Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 3

પ્રકરણ ૩


પરમ ફટાફટ પરવારી હોસ્પિટલ પહોંચ્યો. હજી ડૉકટર આવ્યાં નહોતાં. વસંતભાઈ ચૂપચાપ ત્યાં બાંકડા નજીક પડતી બારીએ ઉભા ઉભા બહારનો ટ્રાફિક જોઈ રહ્યાં હતાં. પરમને જોઈને એની તરફ ફર્યા,

" બેટા, વ્યવસ્થિત ચા- નાસ્તો તો કર્યાને? બહુ જલ્દી આવી ગયા એટલે પૂછું છું."

પરમે નાનકડું સ્મિત આપતાં જવાબ આપ્યો, " હા પપ્પા, આપણે જ દોડવાનું છે શક્તિ તો રાખવી જ પડશે એટલે એ પૂરતું તો ખાવું જ રહ્યું."

"હજી કવિતાને જોવા મારાથી નથી જવાયું, હિંમત જ નથી થતી."

"અરે, કંઈ નહીં પપ્પા એ પૂરી ભાનમાં પણ ક્યાં છે?" કહેતાં પરમની આંખે આંસુ આવી ગયાં પણ ચપ્પલ કાઢવાને બહાને સ્ટેન્ડ પાસે જઈ લૂછી આવ્યો.


સવારે ખાલી બાંકડાં, સફાઈ માટે આવતાં સફાઈ કામદારો અને હોસ્પિટલી ફીનાઇલની તીવ્ર સુગંધ. રાત કરતાં બધું જ જુદું, બાંકડે સુતેલા લોકોની ડયૂટી બદલાઈ ગઈ હતી. નવા તરોતાજા પરંતું ચિંતામિશ્રિત આંખો વાળા ચહેરાઓની ભીડ હતી. પરમ અને વસંતભાઈ બન્ને ચૂપચાપ પોતાનો મોબાઈલ જોઈ રહ્યાં હતાં. ત્યાં અમુક ચોક્કસ રીતની, સતર્કતા પૂર્વકની આસિસ્ટન્ટ ડૉકટર અને નર્સની આવન-જાવન શરૂ થઈ. કોઈક બોલ્યું, "ડૉક્ટર આશુતોષના આવવાનો ટાઈમ થયો." અને વસંતભાઈ અને પરમ બન્ને સફાળા ઉભા થઇ ગયાં.


થોડીવારે ડૉકટર આવ્યાં, પેશન્ટ્સ જોયાં અને પછી પરમને પોતાની કેબિનમાં બોલાવ્યો. પરમે સસરાજીને બહાર બેસવા કહ્યું અને પોતે ડૉકટર પાસે ગયો. ડૉક્ટરે કહ્યું , " પરમ હવે થોડી માંડીને વાત કરો, હું ઈમરજન્સી સિવાય આજે બે કલાક ફ્રી જ છું. આજે સન્ડેની રાહત છે. " પરમે વાતની શરૂઆત કરી, " હું મારાં નવા જમાવેલાં બિઝનેસનાં કામમાં કદાચ જરૂરિયાતથી વધું ખુંપી ગયો હતો અને કવિતા એ બોરિયતમાંથી બહાર નીકળવા કિટીઝ અને ફ્રેન્ડસમાં ખુંપી ગઈ હતી. આખો દિવસ સોશિયલ મીડિયા ખૂંદતી અને ફેસબુકમાં રચી પચી રહેતી હતી. એનો સંગીતનો શોખ તો જાણે તદ્દન કોરાણે મૂકી દીધો હતો." ત્યાં જ દરવાજે નોક થયું અને નર્સ ઉતાવળે બોલી, "સર એક એક્સિડન્ટ કેસ આવ્યો છે." અને "સૉરી, પરમ.." કહેતાં ડૉકટર અધૂરી વાત મૂકી જતાં રહ્યાં. પરમ એક નિઃશ્વાસ સાથે બહાર આવ્યો.


ઘરે મીનાબેન એકલાં ન પડે એટલે હેમા જલ્દી કામ પતાવી એમની સાથે બેસવા આવી. મીનાબેન રસોઈ પતાવી સોનુની રાહ જોતાં બેઠાં હતાં ત્યાં જ હેમાએ કહ્યું. " આંટી, આજે હવે આપણે કવિતાની વાતો કરીએ. મારે પણ ઘણું જાણવું છે અને જણાવવું છે. મારાં હસબન્ડ ફ્રેન્ડ્સ સાથે એક વીક માટે ગોવા ફરવા ગયાં હતાં એ લગભગ રાત્રે આવી રહેશે એટલે કાલે હું થોડી બીઝી રહીશ." મીનાબેને વાતની શરૂઆત કરી, "કવિતા અમારું એકનું એક સંતાન એટલે એને અમે કોઈ વાતે કમી આવવા દીધી નથી. પરમકુમાર પહેલાં પણ એને છોકરાઓનાં ઢગલો ફોટા બતાવ્યાં હતાં. ચાર તો એણે જોઈને, મળીને રિજેક્ટ કર્યા હતાં. પરમકુમાર એની પસંદગીમાં બરોબર બંધ બેસતાં હતાં. એ પણ એની જેમ કાવ્યો, ગઝલ અને શૅરો શાયરીમાં રસ ધરાવતાં હતાં. વળી, એનો સંગીતનો શોખ પણ મનથી વધાવી લીધો હતો. દેખાવમાં તો કોઈ હીરો પણ કોમ્પ્લેક્સમાં આવી જાય એવા તો છે જ અને જ્યારે પહેલીવાર કવિતાને જોવા આવ્યા ત્યારે એમની ચાલ જોઈને જ જાણે કોઈ સેલિબ્રિટીની એન્ટ્રી થઈ હોય એમ લાગ્યું હતું.." કહી થોડું હસ્યાં અને "હેમા ખડખડાટ હસી પડી. " હા, આંટી એ છે જ એવા દરેક પતિને પોતાની પત્ની પરમભાઈ સાથે વધુ વખત વાત કરે તોય ઇનસિક્યોરિટી ફીલ થાય છે. એ ખાનગી વાત મેં તમને જ જણાવી." કહી હેમાએ હોઠની એકબાજુથી જીભ કાઢી એવી સ્ટાઈલ કરી કે મીનાબેન પણ હસી પડ્યા અને વાતાવરણ બે મિનીટ માટે હળવું થયું. ફરી મીનાબેને શરૂ કર્યું, " હવે આ સોનુ આટલી મોટી થઈ પછી એને શું સૂઝયું? જોવા જઈએ તો પરમકુમાર જેવા કોઈ ખાનદાન માણસ ન મળે અને કવિતા માટે એમનો પ્રેમ અનહદ છે કે આમ ચિંતા કરતાં દોડી રહ્યાં છે."


" આંટી, સાચું કહું તો આ કવિતાની કિટી ફ્રેન્ડ્સની અસર છે. એ લોકોની વાતો જ એવી કે મન ડહોળાઈ જાય. એમાંથી કોઈએ વળી, કહ્યું કે, " ક્યારેક લાઈફમાં કિક એન થ્રિલ પણ જરૂરી હોય છે." એટલે કવિતા ને મોઢે એક જ વાત સાંભળવા મળતી.." સો બોરિંગ લાઈફ યાર..!" હું ટોકતી કે આવું વિચારવાથી દૂર રહે પણ કવિતા જેનું નામ એમ કંઈ મારું કહ્યું માનતી હોય!"


"નાની…..હું આવી ગઈ…" કરતી સોનુ દોડતી આવતી જોઈ, વાતો ત્યાં જ અટકાવવી પડી. ઘરનાં વાતાવરણની અસર અને ખબર ન પડે એટલે જ તો સોનુને સ્કૂલે મોકલવાનું નક્કી થયું હતું. એટલે અટકવું તો આમ પણ જરૂરી હતું એટલે હેમા પોતાને ઘરે ગઈ. મીનાબેને સોનુની નાનકડી બેગ ઉંચકવા ગયાં કે સોનુ બોલી, " નો..નાની..ડૅડીએ શીખવ્યું છે સ્કૂલ બેગ તો જાતે જ લેવી." "ઓ..મારી દીકરી કેવી ડાહી!" કરતાં મીનાબેન એને વળગી પડ્યાં.


હોસ્પિટલમાં વસંતભાઈ અને પરમ શાંતિથી બેઠાં હતાં, શું થાય મનનો ઉચાટ તો વ્યક્ત કરી શકાય એમ જ ક્યાં હતો! ત્યાં જ પરમનો સાયલન્ટ રાખેલો મોબાઈલ ધ્રુજયો, મિતેષ નામ ચમકયું અને એ વાત કરવા આઈ સી યુનાં આઉટ એરિયાની પણ આઉટ જતો રહ્યો. "હા, મિતેષ તને સમાચાર આપવાની મેં જ હેમાભાભી ને ના કહી હતી. તું તારું માંડ મળતું વેકેશન સ્પોઇલ કરી આવી ન જાય એટલે જ બાકી બીજું કોઈ કારણ નહોતું." સામે છેડેથી કવિતા વિશે પુછાઈ રહ્યું હતું. મિતેષ એક ક્રિમીનલ લોયર હતો. એ સ્વભાવ અને દેખાવ બન્નેમાં સિમ્પલી સુપર્બ કહેવાય એવો વ્યક્તિ હતો. હેમા અને એનું જીવન સંતોષી, સરળ અને પ્રેમાળ હતું. એમનો બાર વર્ષનો દીકરો મિતેષના મમ્મી-પપ્પાની સાથે કેનેડા રહેતો હતો. પરમ અને મિતેષને દરેક વાતો કહી શકાય એવી દોસ્તી હતી પણ આ વખતે પહેલીવાર પરમે કહ્યું નહોતું એટલે ફોનમાં એની ચર્ચાઓ ચાલી રહી હતી.


"બેડ નંબર ત્રણનાં સગા કોણ છે…અંદર આવજો…" આઈ સી યુમાંથી એક વોર્ડબોયે બહાર નીકળી બૂમ મારી. પરમ " ટૉક ટુ યુ લેટર…" કરતો દોડી આવ્યો અને સીધો આઈ સી યુમાં જતો રહ્યો. કવિતાએ આંખો ખોલી હતી ! એની આંખો સાથે આંખો મળતાં જ બન્નેની આંખો ભરાઈ ગઈ, આંસુઓ તો ખારાં જ પણ પ્રકાર જુદાં હતાં! ડૉકટર આવ્યાં અને કવિતાને પૂછ્યું, "કવિતાબેન ફીલ વેલ? ક્યારથી સૂઈ રહ્યા છો હવે જાગતા રહેજો." કહી કવિતાનો હાથ થાબડયો અને "પરમ, તમે બે મિનીટ અહીં આવજો." કહી ત્યાંથી ગયાં.

ડૉક્ટરે પરમને સામે મુકેલી ખુરશીએ બેસવા ઈશારો કર્યો, કવિતાની કાળજી માટેનાં થોડાં જરૂરી સૂચનોકર્યા અને બોલ્યા, " કવિતાને ગળા પર બહુ ઊંડા ઘા નથી પણ શૉલ્ડર ની સર્જરીને કારણે રિકવરી આવતાં વાર લાગશે. બીપી અને હાર્ટબીટ હવે ભાનમાં આવ્યાં પછી નોર્મલ રહે તો, કાલે તમે રૂમમાં શિફ્ટ થઈ શકશો આઈ સી યુની જરૂર નહિ રહે." પરમે "ઑકે, થેન્કયુ ડૉકટર.." કહી કવિતા પાસે જવા જાણે દોટ મૂકી હોય એટલી ઝડપે પહોંચી ગયો. કવિતા પાસે બેસીને હાથ દબાવતાં બોલ્યો, "ડૉક્ટરે બે દિવસ બોલવાની ના કહી છે પણ તું જલ્દી જ સારી થઈ જશે એમ કહ્યુ છે. કાલે લગભગ આપણે રૂમમાં શિફ્ટ થઈ શકીશું." કવિતાએ એની આંગળીઓ પરમની આંગળી સાથે પરોવતાં ભીની આંખે પલક નમાવી "હા" નો ઈશારો કર્યો.

ઠેર ઠેર નળીઓ નાંખેલી, ગળે પાટો, અસ્તવ્યસ્ત વાળ, લોહીનાં છાંટાંના લૂછયાં છતાં રહી ગયાં હોય એવા ડાઘ વાળા પગ, સોજી ગયેલું મોઢું કવિતાને જોઈ પરમને ડૂમો

ભરાઈ ગયો. ઈશારાથી "હું પાંચ મિનીટમાં આવું." કહી પરમ આઈ સી યુની બહાર નીકળી ગયો.


ક્રમશ: