ચારિત્ર્ય મહિમા - 4 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચારિત્ર્ય મહિમા - 4

(4)

૯ : સુખી દાંપત્યજીવનનાં સૂત્રો

આજે ઘણા સ્ત્રી પુરુષના લગ્નના વિચ્છેદ થયાના દાખલા જોઇ શકીએ છીએ. દહેજ ન મળતાં કે બીજી એવી નજીવી બાબતો કે સાસુ વહુના ઝઘડાને લઇને ઘણા પતિ પત્નીના છૂટાછેડા થતા નિહાળીએ છીએ. અરે પ્રેમલગ્નો સુદ્ધાં તુટતાં જોઇ શકાય છે. માનવ હૃદયોએ કાચનાં રમકડાં થોડાં છે કે પળમાં તૂટી જાય? અગ્નિની સાક્ષીએ બે હૃદયોનું મિલન થાય છે. જે ઉચ્ચ અને આદર્શ લગ્ન જીવવાનું હોય છે. લગ્ન વખતે પ્રતિજ્ઞાઓ પણ લેવડાવે છે, પ્રતિજ્ઞા લેવા છતાં પણ માણસ શ્રદ્ધા વિશ્વાસ રાખી, સુખી દંપતિ જીવન કેમ ગુજારી શકતો નથી?

સપ્તપદી સમક્ષ વર પ્રતિજ્ઞા લે છે કે “હે અર્ધાંગિની હું અપાર સ્નેહથી તને ચાહીશ અને તારી રક્ષા કરીશ, તું મારી સત્વગુણી ગૃહિણી બનજે. તારો માન મરતબો જાળવીશ. મારો જે ધન વૈભવ છે એમાં તારો પણ ભાગ છે. તું ગૃહભાર સંભાળી, મારી મંત્રિણી થજે. આપણે આનંદપૂર્વક ગાર્હસ્થ રહી, ધર્મકાર્ય કરતાં જીવન દીપાવીશું.”

કન્યા પ્રતિજ્ઞા કરે છે કે “હે વ્હાલા પતિ, હું તમારી છાયા બની, સર્વ દુઃખ સુખમાં સહભાગી બનીશ. મારો પ્રેમ ન્યૌચ્છાવર કરીશ. સત્ય અને મીઠી વાણી બોલી, ઘરની સાર સંભાળ રાખીશ. તમારી આજ્ઞા શિરોધાર્ય રાખી, સાત્વિક ભાવે કર્તવ્ય બજાવતાં ગાર્હસ્થને દીપાવીશ.”

ઉપરોક્ત ભાવનાઓ સ્ત્રી પુરુષમાં રહી છે ખરી? સંસાર સાગરમાં જીવન નૈયાને તરતી મૂકવામાં ઘણાં ભયસ્થાનો આવે છે. મનુષ્ય એ એકલો અટૂલો શોભતો નથી. સારસની બેલડી સમાન સ્ત્રી અને પુરુષ છે. સ્ત્રી સિવાય પુરુષ અને પુરુષ સિવાય સ્ત્રી બંન્ને અપૂર્ણ છે. તેઓ બંન્ને ગાડીનાં બે પૈડાં સમાન છે. પતિ પત્નીનાં દિલ એક હોવાં જોઇએ. એમાં શુદ્ધ ચારિત્ર્યની ભાવના હોવી જોઇએ. દગાને સ્થાન નથી. કોઇ પણ સંજોગોમાં એકબીજાને સાથ દઇ રહેવાથી જીવન ઉન્નત બનાવી રહેવાય.

કુટુંબમાં માતા પિતા કે વડીલોની પૂરતી સાર સંભાળ અને કાળજી રાખવી જોઇએ. “ઘર અમારું છે, અમે સર્વનાં છીએ” એ ભાવના હૈયે રાખી, વિશાળ અને ઉદાર હૃદય સાથે ઘરકામ આટોપવું. તેમાં હૂંસા તૂંસી ન હોય. અન્યની કામ ભંભેરણીમાં તણાય ન જતાં, શાંતિપૂર્વક ને મીઠાશથી અન્ય સાથેનું વર્તન હોવું જોઇએ. પતિ પત્નીએ સર્વ બાબતમાં ધીરજ અને સહનશીલતા દાખવવી જોઇએ. સંપ, સંગઠન અને સુખશાંતિ એની મેળે તણાતાં આવશે.

પતિપત્નીમાં ઉડાવપણું ન હોવું જોઇએ. દેખાદેખીનો જમાનો હોઇ, પેલીને ત્યાં ટી.વી., ફ્રીજ, ટેલિફોન, સ્કૂટર, તિજોરી, ઘરઘંટી કે વોશિંગ મશીન આવ્યા તો આપણે ત્યાં કેમ નહિં? બંન્નેએ ખૂબ સમજપૂર્વક વિચારીને પોતાની આવક પ્રમાણે જ ખર્ચ કરવો જોઇએ. નહિ તો દેવાળું નિકળી જાય. એટલે ઘરની આવકના પ્રમાણમાં ખર્ચ કરીને જીવન વ્યવહારમાં સંતોષ માનવો એ બંન્નેની ફરજ સાથે સદાચાર રહેલો છે. કોઇની પણ જાહોજલાલી જોઇ, નિરાશ ન બનવું જોઇએ. પ્રભુએ જે આપ્યું છે તે યોગ્ય છે એમ માની સંસારમાં સ્વર્ગની ખુશી લાવવા બંન્નેએ પ્રયત્ન કરવો જોઇએ.

ઇશ્વર ઉપરની શ્રદ્ધા વિશ્વાસ જરાય ના ડગવા દેવો. હરિસ્મરણને જીવનમાં સદાય સ્થાન આપતાં પોતાનું કર્તવ્ય બજાવવું અને સદાચારે દિવસો વ્યતીત કરવા. પોતાના બાળકો તરફની ફરજ હંમેશ બજાવવી રહી. તેમનો ઉછેર, લાલન પાલન, સુખ, પાન ખાન, રહેણી કરણી, વગેરે માં મા બાપનો સર્વોત્તમ ફાળો રહેવો જોઇએ. એમના ચારિત્ર્ય ઘડતરમાં ખૂબ જ રસપૂર્વક કાર્ય કરવું જોઇએ. જીવનમાં બ્રહ્મચર્યને સ્થાન આપવું. બે બાળકોમાં જ સંતોષ માનવો. પોતાની સ્થિતિ અનુસાર રહેવું. પૌષ્ટિક અને સાત્વિક આહાર લેવાથી તંદુરસ્તી જળવાઇ રહે છે. બાળકોમાં ધાર્મિકતા આવે તે માટે ધાર્મિક કાર્યો, ભજન કિર્તન સમૂહમાં કરવા. આમ થતાં પરમાત્મા દિલમાં ઉતરશે અને સુખી કુટુંબના લ્હાવા લેવાશે. પાડોશીઓ સાથે અને જે કોઇ સંસર્ગમાં આવે તેની સાથે મેળ બનાવી રાખવો જોઇએ. કોઇને તરછોડવું કે કોઇનું ઘસાતું બોલવું નહિં. ચાડી ચૂગલી કે વૃથા વાતોને જીવનમાં સ્થાન આપવું નહીં.

સારાં ચારિત્ર્યશીલ અને ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઇએ. કુટુંબના સભ્યો સાથે હળીમળી રહી, એકબીજાને મદદરૂપ બનવું જોઇએ. “સંપ ત્યાં જંપ” એ અનુસાર રસપૂર્વક, આનંદપૂર્વક, સુખ અને શાંતિભર્યું જીવી, જીવન ધન્ય બનાવી રહેવું એ સુખી દંપતિની નિશાની છે.

 

૧૦ : સદ્‌ગુણોનો થતો લોપ

રોજીંદા જીવનમાં પ્રતિદિન બળ, ધન દૌલત,યૌવન રૂપ અને સુંદરતાનો ગર્વ માણસોમાં આવતો જાય છે. અને તેને લઇને ધૈર્યતા, ગંભીરતા, સમતા, સહનશીલતા, ઉદારતા અને નિર્મળ પ્રેમનો લોપ થતો જાય છે. આ લોપ થવાને કારણે સદ્‌ગુણો હોય તો પણ માણસનું કંઇ પણ મહત્વ રહેતું નથી.

સાધુ સંતો, મહંતોના જીવન ઝરણામાંથી, રામાયણ મહાભારત વગેરે ધાર્મિક ગ્રંથોમાંથી કંઇક બોધ પાઠ મેળવી, જીવનમાં ઉતારી, રોજબરોજનું જીવન ઉન્નત બનાવવા પ્રયત્ન કરવો જોઇએ. પણ અહંકાર એ એવો દુર્ગુણ છે કે જેનાથી મનુષ્યના રોજીંદા સદ્‌ગુણોનો નાશ થતો જાય છે. અને તેની જગ્યાએ વિકારો ઘૂસી રોજીંદા જીવનમાં માત્ર પોતાનો સ્વાર્થ પોષવા પ્રયત્ન થતો રહે છે. આ સૃષ્ટિ ઇશ્વરે રચેલી છે. સૌ પ્રાણીમાત્ર પોતાની જીવન જરૂરિયાતને પ્રાપ્ત કરે છે. સાથે જોઇતું ધન, દૌલત, બળ, સુંદર સ્વાસ્થ્ય પણ મેળવે છે. પણ તેને ખોટી રીતે વેડફી ન દેતાં સદ્‌ઉપયોગમાં લગાવવું જોઇએ. સયમિત રીતે રોજીંદુ જીવન જીવવું જોઇએ. રાગદ્વેષ, ઇર્ષા, વેરઝેર એ બધા ભયાનક દૂષણ છે. જો તેને કેળવવામાં ન આવે તો. જીવન વ્યવહારમાં મુશ્કેલી ઊભી થાય અને કંઇકના જીવન દુઃખી થઇ બરબાદ થઇ જાય છે. પોતાની પાસે રહેલી ધન દૌલતનો જો સદુપયોગ ન થાય તો જીવન ક્લેશમય, કંટાળાજનક અને કસ વગરનું બની જાય છે. સમસ્ત દુન્યવી ભૌતિક સુખ ક્ષણિક છે. એમાં નથી સંતોષ, નથી શાંતિ કે નથી કલ્યાણ કે જીવન મુક્તિ. જો કે ભૌતિક સુખને એકદમ દૂર કરી શકવા માનવ શક્તિમાન નથી. પણ મનુષ્ય જીવનને કેળવીને ઓછાં જરૂર કરી શકાય. અને દુઃખની પીડામાંથી પીડાતા બચીએ. મનુષ્યો સાત્વિક બુદ્ધિ ધારણ કરવી જોઇએ. જેથી ભૌતિક સુખ પરની આસક્તિ ધીમે ધીમે દૂર કરી શકાય. રાજા મહારાજાઓ પાસે બળ બુદ્ધિ ધન, દૌલત મહેલ વૈભવ હતા. તેમણે તેનો ત્યાગ કર્યો ન હતો. પણ પ્રેમ. અસંગ, અલિપ્ત ભાવ, સંયમતા, ઉદારતાના સદ્‌ગુણોથી પોતાનું જીવન ઘડી રોજીંદો જીવન વ્યવહાર કરતા. તેઓ એ ભોગ પણ ભોગવ્યા છે. અને યોગમય જીવન પણ ગુજાર્યું છે.

માનવ સંસાર ઘણો લોભામણો અને લપસણો છે એટલે મનુષ્યે ખૂબ જ સાવધાનીથી વર્તી, વિચારી, ચાલવું જોઇએ. દુર્ગુણો કે ખરાબ સંગ ન થાય તે સભાન પણે રહી તેનો નાશ કરવો જોઇએ. પ્રભુમાં આસ્થા રાખીને જીવન કાર્ય કરવું જોઇએ. જે કંઇ કાર્ય થાય છે તે પ્રભુ પ્રેરીત થયા છે પણ તેમાં સાવધતા તો અવશ્ય રાખવી જોઇએ. જે મનુષ્યોના જીવનમાં સમતા, ઉદારતા, ગંભીરતા, ધીરતા હોય છે. ત્યાં અલૌલિક આનંદ જરૂર હોય છે. પણ રાગ દ્વેષાદિ અવગુણો આવવાથી ત્યાં દાનવમય દુઃખમય જીવન જીવવું પડશે. ઇર્ષાનો દુર્ગુણ મનુષ્યમાં આવી ન જાય તે ખાસ જોવું જોઇએ. કારણ કે ઇર્ષાએ કંઇકના જીવન ઝેર બનાવી બરબાદ કર્યા છે. કુસંપ અને ક્લેશમય વાતાવરણ ઉભું કરી અશાંત અને અજંપા ભર્યું જીવન જીવવું પડ્યું છે. સદ્‌ગ્રંથો વાચવાંથી તેનું ફળ મળતું નથી. તેમાંનો સદ્‌ ઉપદેશ તથા બોધનું મનન કરી જીવનમાં ન ઉતારો ત્યાં સુધી કાંઇ ફળતું નથી. વળતું નથી,

આજે મનુષ્યનું ચારિત્ર્ય ખૂબ કથળી ગયું છે. નબળું પડી ગયું છે. મનની પવિત્રતા, શુદ્ધતા, નિર્મળતા ચાલી ગઇ છે. કે કોઇની બહેન દિકરી પર પવિત્ર, નિર્મળ દૃષ્ટિ હોતી નથી. પડતી નથી. વ્યવહારમાં કે વાતચીતમાં પણ શુદ્ધતા નથી. વ્યભિચાર જ નીતરતો નજરે પડે છે. વિલાસિતાના જ દર્શન થાય છે. વિશ્વાસનીયતા ગુમાવી છે.

રોજીંદા જીવનના નિયમ પણ અમર્યાદિત થઇ ગયા છે. મનુષ્યની સ્થિતિ પશુ પંખી કરતાં પણ ક્યાંય બદતર છે. ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધામાં ઓટ આવી છે. બાહ્યડંબરમાં જ ભક્તિને ખપાવવા પ્રયત્ન થાય છે. કુટુંબમાંથી જો સંસ્કારનું સિંચન થાય શાળા મહાશાળામાં તેનું ઘડતર થાય અને સમાજમાં તેનું ચલણ શરૂ થાય, તોજ પૃથ્વી સ્વર્ગ સમાન બને. સંતો મહાત્માઓ ધરા પર વિચરે અને સમાજની ત્રિવિધ વ્યાધિને દૂર કરવા પ્રયત્ન કરે, તો જ જે આજની દરિદ્ર પરિસ્થિતિ દયાજનક સ્થિતિમાં પરિવર્તન આવે. મનુષ્યની સ્થિતિ પશુપંખી કરતાં પણ ઘણી કરુણાજનક છે. તે ધન અને ભોગની પાછળ ગાંડો બન્યો છે. મનુષ્યને સાચી સમજ નથી. કે સાચા સુખ શાંતિ ક્યાં રહેલા છે.

