મારા સ્વપ્નનું ભારત - 23 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા સ્વપ્નનું ભારત - 23

પ્રકરણ ત્રેવીસમું

ગામડાં તરફ પાછા વળીએ

હું માનું છું ને મેં અસંખ્ય વાર કહ્યું છે કે હિંદુસ્તાન એનાં ગણ્યાંગાંઠ્યાં શહેરોમાં લહીં પણ સાત લાખ ગામડાંમાં વસે છે. પણ આપણે અહીં ભેગા થયા છીએ તે ગ્રામવાસીઓ નથી પણ શહેરવાસીઓ છીએ. આપણે શહેરોમાં વસનારાઓએ માની લીધું છે કે હિંદુસ્તાન એનાં શહેરોમાં વસે છે અને ગામડાં તો આપણી હાજતો પૂરી પાડવાને સરજાયેલાં છે. આપણે કદી એમ પૂછવા નથી બેઠા કે એ ગરીબ લોકોને પૂરતાં અન્નવસ્ત્ર મળે છે કે નહીં અને એમને તડકો ને વરસાદથી રક્ષણ કરવા છાપરું છે કે નહીં. ૧

મેં જોયું છે કે શહેરવાસીઓએ સામાન્ય રીતે ગ્રામવાસીઓને લૂંટ્યા છે; વસ્તુતઃ તેઓ ગરીબ ગ્રામવાસીઓની મહેનત પર, તેમની સંપતિ પર જીવે છે. ઘણા અંગ્રેજ અમલદારોએ હિંદુસ્તાનના લોકોની સ્થિતિ વિષે લખ્યું છે. પણ મારી જાણ પ્રમાણે કોઈએ એમ નથી કહ્યું કે હિંદુસ્તાનનાં ગામડાંના લોકોને પેટ પૂરતું ખાવા મળે છે. ઊલટું એમણે કબૂલ કર્યું છે કે ગામડાંની વસ્તીનો મોટો ભાગ ભૂખમરા જેવી સ્થિતિ ભોગવે છે અને દસ ટકા અડધે પેટે રહે છે, અને કરોડોને ચપટી ગંદું મીઠું, મરચા ને ચાવલ

કે સત્તુ ખાઈને સંતોષ માનવો પડે છે. તમે ખાતરી રાખજો કે આપણે કોઈને એવા ખોરાક પર રહેવાનું કહેવામાં આવે તો આપણે એક મહિનાથી વધારે જીવવાની આશા ન રાખીએ અથવા તો આપણી મગજશક્તિ મરી જશે એવો ડર આપણને લાગે. અને છતાં આપણાં ગામડાંના લોકો દરરોજ એવી સ્થિતિમાં રહે છે. ૨

પંચોતેર ટકા વસ્તી ખેડૂતોની છે. પણ જો આપણે તેમની પાસેથી તેમની મહેનતનું લગભગ પૂરું ફળ લઈ લઈએ અથવા બીજાઓને લઈ લેવા દઈએ તો આપણામાં સ્વરાજની ભાવના છે એમ ન કહેવાય. ૩

શહેરો પોતાની સંભાળ રાખવા શક્તિશાળી છે. આપણે તો ગામડાં-ઓ તરફ વળવાનું છે. આપણે તેમને તેમના પૂર્વગ્રહો, વહેમો અને સંકુચિત દ્રષ્ટિમાંથી મુક્ત કરવાના છે. આ બધું આપણે તેમની વચ્ચે વસીને, એમનાં સુખદુઃખમાં ભાગ લઈને અને તેમનામાં કેળવણી અને ઉપયોગી માહિતીનો ફેલાવો કરીને જ કરી શકીએ, બીજી કોઈ રીતે નહીં.

આપણે આદર્શ ગ્રામવાસી બનવાનું છે. સામાન્ય ગ્રામવાસીઓને તો આજે સફાઈ વિષે વિચિત્ર ખ્યાલ છે, અથવા કહો કે બિલકુલ ખ્યાલ નથી. તેઓ શું ખાય છે ને શી રીતે ખાય છે એનો તેઓ વિચાર જ કરતા નથી, એવા આપણે થવાનું નથી. તેઓ જેમ ગમે તેમ રાંધે છે, ગમે તેમ ખાય છે, ગમે તેમ રહે છે, એવું આપણે કરવાનું નથી. આપણે એમને આદર્શ ખોરાક બતાવવો જોઈએ. આપણને જે ગમે તે કર્યું, ન ગમે તે છોડી દીધું; એમ આપણે ન ચલાવવું જોઈએ, પણ ઊંડા ઊતરીને એ રુચિ અરુચિનાં કારણો તપાસવાં જોઈએ. ૫

સૂરજ પ્રખર તાપમાં કેડ વાળીને કાળી મરી કરતા ગ્રામવાસી-ઓ સાથે આપણે તાદાત્મ્ય અનુભવવું જોઈએ અને જે ખાબોચિયામાં તેઓ નહાય છે. તેમનાં કપડાં-વાસણ ધુએ છે તથા જેમાં તેમનાં ઢોર પાણી પીએ છે અને આળોટે છે તે ખાબોચિયામાંથી પાણી પીવું આપણને કેવું લાગે તેનો પણ આપણે વિચાર કરવો જોઈએ. એમ કરીશું ત્યારે જ આપણે આમજલતાના સાચા પ્રતિનિધિ ગણાઈશું અને ત્યારે આપણી દરેક હાકલનો તેઓ જરૂર જવાબ વાળશે. ૬

એમને આપણે બતાવવું જોઈએ કે તેઓ કેમ પોતાની જરૂર જોગાં શાકભાજી ઝાઝાં ખરચ વિના ઉગાડી શકે ને એ ખાઈને તંદુરસ્તી જાળવી શકે. આપણે એમને એ પણ બતાવવું જોઈએ કે તેઓ લીલી શાકભાજીને રાંધે છે એટલે તેમાંનાં વિટામિન ઊડી જાય છે. ૭

સમય, આરોગ્ય અને ધનનો બચાવ કેમ થઈ શકે એ આપણે એમને શીખવવાનું છે. લાયોનલ કર્ટિસે કહેલું કે હિંદુસ્તાનનાં ગામડાં એ તો ઉકરડા છે. એને આપણે નમૂનેદાર ગામડાં બનાવવાનાં છે. આપણાં ગામડાંની આસપાસ તાજી હવાની કંઈ ખોટ છે ? છતાં ગામડાંના લોકોને તાજી હવા મળતી નથી. એમની આસપાસ તાજામાં તાજી વનસ્પતિના ભંડાર ભર્યા છે, છતાં તેમને તાજી શાકભાજી મળતી નથી. આ ખોરાકની બાબતમાં હું મિશનરીની પેઠે બોલું છું, કેમ કે ગામડાંને સુંદરતાના નમૂના બનાવવા એ મારું ધ્યેય છે, મારું જીવનકાર્ય છે. ૮

ભારતવર્ષનાં ગામડાંની આવી દુર્દશા હંમેશાં હતી કે કેમ એ શોધી કાઢવાથી કશો લાભ નથી. જો આથી સારી એમની દશા કદી ન હોય તો આપણે આપણી જે પ્રાચીન સંસ્કૃતિને માટે અભિમાન રાખીએ છીએ તેની એ એબ ગણાય. પણ જો એમની દશા આથી સારી કદી ન હતી, તો આપણે સૈકાંઓથી જે પડતી અને વિનાશ આપણી આસપાસ જોઈ રહ્યા છીએ..તોની સામે એ ગામડાં ઝીક ઝીલીને જીવતાં શી રીતે રહી શક્યાં છે ?

દરેક સ્વદેશપ્રેમીની સામે કામ એ છે કે આ પડતી શી રીતે અટકાવવી, અથવા બીજા શબ્દમાં કહીએ તો ભારતવર્ષનાં ગામડાંની નવેસર રચના એવી રીતે કેમ કરવી જેવી શહેરમાં રહેવામાં જેવી સુખ-

સગવડ મનાય છે તેવી જ ગામડાંમાં રહેવામાં લાગે. દરેક દેશદાઝવાળા માણસની સામે આજે એ એક જ કામ છે. કદાચ એવો સંભવ હોય કે આ ગામડાંનો ઉદ્ધાર થવો શક્ય જ ન હોય, ગામડાની સંસ્કૃતિનો જનાનો આથમી ગયો હોય, અને સાત લાખ ગામડાં નાશ પામીને તેની જગાએ ત્રીસ કરોડ નહીં પણ ત્રણ કરોડની વસ્તીને પોષતાં સાતસો સુવ્યવસ્થિત શહેરો સ્થપાય એવું બનવાનું હોય. ભારતવર્ષને નસીબે એમ થવાનું હશે તોયે તે એક દિવસમાં નહીં બને. ઘણાં ગામડાં અને ગ્રામ-વાસીઓને ભૂંસાઈ જવાને અને બાકીનાનું શહેરો અને શહેરીઓમાં રૂપાંતર થવાને વખત લાગશે જ. ૯

ગામડાંની હિલચાલ એ જેટલી ગ્રામવાસીઓની તેટલી જ શહેર-

વાસીઓની કેળવણીને માટે છે. શહેરમાંથી આવતા સેવકોએ ગામડાનું

માનસ કેળવવું રહ્યું છે અને ગ્રામવાસીઓની ઢબે રહેવાની કળા શીખી

લેવી રહી છે. આનો અર્થ એવો નથી કે તેમણે ગામડાંના લોકોની પેઠે ભૂખે

મરવું. પણ એનો અર્થ એવો તો અવશ્ય છે કે જૂની રહેણીમાં ધરમૂળથી પલટો થવો જોઈએ. ૧૦

એક જ માગ્ર આપણે માટે છે :એમની વચ્ચે વાસ કરી ધામા નાખવા ; એમના ભંગી, એમના નર્સ, એમના નોકર-એમના શુભેચ્છુ નહીં,-એવા બનીને અડગ શ્રદ્ધા રાખી, આપણા ગમા-અણગમા ભૂલી જઈ, કામ કૂટ્યે જવું. એક વાર તો સ્વરાજની વાત પણ આપણે જાણે ભૂલી જઈએ; અને ડગલે ને પગલે જેમની હાજરી આપણને નડે છે એવા

માલદાર વર્ગોને જરૂર વિસારી દઈએ. તેઓ તો જ્યાં છે ત્યાં છે. આ મોટા પ્રશ્નોની પંચાયત કરનારાં તો ઘણાં પડેલાં છે. આપણે તો નાનું સરખું ગામડાંનું કામ ઉકેલવા લાગીએ, કેમ કે એ આજ જરૂરનું છે અને આપણા ધ્યેયને પહોંચ્યા પછી પણ જરૂરનું રહેવાનું છે. ખરેખર, આ ગ્રામસેવાનું કામ જ્યારે સફળ થશે ત્યારે તે જ આપણને આપણા ધ્યેય નજીક લઈ જવાનું છે. ૧૧

જૂનાં ગામડાંનાં મહાજનો જે નાશ પામ્યાં છે તેને સજીવન કરવાં જોઈએ. હિંદુસ્તાનનાં ગામડાં દેશના કસબા ને શહેરોને જોઈએ એટલો બધો માલ પેદા કરીને પૂરો પાડતાં. અમારાં શહેરો જ્યારે પરદેશના માલનાં હાટ થઈ પડ્યાં ને પરદેશથી સસ્તી ને ભમરાળી ચીજો લાવીને ગામડાંમાં ઝીંકવા માંડી ને એ વાટે ગામડાનું ધન શોષવા માંટ્યું ત્યારથી હુંદુસ્તાન ધનહીન ને દરિદ્ર બન્યું. ૧૨

શહેરો ગામડાં પર નિર્ભર રહે, પોતાના બળનું સિંચન ગામડાંમાંથી કરે, એટલે કે ગામડાંઓને વટાવવાને બદલે પોતે ગામડાંને ખાતર વટાવાય તો અર્થ દ્ધ થાય ને અર્થશાસ્ત્ર નૈતિક બને. આવા શુદ્ધ અર્થની સિદ્ધિને સારુ શહેરોનાં બાળકોના ઉધોગને ગામડાંના ઉધોગો સાથે સીધો સંબંધ હોવો જોઈએ. ૧૩

એટલે આપણી સામે ગામડાંને પોતાના જડબામાં જકડી રાખનાર આ ત્રિમૂર્તિ રાક્ષસ છે : (૧) સામુદાયિક સ્વચ્છતાનો અભાવ, (૨) ઓછો ખોરાક, (૩) આળસ ને જડતા..પોતાના જ ભલામાં એમને રસ નથી.

આધુનિક સ્વચ્છતાના માર્ગોની એમને કદર નથી. કરતા આવ્યા છે એ જાતની મજૂરી ને જમીન ખેડી ખાવા ઉપરાંત શરીર તોડવા તે તૈયાર નથી.

અને આ મુશ્કેલીઓ મોટી છે ને સાચી છે. પણ એનાથી આપણે પાછા પડવાનું નથી. આપણા કર્તવ્યમાં આપણે અખૂટ શ્રદ્ધા રાખવાની છે; ધીરજથી લોકો જોડે વર્તવાનું છે. અને આપણે પણ ગ્રામસેવાના કાર્યમાં નવા બિનઅનુભવી છીએ. ઘર કરી બેઠેલા રોગની દવા આપણે કરવાની છે. આપણી પાસે જો ખંત અને ધૈર્ય હશે તો મોટા વિધ્નદુર્ગો પણ તૂટી જશે. રોગીને અસાધ્ય રોગ છે માટે નર્સ શું એને છોડી જશે? આપણું કામ પણ આવી નર્સ જેવું છે. ૧૪

જે ક્ષણે તમે એ લોકોની (હિંદના ખેડૂતોની) જોડે વાત કરો ને તેઓ બોલવા માંડે તે ક્ષણે તમે જોશો કે એમની જીભમાંથી જ્ઞાન ઝરે છે.

બહારનો અણધડપણાનો દેખાવ છે તેની પાછળ આધ્યાત્મિક વૃત્તિનો ઊંડો ઝરો પડેલો છે. એને હું સંસ્કારિત કહું છું. એવી વસ્તુ તમને પશ્ચિમમાં નહીં જોવા મળે. યુરોપના કોઈ ખેડૂતની જોડે તમે વાત કરી જુઓ તો તમને દેખાશે કે એને ઈશ્વર કે આત્માની વાતમાં કશો રસ નહીં હોય.

હિંદી ગામડિયામાં તો અણધડપણાના પોપડાની નીચે જુગજૂની સંસ્કારિતા છુપાયેલી પડી છે. એ પોપડો ઉખાડી નાખો, એ ગ્રામવાસીનાં દારિધ ને નિરક્ષરતા દૂર કરો તો શિષ્ટ, સંસ્કારી, સ્વતંત્ર નાગરિક કેવો હોવો જોઈએ એનો સુંદરમાં સુંદર નમૂનો તમને જોવા મળશે.