ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૨.
આપણે જોયું કે ધૂલાએ, એની પત્ની ઈશા દ્વારા લેવાયેલી કારણ વગરની અગ્નિ પરીક્ષા હેમખેમ પાર કરી લીધી હતી. એટલે હવે એમના માટે મહાબળેશ્વર જવાના નિર્ણય પર અમલ કરવાનો સમય આવી પહોંચ્યો હતો. હવે આગળ...
આમ જોવા જઈએ તો ભલે ધૂલો એની સહધર્મચારિણી ભાર્યા એવી ભલી ભોળી પાણિગૃહિતા ઈશાની અગ્નિ પરીક્ષામાં ટોપ રેન્ક પરિણામ મેળવી એક પ્રેમાળ પતિ સાબિત થઈ ગયો હતો, પણ શું લગ્ન જીવનમાં આવી કોઈ કસોટીની ખરેખર જરૂર છે!
જોકે ફક્ત ઈશા જ નહિ પણ લગભગ દરેક પત્ની પોતાનો પતિ હજી પોતાના કહ્યામાં છે કે નહિ એ સમીક્ષા કરવા, એના ગુણાવગુણનું તોલન કરવા વિવિધ રીતે તજવીજ કરતી જ હોય છે. આમાં ભૂલથી અનુત્તીર્ણ થઈ કોઈકવાર નિર્દોષ નાથનો નાન અને કહ્યાગરા કંથની વ્હેજ કોલ્હાપુરી બની જતી હોય છે. પણ જેમ શરીરના તાપમાનમાં વધઘટ માપવા થર્મોમીટરનો ઉપયોગ થાય છે એમ જ પતિના પ્રેમમાં થતી વધઘટ માપવા પ્રશ્નોમીટરનો ઉપયોગ છૂટથી થાય છે. આને લીધે એમની વચ્ચે થર્મોકેમિસ્ટ્રી જળવાઈ રહે છે.
આમાં ગોથું ખાધેલા પતિ પર, 'પેલી કોણ છે? કોની સાથે લફરું ચાલુ છે?' વગેરે આક્ષેપ રૂપી કોઠા પાર કરવા જરૂરી બની જાય છે. આમ છતાં મોટાભાગના પતિઓને પણ આ અગ્નિ પરીક્ષા અંદરખાનેથી પસંદ હોય છે. એટલે ધૂલો અને ઈશા આ ભગીરથ મનોરથ પરિપૂર્ણ કરવા ઉત્સુક થઈ કાર્યરત થઈ ગયાં.
ધૂલાએ એ શુક્રવારની રાતની લક્ઝરી પૂશબેક ૨×૨ બસની ટિકિટ બુક કરી લીધી એ પણ ઘેર બેઠા, મોબાઇલ એપ પર. સાથે સાથે પાછા આવવાની રવિવાર સાંજની વળતી ટિકિટ પણ સાથે જ બુક કરી લીધી. એ હરખાઈ ગયો. એણે એ ટિકિટ કનફર્મેશનનો મેસેજ ઈશાને વૉટ્સએપ પર ફોરવર્ડ કર્યો. એમના માટે ચા નાસ્તો બનાવતી વખતે પણ ઈશા ઓનલાઇન જ હતી. એ મેસેજ વાંચી, હરખાઈ અને દોડતી બહાર આવી, "ધુલુ, આ તો તમે આજ રાતની બુકિંગ કરી લીધી!".
ધૂલો ચમક્યો, 'ઓહ આજે જ તો શુક્રવાર છે.' પણ એ ઝડપથી કૃત્રિમ સ્વસ્થતા ધારણ કરી બોલ્યો, "યસ. મારી ઈશુને ખુશ કરવા આવતીકાલની રાહ કોણ જૂએ! પણ આજે ઓફિસેથી જલ્દી આવીને બેગ પેક કરવી પડશે. એટલે..." અને ઈશા રસોડા તરફ રીતસરની દોડી ગઈ.
એ દિવસે ઈશાની ચા વગર સાકરે ગળી થઈ ગઈ હતી.
ચાલો, તો આમ ધુલો ને ઈશા ફરવા જતા રહ્યાં, મહાબળેશ્વર. સરસ મજાની હોટલ બુક કરી હતી એટલે ઈશા ખુશીથી તરબતર થઈ ગઈ.
આમ જુઓ તો બધુ જ સમુંસૂતરું પાર ઊતરી ગયું. છતાં પણ ઉતાવળ ઉતાવળમાં એક ગડબડ તો થઈ જ ગઈ. બધાંને એટલે કે ઓળખીતા પાળખીતાઓને કહેવાનું, જાણ કરવાનું તો રહી જ ગયું કે અમે લોકો મહાબળેશ્વર ફરવા ગયાં છીએ.
એમ તો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર ફોટા અપલોડ કરી મૂકી શકાય પણ આજકાલ એ ફોટાઓ દોસ્તો કરતા ચોર લોકો વધુ ધ્યાનપૂર્વક જોતા હોય છે. બાકી સોશિયલ મીડિયા દોસ્તો તો ખાલી ઠેંગા લગાડશે આવા ફોટાઓ પર, પણ ચોરો તો સાક્ષાત ઘરે પ્રગટ થઇ ને ક્યારે કળા કરી જાય એ કળાય નહિ!
તો?
હવે?
એક વાર વોટ્સએપ પર નાખી શકાય. વૉટ્સએપ પર? ના, આજ કાલ લોકો એટલા ચાલાક થઈ ગયાં છે કે ફોટો અથવા વિડિયો ડાઉનલોડ કરતા જ નથી. કોણ આટલા ફોટા ડાઉનલોડ કરે અને પછી પાછાં ડિલિટ પણ કરે! તો સૌને જાણ કેવી રીતે કરવી.
આ જાતના મિશ્ર ભાવ તથા ટેન્શન સાથે જ આખેઆખી મહાબળેશ્વરની ટ્રીપ પુરી થઈ ગઈ. હકીકતમાં જોઈએ તો તેઓ ફક્ત ફોટા અને સેલ્ફી પાડતી વખતે મરકતાં બાકી ત્યાંનો વરસાદ લોહી પી ગયો હતો.
ઈશા અકળાઈ જતી, "અહીંયા આ મહાબળેશ્વરમાં ક્યાં કોઈ ખેતી વાડી છે કે અહીંયા પણ આવો વરસાદ પડવો જોઈએ? આ મૂઓ બહાર ફરવા નથી જવા દેતો કે નથી કપડા કોરા રહેવા દેતો. મહાબળેશ્વરની મોજ કેમ માણવી! બાકી બધુ તો ઘરેય એ જ અને અહીં પણ એજ."
પણ એ બધી માથાકૂટ જવા દો તો એ લોકો ફરી તો આવ્યાં પણ હવે મુખ્ય કામ શરૂ થતું હતું. એ કામ એટલે બધાને જણાવવાનું હતું. હા. ફરવા કરતાં જરૂરી કામ એ હતું કે સૌને આશ્ચર્ય ચકિત કરી દેવાના કે અમે મહાબળેશ્વર ફરી આવ્યાં અને એય ને મોજ કરી આવ્યાં. આનું નામ મિશન મહાબળેશ્વર તરીકે નક્કી થયું.
પાછા આવીને તરત ધૂલા અને ઈશાએ એમની વોટ્સએપ પર ડીપીમાં મહાબળેશ્વર નામના પાટિયા સાથે લીધેલી સેલ્ફી મૂકી ને સ્ટેટ્સમાં લખ્યું, 'નાઇસ ટ્રીપ, ફુલોન ધમાલ મસ્તી, એન્જોયડ ઈટ ફુલ્લી'.
હવે રાહ જોઈને બેસી રહ્યાં. પણ આ બેદર્દ, જાલિમ જમાનો પોતાના સ્વાર્થમાંથી બહાર આવે તો ને! પાંચ મિનિટ વીતી ગઈ હતી પણ કોઈએ લાઈક આપી નહિ.
ફોટાઓ પોસ્ટ કરવાનું ચાલુ કર્યું પણ પરિણામ એ જ. આ તો ભારે થઈ, આમ તો આખી ટ્રીપનો ખર્ચો માથે પડે કે નહિ!
હવે?