આજનું કલુષિત કૌટુંબિક જીવન દિવસે દિવસે વધુ કરુણાજનક બનતું જાય છે. ઐકત્વની ભાવનામાં ભાગલા પડી નોખા બની રહ્યા છે. કુટુંબ પ્રત્યેની પ્રેમાળ લાગણી તૂટતી જાય છે. પતિ પત્ની અને બાળક એ જ પોતાનું કુટુંબ માની રહે છે. એક જ ઘરમાં બાપ દિકરો નોખા ચૂલે જીવે છે. એકબીજાના મન તંગ કરી અજંપામાં, અશાંતિમાં જીવન જીવે છે કૌટુંબિક જીવનને ઉત્તમ બનાવવા આપણા ઘરેથી જ પહેલ કરવી જોઇએ. માતા પિતાએ પોતાનાં બાળકોને સંસ્કારી બનાવવા સદ્‌ગ્રંથોનો બોધ ઉપદેશ તેમના મગજમાં ઉતારવો જોઇએ. આચારમાં લાવવા પ્રયત્ન કરવો જોઇએ. માતા પિતાએ સંયમિત રહી નિયમસર પવિત્ર જીવન જીવવું જોઇએ. અને બાળકોને જીવતાં શીખવવું જોઇએ. આજકાલના બાળકો માતા પિતાના આદેશનું કેવું પાલન કરે છે તે આપણે નજરે નિહાળીએ છીએ.તેઓનો સદંતર ઉપહાસ થતો રહ્યો છે. ઉપેક્ષા અને પવિત્ર ભાવનો અભાવ જોવામાં આવે છે. ઘરના વડીલો સાથે કેમ બોલવું, ચાલવું વગેરેની શીષ્ટતાનો લોપ થતો જાય છે. ધન દૌલત માટે પિતા પુત્ર, ભાઇ ભાઇમાં મેળ બેસતો નથી. ઇર્ષા, વેર ઝેર ઝઘડાને સ્થાન મળે છે. તેમાંથી અલગતા, અસંગતતા, અલિપ્તતતા અનુભવાય છે.

આજે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું અંતર વધતું જાય છે. શિષ્ટાચાર, સદાચાર અને વિવેક, મર્યાદા ક્યાં ભળાય છે? બંન્ને ને પોતાની રીતે જીવવું છે. બંન્ને પોતાનો માન મોભો રાખવા પ્રયત્ન કરે છે. વિદ્યાર્થીને વાંચવું નથી, હડતાલ પાડવી છે. અને પરીક્ષા લીધા સિવાય ઉપલા વર્ગમાં ચઢવું છે તેવું જ શિક્ષકનું છે. તેઓ પણ પોતાના સાચા કર્મ વિશે સભાન નથી. પોતાનું ગુજરાન ચાલે તેવી રીતે સ્વાર્થમાં રાચતા જોવા મળે છે.

આજના વિજ્ઞાનયુગમાં મનુષ્યનું, સ્તર નીચું જતું જાય છે. દેશના ઉદ્યોગો, મિલો, મશીનરીઓમાં, વાહનોમાં વગેરેમાં દિવસે દિવસે ખૂબ જ ઝડપથી પ્રગતિ થતી જાય છે. મનુષ્ય જીવનના ભૌતિક સાધનોથી આધુનિકતામાં ખૂબ જ ઉન્નતિ થતાં મનુષ્ય આળસુ અને આરામદાયી બની ગયો છે. તેથી તેનાં નીતિ નિયમોમાં શિથિલતા આવી છે. સયંમના અને ચારિત્ર્યતા માં ઓટ આવી છે. મનુષ્યને ખ્યાલ આવતો નથી. કે દિવસે દિવસે સમાજનું સ્તર નીચું જતું જાય છે. મનુષ્યે સુધરવાનું તો ક્યાં રહ્યું પણ તેનામાં સુધારકવૃત્તિ આવી છે. સમાજમાં અમીર ગરીબ બે વર્ગ થતા જાય છે. પોતાના આત્માની પ્રગતિ, ઉન્નતિનું કોઇ વિચારતું નથી. પાપમય લીલા વધતી જાય છે. આધ્યાત્મિક પ્રગતિની ક્યાં વાત રહી. જો કે સમાજના મોટા ભાગનો જનસમૂહ તે તરફ વળ્યો છે ખરો. દેખદેખીએ પણ વાત્સવિક્તાએ કાંઇ ઘડતર નથી. ધાર્મિક કાર્યો પૂરા થતાં જ ધર્મજીવનનું ઇતિશ્રી માને છે. અને ફરી પોતાના વ્યાવહારિક જીવનમાં ધર્મ વિરુદ્ધ કાર્યો થતા રહે છે. ધર્મ ભાવના ધર્મ કરવા પૂરતી મર્યાદિત ન રહેતા તે વ્યવહારમાં પણ સાથે રહેવી જોઇએ. પણ તેમ થતું નથી. તેથી જ દુઃખ અને હાડમારી ભોગવે છે.

સમાજના સભ્યો નિસ્પૃહી નિસ્વાર્થી અને પવિત્ર જીવન જીવી જે સમયે જે ફરજ બજાવવી પડે તે બજાવે તો મનુષ્ય જીવનની અનેક મુશ્કેલી ઉકેલી શકાય. આજના સમાજમાં જે સદ્‌ગુણોનો લોપ થતો રહ્યો છે તેને દરેક મનુષ્યે સમજી વિચારી અનુસરી અટકાવવા પ્રયત્ન કરવો જોઇએ. સમાજને સમૃદ્ધ બનાવવા ચારિત્ર્ય શુદ્ધિ એ જ જીવનનો ઉન્નતિનો પાયો છે.

 

૧૧ : ધાર્મિક સદાચાર

મનુષ્યના જીવનમાં પ્રભુ પૂજા, દેવ દર્શન અને ધાર્મિક ક્રિયાઓ સુંદર રીતે વણાયેલી છે. સમસ્ત વિશ્વનો સંચાલક કોઇ હશે જ. એને દિવ્યશક્તિ માનો કે પરમાત્મા માનો. એ તત્વોએ મનુષ્યોને અઢળક સંપત્તિ આપી છે. મનુષ્યને જન્મ આપી, તેનું પાલન પોષણ પણ તેજ કરે છે. મનુષ્ય પર તેના અસંખ્ય ઉપકારો રહેલા છે. એ જગન્નિયતાને સવારે યાદ કરીને વિનયપૂર્વક તેનો ઉપકારનો બદલો વાળવો એ મનુષ્યની શું ફરજ નથી? પૃથ્વી, પાણી, હવા,પ્રકાશ, ગરમી, ઠંડી, વરસાદ અને અનર્ગત સંપત્તિ, અખૂટ દ્રવ્યો અને વનસ્પતિ વગેરે શું આપી નથી? એ સર્વની કિંમત આંકી શકાય તેમ નથી. દુન્યવી ચીજ વસ્તુઓ મેળવવા મનુષ્ય અથાગ પ્રયત્નો કરી, મેળવી રહી, જે તેનો આભારી બની રહી તેનો ઉપકારનો બદલોવાળી રહેવાનો વિવેકી વ્યક્તિઓ પ્રયત્ન કરી રહે છે. ત્યાં આ તો મહાન ઉપકારનો પ્રશ્ન છે. જ્યાં બધું એ દિવ્ય શક્તિનું છે ત્યાં એનો બદલો વાળી શકાય?

છતાંય સવાર સાંજે ઇષ્ટદેવને ગદગદિત હૈયે પ્રાર્થના કરી, તેનું ઉપકાર નિવેદન કરવું જોઇએ. પ્રાર્થનાથી અંતરમાં પ્રકાશ પથરાય છે. જીવનમાં સુખ શાંતિ ને સંતોષ પમાય છે. અહંનો નાશ થાય છે. દિલમાં નમ્રતા પ્રગટતાં સાચા માનવી બની રહેવાય છે. નિસ્વાર્થ ભાવનાનો ઉદય થાય છે. ।। આત્મવત્‌ સર્વ ભૂતેષા ।। સર્વને પોતાના આત્મ તુલ્ય માનતાં, સ્નેહભાવ જાગ્રત થશે. વેરઝેર, કજિયા કંકાશ દૂર થઇ જીવન જીવવા જેવું લાગશે. સર્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી, સાચી શાંતિનો અનુભવ કરવો જોઇએ. નિયમિત દેવ મંદિર જવું હિતાવહ છે. સર્વ કાંઇ ભૂલીને એકાગ્રતાપૂર્વક દર્શન કરવું, પોતાની શક્તિ મુજબ અલ્પ સ્વલ્પ, પત્રમ્‌, પુષ્પમ્‌, ફલમ્‌ તોયં અવશ્ય દેવમંદિરે અર્પણ કરજો. ત્યાગ ભાવનાને પોષજો. એ ધાર્મિક ભાવનાને ટકાવવાનું અંગ છે. અનેક દેવ દેવીઓની મૂર્તિઓના સૌંદર્યને નિહાળી, સુંદર બનવાનું ઔદાર્ય, ચપળતા, બાહોશી, માતૃભક્તિ, ઉદારતા, બુદ્ધિ ચાતુર્ય, સૂક્ષ્મતા, બહુશ્રુતપણું, સેવક ભાવના વગેરે યાદ કરીને તે મય થવાની, જીવનમાં ઉતારવાનો દૃઢપણે સંકલ્પ કરશો તો મનુષ્ય પોતાનું જીવન ચારિત્ર્ય ઘડતર ખૂબ સુંદર રીતે કરી શકશે.

મનુષ્ય પોતાનું દૈનિક કાર્ય કરતો રહે છે પણ તેમાં દેવ દર્શન કાર્યમાં જેમ વધુ સમય વ્યતિત થાય તેવી રીતે શાન્ત ચિત્તે, એકાગ્રપૂર્વક, સમય ગાળવાથી, ત્યાંના વાતાવરણની પવિત્રતાની અસર પડી રહેશે. ત્યાં મંત્ર જાપ કરવાથી અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાં થતાં શાસ્ત્ર વચન કે કથા શ્રવણ કરવું ખૂબ હિતાવહ છે.

ધાર્મિક ઉત્સવો મેળામાં ભક્તિભાવે જવું, સેવાભાવના રાખવી. તીર્થક્ષેત્રમાં જતાં કરેલું પાપ ધોવાઇ જાય છે. ધાર્મિક સ્થાનની પવિત્રતા, સુંદરતા, સાત્વિકતા અને શાન્તિ મનુષ્યને અવશ્ય સ્પર્શી જાયછે. અંતર મન પ્રાણ ધન્ય બની રહે છે. સચ્ચારિત્ર્યપૂર્વક, સેવાભાવનાથી યાત્રા કે દેવદર્શન કરેલાં હસે તો તેનું ફળ સારું મળશે. શ્રદ્ધા ભક્તિ એમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. દૃષ્ટિની વિશાળતા એમાંથી લાધશે. સૃષ્ટિની વિરાટતાનું પણ એમાં દર્શન થશે. નદી, પર્વતો, સરોવરો કે મહાસાગરને કિનારે આવેલ આવા પવિત્ર તીર્થોથી માનવી તેનું અહમ્‌ અભિમાન ભૂલતો જાય છે. અલૌકિક ભાવ પ્રગટે છે. પોતાની અલ્પતાનું ભાન થઇ માનવ કર્તવ્ય સમજાશે અને વાણી, વર્તનને વ્યવહારમાં તેનું પાલન થશે. તીર્થોમાં દુઃખીઓ કે ગરીબ ગુરબાંઓની સેવા કરવામાં, તેમને ભોજન, વસ્ત્ર આપવાનો સંતોષ આનંદ પામી સાચા ધર્મનું પાલન થઇ રહે છે.