પ્રણય પરિણય ભાગ ૪૭કાવ્યાની વાત નીકળતા જ વિવાનના ગળમાં ડૂમો ભરાઈ આવ્યો. અને એ ત્યાંથી નીકળી ગયો.
કૃષ્ણકાંતે રઘુને ઈશારો કરીને વિવાનને સંભાળવાનું કહ્યુ.
'ભાઈ..' રઘુએ તેની પાસે જઈને તેના ખભા પર હાથ મૂક્યો.
'હું ઠીક છું રઘુ…'
'તો પછી અંદર ચલો..'
'હું થોડીવારમાં આવું છું.. તું જા.'
પછી રઘુ તેને વધારે ફોર્સ નહીં કરીને ત્યાંથી નીકળી ગયો.
**
બીજી તરફ, આજે ઈડીની ઓફિસમાં મલ્હારની ખરેખરી લેફ્ટ રાઈટ લેવાઈ હતી. એકના એક સવાલોનુ લિસ્ટ લઈને અલગ અલગ ઓફિસર્સ વારા ફરતી પૂછપરછ કરી રહ્યાં હતા. આજની પૂછપરછના ચાર રાઉન્ડ પત્યા પછી તેને બીજા દિવસે સવારે નવ વાગ્યે હાજર રહેવાનું કહીને તેને ઘરે જવા દીધો. જોકે તેનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો હતો.
પૈસાના વાંકે રખડી ગયેલા સેવન સ્ટાર હોટેલના મામલે રુદ્રપ્રતાપે પણ તેને નોટિસ મોકલી હતી.
**
ગઝલ રૂમમાં આવી. તેણે શોપિંગ કરેલો બધો સામાન નોકર આવીને મુકી ગયો.
ગઝલએ બધા સામાન પર નજર ફેરવી અને વિવાનને આજે કેવો પરેશાન કર્યો એ યાદ કરીને મનમાં હસી. પછી પર્સમાંથી મોબાઈલ કાઢીને નીશ્કાને ફોન લગાવ્યો.
'હેલો નીશુ.. તને ખબર છે? આજે શું શું થયું?'
'તુ કહે નહીં ત્યાં સુધી મને કેવી રીતે ખબર પડે?' નીશ્કા બોલી.
'અરે! આજે મેં ખૂબ શોપિંગ કરીને વિવાનના બધા પૈસા ખાલી કરી નાખ્યા. બોલ..'
'પણ શું કામ?'
'બસ એમજ, એને હેરાન કરવા માટે..' ગઝલ વાત કરતા કરતા બાલ્કનીમાં આવી. તેણે જોયું તો સામે ગાર્ડનમાં વિવાન એકલો બેંચ પર બેઠો હતો.
'અરે ભગવાન!' નીશ્કાએ કપાળ પર હાથ મૂક્યો.
'બહુ મજા પડી એને હેરાન કરવામાં.'
'અરે પગલી.. તું રોજ આટલું શોપિંગ કરીશ તો પણ એને કશો ફરક નહીં પડે. એના માટે તો કાનખજૂરાના એક પગ બરાબર છે. ઉલટું તું થાકી જઈશ..'
'અરે હાં, તારી વાત સાચી છે.. તો હવે શું કરવું?' ગઝલ ગાલ પર આંગળી મૂકીને બોલી. ફરીથી તેની નજર વિવાન પર પડી. તે વિચારોમાં ખોવાઈને દૂર ક્યાંક તાકી રહ્યો હતો.
'એક કામ કર..' નીશ્કા આગળ કંઈક બોલવા જતી હતી ત્યાં ગઝલની રૂમના દરવાજા પર નોક થયું.
'હું તને પછી ફોન કરુ.' કહીને ગઝલએ ફોન મુક્યો અને દરવાજો ખોલવા ગઈ.
'ભાભી.. આ તમારી શોપિંગ બેગ્સ નીચે રહી ગઈ હતી.' રઘુ બે ત્રણ બેગ્સ હાથમાં પકડીને દરવાજા પર ઉભો હતો.
'થેન્કસ રઘુ ભાઈ..' ગઝલ તેના હાથમાંથી બેગ્સ લેતા બોલી.
રઘુએ હળવું સ્મિત આપ્યું. તેના ચહેરા પર ઉદાસી ચોખ્ખી દેખાઇ રહી હતી.
'રઘુ ભાઈ, કંઇ થયું છે કે?' ગઝલથી તેની ઉદાસી જોવાઈ નહીં એટલે પૂછી લીધું.
'ના ભાભી, કંઈ નથી થયું.'
'તમારા ચહેરા પર ઉદાસી દેખાય છે, બહાર ત્યાં ગાર્ડનમાં વિવાન પણ એકલા બેઠા છે.'
'જેની લાડલી બહેન હોસ્પિટલના ખાટલે જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી હોય એ વ્યક્તિ ઉદાસ ના હોય તો શું હોય?' રઘુ ખિન્ન હસ્યો અને ગઝલના હાથમાં બેગ આપીને જતો રહ્યો.
'લાડલી બહેન મતલબ કાવ્યા.. એનુ તો એક્સિડન્ટ થયું હતું..' ગઝલને યાદ આવ્યું. તેણે બેગ નીચે મૂકી અને ફરીથી બાલ્કનીમાં ગઈ.
વિવાન ઘણીવાર સુધી ત્યાં બેન્ચ પર એકલો બેઠો રહ્યો.
**
ડાઇનિંગ રૂમમાં બધા ડિનર માટે ભેગા થયા. વિવાન જમવા માટે આવ્યો જ નહી. પણ એ વિષયમાં કોઈએ કશી ચર્ચા કરી નહિ. ડિનર કરીને ગઝલ તેની રૂમમાં આવી, ચેઈન્જ કરીને બેડ પર આડી પડી. આખા દિવસના થાકને લીધે તેને તરત જ નીંદર આવી ગઈ.
લગભગ મધ્યરાત્રિએ વિવાન રૂમમાં આવ્યો. હજુ પણ તે વિચારોમાં ખોવાયેલો હતો. રૂમમાં અંધારું હતું. એટલે તેને ચોખ્ખુ દેખાતુ નહોતું. ગઝલએ મૂકેલી બેગ્સમાંથી એક બેગ તેના પગમાં અટવાઈ. વિવાનનું બેલેન્સ ગયું, તે બાજુના ટેબલનો સપોર્ટ લેવા ગયો. તેના ધક્કાથી ટેબલ પર પડેલો ફ્લાવર વાઝ ગબડીને નીચે પડ્યો. એના અવાજના કારણે ગઝલ ઝબકીને જાગી ગઈ.
'વિવાન..' ગઝલ તેને ઉભેલો જોઈને બોલી.
'સોરી.. આઇ એમ સોરી..' વિવાન તેની નજીક જઈને બેઠો.
ગઝલ થોડી દૂર ખસવા ગઈ પણ વિવાને તેનો હાથ પકડીને તેને રોકી. ગઝલ થોડી ખચકાઈ.
'બેસને મારી પાસે..' વિવાન એકદમ ધીમેથી બોલ્યો પણ એના અવાજમાં એક બોજો વર્તાઈ રહ્યો હતો. ગઝલને પણ તેનો અણસાર આવ્યો. એ એમજ બેઠી.
વિવાને તેના બંને હાથ પોતાના હાથમાં લઈને તેના પર હળવેથી હોઠ અડાડ્યાં. ગઝલનાં આખા શરીરમાંથી ઝણઝણાટી પસાર થઈ ગઈ. તેની ધડકન વધવા લાગી.
'વિવાન તમે અહીં સૂઈ જાવ, હું ત્યાં સૂઈ જઈશ.' આગળ શું થશે એ વિચારથી ડરીને ગઝલ બોલી.
'ડર નહીં, હું કશું નહી કરુ.' વિવાનને ખ્યાલ હતો કે ગઝલને તે કંઈક કરશે તો? એવો ડર લાગે છે.
પાંચેક મિનિટ સુધી બંને એમ જ બેઠા રહ્યા. ગઝલના હાથ હજુ પણ વિવાનના હાથમાં હતાં.
'હું ખૂબ ખરાબ માણસ છું ને?' વિવાન ભીની આંખે ગઝલની સામે જોઈ રહ્યો હતો. તે પણ વિવાનની આંખોમાં જોઈ રહી હતી.
વિવાને માથું ઉંચું કરીને ઉપર છત તરફ જોયું.
'હાં, હું ખરાબ જ છું.. એટલે જ તો એ મારી પાસેથી બધું છીનવી લે છે..'
'પહેલા મારી મોમ.. હવે કાવ્યા..' વિવાનના ગળે ડૂમો ભરાઈ ગયો. તેની આંખોમાંથી આંસુ ખરીને ગઝલના હાથ પર પડ્યાં. ગઝલનું પણ હૃદય ભરાઈ આવ્યું. તેની આંખોમાં પણ ભીનાશ ફરી વળી.
'વિવાન..' ગઝલ તેના ગાલ પર હાથ મૂકીને બોલી.
'ગઝલ.. તું તો મને છોડીને નહીં જાય ને?' વિવાન તેની આંખોમાં જોઇને બોલ્યો.
ગઝલએ જોયું કે વિવાનની આંખોમાંથી દર્દ છલકાઈ રહ્યું હતું. તેને લાગ્યું કે અત્યારે વિવાનને તેની ખૂબ જરૂર છે. તેણે તરતજ નકારમાં માથુ હલાવીને "ના" કહ્યું. એ જોઈને વિવાને તેને આલિંગી.
'આઇ કાન્ટ લિવ વિધાઉટ યૂ.. મને છોડીને ક્યારેય નહીં જતી.' વિવાન તેના ખભા પર માથું મૂકીને બોલ્યો.
'નહીં જાઉં..' ગઝલથી બોલી જવાયું. તે વિવાનની પીઠ પર હાથ ફેરવતાં તેને શાંત કરવાની કોશિશ કરતી રહી. ઘણીવાર સુધી બંને એમ જ બેઠા રહ્યા. વિવાન એમજ તેના ખભા પર માથું રાખીને ઉંઘી ગયો.
વિવાન ઉંઘી ગયો છે એ ધ્યાનમાં આવતાં તેણે તેને હળવેથી સરખો સૂવડાવીને બ્લેન્કેટ ઓઢાડી અને પોતે પણ તેની બાજુમાં જ આડી પડી. સૂતા સૂતા તે એનુ નિરિક્ષણ કરી રહી હતી. પોતે તેને નિર્દયી સમજતી હતી પણ અંદરથી તે સંવેદનશીલ પણ છે એવા વિચારો કરતાં કરતાં એ પણ ઉંઘી ગઈ.
સવારે વિવાનની નીંદર ઉડી. આંખો ખોલીને જોયું તો ગઝલ તેની બાહોંમાં સૂતી હતી. તેના ચહેરા પર સ્માઈલ આવી. તેને યાદ આવ્યું કે રાતના કેવી રીતે ગઝલએ તેને સંભાળી લીધો હતો. તેની વાત, તેનુ દર્દ સમજીને કેવી સહજતાથી તેના દુખમાં ભાગ પડાવ્યો હતો. એ બધું યાદ આવતા તેણે ગઝલના કપાળ પર હોઠ અડાડીને હળવું ચુંબન કર્યું અને ઉભો થઈને બાથરૂમમાં ગયો.
વિવાન બાથરૂમમાં જતાં જ ગઝલએ આંખો ખોલી. કોને ખબર કેમ પણ આજે વિવાને કરેલું ચુંબન તેને ગમ્યું.
**
બસ એમજ ચાર પાંચ દિવસ વીત્યા.
ઈડીની ઓફિસમાં મલ્હારની હડિયાપાટી હજુ ચાલુ જ હતી. ઈડીએ તેની કંપનીના બધા એકાઉન્ટ્સની સાથે મલ્હારના પર્સનલ બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરી દીધા હતા. પ્રતાપ ભાઈ તથા સુમતિ બેનનાં બેંક એકાઉન્ટમાં કોઈ શંકાસ્પદ લેવડદેવડ ના થઈ હોવાથી તેમના એકાઉન્ટસ ચાલુ હતા. પૈસાના વાંકે રુદ્રપ્રતાપની સેવન સ્ટાર હોટેલ સહિતના મલ્હારના બધા પ્રોજેક્ટ રજળી પડ્યા હતા એટલે જે પ્રોપર્ટી એકદમ ક્લીન હતી એ બધી પ્રોપર્ટી પ્રતાપ ભાઈના જુના મિત્ર હીરાલાલ ઝવેરી પાસે ગીરવે મૂકીને પૈસા લીધા હતા. અત્યારે તો એ પૈસાથી જ પ્રોજેકટનુ કામ રગડ ધગડ ચાલી રહ્યું હતું.
**
આ બાજુ ગઝલ ધીમે ધીમે વિવાના ઘરમાં સેટ થઇ રહી હતી અને વિવાનને સમજવાની કોશિશ પણ કરી રહી હતી. કયારેક કોઈ વાતમાં વાંધો પડે તો તેને નિતનવા ત્રાસ આપીને પોતાની રીતે એનો બદલો લઈ લેતી હતી. એક દિવસ સવારમાં બંને જણ તૈયાર થઈને નીચે આવ્યા.
'ગુડ મોર્નિંગ એવરીવન..' ગઝલ બોલી.
'ગુડ મોર્નિંગ બેટા..' દાદી, કૃષ્ણકાંત, વૈભવી બધા એક સાથે બોલ્યા.
'વિવાન.. આજે ઝવેરી અંકલને ત્યાંથી પાર્ટીનું આમંત્રણ છે, તમારે બંનેએ જવાનું છે.' નાસ્તો કરતી વખતે કૃષ્ણકાંત તે બંને સામે જોઈને બોલ્યા.
'ડેડ, આજે મારે ખૂબ કામ છે. કાલે એક મહત્વની મીટીંગ માટે પ્રેઝન્ટેશન અને ટેન્ડર તૈયાર કરવાનું છે. તમે બધા જઇ આવો.'
'અરે! એમ થોડું ચાલે? તમને બેઉને સજોડે મોકલવા માટે તેમણે ખૂબ આગ્રહ કર્યો છે..'
'હૂં નહીં આવી શકું, તમે લોકો ગઝલને લેતા જજો..' વિવાન ટોસ્ટ પર જામ લગાવતા બોલ્યો.
'અરે પણ!'
'ડેડ, મારી મિટિંગ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે.'
'અરે! થોડો વહુનો પણ વિચાર કર, ઘરે બેસીને એ પણ તો બોર થતી હશે ને?' કૃષ્ણકાંતે ઈમોશનલ દલીલ કરી.
'ડેડ, આઈ એમ રિયલી સોરી.. મારી પાસે બિલકુલ સમય નથી.' વિવાન ટોસ્ટનું પીસ મોઢામાં મૂકતા બોલ્યો.
બધા ગઝલ તરફ જોઈ રહ્યા હતા. ગઝલએ તરત હોઠ બહાર કાઢીને મોઢું બનાવ્યુ.
'એ જે હોય તે.. તું ફક્ત તારો જ વિચાર કરે છે, ગઝલ માટે તો વિચારતો જ નથી.' દાદી બોલ્યા. અને પછી ફેસલો સંભળાવ્યો: 'તું આજે વહુને લઈને પાર્ટીમાં જાય છે..'
'દાદી.. આને તમે બહુ લાડ નહીં લડાવો હં..' વિવાન ગઝલ તરફ ઝીણી આંખો કરીને જોતાં બોલ્યો.
'એ મારી લાડકી છે એટલે લાડ તો લડાવીશ..' દાદી ગઝલ સામે પ્રેમથી જોતા બોલ્યા. વિવાને માથું ધુણાવ્યું.
નાસ્તો પતાવીને વિવાન પાછો તેની રૂમમાં ગયો. તેણે પ્રોજેક્ટની ફાઈલ લીધી અને કારની ચાવી શોધી રહ્યો હતો ત્યાં ગઝલ પણ અંદર આવી.
'તમને શું પેટમાં દુખે છે?' ગઝલ અંદર આવતાવેંત બોલી.
'વ્હોટ?' વિવાન ફાઈલ બેગમાં નાખતા બોલ્યો.
'બધા મને લાડ લડાવે એથી તમને જેલસી થાય છે ને?'
'હા..' વિવાન તેના ભોળપણ પર હસતા બોલ્યો.
'દુષ્ટ.. નિષ્ઠુર.. સ્વાર્થી..' ગઝલ ધીરેથી બબડી.
'ગઝલ કારની ચાવી ક્યાં છે?' વિવાન આજુબાજુમાં શોધતાં બોલ્યો.
'મને શું ખબર?' ગઝલ મોઢું ફૂલાવીને બોલી.
'શોધને પ્લીઝ..'
ગઝલએ આજુબાજુમાં જોયું તેને બેડના સાઈડ ટેબલ પર ચાવી પડેલી દેખાઈ. તેણે દોડીને ઉઠાવી. વિવાને તે જોયું.
'થેન્કસ' વિવાન ચાવી લેવા માટે તેની સામે હાથ લંબાવીને બોલ્યો.
ગઝલએ હાથ પાછળ છુપાવીને નકારમાં માથું હલાવ્યું.
'ગઝલ.. ચાવી આપ.'
'નો..'
'ગઝલ, મને મોડું થાય છે..'
'તો હું શું કરુ?' ગઝલ રમતિયાળ હસી.
'દે ને પ્લીઝ..' વિવાને વિનંતીના સ્વરમાં કહ્યુ.
'આજે પાર્ટીમાં લઈ જશો?'
'મને આજે ખરેખર ટાઈમ નથી. તું ઘરવાળા સાથે જા..'
'ના.. એમ મને મજા ના આવે..' ગઝલએ કહ્યું.
'અચ્છા.. હવે તને વિના મજા નથી આવતી એમ? તો પછી આમ મારાથી દૂર દૂર કેમ રહે છે?' વિવાન તેના શબ્દો પકડીને તેની સામે રમતિયાળ સ્માઈલ કરતાં નજીક આવ્યો.
તે એકદમ પાસે આવી જતા ગઝલ એક હાથે વિવાનની છાતીને ધક્કો મારતાં તેને દૂર રાખવાની કોશિશ કરવા લાગી.
'નો, વિવાન.. ડોન્ટ.' ગઝલએ કહ્યું.
'કેમ.. હવે શું થયું? મારા વિના મજા નથી આવતી ને?' વિવાન તેના ચહેરા પર ઝૂકી રહ્યો હતો.
'વિવાન..' ગઝલ વિવાનને ધક્કો મારીને પોતે એક તરફ ઝૂકીને છટકી ગઈ.
'અરે!' વિવાન તેની પાછળ ભાગ્યો.
'તમારે ચાવી જોઈએ છે ને?' ગઝલએ વિષય બદલ્યો.
'હવે તો મારે ઘણું બધું જોઈએ છે.' વિવાન હોઠ પર જીભ ફેરવતાં બોલ્યો.
'કંઈ મળવાનું નથી..' ગઝલ તેને ઠેંગો બતાવતાં બોલી.
બંને આખી રૂમમાં દોડાદોડી કરી રહ્યા હતા.. આગળ ગઝલ ને પાછળ વિવાન.
'ભાઈ..' નીચેથી રઘુનો અવાજ સંભળાયો.
'ઓહ ગોડ! ગઝલ ચાવી દે ને..' વિવાન ઊભો રહી ગયો. ગઝલ પણ ઉભી રહી ગઈ. એ પણ દોડીને થાકી હતી
'નહી મળે..' કહીને ગઝલ ભાગીને રૂમની બહાર નીકળી ગઈ.
'અરે! આપને યાર..' વિવાન પણ તેની પાછળ ગયો. ગઝલ ઝડપથી દાદરા ઉતરતી, દોડતી નીચે હોલ સુધી પહોંચી ગઈ.
'નો..' કહીને તેણે ચાવી પોતાના ડ્રેસમાં નાખી દીધી.
હોલમાં વૈભવી ફઈ દાદી સાથે વાતો કરી રહ્યા હતા. અને રઘુ વિવાનની રાહ જોતો ઉભો હતો.
'ગઝલ..' વિવાન બોલ્યો.
'શું થયું..?' દાદી એ લોકોની ભાંજગડ જોઈને બોલ્યા.
'દાદી તમારી વહુને કહો મારી કારની ચાવી આપે..' વિવાન ખોટો ગુસ્સો દેખાડતાં બોલ્યો.
'બા, મારી પાસે ચાવી છે જ નહીં.' ગઝલ। બેઉ હાથની અદબ વાળીને ઉભી હતી.
'છે.. દાદી એના ડ્રેસ.. ..' વિવાન આગળ બોલતા અટકી ગયો. પણ બધા સમજી ગયાં.
'નહીં તો.. જૂઓ ક્યાં છે?' ગઝલ હાથ ઉંચા કરીને બોલી.
વિવાને તેના તરફ જોયું, બે સેકન્ડ વિચાર્યુ પછી પોતાના કપાળ પર બે આંગળી ઘસી અને તેની નજીક ગયો.
બંને જણા ટોમ એન્ડ જેરીની જેમ એકબીજાને ઘુરી રહ્યા હતા.
'ફેમિલી.. ક્લોઝ યોર આઈઝ પ્લીઝ..' વિવાન મોટેથી બોલ્યો. તરત જ બધાએ પોતપોતાની આંખો આડે હાથ ધરીને આંખો બંધ કરી લીધી.
વિવાને ગઝલના ડ્રેસમાં હાથ નાખીને ચાવી કાઢી લીધી. ગઝલની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તે પોતાની મોટી મોટી આંખો પટ પટ ઉઘાડ બંધ કરીને વિવાન સામે જોઈ રહી. બધાની આંખો બંધ હતી ફક્ત દાદી સિવાય.. એ પણ આશ્ચર્યથી આંખો ફાડીને વિવાનની હરકત જોઈ રહ્યા.
એટલું સારુ હતું કે ત્યારે ત્યાં કૃષ્ણકાંત નહોતા.
વિવાને મસ્તીભર્યું હસતાં ગઝલને આંખ મારી.
'લેટ્સ ગો રઘુ..' મનમાં ખુશ થઈને આંગળીમાં ચાવી રમાડતો વિવાન દોડતો ત્યાંથી નીકળી ગયો.
'ભાઈ.. ચાવી ક્યાંથી મળી?' રઘુ તેની પાછળ ભાગતા બોલ્યો.
'જ્યાં હતી ત્યાંથી..' વિવાન ગાડીમાં બેસતા બોલ્યો.
'પણ ભાભીના હાથમાં તો ચાવી નહોતી..'
'રઘુ.. બૈરાઓ પાસે એક સેફ જગા હોય છેને ત્યાં.'
'સરળ ભાષામાં કહોને..' રઘુએ માથું ખજવાળ્યુ.
'તું નાનો છે હજુ.. ચલ હવે મોડુ થાય છે.' વિવાને હસીને કહ્યું.
રઘુએ ગાડી સ્ટાર્ટ કરી અને બંને જણ ઓફિસ જવા નીકળી ગયા.
ક્રમશઃ
.
.
**
શું ગઝલને કાવ્યાના અકસ્માતની હકીકત વિશે જાણ થશે?
શું મલ્હાર રુદ્રપ્રતાપનાં પ્રોજેક્ટ પુરા કરી શકશે?
શું ઈડીની પુછપરછથી મલ્હારની મુશ્કેલીઓ વધશે? કે પછી એ વિવાનને હરાવવા બીજો કોઈ દાવ રમશે?
શું વિવાન પાર્ટીમાં ગઝલ સાથે જશે?
**
❤ પ્રિય મિત્રો, આ પ્રકરણ વાંચીને આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી જણાવશો. ❤