Savai Mata - 38 books and stories free download online pdf in Gujarati

સવાઈ માતા - ભાગ 38

રમીલાને આજે લીલાને મળવાનું ઘણુંય મન હતું પણ હવે તેની પાસે સમય ન હતો. વળી, મોટી મા એ તેને કહ્યું હતું કે લીલાને થોડાં દિવસ રામજીના પરિવારની વચ્ચે રહેવા દેવી જરૂરી છે. માટે તેને ચાર - પાંચ દિવસ બોલાવીશ નહીં. રમીલાનો પણ ઘણો સમય યોગિતા અને ભૈરવી સાથે ગયો હતો. આજે સવારથી જરાય આરામ થયો ન હતો. તે બધાંની રજા લઈ ઘરે જવા ઉપડી.

મેઘનાબહેને તેને હંમેશ મુજબ કહ્યું , "સાચવીને ગાડી ચલાવજે."
તેણે સસ્મિત માથું હલાવ્યું.

સમીરભાઈએ તેને કહ્યું, "ઘરે પહોંચીને તરત જ ફોન કરજે."
તેણે આ અપેક્ષિત વાક્ય પુરું થતાં ફરી માથું હલાવ્યું.

ફરી એક વખત નિખિલે અનુભવ્યું કે રમીલાનાં જતાં જ તેની મમ્મી ઘણી જ ઉદાસ થઈ ગઈ. તે મેઘનાબહેનની નજીક આવીને બેઠો તેમનું મન હળવાશ અનુભવે તેવી રમૂજભરી વાતો કરવા લાગ્યો.

થોડીવારે મનનું વાતાવરણ હળવું થતાં મેઘનાબહેને પણ
વિચાર્યું કે, "હવે સાચે જ રમીલા વિના જીવતાં શીખવું પડશે. તેને પણ બેવડી જવાબદારી નિભાવવાની છે. અભ્યાસ આગળ ધપાવવાનો છે. પોતે આ બધું જ જાણતાં હતાં છતાંય પોતે અતિશય ભાવુક થઈ રહ્યાં છે. અને હજુ તો નિખિલ પણ અભ્યાસ હેતુ દૂર જશે. ત્યારે તો ઘર સાવ સૂનું થઈ જશે. મારે સાચે જ બદલાતાં જીવનપ્રવાહ સાથે જાતને બદલવી જ રહી. જે બાળકોને મેં જ મક્કમ અને પ્રગતિશીલ બનાવ્યાં, તેમનો વિકાસ મારી લાગણીઓ થકી મારે ન જ રોકવો જોઈએ." આમ વિચારતાં વિચારતાં તેઓએ કાંઈક સંકલ્પ કર્યો અને જાતને નિરાશામાંથી ખંખેરી ઊભાં થયાં. નિખિલ રાત્રે વાંચવા બેસવાનો હતો માટે તેને કૉફી બનાવી આપી આવ્યાં.

આ તરફ રમીલા ઘરે પહોંચી. ઘંટડી વગાડતાં તેની માતાએ દરવાજો ઊઘાડ્યો. તે પોતાની મા ને નવલ બાબતો ઝડપથી અપનાવી રહેલ જોઈ ખૂબ જ ખુશ થઈ. તેનાં ભાઈ-બહેન અને પિતા બેઠકખંકમાં જ હતાં.

તે ફ્રેશ થઈ બધાંની સાથે બેઠી. આ અઠવાડિયું ઘણાં બધાં ફેરફારોથી સમૃદ્ધ હતું તે વાતની ચર્ચા થતી રહી.બધાં જ આ બદલાયેલ સમયથી ખુશ હતાં. આવતીકાલે બધાંને રજા હોવાનાં કારણે મોડે સુધી પરિવાર સાથે બેસીને ઘણીયે વાતો કરી, જેમાં મુખ્યત્વે રમીલાનાં અભ્યાસ અને મહેનતનાં કારણે તેને મળેલ આજની સફળ જીંદગી, સમુ અને મનુનું સુધરી રહેલું જીવન, માતાનાં જીવનમાં ઠરીઠામ થઈ રહેવાનો આવેલ અમૂલ્ય અવસર અને પિતાને તનતોડ મહેનતવાળી મજૂરીનાં બદલે થોડો આરામ મળી શકે તેવી સ્થાયી નોકરીનાં વિષયો હતાં.

ઉપરાંત વિજયામાસી, મીરાંમાસી, મેઘનાબહેન, સમીરભાઈ અને નિખિલ જેવાં ઉમદા પણ વિનમ્ર વ્યક્તિઓ જે કોઈ અજાણ્યાં જણને આટલો પ્રેમ, હૂંફ અને વિકસિત થવાનો મોકો આપી શકે છે તેમની પણ ભારોભાર પ્રસંશા હતી.

વાતોમાંથી થોડો વિરામ લઈ સમુ અને મનુ રસોડામાં ગયાં અને બધાં માટે આઈસ્ક્રીમનાં કપ લઈને આવ્યાં.

તે જોતાં જ રમીલા ખુશીથી બોલી, "આજે કોને યાદ આવ્યું આઈસ્ક્રીમ લાવવાનું?"

તેનાં પિતા હરખાતાં બોલ્યાં, "તું નાલ્લી ઉતી ને તારથી તને ગુલ્ફી બો જ ભાવે. ઉં બે-તન રૂપિયા ભેગા કરી નોખા જ મૂકી રાખું. પાંચ-છ દા'ડે એક વાર તારી એકલી હારું ગુલ્ફી લેઈ આઉં. તે ખાતાં ખાતાં તાર મોં પર જે ખુશી દેખાય તે જોઈને જ મન ટાઢક થૈ જાય. તું પેલાં બુનના ઘેર ભણવા રેઈ પછી તો અમને કોઈક વખત કોઈ સેઠિયો નવા મકાનનું કામ ચાલતું ઓય તારે આઈસ્ક્રીમ ખવડાવે તો મનહતું બોવ જ યાદ આવતી. પણ તારે બી એટલા પૈહા ની ઉતા કે ઉં તાર માટે આઈસ્ક્રીમ લેતો આઉં. આ તો થોડાં દા'ડાથી જોયું કે તારી એ ટેવ આ બુન લોકોએ છૂટવા દીધી નથ એકલે ઉં આજ પેલ્લીવાર તાર માટે આઈસ્ક્રીમ લેઈ આઈવો. આજ માર જોવાનું ની અતું કે કેટલા પૈહા થહે. જીનગીમા પેલ્લીવાર માર પાંહે ઘણાં પૈહા ઉતાં."

રમીલા પોતાનાં પિતાની લાગણી જોઈ ભાવુક થઈ ગઈ અને બોલી, "પિતાજી, આજે તો હું બે કપ આઈસ્ક્રીમ ખાઈશ. અને, મને કુલ્ફી હજીયે એટલી જ ભાવે છે."

પોતાનો પરિવાર નવી સુવિધાઓને માણી રહ્યો છે એ વાતથી રમીલાને સંતોષ હતો. સામાન્યપણે રમીલાને અભ્યાસ હેતુ જ મોડે સુધી જાગવાનો મહાવરો હતો. બાકી બધાં વહેલાં સૂનારાં હતાં. તેમની આંખો ક્યારનીયે ઘેરાઈ રહી હતી. રમીલા બેય બાળકો સાથે પોતાનાં ઓરડામાં સૂવા ગઈ અને તેમનાં માતાપિતા પણ સૂતાં.

આવનારો દિવસ રવિવાર હતો. આમ બધાંયને રજા હતી પણ સમુ- મનુનો દિવસ શાળાનું ગૃહકાર્ય કરવામાં અને ટ્યુશનનાં શિક્ષકે આપેલ પુનરાવર્તન કરવામાં પસાર થયો. રમીલા અને તેની માતાને ઘરનું કામકાજ અને રસોઈ કરી પરવારતાં દસ વાગ્યા. બધાંએ સમયસર જમી લીધું અને રમીલાની માતાની ઈચ્છા હતી તેથી તેઓ બેય જણ મેઘનાબહેનનાં ઘરે જવા નીકળ્યાં. ત્યાં જતાં રસ્તામાં લીલાનું ઘર આવતું હતું. લીલાની માતા માધી પણ ત્યાં આવેલ હતી. રમીલાની માતાને મન હતું કે બહેનને પોતાનાં ઘરે બોલાવે પણ રમીલાએ માતાને જણાવ્યું કે જો લીલાનો લગ્ન સંબંધ જલ્દીથી નક્કી કરી દેવો હોય તો માધીમાસીને થોડો સમય તેની સાથે અહીં રહેવું પડશે. તેમજ તેણે માતાને હૈયાધારણ આપી કે, જેવું લીલાનું લગ્ન થઈ જશે તે માસીને ઘરે લઈ આવશે.

તેઓ બેય મેઘનાબહેનનાં ઘરે પહોંચ્યાં. પોતાની નવી જીંદગીથી ખૂબ જ સંતુષ્ટ એવી સવલીએ મેઘનાબહેનનો ઘણો જ આભાર વ્યક્ત કર્યો. રમીલાની જીંદગી માટે તેણે આટલી ઊંચી ધારણાઓ બાંધી ન હતી.

મેઘનાબહેનનાં મનને પણ તેમની ખુશીથી અનહદ સંતોષ થયો. રમીલાએ મોટી મા સાથે વાતચીત કરી લીલાને હવે કેવી રીતે મદદ કરવી તે સમજી તેમજ વિચારી લીધું.

નોંધ : મિત્રો આજનો એપિસોડ ઘણો ટૂંકો લખાયો છે. માફ કરશો.

ક્રમશઃ

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED