(5)
૧૨ : પાડોશી ધર્મ
“પહેલો સગો પાડોશી.” સાચે જ છે કે જ્યારે માણસને કોઇ મુશ્કેલી આવી પડે, અણધારી આફત આવી હોય, કુટુંબમાં કોઇનું મરણ થાય ત્યારે સગા વહાલાં આવતાં વાર લાગે પણ પાડોશી પહેલો દોડતો આવી, કોઇ વાત કે મુશ્કેલીમાં સહાયરૂપ થઇ શકે છે. અને આફત ને ટાળે છે. એટલે ઘરને અને પાડોશને ગાઢો સંબંધ છે. પાડોશવાળાં પણ ઘરના જ છે. એવું માનીને તેમની સાથે કદીય બગાડશો નહીં. કેટલીકવાર સમજફેરથી, ક્રોધાવેશથી કે ઉતાવળથી એકબીજાને બરાબર નહીં સમજવાથી ક્લેશ કંકાશનાં મૂળ નંખાય છે. આવી વખતે કાળજીપૂર્વકના વિચારની અને વર્તનની જરૂર રહે છે.
આજે પાડોશી સાથેના સંબંધો તૂટતા જ લાગે છે. નહિવત્ બનતા રહ્યા છે. નજીવી બાબતોમાં પાડોશી સાથે ઝઘડો ઉભો કરી, જીવન જીવવું અકારું બનાવી રહે છે. કહેવત છે કે “જેને પાડોશી સાથે વેર તેને પડે નહિં ચેન” એટલે પાડોશી સાથે દુશ્મનાવટ કે અણબનાવ રાખી, માણસ ચેનથી જીવી શકે નહીં. સમજ અને વ્યવહારું માણસો ક્યારેય પાડોશી સાથે સંબંધ બગાડતા નથી. જો પાડોશી સંબંધો સારા રાખે નહીં તો ક્યારેક ઘણુ સહન કરવાનો વખત આવે છે. એટલે પાડોશી સાથે પ્રેમભર્યો વ્યવહાર રાખવો ઉચિત છે.
આમ પણ પાડોશી રાત દિવસના સાથી છે. કુટુંબીજનો દૂર હોય કે આઘાં પાછા હોય ત્યારે પાડોશી જ કામમાં આવવાના છે. તેમના સર્વ સામાન્ય કામમાં મદદ કરવી એ એકબીજાની ફરજ છે. કોઇ પાડોશીની માંદગીમાં તેને જરૂરથી મદદરૂપ થવું જોઇએ એ બાબત તો અરસપરની છે. કોઇને સામાન્ય ઉપકાર કરેલો નકામો જતો નથી. કહેવત છે કે “ધૂળનો ય ખપ પડે છે.” આમ નજીવી વસ્તુ કામમાં આવે છે તો માનવ જેવો માવન કેમ કામમાં ન આવે? સારા માઠા પ્રસંગે પાડોશીઓએ એકબીજાને મદદ કરવી એ તો સર્વ સામાન્ય બાબત છે.
પાડોશી અગવડમાં કે મુશ્કેલીમાં હોય તો થોડીક પૈસાની મદદ પણ કરી, પાડોશી ધર્મ બજાવવો જોઇએ. ઉછીના પૈસા આપવાની એ ફરજ પણ બને છે. સંજોગોવસાત્ એ પૈસા વહેલા મોડા મળે તો કોઇ ઝઘડો કરી સંબંધો બગાડવા હિતાવહ નથી કે તેની સાથે બોલી બગાડીને ઝઘડો કરીને મન ઉંચા કરવા તે તો ઠીક નથી જ.
કેટલીક સ્ત્રીઓ પડોશણ પાસે ઘણી અપેક્ષા રાખતી હોય છે. પાડોશીએ બધું કરી છૂટવાનું ઘસાવાનું અને પોતે નહિ એવું સમજતી હોય છે. તે બરાબર નથી. પાડોશી જાતજાતના સ્વભાવના હોય છે. સ્વાર્થી, મતલબી, ઇર્ષાળુ અદેખા પ્રપંચી અને ખણખોદીયા, કાન ભંભેરીયા પણ હોય છે જે બીજાને હાનિ પહોંચાડે છે. ને ચેનથી જીવવા દેતા નથી કે પોતે પણ ચેનથી જીવતા નથી. આવા ખરાબ પાડોશીઓ સાથે બીજા સારા પાડોશીઓ પણ રહેતા હોય છે. જેઓ કોઇની પાસે ઉછીના કે ઉધાર વસ્તુ લેતા કે આપતા નથી. કોઇ ને દુભવતા કે દુઃખ પહોંચે તેવું વર્તન કરતા નથી. વ્યવહારમાં ચોખ્ખા હોય છે પડોશમાં રહેતાની ચિંતા કરતા હોય છે.
ઘણા પાડોશીઓમાં ઉછીના વહેવારમાં એવી ઘણી ધરેલું ચીજ વસ્તુઓ જેવી કે સાડી, બ્લાઉઝ, ચોટલા, ચંપલ, સુપડું, ચાળણી સ્ટવ, પીન, બાકસ, સોય દોરો, ખુરશી, ખાટલો, લોટ, ચોખા, દાળ, તેલ અને ચા, મોરસ વગેરે ઉછીની વસ્તુઓની આપલે થતી હોય છે. તે સારી બાબત છે. એક બીજાને મદદરૂપ બની રહેવું એ પાડોશીનો ધર્મ છે.
ઘણા પાડોશીઓ એવા હોય છે કે અન્ય પાડોશીને ઘેર ટેલિફોન હોવાથી, પોતાના સગાંવહાલાંને કહેતા હોય છે કે કામ પડતાં તમારે અમારા પાડોશી માટે સર્વ સામાન્ય થઇ ગઇ છે, અને ટેલિફોન પર વાત કરવાનું કહેતા હોય છે ટેલિફોન હોય તો તેનો સદ્ઉપયોગ થવો જ જોઇએ તેવું સમજીને પાડોશીને મદદરૂપ બનવું યથાર્થ છે.
કચરા પૂજાનો કે એંઠવાડના પાણીને પાડોશીના આંગણામાં ફેંકવાથી ઘણીવાર ઝઘડાઓ થતા રહે છે તે યોગ્ય નથી. ગામની પંચાયત કે મ્યુનિસિપાલિટીએ શેરીઓમાં કચરો નાખવા માટે પીપ મૂકતા હોય છે ત્યાં જ નાખવો સારો સંસ્કારિક અને સભ્યતાની નિશાની છે. કેટલીકવાર જાણ્યે અજાણ્યે કે ખરાબ ટેવને લીધે મકાનના ઉપરના માળેથી કચરો અને ગંદુપાણી ફેંકે છે ત્યારે શેરીનો રસ્તો કે પાડોશીનું આંગણું ખરાબ થાય છે તેવું ન બને તેની ખાસ કાળજી રાખવી, ઘરની, પાડોશીની અને રસ્તાની સ્વચ્છતા રાખવી એ પાડોશીની ફરજ છે. તેમ વર્તાય તો ઘણા કજીયા કંકાસ ટાળી શકાય.
કેટલીકવાર આડોશી પાડોશી કે શેરીના અત્રેના સાર્વજનિક કાર્યો પણ થતા હોય છે. ત્યારે તે કાર્યમા યથાશક્તિ ફાળો આપવો જોઇએ. સહયોગ ને સહકારની ભાવના હૈયે રાખવી. પાડોશીનું દુઃખ એ આપણું છે તેમ સમજી તેને દૂર કરવા પ્રયત્ન કરવો.
શેરીના કે પાડોશીના બાળકોમાં કેટલીકવાર ઝઘડા થતા હોય છે તેવા સમયે પાડોશીઓ મોટેરાં, બાળકોની લડાઇમાં લડી પડી, લાકડીઓ ઉછળી રહે છે. તેવા સમયે પણ વિચારપૂર્વક, ક્રોધ દબાવીને વચલો માર્ગ કાઢવો હિતાવહ છે, જેથી ઝઘડો વિકરાળ સ્વરૂપ ન પકડે અને જાનહાનિ ના થાય. કારણ કે બાળકો તો લડવાનાં અને પાછાં ભેગાં રમવાનાં તેથી પાડોશીઓએ એવું વૈમનસ્ય કે વેર ઝેર કે અબોલા રાખવા અસ્થાને ગણાય.
ફળિયામાં, શેરીમાં કે સોસાયટીમાં સુખ શાંતિથી રહેવું હોય તો પાડોશીને દુઃખ પહોંચે મુશ્કેલીમાં મૂકાય તેવું વર્તન વહેવાર કરવો ન જોઇએ. પોતાના પાડોશી સુખી આનંદી બની રહે તેવું કામ કરવું જોઇએ. પાડોશી ઉપાધિમાં મૂકાશે તો તમો પોતે જ ઉપાધિ, દુઃખ, દર્દ ભોગવશે. સારા પાડોશી બની રહેવા માટે પાડોશીની ખરાબ હરકતો, આદતો, દુર્ગુણો કે તેની ખામીઓને વળગી ન રહેતાં ઉદારતાભર્યો વ્યવહાર વર્તન કરજો. પાડોશીના સદ્ગુણોનો વિચાર કરી, પાડોશી સંબંધ નિભાવવો જોઇએ. પાડોશી ધર્મ બજાવ્યાનો આનંદ પામવો વધુ યોગ્ય છે. તો જ પોતે અને પાડોશી એકબીજાં સાથે રહી, સુખ, શાંતિ અને ચેનથી જીવન વિતાવી કે જીવી શકશે.
૧૩ : શાળા અને શિષ્યગણ
મનુષ્યનું જીવન અનેક રંગોથી રંગાયેલું છે. તેના અનેકવિધ પાસાઓ છે. બાળપણનું ભોળું જીવન, યુવાનીની રંગીન જીંદગી અને ઘડપણમાં સુંદર ને સત્કર્મો કરી, માન પ્રતિષ્ઠા પામ્યાના જીંદગીના મીઠા સંસ્મરણો વાગોળવા અથવા કરેલા કુકર્મોનો પશ્ચાતાપભરી પીઠીત જીંદગી.
બાળપણનું શાળાજીવન, એક અનોખી ભાત પાડે છે. તે ચિરકાળનાં સંસ્મરણોથી શોભતું અને રુચિને પ્રેરતું જીવન છે જે સંસ્થાઓ, શાળાએ, વિદ્યાલયે વિદ્યા પ્રદાન કરી, અવનવા જ્ઞાનનો ભંડાર આપ્યો. શિશુમાંથી યુવાન બનાવ્યો, અરે જીવન ઘડતર કર્યું તેને ભલા ભૂલાય ખરું? તેના પ્રત્યેની ભલી લાગણી અંતરમાં રહે જ. તેથી ભારતના આજે અક્ષર વિહીન એવા ઘણા બાળકો શેરીઓમાં અને રસ્તાઓમાં ભટકે છે. ઘણા ગામડાઓ એનાથી ઉભરાયેલ છે. તેમને અક્ષરજ્ઞાન મળી રહે તે માટે પોતાનું કર્તવ્ય અદા કરવું અથવા ઉદારતાથી દાન કરવાની ફરજ શું થતી નથી? શિક્ષણ અંગેનું દાન કે કોઇપણ રીતની મદદ એ ચારિત્ર્યનું એક અંગ ગણાય છે. સ્વાર્થવૃત્તિની થોડીક નિવૃત્તિ અને દાનવૃત્તિની પ્રવૃત્તિના પગરણ મંડાય તો એ ખુબ જ શુભ ચિહ્ન ગણાય. અરે જીવનની પરમ ધન્યતા અનુભવાય.
ધન દોલત, જમીન જાયદાદ માલ મિલકત એકત્ર કરવામાં શું જીવનનું ઇતિશ્રી આવી જાય છે? “ના” સમયે સમયે આવતા યોગ્ય અવસરોએ, યોગ્ય સ્થાનોમાં યોગ્ય એવી નિઃસહાય કે લાચાર વ્યક્તિઓને અર્થે પોતાની જાત અને પોતાનું ધન ઔદાર્યપૂર્વક વપરાય એ સદાચાર અને સચ્ચરિત્ર્યનું અંગ છે અને તેમાંય જ્ઞાનદાનમાં મદદરૂપ થવાય એ તો જીવનનું શ્રેષ્ટત્વ છે.
પોતે જે સંસ્થામાં ભણી, જ્ઞાન પ્રાપ્ત કરી ઉંચી પદવીએ પહોંચ્યા હોય તેનું વગોણું થતું રોકવું શું જે તે વિદ્યાર્થીની ફરજ નથી? સંસ્થાની સુવાસ ચોમેર ફેલાય એવું સંસ્થા મંડળે પણ વિચારવાનો શું સમય પાકી ગયો નથી? ડોનેશનની બદી શિક્ષકોના ટ્યુશનની પ્રથા શું નાબૂદ કરી શકાય તેમ નથી? ધારે તો શાળા અને વિદ્યાર્થી કરી શકે.
પ્રસંગોપાત જૂના નવા વિદ્યાર્થીઓનું મિલન શિક્ષક ગુરુઓનો સંપર્ક, જૂના પ્રસંગોનાં ભાવવાહી સંસ્મરણો તાજા કરી, સંસ્થાને મદદ કે સેવા કરવાનું કામ એ ઉચ્ચ ચારિત્ર્યનું સૂચક ચિહ્ન છે. તે સંસ્થાને વધુ ને વધુ વિદ્યાર્થીઓ લાભ લે તેવું કરવું જ જોઇએ.
શાળા સંસ્થા તો માતૃ સંસ્થા છે. માતૃ છે. માતાનું જતન કરીએ છીએ, તેનું ગૌરવ જાળવીએ છીએ તેટલું તે સંસ્થાનું સચવાય એવી ભાવના અને તમન્ના તેના વિદ્યાર્થીગણમાં હોવી જોઇએ. સંસ્થાને કે શાળાને મુશ્કેલીમાં તેની પડખે ઉભા રહેવું, તન મન ધનથી મદદરૂપ બની રહેવું એ કેળવણીનું એક મધુર અંગ ગણાય છે. મન અંતરનો ભાર હળવો કરવાનું એ અમેલું સ્થાન છે. ગુરુજનો પ્રત્યે ધરતા જતા પૂજ્યભાવમાં વધારો કરવો જોઇએ. આદર સત્કાર કરવાની ભાવના હૈયામાં ઉત્કટતમ હોવી જોઇએ. અને તેવું જ ગુરુજનોએ પણ પોતાના શિષ્ય વિદ્યાર્થી પ્રત્યે પણ હોવું જોઇએ. એ ભાવ, સ્નેહ લાગણીના ફૂલ શું મહેંકી રહે નહીં?
આજના વિદ્યાથીએ ઉચ્છૃં ખલતાને હટાવવી પડશે શાળા પ્રત્યેનો અણગમો હટાવવો પડશે. તો જ શાળા પ્રત્યે માન પ્રગટશે. વિદ્યાર્થી શાળા સંસ્થા માટે ઘણું બધું કરી શકે છે. એનામાં શક્તિનો ભંડાર છે. સામર્થ્ય છે. બુદ્ધિ પ્રતિભા છે. ચેતના છે. આજના જન જીવનના કલુષિત વાતાવરણની અસર તેના માનસ પર થઇ રહી છે. વિદ્યાર્થી આજે સ્વચ્છંદ બનતો જાય છે. પોતાની શાળા પ્રત્યેનો ભાવ લુપ્ત થતો જાય છે. શાળાની અવગણના થતી નિહાળી રહ્યા છીએ.
જો થોડાકેય આદર્શ અને ચારિત્ર્યના વિદ્યાર્થીઓ ધારે તો શાળા સંસ્થાની જ્ઞાન જ્યોત પ્રગટાવી શકે છે. માતા પિતા તુલ્ય શિક્ષ ગુરુઓને ભુલાય ખરા? સારા સંસ્કાર સિંચન કરતી સંસ્થાને ઉચ્ચ સ્થાને લઇ જવી જોઇએ. આજના કથળતા જતા શિક્ષણ માટે બંન્ને જવાબદાર શું નથી? વિદ્યાર્થી અને શીક્ષકે બંન્નેએ વિચારવાનો સમય પાકી ગયો છે. તેઓ જે કંઇ કરે તે વ્યાજબી છે ખરૂ? બંન્નેની શી ફરજો છે? તેનો ખ્યાલ શું કરવો જોઇએ નહીં? પોતાનું ચારિત્ર્ય અને શિષ્ટાચાર શામાં ચે તેનો વિચાર શું કરવો ન જોઇએ? ઉપરના બધા જ પ્રશ્નોના જવાબ અને એનું અંતઃકરણ આપ્યા સિવાય રહેશે જ નહીં. વિદ્યાર્થીને તેમજ શિક્ષકને સાચી પરિસ્થિતિનું અને સાચા કર્તવ્યનું ભાન કરવું જ રહ્યું.
ગદ્ધા પચીસીનો સમય હવે વહેલો શરૂ થવા માંડ્યો છે. એ સમયમાં વિદ્યાર્થીએ પોતાના જીવનનું સાચી રીતે ઘડતર કરી, ચારિત્ર્યવાન બનવું જ રહ્યો. બાવીની આશાન પુર્ત સ્વરૂપ આપવા વિદ્યાર્થી આલમે અત્યારથી તેનું ઘડરત કરવું પડશે. તેવે સમયે વિદ્યાર્થીએ કર્તવ્ય પરાયણની સાચી સમજ કેળવીને વાસ્તવિકરૂપ આપવું પડશે. વિદ્યાર્થીઓએ સાચા વિચારકતાં થવું પડશે. તો જ વિદ્યાર્થીની સ્વચ્છંદતા સ્વૈરવિહારીતા, ગાંડી પ્રેમ ઘેલછા અને અનેક એવી કુટેવો દુર્ગુણો ખરાબ સંગ સોબત જેવી બાબતો તેમના જીવનમાંથી ચાલી જઇ એક આર્દશ વિદ્યાર્થી બની રહેવાની તેનામાં ક્ષમતા છે. બરબાદ થતા જીવનને અટકાવી શકાય છે.
મનુષ્યે મનોમંથન કરવું પડશે. વિદ્યાર્થી માનસનો પલટો કરવો તો જ ભારતનું ભાવી ઉજળું બનાવી શકાય. બાકી શાળાસંસ્થા અને વિદ્યાર્થી ક્યાં જઇને અટકશે તે કહેવું ઘણું મુશ્કેલ છે.
વિદ્યાર્થી મિત્રો વિચારો, જાગો અને અંતઃકરણ ને પૂછો શાળામાં તમે શા માટે જાઓ છો અને શું કરો છો? શાને માટે એવો નકામો માર્ગ લો છો? જે જીવન ઘડતરનો સમય છે. શાળારૂપી બગીચામાં મધમધતાં ફૂલડાંની સુવાસ બનો. પ્રફુલ્કીત થઇ, વિદ્યામાં રસ રૂચી કેળવી જ્ઞાન પ્રાપ્ત કરી, જીવન ધન્ય અને સફળ બનાવી રહો.
શિક્ષકોએ શિલ્પીની જેમ પથરમાંથી વિદ્યાર્થી રૂપી આદર્શ મૂર્તિને ઘડવાનો સંનીષ્ઠ પ્રયત્ન કરવો જ રહ્યો જેવો શિક્ષકોને ભાવ લાગણી પ્રેમ હશે તેવા વિદ્યાર્થીઓ કેળવાશે. પોતે સાચે માર્ગે વળે વિદ્યાર્થીના કર્તવ્યની ઝાંખી કરાવી, તેને જીવનના સાચા ઉન્નત માર્ગે વાળો. આમ થાય તો ઘણું બધું થયું ગણાશે. ભુલ્યા ત્યાં ફેરી ગણીને અને જોગ્યા ત્યાંથી સવાર ગણીને, એક સંપથી આ કાર્ય થાય તો સાળાનું શિક્ષકોનું અને વિદ્યાર્થીઓનું ભાવી ઉજળું બની રહે. તેમાં શંકાને સ્થાન નથી. વિદ્યાર્થીઓનું જીવન ચારિત્ર્યશીલ અને આદરને પાત્ર બનાવી શકાય. સમાજમાં આજે શાળા સંસ્થા શિક્ષકો કે વિદ્યાર્થીઓની જે વગોવણી, બદનામી થઇ રહી છે. તેને જરૂર અટકાવી શકાશે.
૧૪ : સદાચારની સાથે સાથે
આજે જ્યારે આપણે ભારતની સ્વાતંત્રતાની ૫૦મી વર્ષગાંઠ ઉજવણી કરીએ છીએ ત્યારે પ્રશ્ન થઇ રહે છે કે આપણાં ભવ્યાતીભવ્ય સાંસ્કતૃીક વારસા ને જાળવી શક્યા છીએ ખરા? માનવ જીવનમાં મૂલ્યોનો સરેઆમ હાસ શું થઇ રહ્યો નથી? આજના માનવ જીવનમાં આચાર વિચાર જેવું છે ખરું? શું સ્વચ્છંદતા અને સ્વૈરવિહારીતા નથી? ત્યાં ભલા સદાચારના દર્શન થાય ખરા? જો મનુષ્ય પોતાના જીવનમાં અપનાવે તો ઘણા પ્રશ્નો હલ થઇ શકે જીવન ધન્ય બને. સહકાચાર સારો આચાર તેમાં સર્વ કોઇ સમાયેલું છે. તેના વિવિધ પાસા ઓછે બાળકો સાથે વડીલોએ કેમ વર્તવું? ઘરમાં કે બહાર, શાળામાં કે નોકરીમાં કેમ વર્તવું ધર્મ ક્ષેત્રમાં કેવી રીતે કરવું? બસમાં કે ટ્રેનોમાં પ્રવાસમાં ચઢવા કે ઉતરતા શું કરવું? વગેરેના સદાચારને ચારિત્ર્ય પણ કહેવાય.
મનુષ્યના જીવન સાથે ઘણી બાબતો સંકળાયેલી છે. જીવન કંઇ એકલા જીવવાને માટે નથી. ઘરના, સમાજના શહેરના કે દેશના સમૂહમાં તે દીપી રહે છે. બધી વિચારણાઓ અને તેને અંગે કેવા પગલાં ભરવા તે પ્રશ્ન થઇ રહે.
જે મનુષ્ય જીવનમાં વિચારપૂર્વક કાર્ય કરે છે. પ્રમાણિકતા, ધીરજતા ને નિષ્ઠાથી થએલ કામ સફળ થયા વગર રહેતું નથી. વિચારને અને સદાચારને ગાઢો સંબંધ છે સદાચાર તો સૌને ગમે આપણે અન્ય પાસે સારા આચાર વિચાર વર્તનની અપેક્ષા રાખીએ ત્યારે પોતે પણ તેવો સદ્વ્યવહાર કરવો જ રહ્યો. અન્ય વ્યક્તિને આપણું સદ્વર્તન ગમતું થાય ત્યારે માનવું કે સદાચાર ના પ્રથમ સોપાને આપણે ડગ મૂક્યો છે. આપણે એક બીજા પ્રત્યે સ્નેહ અને લાગણી રાખીએ, કાર્યની સિદ્ધિ થઇને રહે અને માનવ જીવનમાં શાંતિનો અનુભવ થાય.
સદાચાર તો શાંતિનું અને સફળતાનું પ્રતીક છે તે રાજમાર્ગ છે. અરે આપણી સંસ્કૃતિનો પાયો છે. દુશ્મન ને દોસ્ત બનાવી શકાય અરે અન્યના આશીર્વાદ પામી સુખ મેળવી, જીવન સાર્થક બનાવી રહેવાય.
સદાચાર મનુષ્યનો સાચો સહારો છે તે અમૃતબિંદુ છે, તે ભક્તિમાર્ગનો ભોંમિયો સાથે અજ્ઞાનરૂપી અંધકારમાં દીપક સમાન છે. સદાચાર એ તો અમૃતનો ઝરો છે. દેવી લ્હાવો છે જીવનનો રસ સ્ત્રોત છે. સંસાર સાગરમાં તારનાર તરવૈયો છે. ત્યાં દેવનો વાસ છે. ધર્મ નીખરી રહી જીવન ધન્ય બની જાય. જીવનની ધન્યતા તો આપણું ધ્યેય છે તે પ્રાપ્ત કરવા સદાચારનું સેવન કરવું એ એકમાત્ર કર્તવ્ય થઇ રહે છે. તેમાં કલ્પતરું અને કામધેનું સમાયેલું છે, ચિંતામણી છે, સિદ્ધિની ચાવી છે. શાસ્ત્રોનું દોહન અને સાર છે.
ઋષિ મુનિઓ, તપસ્વીઓ અને સાધુ સંતોનો એ પ્રસાદ છે. તેનાથી સર્વ દુઃખ દૂર થાય. સદાચારની વિવિધતાનો પાર ન આવે તેની ડગલે ને પગલે જરૂર પડે. જેમ ભોજન મીઠા વગર મોળું, પાણી વગર માછલી જીવે નહીં, તેમ જીવનમાં સદાચાર વિના ના ચાલે.