મારા સ્વપ્નનું ભારત - 17 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા સ્વપ્નનું ભારત - 17

પ્રકરણ સતરમુ

અહિંસક અર્થવ્યવસ્થા

હું એમ કહેવા ઈચ્છું છું કે આપણે બધા એક રીતે ચોર છીએ.મારા તરતના ઉપયોગ માટે જેની મને જરૂર ન હોય એવી વસ્તુ જો હું લઉં, અને મારી પાસે રાખી મૂકું, તો હું તેની બીજા કોઈ પાસેથી ચોરી કરું છું હું એમ કહેવા માગું છું કે સૃષ્ટિનો આ અપવાદ વિના મૂળ નિયમ છે કે સૃષ્ટિ આપણી જરૂરિયાતો પૂરી પાડવા જેટલું દરરોજ ઉત્પન્ન કરે છે, અને જો દરેક જણ પોતાને જરૂર જોઈતું લે અને વધારે ન લે, તો આ દુનિયામાં ગરીબાઈ ન રહે અને આ દુનિયામાં કોઈ પણ માણસ ભૂખમરાથી ન મરે.

આપણામાં આ અસમાનતા ચાલુ છે એનો અર્થ એ કે આપણે ચોરી કરીએ છીએ. હું ‘સોશિયાલિસ્ટ’ નથી,અને જેઓ પાસે સંપતિ છે તેઓ પાસેથી તે પડતી મેલાવવા હું નથીમાગતો. પરંતુ હું એટલું તો કહું છું કે આપણામાહ્યલી જે વ્યક્તિઓ અંધકારમાંથી પ્રકાશમાં જવા ઈચ્છે છે તેઓએ તો અસ્તેયવ્રત પાળવાનું છે. હું કોઈ પાસે પોતાનો કબજો છોડાવવા નથી

માગતો. જો હું તેમ કરું તો હું અહિંસાધર્મથી ચલિત થાઉં. મારા કરતાં બીજા કોઈ પાસે વધારે હોય, તો ભલે. પરંતુ મારું પોતાનું જીવન વ્યવસ્થિત કરવા માટે તો હું જણાવીશ કે જેની મને જરૂર નથી તે હું મારી પાસે રાખી ન શકું. હિંદમાં ત્રણ કરોડ માણસો એવા છે કે જેઓને એક ટંકના ભોજનથી જ સંતોષ માનવો પડે છે, અને તે પણ કેવળ સૂકોરોટલો અને ચપટી-ભર મીઠાથી. જ્યાં સુધી આ ત્રણ કરોડ જણોને પૂરતાં વસ્ત્ર અને ખોરાક નથી મળ્યાં ત્યાં સુધી તમને અને મને આપણી પાસે જે કંઈ હોય તે રાખવાનો હક નથી. તમે અને હું વધારે સમજીએ છીએ; એટલે આપણે આપણી જરૂરિયાતોમાં ઘટતો ફેરફાર કરવો જોઈએ, અને સ્વેચ્છાથી ભૂખમરો પણ વેઠવો જોઈએ કે જેથી કરી તેઓની માવજત થાય, તેઓને ખવરાવાય અને વસ્ત્ર પહેરાવાય. ૧

મારે કબૂલ કરવું જોઈએ કે અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વચ્ચે હું ભેદ પાડતો નથી. જે અર્થશાસ્ત્ર વ્યક્તિ અથવા પ્રજાના હિતને ઈજા કરે તે નીતિની વુરુદ્ધ હોઈ પાપ છે. તેથી એક દેશને હાથે બીજા દેશને કચડવાને સારુ અર્થશાસ્ત્રનો પ્રયોગ થાય તેને હું અનીતિ ગણું છું. મજૂરોનું લોહી ચૂસીને બનેલી વસ્તુઓ લેવી કે વાપરવી એ પાપ છે. ૨

આ દેશની અને આખા જગતની આર્થિક રચના એવી હોવી જોઈએ કે જેથી એક પણ પ્રાણી અન્નવસ્ત્રના અભાવથી પીડાય નહીં,એટલે કે બધાને પોતાના નિભાવ પૂરતો ઉધમ મળી રહે. અને જો આવી સ્થિતિ આખા જગતને વિષે આપણે ઈચ્છતા હોઈએ તો અન્ન-વસ્ત્રાદિ પેદા કરવાનાં સાધનો દરેક મનુષ્યની પોતાની પાસે રહેવાં જોઈએ.તેમાંથી એકને ભોગે બીજાએ ધનસંપતિનો લાભ મુદ્‌લ રાખવો જ ન જોઈએ. જેમ હવા અને પાણી ઉપર સૌને સરખો હક છે, અથવા હોવો જોઈએ તેમ જ અન્નવસ્ત્રનું હોવું જોઈએ. તેનો ઈજારો કોઈ એક દેશ, પ્રજા અથવા પેઢીની પાસે હોય એ ન્યાય નહીં પણ અન્યાય છે. આ મહાન સિદ્ધાંતનો અમલમાં અને ઘણી વેળા વિચારમાંયે સ્વીકાર નથી થતો તેથી જ આ દેશમાં અને જગતમાંના બીજા ભાગમાં પણ ભૂખનું દુઃખ વર્ત્યા કરે છે. ૩

જેમ બધું સાચું નીતિશાસ્ત્ર તેના નામ પ્રમાણે, સારું અર્થશાસ્ત્ર પણહોવું જોઈએ તેમ સાચું અર્થશાસ્ત્ર ઊંચામાં ઊંચા નૈતિક ધોરણને વિરોધી ન હોય. જે અર્થશાસ્ત્ર ધનપૂજાનો ઉપદેશ કર્યા કરે છે અને નબળાઓને ભોગે જબરાઓને ધનસંચય કરવા દે છે તે ખોટું શસ્ત્ર છે. એ ઘાતક છે.

