Mrugjadi Dankh - 2 books and stories free download online pdf in Gujarati

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 2

પ્રકરણ ૨


રાત્રે ત્રણનાં ટકોરાં થયાં પણ હજી મીનાબેનની આંખોમાં ઉંઘ નહોતી. એમની નજર સામે એમની લાડકી દીકરીનું બાળપણ રમી રહ્યું હતું, "નાનકડી કવિતા જોતાં જ સૌને વ્હાલી લાગતી એ છ મહિનાની હતી ને એક દિવસ એને બાબાસૂટ પહેરાવ્યો હતો ત્યારે સસરાજી બહુ ખિજાયા હતાં. "દીકરી છે દીકરીની જેમ જ ઉછેરજો દીકરા સમોવડી થવામાં આત્મવિશ્વાસ ન ગુમાવી દે એ ધ્યાન રાખજો, એનાં મગજમાં ઉતારજો કે દીકરીનું દુનિયામાં એક આગવું સ્થાન હોય છે, ઇશ્વરે એને પોતાનું અધૂરું કાર્ય પૂરું કરવા માટે અવતરિત કરી છે." ઘણું સાચું કહ્યું હતું સસરાજીએ પણ વખત બદલાયો એમ ઘણું બદલાઈ ચૂક્યું હતું. કવિતા જ્યારે સ્કૂલે જતી થઈ ત્યારે એક સીંગીંગ કોમ્પિટિશનમાં અવ્વલ આવી હતી. બસ, ત્યારથી ગાયિકા બનવાની ધૂન ઉપડી હતી. સ્કૂલ સાથે ગાવાની તાલિમ માટે એને એક સંગીત શિક્ષક પાસે મૂકી હતી. એને લઈ જુદી જુદી હરીફાઈમાં દોડતાં રહેવું પડતું પરંતું ઘરમાં ન કદી સાસુજીએ કે ન કદી સસરાજીએ એ વિષે ટોકી હતી કે મોં બગાડ્યું હતું." વિચારોમાં જ મીનાબેનની આંખ લાગી ગઈ.


સવારે સાડાચાર વાગ્યે પરમનો ફોન આવ્યો, "કવિતાએ પગ હલાવ્યાં, ભાનમાં આવી ગઈ કહેવાય પણ ઘેનમાં છે. ચિંતા કરશો નહિ." સાડા નવ વાગ્યાની વાત સવારે સાડાચાર થયાં પણ પરમે મટકું પણ માર્યું નહોતું. આજુબાજુ બધાં ચાદર, ધાબળા ઓઢીને સાંકડાં બાંકડાં પર ટૂંટિયું વાળી સૂઈ રહ્યાં હતાં. કોઈ આખો દિવસ દોડધામ કરી થાકેલું, કોઈ કામેથી થાકીને આવીને અહીં મદદરૂપ થવા આવ્યું હશે તો કોઈ વળી આખો દિવસ અહીં બેઠું બેઠું માનસિક ચૂંથારે ત્રસ્ત હશે. વળી, એક બે જણનાં નસકોરાં પણ ગજબ અવાજ કરતાં હતાં! પરમ તો એની દુનિયા, એની પ્રેયસી, પત્ની જે કહો એ કવિતાનાં વિચારોમાંથી અને એની ચિંતામાંથી બહાર નહોતો આવી શકતો. " કવિતા ફરી વ્યવસ્થિત જીવન જીવી શકશે ખરી? એ એની સાથે પોતાની જ ભૂલને કારણે થયેલો આ ગમખ્વાર બનાવ ભૂલી શકશે ખરી? એ બોલી તો શકશે ને? એના ઘા આમ તો બહુ ઊંડા નહોતાં પરંતું માનસિક રીતે કેવી અસર હેઠળ હશે શું ખબર?"


મીનાબેને ઘણી હિંમત રાખીને સોનુને સ્કૂલે જવા ઉઠાડી, ચા, દૂધ, નાસ્તો તૈયાર કર્યા અને સોનુનાં વાળ ઓળવા બેઠાં કે સોનુ બોલવા માંડી, સવાલો પર સવાલો શરૂ થયાં, " હેં નાની મમ્મી નાની હતી, નાની એટલે તમે નહિ હાહાહાહા…નાની એટલે મારાં જેટલી હતી ત્યારે એને તમે બે ચોટલી અને ઉપર રિબન બાંધી આપતાં હતાં ને?" મીનાબેને સ્મિત આપતાં એકાક્ષરી જવાબ આપ્યો, "હા.." "તમે રોજ રોજ નાસ્તામાં સેન્ડવિચ અને શક્કરપારા જ આપતાં હતાં ને? જુઓ મને કેવી ખબર!" બોલતી સોનુ હસી રહી હતી. આઠ વર્ષની સોનુ ઘરમાં શું ચાલી રહ્યું છે અને શેની ઉથલ પાથલ છે એવું સમજવામાં અસમર્થ હતી. મીનાબેને કમને એને હસવામાં સાથ આપ્યો. સોનુની વૅન આવી ગઈ અને એ સ્કૂલે ગઈ. વસંતભાઈ પણ એટલીવારમાં ચા નાં ટેબલે ગોઠવાઈ ગયાં.

"મીના, તે ચા નાસ્તો કર્યા કે નહીં?"

"ના, જરાય ઈચ્છા નથી થતી" બોલતાં મીનાબેનની આંખો ફરી ભરાઈ આવી. વસંતભાઈએ નજીક આવી પીઠે હાથ ફેરવ્યો અને સમજાવતાં બોલ્યા, " હવે જ આપણી સાચી કસોટી છે. તું આમ નાસીપાસ થાય એ ન ચાલે, ખાવા પીવાનું પણ પૂરતું ધ્યાન રાખવું જ પડશે. તારે દવાઓ લેવાની હોય. જો તું એક વાત સમજી લે, આપણે પરમકુમાર અને સોનુને સંભાળવાના છે અને કવિતા સારી થાય ત્યાં સુધી મન મક્કમ કરીને રહેવાનું છે. આપણી દીકરીની ભૂલનું પરિણામ ભોગવવું જ રહ્યું ને..?" અને મીનાબેન ચૂપચાપ દવા લઈને ચા-નાસ્તો કરવા બેસી ગયા.


વસંતભાઈએ પરવારી પરમને ફોન કર્યો અને એ હોસ્પિટલમાં જવા તૈયાર થયા. પરમ ઘરે આવી નાહી-ધોઈ ફરી ડૉકટર આવે એ પહેલાં હોસ્પિટલ પહોંચી જાય એવી રીતે ટાઈમ એડજસ્ટ કર્યો. હોસ્પિટલ જતાં વસંતભાઈને કાર ચલાવતા વિચારોનું ઘોડાપૂર મગજમાં ઉમટતું હતું. "આજકાલના જનરેશનને શું જોઈએ છે? ક્યાં પહોંચવું છે? સંતોષ નામની વસ્તુ ક્યાં ગુમાવી દીધી છે? હરીફાઈ અને સરખામણી એ બે વસ્તુ ઊંડે ઊંડે ઘર કરી ગઈ છે. એ જ દુઃખનું કારણ લાગે છે પરંતુ એ દુઃખ પોતે જ ઉભું કરેલું હોય છે. વળી, એ દુઃખમાંથી બહાર નીકળવાના હવાતિયાં વ્યક્તિને ક્યાં ના ક્યાં લઈ જાય છે! બાકી કવિતાને અમે ફૂલની જેમ મોટી કરી છે અને પરમકુમાર પણ પડ્યો બોલ ઝીલે એવા અને દેખાવડા છે રામજાણે એ છોકરીને શું સૂઝયું?" એક લાંબો નિઃશ્વાસ નાંખી કાર હોસ્પિટલનાં પાર્કિંગમાં પાર્ક કરી અને પગથિયાં ચડી આઈ સી યુ તરફ આગળ વધ્યા.


મીનાબેન રસોઈ કરતાં હતાં ત્યાં જ કવિતાની પડોશી હેમા આવી પહોંચી. " આંટી કોઈ હેલ્પ જોઈએ તો કહેજો. હું કવિતાની પડોશી જ નહિ પરંતું એની બેસ્ટ ફ્રેન્ડ હોવાને નાતે આ ઘરની દરેક પરિસ્થિતિ વિશે વાકેફ છું." મીનાબેન રસોઈ કરતાં કરતાં ત્યાં જ નજીક ગોઠવાયેલાં ડાઇનિંગ ટેબલ પર બેસી ગયાં. હેમાને પણ બેસવા કહ્યું. નમણી, ગોરી હેમા ખરેખર ખૂબ શાલીન લાગતી હતી. મીનાબેને વાત શરૂ કરી, " દીકરા, અમે સંસ્કાર આપવામાં આમ તો ક્યાંય ઉણા ઉતર્યા હોઈએ એમ લાગતું નથી. પણ આ છોકરીએ હમણાં એવું કરી નાખ્યું છે કે કોઈ મા ન બોલે એવા વેણ મારે મોઢે નીકળી જાય છે કે, ભગવાને વાંઝિયા રાખ્યા હોત તો સારું.." બોલીને ફરી રડી પડ્યાં. એ મનથી સાવ તૂટી ગયાં હતાં દીકરીનું એક ખોટું પગલું જો સમાજ જાણી જાય તો વર્ષોથી કમાયેલી ઈજ્જત અને નામ પર કાળો ધબ્બો લાગી જાય. હેમાએ પાણી આપ્યું અને મીનાબેનનો હાથ પંપાળતા બોલી, " તમે તમારું મન ખાલી કરી દો આંટી, જે કહેવું હોય, બોલવું હોય, મારી સામે બોલી શકો વાત ક્યાંય ન જાય એ વિશ્વાસ રાખજો." " શું બોલું બેટા ? કવિતા જીવન મૃત્યુ વચ્ચે ઝોલાં ખાય છે, પરમકુમારની સામે આંખ મિલાવી શકાતી નથી અને સોનુ સામે એક સ્મિતનો બનાવટી અંચળો ઓઢીને રહેવું પડે છે. આવી સ્થિતિનો સામનો કરવો બહુ અઘરો થઈ પડ્યો છે."

" આંટી, જે સ્થિતિ ઉભી થઇ છે એનો સામનો તો કર્યે જ છૂટકો. તો આપણે હવે ભગવાનને કવિતાનાં આયુષ્ય માટે પ્રાર્થના કરીએ બાકીનું બધું પછી વિચારીએ."


"હા, હેમા આમ તો તું સાચું જ કહી રહી છે પણ દીકરા આ મગજ છે કે વિચારોનુ ચક્ર બંધ નથી થવા દેતું" એમ કહી મીનાબેને માથું કૂટયું.


પરમ ઘરે આવ્યો અને પરવારી ટેબલ પર ચા નાસ્તા માટે આવ્યો. હજી એણે ખાવું જ નહોતું કોઈ ઈચ્છા નહોતી થતી, પરંતું મીનાબેનનું મન રાખવા મશીનની જેમ ચા ના ઘૂંટ અને નાસ્તાનાં કોળિયા ભર્યે જતો હતો! એક ભેંકાર નિરવતાએ ઘરમાં કબજો જમાવ્યો હતો. મીનાબેનને એ નિરવતા અકળાવતી હતી. હંમેશાં આ ટેબલ પરમની હાજરીમાં ગાજી ઉઠતું. સોનુ, કવિતા અને એ બે જ્યારે પણ ભેગાં થતાં ત્યારે આ ટેબલ પર જબરજસ્ત રોનક વર્તાતી. મીનાબેન એ હૃદય પર ભારે પડી રહેલી શાંતિ તોડવા બોલ્યા," હેમા આવી હતી. બહુ ભલી બાઈ લાગે છે. આપણાં ફેમિલીને એનો સધિયારો સારો રહેશે એમ લાગે છે. બાકી આ વાત કોઈને કહેવાય એમ નથી." ત્યાં જ પરમનો ફોન રણક્યો એ ઉભો થઇ સીધો પોતાના રૂમ તરફ ભાગ્યો. "કવિતાને કોઈ કોમ્પ્લિકેશન્સ તો નહિ હોય ને?"


ક્રમશ:



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED