Charitya Mahima - 2 books and stories free download online pdf in Gujarati

ચારિત્ર્ય મહિમા - 2

(2)

૩ : બાળકોનું ઘડતર

આજે નાના બાળકથી માંડી યુવાનો સ્વચ્છંદે ચઢી, ખરાબ દોસ્તોની સોબત અપનાવી, અનેક કુટેવો સાથે વ્યસનોમાં સપડાઇ, ગેરમાર્ગે વળી, જીવન વિકાસ રૂંધી, વિનાશ નોતરી રહ્યા છે ત્યારે આજના વડીલો અને મા બાપોની જવાબદારી તેમજ ફરજ બની રહે છે કે પોતાના બાળકના ઘડતર અંગે વેળાસર ચિંતિત બની, તેઓનું જીવન બરબાદ થતું અટકાવી, ઉન્નત બનાવી રહેવા કંઇક પ્રયત્નશીલ બની રહેવું જોઇએ.

કહેવત છે કે “જેવી ટેવ પાડીએ એવી પડે” નાનપણથી જ આપણે એવી ટેવ પાડીએ કે જે સર્વને અનુકુળ થઇ રહે. સાથે આપણને તેનાથી સંતોષ અને શાંતિ મળે. સદાચાર અને ચારિત્ર્યને ગાઢો સંબંધ છે. બંન્નેમાં સદ્‌ગુણો રહેલાં છે અને બંન્નેમાં કર્તવ્યપરાયણતા છે. તે જીવન ઘડતરમાં મુખ્ય ભાગ ભજવે છે.

માતા પિતાએ પોતાના બાળકોને બાળપણથી જ નમ્રતા વિવેક, નિયમિતતા, સમયપાલન, ચોક્સાઇપૂર્વકનું કામ, સેવાભાવના વગેરેના પાઠ શિખવવા જોઇએ. બાળકોનું ઘડતર ખોટા લાડ પ્યારથી નહિ, કે ખોટા ખર્ચ કર્યાથી નહિ પણ તેમને ખડતલ બનાવી, પોતાનું કામ જાતે જ કરે. વાણી, વર્તન ને વ્યવહારમાં સત્યનું પાલન કરે તે જોવું.

બાળક તો કુમળો છોડ છે તેને જેમ વાળશો તેમ વળશે. એટલે મોરું તારું, સારું ખોટું, પક્ષાપક્ષીની ભાવનાથી તેને દૂર રાખવું જોઇએ. તેનામાં અનુકરણ કરવાની ગજબની શક્તિ છે. એ શક્તિ નૈસર્ગિક છે તેથી તે પોતાની આસપાસ જેવું જોશે, જણાશે, સાંભળશે તેવું તેનું અનુકરણ કરશે, આથી વડીલો અને મા બાપની જવાબદારી બાળકોના ઘડતરની ખૂબ મહત્વની રહેલી છે. બાળકોના દેખતાં ખોટું કામ, ખરાબ અપશબ્દ બોલશો નહિ. સુંદર અને મૃદુ વાણીથી તેમની સાથે વર્તશો તો તે તેવી રીતનું વર્તન કરશે.

સાચા જૂઠના ભેદથી બાળકોને બચાવશો. બાળકોને સાત્વિક ખોરાક ખવડાવશો, ચોકલેટ, પીંપરમીન્ટ, આઇસક્રીમ ને થમ્પઅપ જેવાં પીણાંથી દૂર રાખશો. તેમનું ખૂબ લાલન પાલન ને જતન કરશો નહિ. તેમને કુદરતી જીવન જીવવા દેશો તો મોટાં થતાં કોઇ પણ મુશ્કેલીભર્યાં માર્ગમાંથી પસાર થઇ શકશે. તેઓમાં ધાર્મિક સંસ્કારનું સિંચન કરશો કે ધાર્મિકતા સિવાય જીવન ઉન્નત બની શકતાં નથી. સુંદર વાર્તાઓથી સદ્‌ગુણો, સદાચારો અને ચારિત્ર્ય ઘડાશે. મહાપુરુષો, ઋષિ મુનિઓ, સાધુ સંતો, દેશ ભક્તો અને નેતાઓના જીવન ચરિત્રો સંભળાવશો. એવું વાંચન વંચાવવાથી તેઓ ઉન્નતપથગામી બની રહે. માનવજીવન ઘડતરમાં આવાં પુસ્તકો વાંચન પછી એમાંથી સારતત્ત્વ શોધવાને કહેશો જેથી સારાપણું તેઓના ઘડતરમાં સુંદર કામ રહેશે.