બીજી બાજુ સાચું અર્થશાસ્ત્ર સામાજિક ન્યાયને માટે ખડું છે, તે નબળામાં નબળા સહિત સૌનું ભલું કરવાનો પ્રયત્ન કરે છે તેમ જ સભ્યજીવન માટે તે અનિવાર્ય છે. ૪

મારે તો સૌનો દરજજો સમાન બનાવવો છે. આટલાં સૈકાં થયાં શ્રમજીવી વર્ગોને અળગા રાખવામાં આવ્યા છે ને હલકા માનવામાં આવ્યા છે. એમને શૂદ્ર ગણેલા છે, ને એ શબ્દને હલકા દરજજાનો સૂચક ગણેલો છે. મારે વણકર, ખેડૂત અને શિક્ષકના છોકરાની વચ્ચે ઊંચાનીચાનો ભેદ મનાવા નથી દેવો. ૫

રચનાત્મક કાર્યનો આ મુદો(આર્થિક સમાનતા) અહિંસક પૂર્ણ સ્વરાજયની મુખ્ય ચાવી છે. આર્થિક સમાનતાને માટે કાર્ય કરવું એટલે મૂડી ને મજૂરી વચ્ચેના કાયમના ઝઘડાને મિટાવવો. એનો અર્થ એવો થાય કે એક બાજુથી જે થોડા પૈસાવાળા લોકોના હાથમાં રાષ્ટ્રની સંપતિનો મુખ્ય ભાગ એકઠો થયો છે તેમની સંપતિ કમી કરવી અને બીજી બાજુથી અર્ધા ભૂખ્યાં ને નાગાં રહેતાં કરોડોની સંપતિ વધારવી. જ્યાં લગી ખોબા જેટલા પૈસાવાળા ને ભૂખ્યાં રહેતાં કરોડો વચ્ચેનું બહોળું અંતર ચાલુ રહે ત્યાં લગી અહિંસાના પાયા પર ચાલતો રાજવહીવટ સંભવિત નથી. જે સ્વતંત્ર હિંદુસ્તાનમાં દેશના સૌથી તવંગર માણસો જેટલી સતા ભોગવતા હશે તેટલી જ ગરીબોની હશે તેમાં નવી દિલ્હીના મહેલો ને તેમની પડખે જ આવેલાં ગરીબ મજૂરવસ્તીનાં કંગાળ ધોલકાંઓ વચ્ચે જે કારમો તફાવત આજે દેખાય છે તે એક દિવસભર પણ નહીં નભે. પૈસાવાળાઓ પોતાનો પૈસો અને તેને લીધે મળતી સતા એ બંને આપમેળે રાજીખુશીથી છોડી દઈ સર્વના કલ્યાણને માટે બધાંની સાથે મળીને વાપરવાને તૈયાર નહીં થાય તો હિંસક તેમ જ ખૂનખાર ક્રાન્તિ અહીં થયા વિના રહેવાની નથી એમ ચોક્કસ સમજવું. ૬

જો હિંદે અહિંસક ધોરણે પોતાનો અભ્યુદય સાધવો હોય તો હું કહું છું કે એણે ઘણી બાબતોમાં કેન્દ્રીકરણ નહીં પણ વિસ્તૃતીકરણ કરવું પડશે. કેન્દ્રીકરણને પૂરતા પ્રમાણમાં બળનો ઉપયોગ કર્યા વગર નભાવી કે બચાવી શકાય નહીં. સાદાં ઘર અને કુટુંબો જેમની પાસેથી લૂંટી લઈ જવા જેવું કશું જ ખાસ ન હોય તેની રક્ષાને સારુ પોલીસની જરૂર ન પડે.

ધનિકોની મહેલાતો ધાડલૂંટથી સાચવવા મજબૂત ચોકિયાતો રાખવા પડે.

તેવું જ ગંજાવર કારખાનાં વિષે. લશ્કરી, દરિયાઈ તેમ જ હવાઈ બળોથી શહેરી ધોરણે સંગઠિત થયેલા હિંદના કરતાં ગ્રામરચનાને ધોરણે સંગઠિત થયેલા હિંદને વિદેશી હુમલાનું જોખમ ઓછું નડશે. ૭

આજે આર્થિક અસમાનતા છે. સમાજવાદની જડ આર્થિક સમાનતામાં રહી છે. થોડાને કરોડ કરોડ રૂપિયા ને બાકીના કરોડને ભાગે માંડ સૂકો રોટલો. આવી ભયાનક અસમાનતામાં રામરાજ્યનાં દર્શન કદી ન થઈ શકે.