એમને સમજાયું કે હવે વિચાર નહિ પણ એક્શન લેવાનો સમય આવી ગયો હતો. ઈશા નિરાશ થઈ ગઈ હતી એટલે એણે મિશન મહાબળેશ્વરમાંથી રાજીનામુ આપી બહાર નીકળી ગઈ. પણ ધૂલો હજી સમુદ્રની વચ્ચે ખોડાયેલ એક દીવાદાંડીના ટાવરની જેમ અડીખમ ઊભો હતો. એ એક પછી એક આવતી લહેરોની ટક્કરનો પ્રતિકાર કરવા સજ્જ હતો.
આખરી રાસ્તાના અમીતાભની જેમ ધૂલાએ વન મેન આર્મીની રચના કરી. એણે પોતાની જ એ આર્મીના ચીફ તરીકે પસંદગી કરી. એણે પોતે પોતાની ટીમ રૂપે પોતાને જ રણશિંગા ફૂંકીને મિશન મહાબળેશ્વર પર અમલ કરવા આદેશ આપ્યો.
એણે એના મિત્રોને એક પછી એક ફોન કરવાનું ચાલુ કર્યું. હવે ચાલાકી એ હતી કે કોઈને સામેથી વાત કરવી નહોતી પણ વાતચીત દરમ્યાન જ આ જ્ઞાન તણી સરિતાને વહેણ સ્વરૂપ આપવાનું હતું.
ધૂલો પ્રશ્ન કરતો, "શું ચાલે છે? આજકાલ શું નવીન કરો છો? શું કર્યું આ વિક એન્ડમાં? શું? ઘરે જ હતા? અરે, ફરવા બરવા જવું જોઈએને? આવી મસ્ત વરસાદી સીઝન માં જ મોજ પડે... ઓકે, ઓકે. બાય."
એ હવે સ્વગત બડબડાટ કરી રહ્યો હતો, 'સત્તર ફોન થઈ ગયા પણ કોઈએ સમ ખાવા ખાતર પણ સામે પૂછ્યું નહિ કે તમે ક્યાં ગયા હતાં? બધા સગા સંબંધીઓ ને મિત્રો કમીના થઈ ગયા છે.'
હવે? હરખપદૂડો થવાનો સમય આવી ગયો હતો.
ફોન રાઉન્ડ ટુ. જેમ સફળ ફિલ્મોના પાર્ટ ૨ આવે છે એમ આ નિષ્ફળ મિશન મહાબળેશ્વર પાર્ટ ૨.
ધૂલો કહેતો, "સોરી, ત્યારે બોસનો ફોન આવતો હતો એટલે ફોન ટૂંકાવી દીધો. બાકી યાર, તમે કેવી બોરિંગ લાઈફ જીવો છો? અમે તો જુઓ ખાલી વિક એન્ડ મળી ગયો તો મહાબળેશ્વર ફરી આવ્યા. હું એને ઈશા. અને શું મજા આવી ગઈ, વાત ના પૂછો. આ તો ઓફિસમાં કામનું ભારણ અને જવાબદારી છે એટલે, બાકી અઠવાડિયું ત્યાં રોકાઈ ગયા હોઈએ તો પણ પેટ ના ભરાય." ટૂંકમાં હવે સામેવાળો હલવાણો.
હવે આપણો ધૂલો પોતાની આખી કથા, મરી મસાલાનો વઘાર કરી, ફોરેન સબટાઈટલ્સ સાથે સંભળાવવા લાગી જતો.
અને આ જે મઝા છે એ જ તો ખાસિયત છે આપણા ધૂલાની. એટલે જ બધા એને ખાસ નામથી ઓળખે છે, 'ધૂલો તો હરખપદુડો (DTH)'.
આવો આપણો આ ધૂલો સહેલાઈથી પોતાની વાતની રજૂઆત કરવામાં હુકમનો એક્કો હતો. ચાલો, આ મિશન મહાબળેશ્વર થોડી ઘણી મહેનત બાદ સફળ થયું હોવા છતાં પણ ધૂલાના હ્રદયમાં સંતોષ કેરો દીપક હજી પ્રગટ્યો નહોતો. એણે વિચાર્યુ, પ્લાન એ નહિ તો પ્લાન બી.'
આ માનસિકતા ફક્ત ધૂલાની નહિ પણ આજકાલના દરેક યુવા વર્ગની છે. આજની હકીકત એ છે કે ખુશ હોવા કરતાં ખુશ દેખાવું વધારે અગત્યનું અને જરૂરી છે.
લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).