયોગ એ હાથસાળના ઉધોગ માટે મુખ્ય ફાંસો છે. હાથે કાંતેલું સૂતર એ જ એનો એકમાત્ર ઉગારો છે. રેંટિયો ગયો, તો એની ુાછળ હાથસાળ પણ અચૂક જવાની. ૫

અંગત રીતે હું મોટાં ટ્રસ્ટો અને વિશાળ યંત્રો દ્રારા થતા ઉધોગોના કેન્દ્રીકરણનો વિરોધી છું. જો ભારત ખાદીને તેના બધા અર્થમાં અપનાવે તો તો જીવનની સુખસગવડો માટે અને મજૂરી બચાવવા જરૂરી જણાય એટલા પ્રમાણમાં જ આધુનિક યંત્રોનો સ્વીકાર કરશે એ આશા હું છોડતો નથી. ૬

ઘણાને નિચોવવાને ખાતર થોડા માણસોના હાથમાં ધન અને સત્તા એકત્રિત કરવાની મુરાદ પાર પાડવા સાંચાકામનું સંગઠન કરવું એને હું જદ્‌ન અન્યાય ને પાપ સમજું છું. આજના જમાનાનું ઘણું-ખરું સાંચાકામ આવા પ્રકારનું સંગઠન છે. આવા ધણી રણીપણામાંથી સાંચાઓના સંગઠનને પદભ્રષ્ટ કરી તેને તેની યોગ્ય જગ્યાએ મૂકવાના સુસંગઠિત પ્રયત્નરૂપે રેંટિયાની પ્રવૃતિ છે. આમ મારી યોજના હેઠળ સાંચાકામના માલિકો કેવળ પોતાનો જ અગર પોતાના દેશનો જ વિચાર નહીં કરે પણ આખી માનવજાતિનું હિતાહિત વિચારશે. લૅંકેશાયરના લોક હિંદુસ્તાન અને બીજા દેશોના લોકોને નિચોવવાને પોતાના સાંચાકામનો ઉપયોગ કરતા અટકશે એટલું જ નહીં, પણ હિંદુસ્તાન પોતાનાં ગામડાંમાં જ પોતાના રૂમાંથી જ પોતાનાં કપડાં ઉત્પન્ન કરી લે એવાં સાધનો શોધવામાં રોકશે.

તે જ પ્રમાણે અમેરિકાના લોક પણ મારી યોજના હેઠળ પોતાની શોધકબુદ્ધિનો ઉપયોગ દુનિયાની બીજી પ્રજાઓને નિચોવીને પોતાને પૈસાદાર બનાવવામાં કરતા અટકશે.