પ્રાતઃકાલે ઉઠતાં જ હરિસ્મરણ કરાવશો. થોડાક શ્લોક બોલાવશો, કંઠસ્થ કરાવશો. શાંતિપૂર્વક પ્રાર્થના કરે તેવું વાતાવરણ જમાવશો. બાળકો ઉઠતાંવેંત વડીલોને વંદન કરે તેવી ટેવ પાડશો. કહેવત અનુસાર “નમે તે સૌને ગમે” પ્રેમપંથમાં આ મહત્ત્વનો પાઠ છે. તેની વૃદ્ધિ થતાં સંસારમાં સ્વર્ગને પણ ઉતારી શકાય છે.

ઘરનાં મોટાંઓએ ખોટા વ્યસનોથી દૂર રહેવું અને ખોટી આદત ટેવ ન પાડવી જેથી બાળકો એવાં ખોટા વ્યસનોમાં ન ફસાય. વ્યસનોમાં ફસાયેલાના જીવન બરબાદ થયાના દાખલા સમાજમાં નિહાળી શકીએ છીએ. જેવું મોટા કરશે તેવું જ વર્તન નાના કરતાં શીખશે. વડિલોના સારા આચરણની અસર બાળકો પર સારી થાય છે.

કપડાંની, ખોરાકની, રહેવાની, આવવા જવાની વગેરે બાબતોમાં સાદાઇ રાખવા બાળકોને શીખવશો. આજના મોંઘવારી અને કપરા સમયમાં જીવન કેમ સાદાઇથી જીવાય તેનું શિક્ષણ આપવાથી બાળક આડા અવડા, ખોટા ખર્ચા કરશે નહિં. મોજશોખનો બહોળો ખર્ચ જીવનમાં ઝેર ભેળવે છે. જેટલો એ ખર્ચ ઓછો તેટલી આવક વધારે સમજવી.

બાળકોના દેખતાં કદીય અપશબ્દભરી કે કડવી વાણી કે દુઃખ ભર્યા શબ્દોનું ઉચ્ચારણ ના કરશો. મીઠી વાણીથી બાળકો પાસે ખૂબ સારાં કામો કરાવી શકાય. બાળકોને પ્રેમથી ભાવપૂર્વક કહો તો તેઓ તમારાં કામ કરશે જ. હા ઘરના અન્ય સભ્યોને સોંપાયેલ કામ તેમણે કરવું જોઇએ. તો બાળકો પણ અનુકરણ કરશે. તેમની ફરજ અને કર્તવ્યનું ભાન થશે. બાળકોને ખોટી રીતે જકડશો નહિં. તેને થોડી સ્વતંત્રતા પણ આપજો. તેમના વિચારથી તે કામ કરે તેવી તકો પૂરી પાડશો તો તેઓની બુદ્ધિ વિકસી રહેશે. મોટાં તરફ સહાનુભૂતિની અને ભલી લાગણી તેઓમાં ઉત્પન્ન થશે.

શેરી કે ફળિયાના બાળકોની ચકાસણી કરીને, બાળકોને તેમની સાથે રમવાને જવા દેશો. આમાં સંગ સોબત પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. “સોબત તેવી અસર” કહેવત. બાળકના મિત્ર સખી સહેલીઓના આચરણની અસર એકબીજાના ઉપર અવશ્ય થાય છે. યોગ્ય બાળકની સાથે જ એ હરે ફરે તે ખાસ જોવું.

બાળકોની નાની બાબતો ઉપર પણ વડીલોએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. બીજમાંથી ફણગો ફૂટી વિશાળ વટવૃક્ષ બને છે. તેવું જ બાળકોના મન ઉપર નાની મોટી બાબતોથી સારી ખોટી અસર થાય છે અને પાછળથી પસ્તાવું પડે છે. એટલે બાળકો ખોટી બાબતોમાં, વ્યસનોમાં કે કુમિત્રોમાં ન ફસાય તેની ખાસ કાળજી લેવી. પછી તેઓને બચાવવા કઠીન થઇ પડે છે. પૈસાના ગુલામ તેઓને ન બનાવશો. જરૂર પૂરતા ખર્ચના પૈસા આપજો અને તે શામાં ખર્ચ કરે છે તેની તપાસ કરજો.

આજે ટીવી જોવાની બદી બાળકોમાં ખૂબ વધી ગઇ છે. ટીવીના કાર્યક્રમોમાં સાત્વિકતાને બદલે અશ્લિલતા વધુ પેશી ગઇ હોઇ બાળકના કુમળા મગજને ગંભીર નુકસાન કરે છે. બાળકોમાં ટીવી જોવાની આદત ઘર કરી ગઇ છે. તેથી મા બાપોએ ટીવીમાં શૈક્ષણિક કાર્યક્રમો અને બીજી સારી સિરીયલ કે જે બાળકના જીવન ઘડતરમાં ઉપયોગી બની રહે તે ખાસ જોવડાવશો. ટીવી જોવાનો સમય મુકરર કરશો જેથી બાળકોનું લેશન અને ભણતર બગડે નહિ. સારા ઉત્સવોમાં ભાગ લેવા લઇ જજો. નાના પ્રવાસોમાં કુદરતને ખોળે કે નદી કિનારે હરવા ફરવા લઇ જજો. બીજા સારા પ્રદર્શનો ભરાય તે પણ બતાવશો આથી તેમની દૃષ્ટિ વિશાળ બનશે. નવું જોવા, જાણવાની જીજ્ઞાસા સંતોષાશે.

અઠવાડિયામાં મુકરર વારે, ઘરના સર્વે ભેગા મળીને શાંતિથી બેસી, ભજન કિર્તન કરજો કે ઉપયોગી વાંચન કરજો. આમ ન બની શકે તેમ હોય તો પ્રાતઃકાલે પથારીમાં બેઠા બેઠા, પ્રભુનું થોડુંક નામ સ્મરણ કરાવજો. એટલે બાળકના ઉઠતાં જ તેના મન અંતરમાં સાત્વિક ભાવના ખીલી રહી, તેની દિનચર્યા સુધરી જશે. પ્રાર્થના તો સુખી જીવન જીવવાની ચાવી છે. જીવન રસપૂર્ણ બનશે. ઇશ્વર પર શ્રદ્ધા બેસશે અને શ્રદ્ધાથી જીવનમાં અનેક કાર્યો સુલભ બની રહી, જીવન સુખ, શાંતિ ને સંતોષપૂર્વક જીવી શકાશે.

 

૪ : ઘરની સભ્યતા

આજે ઘરમાંથી શાંતિ ચાલી ગઇ છે. તેની જગ્યાએ કંકાશ કલેશ લડાઇ ઝઘડા ટંટા ફીસાદ સાથે અત્યાચાર અને અનાચાર ફૂલ્યો ફાલ્યો છે. સ્ત્રી, પુરુષ કે બાળકોના અંતર વ્યાકુળ વ્યાકુળ, અજંપો, મૂંઝવણ, દુઃખ, દર્દ, પીડા ને વેદનાથી વલવલી રહ્યા છે. ત્યાં આનંદ સુખની લહર ભાળી શકાય ખરી? ઘરને પ્રસન્નતાના પવનથી લહેરાવ્યું હોય તો ઘરની સભ્યતામાં પરિવર્તનમાં લાવવું પડે.

આજે ઘરની શાંતી ને સરળતા જોખમાતી રહી છે. ઘરના સભ્યોને સભ્યતાપૂર્વક, સંવાદિતાથી વર્તવું નથી. સ્વતંત્ર, સ્વચ્છંદ ને મુક્તપણે વિહરવું છે ત્યાં ભલા શાન્તિનું સામાજ્ય પ્રવર્તે ખરું?

ઘર એક મંદિર છે. મિશન છે. એમાં જો સડો પેશે તો અસંસ્કારિતા છવાઇ, ઘરનું વાતાવરણ ડહોળાઇ જાય. ઘરના સભ્યોને ઘણુ સહન કરવું પડે, ઘરના વડાનું કહેવું, માનવું, એ ઘરના સર્વ સભ્યોની ફરજ છે. સંસ્કારિતા અને ચારિત્ર્ય શીલતાની એ નિશાની છે. વડીલો કહે તે ઘરકામ ચીવટતાથી, ઉત્સાહપૂર્વક અને ફરજ સમજીને મર્યાદિત સમયમાં પૂર્ણ કરવું. શાન્તીપૂર્વક વાતચીત કરો, ઘરના કામમાં કરકસર કરવી એ ઘરને ચલાવવાની આવડત સંસ્કારિતા છે. ઘરની દરેક બાબતમાં નિયમિતતા જાળવો. પોતાની અનિયમિતતાથી, ઘરના સભ્યે ને કશું સહન ન કરવું પડે તેની કાળજી રાખો. જો મોટેરાની સલાહ સૂચન સમજીને કામ કરશો તો સૌને ગમશો. સારી વર્તણૂંક, મીઠી ભાષા સાથે આદર સૂચક વાણી બોલો.

નિત્ય સવારે વહેલા ઊઠી, દાતણ પાણી, શૌચથી પરવારી રહો, ભોજનનો સમય સાચવો કે જેથી તેની વ્યવસ્થા કરનારનો સમય બગડે નહિં. જેને જે કામ સોંપ્યું હોય તે પૂરું કરો. વાસણ બરાબર માંજી, સાફ કરી, વ્યવસ્થિત ગોઠવી દેવા. રાત્રે મોડા સુધી બહાર ફરવું નહીં. સૂવાના સમયે ઘર ભેગા થઇ જવાથી અન્ય સભ્યોને સરળતા રહે અને ઉંઘમાં ખલેલ ન પહોંચે તેની કાળજી રાખો. રાત્રે શાન્તિપૂર્વક વાંચન, લેશન, પાઠ તૈયાર કરવા તે પણ બીજાને અડચણ ના પડે તે ખાસ જોવું. ટીવીની સારી સારી સિરીયલ મુકરર સમયે ઘરના સર્વે સાથે બેસી નીહાળો. પડોશીને ખલેલ ન પડે તેટલો ટીવીનો અવાજ રાખવો. જરૂર મુજબ જ વીજળીના દીવા બાળો. વીજળીનો દુરપયોગ ન કરો, પાણીનાં નળ ખુલ્લો ન મૂકી દેતાં, ઘર વપરાશનું પાણી ભરી નળ બંધ કરવાથી નકામું વહી જતું પાણી વેડફાશે નહીં. દરેક સભ્યોએ પોતાની ચીજ વસ્તુઓને વ્યવસ્થીત મુકવી. પાઠ્યપુસ્તકો, નોંધપોથી તેમજ સમય પત્રક યોગ્ય સ્થાને જરૂર પડે તરત જ હાથવગું થઇ રહે. ઘરની દરેક ચીજ વસ્તુઓનું સ્થાન નક્કી કરી રાખો. ચારિત્ર્ય ઘડતરમાં અને સદાચારમાં આ મહત્વનો ભાગ ભજવે છે. એમ કરવાથી સમય બગડતો નથી વેળાસર કામ પૂરુ થાય છે.

નિત્ય સવારે મા બાપ, વડીલ કે મોટેરાઓને વંદન કરવાની નાનાઓ સાથે પણ સારું અને હાસ્યપૂર્વકનું પ્રેમાળ વર્તન રાખો. હસતુ મુખ ગમે છે. હસતે વદને સૌના આજ્ઞાંકિત બની રહો. જીવનને જીવવાની અને આગળ વધવાની આ ચાવી છે. પ્રત્યેક કામ સરળતા પૂર્વક, વેળાસર પૂર્ણ થઇ શકે તેવું આયોજન કરો, સરળતામાં જ સિદ્ધિ સમાયેલી છે. ઘરના કોઇ પણ કામને ગૂંચવાડામાં નાખશે નહિં. ઘરના એક સાચા અંગ થઇને જ રહો. ઘરમાંનો કકળાટ કે ક્લેશ એ અસંસ્કારીતાની નિશાની છે.

મહેમાનો કે સગાં વહાલાં ઘરે આવે તો તેઓની હસતે વદને આગતા સ્વાગતા કરજો. આત્મીયભાવથી તેમની સાથે વર્તન, વાતચીત અને વ્યવહાર કરજો જેથી તેમને અતડાપણું ન લાગે. ઘરનું કરીયાણું, દૂધ, ઘી, શાકભાજી વગેરે લાવવામાં મદદ કરજો એને માટે ચોક્કસ સમય નક્કી કરી રાખવાથી અગવડ ન પડે. ઘરની છુપી કે ખાનગી વાતને ઘરની બહાર ન જાય તેની ચીવટ રાખજો. કહેવત છે “ઘર ફૂટે ઘર જાય” ઘરના બારી બારણાં, કબાટોને સાચવીને ઉઘાડ વાસ કરો, ઘરના કામની વહેંચણી થાયતેમાં તમારી ફરજ સમજીને અવશ્ય કામ કરજો. ઘરમાંના નાનાને ખિજવશો ને નકામાં ટોળા ટપ્પાં કરશો નહીં.

ચારિત્ર્યશીલતા અને સદાચારમાં જ ઘરની શોભા સમાયેલી છે. ઘરમાં કોઇના મન ઉંચા ના થાય તે ખાસ જોશો. ક્રોધાવેશમાં બોલવાનું થાય તો અન્નને તરછોડશો નહિં. ભૂલ સમજાતાં માફી માંગીને પ્રસંગને બદલવાનું કરશો. ઘરના સર્વે સભ્યોનું સદાય કલ્યાણ થાય તેવા અંતરે ભાવના રાખજો. ઘરનો કંકાશ પડોસી પર પણ અસર કરે છે. અને માટાં પરિણામ ભોગવવા પડે છે. સહનશીલતા હૈયામાં રાખવાથી કેટલાય અનિષ્ટો દૂર થાય છે. ઘરની સંવાદિતા સચવાય છે. ગૃહકાર્ય કે ગૃહઉદ્યોગમાં ઘરનાને સાથ સહકાર આપશો. તો ઘરની તેજસ્વીતા અને ચારિત્ર્યતાની મહેક પ્રસરી રહેશે. જે ઘરમાં શાન્તિપૂર્વક કામકાજ થાય છે, જેમાં સ્ત્રીઓ અને બાળકો પ્રત્યે પ્રેમભાવ અને સમદૃષ્ટિ રહે છે. ત્યાં ઘર સ્વર્ગ સમાન બની રહે છે, લક્ષ્મીનો વાસ થઇ રહે છે. સુખ શાન્તિ ને સંતોષપૂર્વક ઘરના સર્વ સભ્યોનું જીવન પસાર થઇ રહે છે.

 

૫ : રોજીંદુ ધર્માચરણ

મનુષ્ય પોતાનું રોજીંદુ જીવન ધર્માચરણ પ્રમાણે જીવી રહે તો ઘણા પ્રશ્નો હલ કરી શકે છે. મનુષ્યે સવારે ઉઠતાં વેંત પથારીમાં જ પ્રભુનું નામ સ્મરણ કરીને દૈનિક જીવન શરૂ કરવું. માનસમાં સારા વિચારોનો આવિર્ભાવ થતાં જ મન અંતર પ્રાણ પ્રફુલ્લિત બની રહે જે આખા દિવસની કામ કરવાની તાજગી પ્રદાન કરે છે.

શૌચ કર્મ કર્યા પછી સાબુથી સારી રીતે હાથ પગ ધોઇ, દાતણ કરવું, આધુનિક જમાનામાં બાવળના કે લીમડાના દાતણ જવલ્લે જોવા મળે છે. તે દાતણથી દાંતનું આરોગ્ય સારું રહે છે. પણ તે દાતણ ન મળતાં કોઇ સારી કંપનીની ટુથપેસ્ટ અને બ્રસથી દાંત સારી રીતે સાફ કરી ઉલ ઉતારી કોગળા કરી મુખ સ્વચ્છ બનાવી, સાકર નાંખેલ ગરમ કરેલ દૂધ પીવું તંદુરસ્તી માટે હિતકારી છે. અત્યારે તો ઉઠતાં જ ચા પીવાની ટેવ આદત પ્રથા કે વ્યસન થઇ ગયું છે. તેથી એક જ કપ ચા પીવી. ઘણા તો બે ચાર મોટા ગ્લાસ ગઢગટાવી જાય છે. જે તંદુરસ્તી માટે લાભકારક છે.

શરીરને સ્વચ્છ કરવા સ્નાન કરવું અતી આવશ્યક છે. સ્નાન કરવાની પણ કલા છે. શરીરના પ્રત્યેક અંગ અવયવને સાબુથી ચોખી ઘસીને મેલ કાઢી સ્નાન કરવું જોઇએ. સ્નાન કરતાં ઘણા પાણીનો નળ ખુલ્લો રાખી, બગાડ કરતાં હોય છે તેવા વ્યાજબી નથી. જળ તો જીવન છે. તેથી તેને સાચવી ને વાપરવું જોઇએ. સ્વચ્છ ટુવાલથી શરીરના પ્રત્યેક અંગ સાફ કરવા એકની ચામડીનું દર્દ બીજાને લાગી શકે છે. તેથી દરેકના ટુવાલ અલગ હોય તો સારું. સ્નાનગૃહ પણ સ્વચ્છ રાખવું જોઇએ. પહેરવાના કપડાંની વ્યવસ્થા કરી રાખવી. સ્નાનગૃહમાં વધુ સમય ન લેવો. બીજાનો પણ ખ્યાલ રાખવો જોઇએ. રીવાજ હતો કે સ્નાન કરતાં પહેલાં તલના તેલની માલિસ કરવામાં આવતી. ચણાના લોટથી શરીર ચોળતા આથી ચામડીના છીદ્રા સાફ થઇ તાજગી પ્રદાન થતી શરીર હલકુ ફૂલ બની, શાંતી તેમજ આહ્‌લાદકતાની અનુભૂતિ થાય. માલિસ આરોગ્ય માટે સારી છે...

સ્નાન કર્યા પછી ઘરના દેવમંદિરમાં ઘીનો દીવો અગરબત્તી પ્રગટાવી પ્રભુ પ્રાર્થના કરવી. મંત્ર જાપ કરવા. તેમાં થોડો સમય વ્યતીત કરી, ઘરના વડીલોને વંદન કરી નિત્ય કર્મની શરૂઆત કરવી જોઇએ.

જીવનમાં ભોજનનું ખૂબ મહત્ત્વ છે. ભોજન કરતાં પહેલાં હાથ પગ સારી રીતે સ્વચ્છ કરી, શોક ભયના વિચારો ટાળી, શાંત ચિત્તે સાત્વિક અને સાદું ભોજન કરવું જોઇએ. તળેલી અને મસાલાથી ચમચમાટવાળી ચીજો વધુ પ્રમાણમાં ખાવી સારી નથી. તે શરીરને નુકશાન કરે છે. સર્વ પ્રથમ બ્રહ્માર્પણ કરજો અંજલિ છાંટજો. અંજલિભેર પાણી પીને, ભાતના નાના પાંચ કોળિયા લેજો શરુઆતમાં ઇષ્ટદેવનું નામ લેજો એ અન્નથી સદ્‌બુદ્ધિ મળે, સુજન્નતા મળે, અને ચારિત્ર્યબળ વધે અને સત્કાર્યો કરવામાં અન્ન મદદરૂપ થાય તેવી પ્રાર્થના કરજો.... પાણી અને હવા માટે પા ભાગનું પેટ ખાલી રહે તેમ જમજો. બગાડ કરશો નહીં. છાં’ડવું એ તો અસંસ્કારિતા છે. અકરાંતીયું નહીં પાચન થાય તેટલો જ ખોરાક ખાવો. નહીં તો વધુ પડતું ખાવાથી પેટમાં તકલિફ ઉભી થશે. કોળીએ કોળીએ પાણી પીવું હિતાવહ નથી. જમ્યા પછી સો ડગલાં ચાલજો અને સમય હોય તો ડાબે પડખે જરા આરામ કરજો નિદ્રા ના લેશો નહીતો આળશ અને પ્રમાદ આવશે. દિવસમાં બેવાર ભોજન કરજો ભોજન વચ્ચે છ કલાકનો સમય રાખજો. જેને ખાધા પછી પાન મસાલા ખાવાની ટેવ છે. બીડી પીવાની ટેવ છે તે સ્વાસ્થ્ય માટે હિતાવહ નથી. ભોજન કર્યા પછી મગજ ને તસ્દી પડે તેવું વાંચન લેખન કરશો નહીં.

રોજીંદા જીવનમાં વાતચીત પણ અગત્યનો ભાગ ભજવે છે. સ્પષ્ટ વાત પણ ધીમેથી સામેની વ્યક્તિની સમજમાં આવે તેમ કરવી વાત કરતી વખતે આપવડાઇ કે આત્મશ્લાધા કરવી એ અસંસ્કારિતા છે. સામા માણસને આપણી વાત રુચે તેનો ખ્યાલ રાખશો. પોતે જ બોલ બોલ કરવું એ અસભ્યતા છે. સામી વ્યક્તિને પણ બોલવાની તક આપવી તેને પણ સાંભળવી સત્ય અને મીઠી વાણીનો જ ઉપયોગ કરજો. અન્યની આગળ પોતાના દુઃખના રોદણાં રડશો નહીં. સ્વાર્થભરી વાત કરવી નહીં. બીજાનું હિત સચવાય તેવી વાતચીત થઇ શકે. કોઇની છૂપી વાત કરવી એવું કરવામાં ચારીત્રયહીનતા છે. ક્યારેક લડાઇ ઝઘડાં ઉભા થઇ, દૂશ્મનાવટ બંધાઇ, જાનહાનિ થઇ શકે. સર્વના હિતની, રાષ્ટ્રના હિતની ને તેના ઉત્થાનમાં તમારો કેટલો ફાળો આપો છો તે અગત્યનું છે. દુઃખી અને રોગ પીડીત માણસોને દિલાસો, આશ્વાસન દેવો તેમના દુઃખ દર્દમાં સહાયરૂપ બનો એમાં માનવતા છે. સદાચાર છે. સાત્વિકતાં છે સંસ્કારિતા છે.

ચાલવાની પણ એક કળા છે. અને ચારિત્ર્યનું અંગ પણ છે. જાહેર રસ્તા ઉપર ડાબી બાજુએ ચાલવું એ સામાન્ય નિયમ છે. ગમે તેમ વાંકાં ચૂંકા ચાલવું અસભ્યતા છે. રસ્તો ઓળંગતાં રસ્તાની બંન્ને બાજુ જોઇને કે કોઇ વાહન આવતું તો નથી ને પછી જ સામુ બાજુ રસ્તે ચાલનાર ને અગવડરૂપ ન બનાય તેમ ચાલવું. રસ્તામાં કેળાની છાલ કે એવી કોઇ લપસણી ચીજવસ્તુઓ હોય, ઇટ પથ્થર કે અગવડતી વસ્તુને રસ્તાની એક બાજુ નાંખી દેશો જેથી પોતાને તેમજ બીજાને અકસ્માત થાય નહીં. રસ્તે ચાલતાં ગમે ત્યાં થુંકવું કે લઘુશંકા કરવી એ અસંસ્કારિતા છે. નાગરીકત્વની ઉણપ છે. એવું ચાલો કે બીજા તમારી ચાલ જોઇને ખુશ થાય આનંદીત થાય.

જીવન સંગ્રામમાં વાહન વ્યવહારને અંગે પણ ખાસ નિયમો છે. તેનું આચરણ કરવાથી પોતાને કે બીજાને અકસ્માત કરતાં કે થતાં ઉગરી જવાય તેવી રીતનું પોતાનું વાહન, ગતિની મર્યાદામાં ચલાવવું જોઇએ તે વખતે ખાસ એકાગ્રપૂર્વક વાહન ચલાવવું. જો કે પંચાયત કે મ્યુનિસિપાલિટી એવા સ્થાનો પર નિશાનીવાળા પાટીયા લગાવે છે. તેનો અનાદર કરવો નહીં. ખાસ તો વાહન હંકારતા નશો ન કરવો જોઇએ. એમાં ચારિત્ર્યહીનતા છે. માનવતા નથી.

ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લઇ, રોજીંદા અનુસરી રહેવાથી કોઇ પણ મુશ્કેલી કે અગવડ પડશે નહીં. અને આખો દિવસ સુંદર રીતે પસાર કરી રાત્રે વહેલા નિંદ્રાધીન બની સવારે વહેલા ઉઠવાનું રાખશો તો જીવન સરળતાથી પસાર થશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED