ચારિત્ર્ય મહિમા - 9 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચારિત્ર્ય મહિમા - 9

(9)

૨૭ : પ્રવાસને પંથે

માનવજીવનમાં પ્રવાસનું સ્થાન અનેરૂ અને અગત્યનું રહેલું છે. પ્રવાસથી નવું નવું જાણવાનું, જોવાનું મળે છે. અવનવા અનુભવો પણ થાય છે. પ્રાચીન ભારતની સંસ્કૃતિ સભ્યતાના દર્શન થાય છે. તે સમયની સ્થાપત્યકલા, વાસ્તુકલા, કાષ્ટકલાની સાથે સંગીતકલાની ભવ્યતાનો સુંદર પરિચય પામી રહેવાય છે. મનુષ્યની દૃષ્ટિ વિશાળ બને છે. બુદ્ધિ ચાતુર્ય પ્રતિભા ખીલી રહે છે. ચારિત્ર્ય બાંધવામાં તે મદદરૂપ થાય છે.

પ્રવાસમાં જતાં અગાઉ જે તે સ્થળ અંગેની સંપૂર્ણ માહિતી મેળવી રહેવી એ સંસ્કારિતા છે. જ્યારે તેને તાદ્દશ્ય નિહાળીએ ત્યારે તેની ધન્યતાની અનુપમ અનૂભૂતિ થઇ રહે છે.

પ્રવાસમાં એક નોંધપોથી અવશ્ય રાખવી એ સંસ્કારિતા છે. જે તે સ્થળની ઐતિહાસિક નોંધો ભવિષ્યને માટે ચિરસ્મરણીય બની રહે છે. ચારિત્ર્ય ઘડતરમાં ખૂબ જરૂરી બની રહે છે. પ્રત્યેક સ્થળને રસપૂર્વક પણ ઝીણવટથી નિહાળવું એમાં પ્રવાસીનું અને પ્રવાસનું સાર્થક્ય છે. બાકી ઊભા ઊભા ગયા અને આવ્યા તેમાં શું મળવાનું? શું જાણવાનું? શો આનંદ માણ્યો હોય? ખાલી ખર્ચ થયું કે કર્યું એટલું જ ને?

પ્રવાસમાં અન્ય વ્યક્તિને મદદરૂપ બની રહી, સેવા કાર્ય બજાવી રહેવું એમાં માનવતા અને સંસ્કારિતા છે. પ્રવાસમાં ભાઇચારો પણ જરૂરી બની રહે છે. પ્રવાસમાં જાગૃત રહેવું. સાવચેતી રાખવી એ પણ જરૂરી છે. કોઇના પર એકદમ વિશ્વાસ મૂકી દેવો એ ભોળપણની અને અનઆવડતની નિશાની છે. પ્રવાસમાં જરૂરી સાધનો જેવાં કે પાણીનું સાધન બેટરી, નાસ્તા પાણી, સૂવાનું સાધન, હથિયારમાં લાકડી અને ચપ્પું ક્યારેક ઉપયોગી બની રહે છે.

ટ્રેનમાં કે બસમાં પદ્ધતિસરનું ચઢવું ઉતરવું એમાં સંસ્કારિતા છે. ધક્કા મુક્કી કરી, વગાડી બેસવું. એ માણસાઇ નથી. પ્રવાસમાં ખૂબ ખાવું એ હિતાવહ નથી. એક ટંક ખાવાથી આરોગ્ય સચવાઇ રહે અને પ્રવાસ સારી રીતે માણી શકાય. પ્રવાસમાં વૃદ્ધો કે અશક્તો કે સાથીદારોની જરૂર પડ્યે સેવા બજાવી રહેવી એ સદાચાર જ છે.

પ્રવાસમાંના નયનરમ્ય પ્રાકૃતિક દ્રશ્યો, વાવ, નદી, સરોવરો, કલાત્મક કોતરણીવાળા આરસપહાણના બંધાએલા મંદિરો, સ્થાપત્યો, ગુરુદ્વારો, દેરાસરો અને મસ્જિદો જે તે સમયની ભવ્યતાના દર્શન કરાવી જાય છે. જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. જીવનમાં કંઇક નવીનતા પામ્યાનો, સુખ આનંદની અલભ્ય અનુભૂતિ થઇ ચિરસ્મરણીય બની રહે છે. પ્રવાસ ખેડવાનો આનંદ જ અનોખો હોય છે. સમણીય ટેકરીઓ, પહાડો, પર્વતો પરના કુદરતી દ્રશ્યો અરે ત્યાંની આહ્‌લાદક હવાના સ્પર્શ માત્રથી જ અંતર મન પ્રાણ અવર્ણનીય આનંદથી ઝૂમી ઉઠે છે. નાચી રહે છે. જીવન જીવવાનું નવું બળ શક્તિ, તાજગી સ્ફૂર્તિ મળી રહે છે. એટલે મનુષ્યે વર્ષમાં એકાદ વખત એવા પ્રવાસનું આયોજન કરવું ખૂબ જરૂરી બની રહે છે. ભલે દુનિયાની સૈર થઇ ન શકે પણ આપણા ભારત દેશના જોવાલાયક સ્થળોનો અવશ્ય પ્રવાસ ખેડી રહી, દેશના ભવ્ય સાંસ્કૃતિક વારસાને જોવો, જાણવો અને અનુભવી રહેવો જોઇએ. તો જ મનુષ્યે જીવન જીવ્યું સાર્થક થઇ રહેશે, ધન્ય બની રહેશે.

 

૨૮ : સર્જકનું સાહિત્ય સર્જન

આજે નવોદિત સર્જકો સાહિત્ય સર્જન ક્ષેત્રે વધતા જાય છે. આનંદખુશીની વાત છે. નવોદિતો લઘુકથા અને ગઝલક્ષેત્રે વધુ ને વધુ સર્જન કરતા જોવાં વાંચવા મળે છે. લઘુકથા કે ગઝલનું સાહિત્ય સ્વરૂપે જેવી રીતે સર્જન થવું જોઇએ તેમ થતું નથી તે દુઃખદ વાત છે. ઉત્કૃ,્‌ટ સાહિત્યની આશા અપેક્ષા રાખી શકાય. જૂની પેઢીના સર્જકોનું સાહિત્ય પ્રેરણાત્મક, બોધાત્મક અને અધ્યાત્મક રીતે ઉત્કૃષ્ટ હોય છે તેવું સાહિત્ય સર્જન નવોદિતો પાસે. આશા રાખવી અસ્થાને ગણાય નહીં. ગમે તેવું કે જે મનુષ્યને ઉપયોગી બની શકે નહીં. તેવા સાહિત્યને સ્થાન નથી.

સાહિત્ય સર્જકો સદાચારી અને ચારિત્ર્યશીલ હોવા જરૂરી છે. તેમના ઉમદા સાહિત્ય દ્વારા પ્રજાનું જીવન ઘડતર સુંદર થઇ શકે છે. જેનું જેવું સાહિત્ય તેવી જ પ્રજા. સાહિત્ય સર્જકોની ફરજ થઇ પડે છે કે સમયને અને સમાજને અનુરૂપ થઇ મદદ કે ઉપયોગી બની રહે તેવું પોષક સાહિત્ય સર્જન કરવું જોઇએ. આજે સાહિત્યમાં વિવિધ પ્રકારના લખાણો જેવા કે લઘુકથા, વાર્તા, નવલકથા, કાવ્ય ગીતો, ગઝલ, નિબંધાત્મક, ઉપદેશાત્મક, વિવેચનાત્મક, બાલસાહિત્ય અને અધ્યાત્મક સાહિત્ય વગેરે ઉત્કૃષ્ટ અને ઉમદા સાહિત્ય હોવું જોઇએ. તો જ પ્રજાના વિચારોમાં પરિવર્તન લાવી, તેમના જીવન ધોરણને ઊંચું લાવવામાં ખૂબ મોટો ફાળો આપી શકાય. સાહિત્ય દ્વારા દેશોન્નતિ થઇ શકે છે.

આદર્શ સાહિત્યકારો, નેતાઓ અને આદર્શ રાજ્યકર્તાઓના ચારિત્ર્યની બાબતોનો સાહિત્યમાં સમાવેશ કરવો યોગ્ય બની રહેશે. લખાણો મૌલિક અને સ્વાભાવિકતાથી ભરપૂર હોવા અતિ આવશ્યક છે. સાચી ઘટનાઓને તેમાં ગૂંથવામાં આવે તો એ સાહિત્ય દેશોન્નતિ કે આબાદીમાં જરૂર મદદરૂપ થઇ પડે.

આપણા દેશની પુરાણ કથાઓ, તેમજ વિદેશની કાથાઓને પણ સાહિત્યમાં સ્થાન આપવું જોઇએ. સ્વાર્પણ અને બલિદાન તેમજ શૌર્ય શૂરાતનને તો અવશ્ય સ્થાન આપવું જોઇએ. જેથી વાચક વાંચતાં જ ચારિત્ર્ય ઘડતર તરફ ડગભરવા પ્રેરાય. સર્વને સાચી સમજનું ભાન થાય. દેશની શાન વધારવામાં પોતે સચ્ચાઇને તેમજ યોગ્યમાર્ગે વાળી શકાય. આદર્શ સાહિત્યનું ગૂંથન કરેલું હોવું આવશ્યક છે.

આદર્શ વાતો વાંચવાથી કે બોલવાથી કશો જ લાભ થતો નથી. પણ ઉમદા સાહિત્યને બને તેટલા આચરણમાં મૂકવાથી વ્યવહારમાં બીજા ઉપર જરૂર પ્રભાવ પાડી શકે. માનવજીવનના ઊંચા પંથે જવા પ્રેરાશે. તો જ જન જીવન આબાદ, અને સમૃદ્ધશાળી બને. શોભા વધારી શકાય. યશસ્વી બની રહેવાય.

મારા સાહિત્યનું લખાણ જ સાચું છે, તેવું જક્કીપણું ખતરનાક સાબિત થઇ શકે છે. પક્ષાપક્ષી અને હૂંસા તૂંસીને સાહિત્યમાં સ્થાન નથી. નામી કે અનાીમી સર્જક હોય અને તેનું સાહિત્ય યથોચિત હોય તો તેનો સ્વીકાર કરવામાં તેનો આવકાર કરવામાં ખચકાટ કરવો ન જોઇએ. આજે નવોદિતોના સર્જનને જૂની પેઢીના સર્જકો આવકારવા ખીચખીચાટ અનુભવતા જોવા મળે છે. તેઓને પ્રોત્સાહિત કરવામાં ઊણા ઉતરતા જોવા મળે છે. સર્વે સાહિત્યકારોએ દેશના હિતને લક્ષ્યમાં રાખવું જોઇએ. ગુંદુ, વ્યભિચારી અને વિલાસી પ્રેરિત સાહિત્ય વર્જિત છે. ટૂંકમાં સાત્વિક, સત્ચારિત્ર્ય, સદબોધાત્મક ઉપદેશાત્મક કે જે મનુષ્યને જીવન જીવવાનું જ્ઞાન મળી રહે. સુંદર ઘડતર કરી. જીવન ઉજ્જવલ બનાવી રહેવાય. તેવા સાહિત્યનું સર્જન યથાયોગ્ય ને ઉચિત ગણાય.

 

૨૯ : પત્રકારોનું કર્તવ્ય

સારા પત્રકાર બનવા માટે કે પત્રકારના વ્યવસાયમાં જવા માટે પત્રકારનો કોર્ષ ઘણા સ્થળોએ ચાલે છે. તેનો લાભ લેવાથી પત્રકારની ફરજ કર્તવ્યના ભાન સાથે પત્રકાર અંગેની જરૂરી માહીતિ જ્ઞાન મેળવી શકાય છે. પદ્ધતિસરનું જ્ઞાન સારૂ.

દેશની ઉન્નતી પ્રગતિ વિકાસમા ચારિત્ર્ય શીલ પત્રકારોનો ફાળો ખૂબ અગત્યનો રહેલો છે. સાથે ફરજ તો છે જ.પત્રકાર નીડર, હિંમતવાન, કોઇની શે, શરમમાં તણાયા વગર, વાણી સ્વાતંત્ર્યનો એણે વિવેકપૂર્વક નો ઉપયોગ કરીને સમયે સમયે રાજ્યની અને દેશની સાચી પરિસ્થિતિનો, રાજકર્તાઓની ભૂલોનો, પ્રજા સમક્ષ સાચી રીતે રજૂઆત કરવી એ પત્રકારનું ચારિત્ર્ય દર્શાવે છે. વ્યંગ ચિત્રોથી પણ નેતાઓના કર્તવ્યોને સમજાવી શકે છે. ભૂલોને બતાવી શકે છે. અને તેમના કરતૂતોને જાહેર કરી શકે છે.

માથાભારે વ્યક્તિથી કે આગળ પડતી વ્યક્તિથી ડરવું ના જોઇએ. જેટલું તે ડરશે તેટલું પત્રકારીત્વ પાગળું બનશે. પ્રજા ઉપર તેનો સાચો પ્રભાવ પડશે નહીં. અને શહેર કે રાજ્યની વ્યવસ્થામાં ક્ષતિ આવશે. જેટલું પત્રકારીત્વ નીચી કક્ષાનું તેટલા રાજ્ય કે દેશનો વિકાસ ઓછો પ્રજાના અને નેતાઓના કર્તવ્યોનું ભાન પણ પત્રકારો જ કરાવી શકે છે. મીઠી અને અર્થ ગાંભીર્યથી ઓપતી રસ પૂર્ણ ભાષામાં એ પ્રજાજનોને ડોલાવીને તેમની ફરજોનું, ચારિત્ર્યનું સદાચારનું ભાન કરાવી શકે છે. સાથે એવા સન સનાટી ભર્યા સમાચારો આપી ધ્રુજાવી શકે છે. માહિતગાર બનાવી શકે છે. પત્રકારોનું સન્માર્ગગામી સંગઠન પણ ખુબ જ મહત્વનો ભાગભજવી શકે છે. પ્રજાને એનાથી જબરી હૂંફ મળે. પ્રજા સજાગ બને નેતાઓને પણ તેઓનું કહેવું માનવું પડે છે.

આવા સર્વતોમુખી કાર્ય માટે સ્થાપીત હિત કે વ્યક્તિનું હિત ન જોવાય, એમા તો સમગ્ર રાજ્ય, દેશનાં હિતને જ જોવાય અને તદાનુસાર શિષ્ટોચારનો માર્ગ લેવાય. આ તો જનતા જનાર્દનવુ કાર્ય છે. મહાયજ્ઞ છે. એમાં આપણે સર્વે સદાચારને માર્ગે જઇને ચારિત્રય પથી બની શકીએ. સત્યનો આગ્રહ રાખવો જોઇએ. સેવાને તો કેમ જ ભુલાય. સર્વના સુખમાં મારૂ સુખ સમાએલું છે. એમ માનીને પરમાત્મા જે કોઇ સાચો માર્ગ બતાવે તે માર્ગે ચાલવામાં જ કલ્યાણ છે એવું સમજી કર્તવ્ય પરાયણ થઇ રહેવાય. એટલે પત્રકારોએ હંમેશ હરપળે સાવધાન રહેવું જોઇએ. પ્રજાની, રાજ્યની, દેશની સેવામાં ઉન્નતીમાં જ તેઓનો મહત્વનો ફાળો રહેલો છે. પ્રજા, રાજ્ય અને દેશને સર્વ રીતે સજાગ બનાવી રહે છે.

 

૩૦ : દાન પુણ્યને પંથે

આજે ઘણા માનવીઓ વિવિધ રીતે ધન દોલત કમાય છે. પણ તેનો સદ્‌ઉપયોગ કેટલા જણ કરે છે? માનવી પાસે બે પૈસા થતાં છકી જાય છે. તેમાં ખોટા ખાણીપીણીમાં, અમન ચમનમાં, ભોગવિલાસમાં ખર્ચ કરી વેડફે છે. અનેક વ્યસનોની કુટેવો ધરાવતા થાય છે. તેથી તંદુરસ્તીને સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી રહે છે. રોગના ભોગ બને છે. અને તેમાંથી સારા થવા એકઠા કરેલ પૈસા ખર્ચી નાખે છે. બરબાદ થઇ દેવાદાર બનતા જોવા મળે છે. પણ દાન પુણ્યમાં પૈસો ખરચતા નથી. “અમારા પૈસાનો અમે ગમે તેમ ઉપયોગ કરીએ એમાં કોઇને શું?” એવું બોલી રહે છે.

આ બાબત શું વિચારણીય નથી? દુઃખી અને ભૂખથી ટળવળતાં માનવો આપણા ભારતદેશમાં વધતા જાય છે. તે આપણા માટે શોભા સ્પદ છે. કોઇ પણ વ્યક્તિની કમાણીમાં દેશ બાંધવોનો પણ ભાગ રહેલો છે. કમાણીનો દશાંસ કે વીશાંશ ભાગ જે તે કમાનારનો હિસ્સો નથી જ. એવો હિસ્સો એમણે પારકાના હિત કાજે, પરાર્થે કે પરમાર્થમાં વાપરવો જોઇએ. એમ કરવાથી ઘણી જાતના લાભ ફાયદા થશે. જેની પાસે નથી, તેમને મળશે. સંતોષ, શાંતિ પામી આશિષ વરસાવશે. ખોટો થતો ખર્ચ અટકશે, અંતરમાં ભાઇચારાની ભાવના રાખી મુશ્કેલીવાળાને મદદ કરી કર્તવ્યપાલન કર્મોનો સંતોષ અનુભવશે. જીવન ધન્ય થશે.

પૈસાનો ઉપયોગ દાન ધર્મમાં કરવાનું શાસ્ત્ર કથન છે. યોગ્ય પાત્રને દાન આપવું અને કમાણીની ઉચ્ચતા છે. અપંગો, આંધળા, અશક્તો, લૂંલા લંગડાઓની સેવા કે પોષણ અર્થે વપરાએલા પૈસાનો સદુપયોગ થયો ગણાય. પણ જો એક સ્થાને તે પૈસો એકત્ર કરી રહેવાનો અર્થ નથી. એ તો કંજૂસના ધનની પેઠે કાંકરા તુલ્ય જ ગણાય ને?

દાનના પણ પ્રકાર છે. અન્નદાન, ક્ષેત્રભૂમિદાન, વસ્ત્રદાન, વિદ્યાદાન, જ્ઞાનદાન, પાત્રદાન, વાગ્દાન અને મતદાન એ દાનમાં સાત્વિક્તાની જરૂર ખાસ રહે છે. આ બધા દાનોમાં ભૂમિદાન, અન્નદાન અને જ્ઞાનદાન ખૂબ મહત્ત્વનાં તેમજ શ્રેષ્ઠ છે. દાન એવી રીતે આપો કે દાન લેનારને તે સદાને માટે ઉપયોગી થઇ રહે. તેને ફરીથી બીજાના દાનની ઉપર આધાર રાખવો પડે એવું દાન તો સાચું દાન નથી. દાન કરવાથી માણસના અંતરને અને મનને શાંતિ મલે છે. દાનથી ક્ષુધાની તૃપ્તિ થાય પણ જ્ઞાનદાનથી તો તે વ્યક્તિને જીવનભરની શાંતિ, સુખ મળે. એ જ સાચું પુણ્ય વ્યક્તિને જીવનભરની શાંતિ સુખ મળે.

સર્વ ઉપનિષદોનો સાર એક જ વાક્યમાં “પરોપકારાય પુણ્યાય, પાપાય પરપીડનમ્‌” બીજાને ઉપકાર કરવો. તેની સદ્‌વૃત્તિને સંતોષવી અને શાંતિ આપવી તે પરોપકાર જે કાર્યથી અન્યને સાચું સુખ મળે, દુઃખ ટળે ને શાંતિ મળે તો જાણવું કે તે દાનનું પુણ્ય ઘણું રહેલું છે. અ પાત્રે થએલું દાન નુકસાન કર્તા છે. સાત્વિકવ્યક્તિને કરેલું દાન સુખકર્તા થાય. ફળની આશા રાખીને કરાતું દાન, ફરજ સમજીને ફળની ઇચ્છા વિના અપાયેલું દાન તેમ જ મેં કોઇ મહાનકાર્ય કર્યું એવી ઇચ્છાથી, અભિમાનપૂર્વકનું દાન, દાન કરેલું ગણાતું નથી.

ફળની ઇચ્છા વિના અપાયેલું દાન સાત્વિક દાન છે જે દાન ચારિત્ર્યશીલ ગણાય છે. ફળની ઇચ્છા સાથે અપાયેલું દાન રાજસિકદાન ગણાય છે. અહંને પોષવાને માટે અપાયેલું દાન તામસિક દાન, તે કનિષ્ઠ પ્રકારનું છે. છતાં દાન નથી કરતા તેના કરતાં તો તે દાન કંઇક સામાન્ય ગણતરીનું ગણી શકાય.

દાન દેવું એ તો માનવધર્મ છે. કોઇ પણ ધર્મકાર્યમાં એ દાન સાત્વિક દાન છે. ધર્મથી માનવ સંસ્કૃતિ પોષાય છે. અને ચારિત્ર્ય ઘડતરમાં પણ તેનો મોટો ફાલો રહેલો છે. દાન પુણ્યની બાબત સાર્વત્રિક છે. સર્વને તો થોડા યા વધુ પ્રમાણમાં સ્પર્શી રહે છે. દાનના નિર્મળ સ્ત્રોતને વહેવડાવી માનવીએ જીવન ધન્ય બનાવી રહેવું જોઇએ.