Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 6

પ્રકરણ ૬


સાંજે ઉઠીને પરમને ઘણું સારું લાગ્યું, એ બે કલાકની ઉંઘથી એનો ઘણો ખરો થાક ઉતરી ગયો. પરમને જોતા જ હેમા સોનુ અને પરમને માટે ચા-નાસ્તો મૂકી ગઈ. પરમે વસંતભાઈને ફોન પર કવિતાનાં સમાચાર પૂછ્યા પછી, "ફ્રેશ થઈને સીધો જ હોસ્પિટલ આવું છું." કહી સોનુને હેમાને ત્યાં મૂકી આવ્યો.


પરમ હોસ્પિટલ પહોંચ્યો એટલે મીનાબેને જણાવ્યું, "કવિતા બહુ ઉંઘી છે, જોઈએ રાત કેમની જાય, જો કદાચ રાતની પણ એવી દવાઓ આપે તો સૂઈ પણ રહે એમ લાગે છે." "હા, એ તો સૂઈ જશે તમે ફિકર ન કરતાં." પરમે સસ્મિત જવાબ આપ્યો. વસંતભાઈએ પૂછ્યું, "હું અહી રોકાઉં?" પરંતું એવી કોઈ જરૂર ન હોવાથી પરમે ના કહી એટલે પતિ-પત્નીએ ઘર તરફ જવા પગ ઉપાડ્યા.


કવિતા જાગી ગઈ. પાસે પરમને બેઠેલો જોઈ ને મહા પરાણે એક સ્મિત આપ્યું. પરમે પાસે જઈ એનાં ગાલ પર હાથ ફેરવતાં પૂછ્યું, "બહુ દુઃખે છે બકા? હવે દવાઓની અસર શરૂ થશે અને તારાં સ્ટીચીસ ચારેક દિવસમાં રૂઝાશે પછી રાહત લાગશે. " એક હાથ તો હલાવાય એમ જ નહોતો પરંતું બીજો હાથ કવિતાએ પરમનાં હાથ પર મૂકી એની લાગણીનો પ્રતિસાદ આપ્યો. અને ફરી આંખો બંધ કરી દીધી. પરમ પણ ચૂપચાપ બેડની સામે મૂકેલા નાનકડાં ટેબલ પર બેસી ગયો અને ભૂતકાળમાં સરી પડ્યો. એક વખત એક્સિડન્ટમાં એનો હાથ ફ્રેક્ચર થયો હતો, બીજાં હાથમાં પણ ઘણું વાગ્યું હતું એટલે બન્ને હાથ પાટામાં હતા, ઘૂંટણમાં પણ સારું એવું વાગ્યું હતું. કદાચ,લગ્નને હજી માંડ એકાદ વર્ષ થયું હશે. કવિતાએ બધું હસતે મોઢે ઉપાડી લીધું હતું. ક્યારેક એના બે હાથ બંધ હોવાનો મસ્તીભર્યો ફાયદો ઉઠાવી લેતી અને ફિલ્મી સ્ટાઈલથી કહેતી, " ઠાકુર, યે તેરે હાથ તો મેં કભી ઠીક નહીં હોને દુંગી, તમારો ફાયદો ક્યારેક મારે પણ ઉઠાવવો હોય કે નહિ?" કહી આંખ મિચકારી કમરે ચૂંટલો ખણી, એના "ઑયે…." બોલી વાંકા વળવા સાથે જ હોઠે ફટાક કરતું ચુંબન ચોડી ભાગી જતી. આ યાદ કરતાં જ પરમને ચહેરે એક મીઠી મુસ્કાન ફરી વળી. એને એ રીતે મસ્તીથી રહેતી અને એને સાચવતી જોઈ એને મેળવી આપવા માટે પરમે સેંકડો વખત પ્રભુનો આભાર માન્યો હતો. બન્નેનું જીવન કેવું સુખરૂપ ચાલતું હતું! એક હાથ ઠીક થઈ રહયો કે તરત કવિતાએ ભવિષ્યમાં બેનાં ત્રણ થવાની ખુશ ખબરી આપી. અને એની ખુશી એવી તો છલકાઈ કે કવિતાને એક હાથે જ ઉંચકી ને ગોળ ફેરવી દીધી. એ બોલતી રહી, "પરમ..પરમ..તમારો હાથ તો જુઓ..તમારો ઘૂંટણ પણ દુઃખશે…છોડો ઑયે.." પણ પરમને માટે એ બધું દુઃખ આ ખુશી સામે ગૌણ હતું.


કવિતાનાં બીપી- હાર્ટબીટ નોર્મલ હતાં પરંતું રવિવાર હોવાને કારણે બીજે દિવસે રૂમમાં શિફ્ટ કરવાનું નક્કી થયું. રાતનાં નવ વાગ્યા હતા એ ઉંઘતી હતી એટલે પરમ ત્યાં જ હોસ્પિટલની કેન્ટીનમાં જઈ જમી આવ્યો. ત્યાં જમવાનું વ્યવસ્થિત મળતું હતું એટલે એણે ઘરેથી જમવાનું મોકલવાની ના કહી હતી. હજી મિતેષ અને ભાભી કેમ નહિ આવ્યા? એમ વિચારી એણે મિતેષને ફોન કર્યો. હેમાએ ફોન ઉપાડી જણાવ્યું, "મિતેષને એક ઈમરજન્સી કામ આવ્યું છે એટલે એ પેપરવર્ક કરવામાં પડ્યા છે હવે કાલે સવારે જ આવીશું.કવિતાની ખબર તો આંટીએ આપી. એને શિફ્ટ કરી?". પરમે સવિસ્તાર વિગત જણાવી ફોન કટ કર્યો. કેન્ટીન હોસ્પિટલને ભોંયતળિયે હતી. જૈન ફૂડ અને નોર્મલ ફૂડ જુદું મળતું હતું. ગરમ નાસ્તા પણ ટેસ્ટી મળતાં હતાં. એની નજર ગરમા ગરમ સમોસા પર પડી, એની સુગંધથી ફરી ભૂખ ઉઘડી ગઈ એમ લાગ્યું. એ ટોકન લેવા ગયો પણ ત્યાં જ એને યાદ આવ્યું સમોસા કવિતા વગર એકલાં ખાવાની મજા ન આવે. એ એની સૌથી મનભાવતી વસ્તુ. ઘરે ગમે એટલા સમોસા લાવે એ બે છેલ્લે એક સમોસા માટે ખેંચતાણ ન કરે તો બે ને અધૂરું લાગે. એવી નાની મસ્તીમાં બન્ને બાળપણ પણ માણી લેતાં. કવિતા કહેતી, "આપણે બન્ને એકલા મોટા થયા છીએ એટલે એકબીજાને ભાઈબેનની જેમ, આમ,ઝગડવાની ખુશી આપવાની જવાબદારી આપણે બીજાં પતિ-પત્નીનાં પ્રમાણમાં વધારે સમજવી." અને એ બોલી ઉઠતો ," ઝગડવા સુધી જ રાખજે, રાખડી સુધી ન પહોંચાડતી." અને એ,"જાવ ને.. " કહેતી હાથની મુક્કીઓ મારતી હસી પડતી.


કવિતા જાગી, જોયું તો પરમ નહોતો. થયું કે બહાર હશે લાવ, ફોન લગાવું એનો નંબર તો વન પ્રેસ કરતાં જ લાગી જશે સ્પીડ ડાયલ તો છે.મોબાઈલ એનાં સારા હાથ બાજુ ઓશિકા પાસે જ પડ્યો હતો. પણ અચાનક અટકી ગઈ. મગજ બીજી દિશામાં ચાલ્યું ગયું, આ સ્પીડ ડાયલને કારણે જ એ બચી ગઈ નહિ તો..વિચારતાં જ એને જાણે માથે સણકો ઉપડ્યો. ફરી આંખો બંધ કરી ઇશ સ્મરણ કરવા માંડી. પણ મગજ એનું કામ કરતું રહ્યું.


એને જીવવું હતું, મન ભરીને જીવવું હતું. દરેક ઈચ્છાઓ, દરેક અરમાનો પૂરા કરવા હતાં. એક મોટું ફાર્મ હાઉસ લેવુ હતું. સોનુને હેમાના દીકરાની જેમ આગળ જતાં સ્ટડી માટે ફોરેન મોકલવી હતી. પરમ અને સોનુ સાથે વર્લ્ડટૂર કરવી હતી. સપના, સપના, સપના અને સપના…બસ ક્યારેક એમ થતું કે " યે ઈક ઝીંદગી કાફી નહિ હે.." પરમ એને એ દરેક સપના જીવડાવવા જ તો આટલી મહેનત કરતો હતો. બધું સમજવા છતાં રૂટિન લાઈફ એને થકવતી હતી, જબરજસ્ત કંટાળાજનક લાગતી હતી એટલે પરમની પરમિશન લઈને એ સોસાયટીના કિટી ગ્રુપમાં જોડાઈ ગઈ. દર મહિને મળવું ને જાતજાતની એક્ટિવિટીઝ અને જલસા. આ દિવસનો એ મહિનાના અઠ્ઠાવીસ દિવસ રાહ જોતી. હા, અઠ્ઠાવીસ દિવસ જ કેમકે ઓગણત્રીસમે દિવસે તો પાર્લર ડે હોય! દર વખતે પાર્લરમાં લેટેસ્ટ ટ્રીટમેન્ટ લેતી. એનું પાર્લર જવાનું એક કારણ એ પણ હતું કે એની સખીઓ આડકતરી રીતે ઘણું કહી જતી. એક વખત એક સખીએ તો મોઢે કહ્યું કે," યોર હબી ઇઝ સો…હેન્ડસમ, તારે એની સાથે ઉભા રહેવા ઓલવેઝ મેકઅપ કરવો પડે તો જ એકબીજા સાથે પરફેક્ટ લાગો." અને એ સાંભળી બીજી પણ બોલવા માંડી " હા, તારો પરમ તો ફિલ્મીહીરોને પણ કોમ્પ્લેક્સ આપે એવો છે, તું નસીબદાર." ત્રીજીએ વળી હદ કરી, " ઉફ્ફ એની સ્કીન..! ફેર સ્કીન, હેલ્ધી હેર, શાર્પન નોઝ,પરફેક્ટ જો લાઈન અને વળી, એની ચિન પર પડતું ડિમ્પલ તો જાન લઈ લે એવું છે." ખી.. ખી.. ખી.. ખી.. હા.. હા.. હા.. હા.. કરતી બધી હસવા માંડી. કવિતા એ પણ કમને હસવું પડ્યું, " આજે મારે પરમની નજર ઉતારવી પડશે નહિ તો આ બધી બિલાડીઓની નજરે નજરાઇ જશે." એનું આમ બોલવું સાંભળી ફરી ખીખિયાટા થયા. એ ખીખિયાટા યાદ આવતાં જ કવિતાએ ફરી આંખ ખોલી નાંખી.


પરમ સૂતા પહેલાં એક નજર કવિતા પર નાંખવા આવ્યો. એ ઠીક છે કે નહિ? સૂઈ ગઈ હશે કે જાગે? એ જેવો આઇસીયુ માં દાખલ થયો કે ત્યાં નાઈટ ડ્યુટી પર આવેલી એક આસિસ્ટન્ટ લેડી ડૉક્ટરની નજર એના પર સ્થિર થઈ ગઈ. એ પરમથી છૂપું ન રહ્યુ. સામાન્ય રીતે સ્ત્રીઓની પ્રસંશાભરી નજર માણી લેતા પરમને આજે સ્મિત કરવું ન ગમ્યું. એ કવિતા પાસે આવી ગયો. કવિતાએ એને જોઈને એક મોટું સ્મિત આપ્યું પણ તરત જ નસો ખેંચાઈ અને આંસુ સરી પડ્યા. પરમ તરત એની પાસે ગયો અને કહ્યું, "તું કંઈ જ ન કર, તું બસ આંખ ખોલી જોતી રહે અને હું પહેલાંની જેમ ઘાયલ થતો રહું." ત્યાં જ એક ખોંખારો સંભળાયો.


ક્રમશ: