Mara Swapnnu Bharat - 18 books and stories free download online pdf in Gujarati

મારા સ્વપ્નનું ભારત - 18

પ્રકરણ અઢારમુ

આર્થિક સમાનતા

આર્થિક સમાનતા એટલે જગતના બધા મનુષ્યો પાસે એકસરખી સંપતિ હોવાપણું, એટલે કે સહુની પાસે પોતાની કુદરતી આવશ્યકતા પૂરતી સંપતિનું હોવું. કુદરતે જ એક માણસને નાજુક હોજરી આપી હોય ને તે પાંચ તોલા આટો જ ખાઈ શકે અને બીજાને વીસ તોલ જોઈએ, તો બંનેને પોતપોતાની હોજરી પ્રમાણે આટો મળવો જોઈએ. બધા સમાજનું ઘડતર આ આદર્શને અવલંબીને થવું જોઈએ. અહિંસક સમાજને બીજો આદર્શ ન પાલવે. છેક આદર્શને આપણે કદી નહીં પહોંચીએ. પણ એને નજરમાં રાખીને આપણે બંધારણો રચીએ ને વ્યવસ્થા કરીએ. જેટલે અંશે આપણે આદર્શને પહોંચીએ એટલે જ અંશે આપણે સુખ અને સંતોષ પામીએ, એટલે જ અંશે આપણે સામાજિક અહિંસા સિદ્ધ કરી કહેવાય.

આ આર્થિક સમાનતાનો ધર્મ એક મનુષ્ય પણ પાળી શકે; બીજાના સાથની તેને જરૂર નથી રહેતી. એક પાળી શકે તો દેખીતું છે કે એક મંડળ પણ પાળી શકે. આ કહેવાની જરૂર એટલા જ સારુ છે કે કોઈ પણ ધર્મપાલનમાં બીજા પાલન કરતા થાય ત્યાં લગી પોતે રોકાઈ જવાની જરૂર નથી રહેતી. વળી છેક છેડે ન પહોંચીએ ત્યાં લગી કંઈ જ ત્યાગ ન કરવાની વૃતિ ઘણી વાર જોવામાં આવે છે એ પણ આપણી ગતિને રોકે છે.

અહિંસા વડે આર્થિકત સમાનતા કેમ લાવી શકાય એ વિચારીએ.

પ્રથમ પગલું આ છે. જેણે એ આદર્શને અપનાવ્યો હોય તેણે પોતાનાજીવનમાં જોઈતા ફેરફાર કરવા. હિંદુસ્તાનનાં ગરીબોની સાથે પોતાની સરખામણી કરી પોતાની હાજતો કમ કરવી, પોતાની ધન કમાવાની શક્તિ નિયમમાં મૂકવી, જે ધન કમાવું તે પ્રામાણિકપણે કમાવાનો નિશ્ચય કરવો, સટ્ટાવૃતિ હોય તો તેનો ત્યાગ કરવો, ઘર પણ પોતાની સામાન્ય હાજત પૂરતું રાખવું, અને જીવન સર્વ પ્રકારે સંયમી બનાવવું.

જ્યારે પોતાના જીવનમાં શક્ય સુધારો કરી લીધો હોય ત્યારે સમાનતાના આદ્રશનો પ્રચાર પોતાના સોબતી અને પડોશીમાં કરાય.

આર્થિક સમાનતાની જડમાં ધનિકનું ટ્રસ્ટીપણું રહ્યું છે. એ આદર્શ પ્રમાણે ધનિકને પોતાના પડોશી કરતાં એક કોડી પણ વધારે રાખવાનો અધિકાર નથી. ત્યારે શું વધારાનું એની પાસેથી છીનવી લેવું? એમ કરતાં હિંસાનો આશ્રય લેવો પડે. અને હિંસા વડે એમ કરવું સંભવે તોય સમાજને તેથી ફાયદો ન થાય. કેમ કે દ્રવ્ય એકઠું કરવાની શક્તિ ધરાવનાર એક માણસની શક્તિ સમાજ ખોઈ બેસે. એટલે અહિંસક માર્ગ એ થયો કે માન્ય થઈ શકે એટલી તેની હાજત પૂરી પાડી બાકીનાનો તે પ્રજાની વતી ટ્રસ્ટી બને. જો પ્રામાણિકપણે સંરયક્ષક બને તો જે દ્રવ્ય તે ઉત્પન્ન કરશે તેનો સદ્‌વ્યય પણ કરશે. વળી જ્યારે મનુષ્ય પોતાને સમાજનો સેવક માને, સમાજને અર્થે ધન કમાય, સમાજના કલ્યાણને અર્થે તે વાપરે ત્યારે તેની કમાણીમાં શુદ્ધતા આવશે, તેના સાહસમાં પણ અહિંસા હશે. આ પ્રમાણે જો કાર્યપ્રણાલી ગોઠવાય તો સમાજમાં વગર ઘર્ષણે મૂક ક્રાન્તિ પેદા થાય.

આ પ્રમાણે કયાંય મનુષ્યસ્વભાવમાં ફેરફાર થયાની નોંધ

ઈતિહાસમાં જોવામાં આવી છે ? વ્યક્તિઓમાં તો બન્યું જ છે. મોટા પાયા પર સમાજમાં ફ્રફાર થયાનું કદાચ સિદ્ધ ન કરી શકાય. આનો અર્થ એટલો જ થયો કે વ્યાપક અહિંસાનો પ્રયોગ આજ લગી થયો નથી. આપણામાં એવી ખોટી માન્યતાએ જડ ઘાલી છે કે અહિંસા વ્યક્તિઓ જ કેળવે ને ત્યાં લગી જ મર્યાદિત રહે. ખરું જોતાં એમ.નથી, પણ એ સામાજિક ધર્મ છે, સામાજિક ધર્મ તરીકે કેળવી શકાય છે, એમ મનાવવાનો મારો પ્રયત્ન અને પ્રયોગ છે. મવું એટલું ખોટું માનીને ફેંકવાનું આ યુગમાં તો કોઈ કહેશે જ નહીં. મુશ્કેલ એટલું અશક્ય એમ પણ કોઈ આ યુગમાં નહીં કહે. કેમ કે ઘણું નવું જૂનું થતું આપણે નજરે જોયું છે, અશક્ય લાગતું શક્ય બનતું આપણે જોયું છે. જે સાહસ હિંસાના ક્ષેત્રમાં શક્ય બનતું આપણે જોયું છે એના કરતાં ઘણું વધારે સાહસ અહિંસાના ક્ષેત્રમાં શક્ય છે એવી મારી માન્યતા છે, અને ધર્મોના ઈતિહાસ તેના પુરાવાથી ભરપૂર છે.

સમાજમાંથી ધર્મને છેકી નાખવાનો પ્રયત્ન વંધ્યાપુત્રને પેદા કરવાના જેટલો જ નિષ્ફળ છે, અને સફળ થાય તો સમાજનો નાશ થાય. ધર્મનાં રૂપાંતર થાય. તેમાં રહેલા પ્રત્યક્ષ વહેમો, સડા, અપૂર્ણતા દૂર થાય, થયાં છે, થયાં જ કરશે. પણ ધર્મ તો જ્યાં લગી જગત છે ત્યાં લગી ચાલશે જ. કેમ કે જગતનો એક આધાર ધર્મ જ છે. ધર્મની અંતિમ વ્યાખ્યા ઈશ્વરનો કાયદો.

ઈશ્વર અને તેના કાયદા નોખા નથી. ઈશ્વર એટલે અચલિત, જીવતો કાયદો. તેનો પાર કોઈ પામ્યું નથી. પણ અવતારોએ અને પેગંબરોએ તપ કરી તેના કાયદાના કાંઈક અંશોની ઝાંખી જગતને કરાવી છે.

પણ ઘણા પ્રયત્નો છતાં જો ધનિક લોકો ખરા સંરક્ષક ન બને અને અહિંસાને નામે ભૂખે મરતાં કરોડો વધારે ને વધારે કચરાતાં જાય તો શું કરવું ? એ કોયડાનો ઉકેલ શોધતાં જ અહિંસક અસહકાર અને અહિંસક કાનૂનભંગ સાંપડ્યા. કોઈ ધનવાન સમાજના ગરીબોના સહકાર વિના ધન નથી કમાઈ શકતો. મનુષ્યને પોતાની હિંસક શક્તિનું ભાન છે, કેમ કે તે તો તેને લાખો વર્ષ પૂર્વે વારસામાં ઊતરી. તેના ચાર પગ મટીને જ્યારે તેના બે પગને હાથનો આકાર મળ્યો ત્યારે તેમામાં અહિંસાની શક્તિ પણ આવી. હિંસાશક્તિનું તો તેને મૂળથી ભાન હતું, પણ અહિંસાનું ભાન ધીમે ધીમે પણ અચૂક રોજ વધવા લાગ્યું. એ ભાન ગરીબોમાં પ્રસરે એટલે તે બળિયા થાય ને જે આર્થિક અસમાનતાના તેઓ ભોગ થયા છે તેને અહિંસક માર્ગે દૂર કરતાં શીખે. ૧

હિંદને જે જરૂરી છે તે તેનું ધન થોડાક મૂડીવાળાઓના હાથમાં એકઠું થાય એ નથી; પણ એ ધન હિંદુસ્તાનનાં સાત લાખ ગામડાંમાં વહેંચાઈ જાય અને ૧૯૦૦ માઈલ લાંબા અને ૧૫૦૦ માઈલ પહોળા આ ભરત ખંડમાં કોઈ ભૂખ્યું ન સૂએ એ છે. 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED