પ્રકરણ ૫
પરમ બહારની સખત દોડધામમાં હતો. કોઈ પોલીસ કાર્યવાહી ન થાય, કોઈ પણ રિપોર્ટરને ગંધ ન આવે એ બધી સાવચેતી રાખવા બહારની દુનિયામાં નોર્મલ રહેવું બહુ જરૂરી હતું. એને ક્યાંક વાંચેલું યાદ આવી ગયું, "ચહેરા પર ચહેરો ચડાવી નિભાવતાં કિરદાર,જાણે કલાકાર સૌ રંગમંચના!" બસ દુનિયામાં બીજાઓની જેમ એ પણ એક કિરદાર નિભાવતો થઈ ગયો. કંઈક નવું કરવું, સ્પેશિયલ બનવું એવી બધી ઈચ્છાઓ હાલ પૂરતી ક્યાંક અટવાઈ ગઈ હતી. ઘરમાં બેલ વગાડતાં જ એની ચકલી સોનુ દોડતી આવી, " પપ્પા….મારા પપ્પા આવ્યા…" બોલતી જ પરમને વીંટળાઈ ગઈ. પરમે હાથમાંથી એને માટે લાવેલાં ફ્રૂટ્સ બાજુએ મૂકી એને ઉંચકી લીધી અને માથુ ચૂમી લીધું. સોનુના સવાલોની રમઝટ શરૂ થઈ, " હેં પપ્પા મમ્મીને બહુ સોઈઓ લગાવી હશે ને? બિચારીને બહુ દુઃખતું હશે ને? ત્યાં પણ આપણાં ડૉક્ટર અંકલને ત્યાં જઈએ ત્યારે સોઈ જોઈને જ તમારો હાથ પકડી લેતી એમ પકડી લેતી હશે ને? મેં તો કાનાજી ને કહ્યું જ છે મારી મમ્મીને જલ્દી સારી કરી દેજો. કાલે તમે પણ નાહીને સીધા મંદિરે જજો." પરમ બોલ્યો, "ઓકે માય બચ્ચાં…જઈશ પણ તારી મમ્મી તો બહાદુર બચ્ચી બની ગઈ છે, હવે એ સોઈથી નથી ડરતી અને મારો હાથ પણ નથી પકડતી." આ સાંભળી વસંતભાઈને ભીતરથી ધીમી ટીસ ઉપડી, કદાચ એમણે હાલની પરિસ્થિતિનો સંદર્ભ પકડ્યો. પરમે સોનુને નીચે ઉતારી કહ્યું, "હું ફ્રેશ થઈને આવું પછી સાથે જમીશું." સોનુ "યે…હ…" કરતી કુદવા માંડી. લિવિંગરૂમમાં સોફા પર બેઠેલાં વસંતભાઈ મંદ મુસ્કાન સાથે સોનુની ખુશી જોઈ રહ્યા.
જમી-પરવારી વસંતભાઈએ હોસ્પિટલ જવું અને પરમે સાંજ સુધી સોનુ સાથે રહી આરામ કરવો એમ નક્કી થયું હતું. મીનાબેન અને વસંતભાઈ સાંજે સાથે જ ઘરે આવશે એમ પરમે જ નક્કી કર્યું. એની ઈચ્છા હતી કે કવિતા સાથે એ બન્ને ભલે રહેતાં. હવે થોડાં સ્વસ્થતા પૂર્ણ વાતાવરણમાં એ બન્ને પણ ચર્ચા કરી કવિતાને કઈ રીતે સમજાવવી એ વિચારી શકશે.
મિતેષને ખબર પડી કે પરમ ઘરે આવ્યો છે એટલે એ એને મળવા ઘરે આવી ગયો. " મારાં જિગરા…" બોલી પરમને ભેટી પડ્યો. પછી બોલ્યો, " પહેલાં એ કહે કવિતાને હવે કેવું છે?" "સારું છે." કહી પરમે સોનુને કહ્યું, "જા તો બેટા, હેમા આંટી પાસે ગ્રેપ્સ લઈ જા અને કહે કે વૉશ કરી દે.." સોનુ દોડતી, "યસ પપ્પા.." કરતી સામે દોડી ગઈ. મિતેષ સમજી ગયો એણે થોડીવાર સોનુને ત્યાં રોકી રાખવા હેમાને ફોન કરી જણાવી દીધું. પરમે બોલવાનું શરૂ કર્યું, " યાર, તું તો જાણે છે ને હું લાઈફ સ્ટાન્ડર્ડ અપ લાવવા કેટલી મહેનત કરું છું? મને એ ખ્યાલ ન રહ્યો કે એ દોડધામમાં કવિતા આમ દૂર થતી જશે." મિતેષ એને અટકાવતાં બોલ્યો, " એ વાત બે નંબર પર પહેલા એ કહે હજી સુધી કોઈ પોલીસ કંપ્લેઇન નથી થઈ ને? આપણાં તરફનો મને ખ્યાલ છે પણ કૅફેના માલિકની વાત પૂછું છું." પરમે જવાબ આપ્યો " ના, એમને હું સમજાવી આવ્યો છું. એમ તો એ પણ જાણે જ કે વધુ સ્માર્ટ બનવા જશે તો એનાં કૅફેની જ બદનામી થશે, છતાં થોડાં પૈસા કઢાવવાની આશાએ ઉછળતો હતો. પણ મેં મારી રીતે સમજાવી દીધો." "ચાલો, ત્યારે એક એપિસોડ પત્યો." એમ કહી મિતેષ સોફા પર બેઠો. બાજુમાં જ પરમ બેઠો, " મિતેષ, તું નાનપણથી મારો દોસ્ત છે, તું જાણે છે ને મને, હું ક્યારેય કોઈને નફરત ન કરી શકું. મને ખબર છે તું હમણાં કવિતા પર સખત ગુસ્સે ભરાયો હશે. બટ, યુ નો કવિતા મારી દુનિયા છે, મા પછીનો પહેલો પ્રેમ, મમ્મીના ગયા પછી જો કોઈ સ્ત્રી પાત્રએ દિલમાં સ્થાન મેળવ્યું હોય તો એ કવિતા છે. આ ભૂલ એની ભલે અક્ષમ્ય હોય પરંતું એની સજા એને મળી જ ગઈ છે એ નવા જન્મે પાછી આવી છે. સમજી રહ્યો છે ને તું?" મિતેષ બોલ્યો, "હા, રે મારા ડફર મારાં જેટલું તો તને કોઈ ન સમજી શકે." કહી પરમનાં હાથ પર હાથ દબાવ્યો. "ઓકે, ચલ તું આરામ કરી લે, હું અને હેમા રાત્રે હોસ્પિટલ આવીશું, હોપ સો રૂમ શિફ્ટ થઈ ગયો હશે. ફોન કરી પૂછી લઈશ."
મિતેષ ઘરે જતા જ સોનુની ગ્રેપ્સ ધોવાઈ રહી અને એ ઘરે આવી ગઈ. આજે પરમ અને સોનુ, સોનુના રૂમમાં જ સૂતા. સોનુના સવાલોને વિરામ આપવા પરમે, "એ બહુ થાક્યો છે અને એણે બે કલાક રેસ્ટ લેવો છે." એમ સમજાવી દીધી હતી. સોનુએ પપ્પાને પોતાને ખોળે સૂવાનું કહ્યું, " પપ્પા, તમે મારી ગોદીમાં સૂઈ જાઓ, હું તમારે માથે હાથ ફેરવી દઉં, જેમ મમ્મી મને હાથ ફેરવી સુવડાવે એમ." અને પરમે સાચે જ એ નાનકડાં ખોળે અને નાનકડાં કોમળ હાથનાં સ્પર્શે ગજબ શાંતિ અનુભવી.
કવિતા દવાની અસરમાં સૂઈ રહી હતી એટલે વસંતભાઈ અને મીનાબેન પેસેજના બાંકડાં પર બેઠાં. વસંતભાઈએ સોનુ અને પરમની વાતો કરી.મીનાબેને કવિતા કેવી રડી પડી અને પોતે કેવું દુઃખ અનુભવ્યું એ વિશે જણાવ્યું. "ડૉક્ટરે કહ્યું છે કે કવિતા જેટલો આરામ કરશે એટલું એનું મગજ શાંત રહેશે અને બીપી, હાર્ટબીટમાં સુધારો દેખાશે." એ વિશેષ માહિતી મીનાબેને વસંતભાઈને આપી. ત્યાં જ બાજુનાં બાંકડે એક બેન આવી બેઠાં. કોટનનો ડ્રેસ, ડાઈ કરેલાં કાળા વાળ, કાળો નાનકડો ચાંદલો અને કિરમીજી કલરનાં ચશ્મા એમનાં ગૌર ચહેરે શોભી રહ્યાં હતાં. જોઈને સામાન્ય ઘરનાં પરંતું એજ્યુકેટેડ હોય એમ લાગતું હતું. એમણે આવતાં જ મીનાબેનને સ્મિત આપ્યું. મીનાબેને પણ ઔપચારિકતા નિભાવી. વસંતભાઈએ મીનાબેનનો ધીમેથી હાથ દબાવ્યો અને વધુ કંઈ ન બોલવા સંકેત આપ્યો. પેલાં બેન થોડાં આકળ વિકળ લાગતાં હતાં. મીનાબેન સાથે વાતની શરૂઆત કરી,
" હું અહીંની જૂની નર્સ છું, લગભગ પંદરેક વર્ષ જૂની પણ મારા દીકરાની માનસિક હાલત છેલ્લા મહિનાથી બહુ બગડી ગઈ હતી એટલે રજા પર હતી. હવે, મેનેજમેન્ટ મને ફરી ડ્યુટી પર લેવાની ના કહે છે."
મીનાબેન ફક્ત સહાનુભૂતિ દર્શાવતા ચહેરે "ઓહઃ.." એમ બોલ્યા. પેલા બેને આગળ ચલાવ્યું, "ડૉકટર આશુતોષ બહુ ભલા માણસ
છે એટલે એમને મળવા આવી છું. બાપ વગરનાં દીકરાને કઈ રીતે મોટો કર્યો હોય એ મારું મન જાણે. વળી, જુવાન થઈને એ દીકરો કોઈ આ રીતની બિમારીમાં સપડાય તો કઈ મા નો જીવ ચાલે કે એને એકલો મૂકી નોકરીએ આવે? વળી બે દિવસ પહેલાં જ હું કામે બહાર ગઈ તો એ પણ ક્યાંક નીકળી ગયો અને પડીને આવ્યો એને ઘણું વાગ્યું છે. મને હજી અઠવાડિયાની રજાની જરૂર છે પણ આ પાપી પેટ.." કહી એ બેને નિઃશ્વાસ નાખ્યો. મીનાબેન બોલ્યા, "હા, આશુતોષભાઈ બહુ સારા છે. એ જરૂર સમજશે." પેલા બેનનો સવાલ આવ્યો, " તમારે કોણ એડમીટ છે?" આ વખતે વસંત ભાઈએ ધૂરા હાથે લીધી અને તદ્દન ટૂંકમાં જવાબ આપ્યો, " દીકરી." એ બેન બહાર કોઈ નર્સને જોતાં.." મૅરી…" બૂમ મારી એની પાસે ચાલ્યાં ગયાં. હવે,એ પતિ-પત્નીએ રાહતનો શ્વાસ લીધો.
મીનાબેન વસંતભાઈને કહી રહ્યાં હતાં, " જુઓને લોકોને કેવા કેવા દુઃખ હોય? જુવાન જોધ દીકરો આમ હોય તો કેવી તકલીફ લાગે નહિ? સમજાતું નથી આજકાલની પેઢીને એવા તે કેવા દુઃખ કે આમ ડિપ્રેશન આવી જતાં હશે?" વસંતભાઈએ પત્નીની ચિંતા જોતાં એને હળવી કરવા જવાબ આપ્યો, " ચાલને, એ બેનને પૂછી આવીએ કે કેવી તકલીફ લાગે જરા જણાવો ને.." અને એમની મીનાબેનને ઘાયલ કરતી મારકણી સ્ટાઇલમાં ઉપર ઘાટી મૂછો ધરાવતાં હોઠ પર સ્મિત રમાડયું. મીનાબેન હસી પડ્યા અને બોલ્યા, " તમે હજી પણ આવા પાગલ જોક કરવા ભૂલ્યા નહિ. સુધરો હવે સુધરો સોનુના નાનાજી." અને બન્નેએ ચિંતાની એ ક્ષણોમાંથી એક મીઠી ક્ષણ ચોરી લીધી.
ક્રમશ: