Hard is this love and hard is the blessing books and stories free download online pdf in Gujarati

અઘરો છે આ પ્રેમ અને અઘરા છે આશિર્વાદ

પુસ્તક પરિચય

" અઘરો છે આ પ્રેમ અને અઘરા છે આશિર્વાદ."

- સંજીવ શાહ. એઓસિસ પ્રકાશન.


આ પુસ્તક નથી તો કોઈ કાલ્પનિક વાર્તા, સત્યકથા, કે સત્યકથા આધારિત વાર્તા. એ ત્રણેય છે; અને છતાં એ બાળશિક્ષણ સાથે સંકળાયેલ શિક્ષકો માટેની માર્ગદર્શિકા વધારે છે. કદાચ ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનું સાહિત્ય જવલ્લે જ જોવા મળે છે. અને આમ હોવા છતાં એ વાચકના મન ઉપર જબરી છાપ છોડી જાય છે.

એવું તો શું છે આ પુસ્તકમાં ?

આ એક બાળકના માનસિક ઉત્થાનની કથા છે. બાળમાનસની અભ્યાસી, એક વિશિષ્ઠ શિક્ષિકાની યથાર્થ રીતે, યશોગાથા ગાતી સત્યકથા આધારિત આ વાર્તા છે.

બાળકોને પ્રેમ આપવો એટલે શું ?
બાળકો માટે મા બાપના સાચા આશીર્વાદ શું હોઈ શકે ?
પ્રેમ અને સ્વતંત્રતા જેવા મૂલ્યો જીવી શકાય ખરા ?
બાળકોના સમગ્ર સર્વાંગી વિકાસ માટેના પાયાના સિદ્ધાંતો શું છે ?
માતા પિતા ની પરિપક્વતા અપરિપક્વતા ની બાળક પર શું અસર થાય છે?
મનુષ્યના સમગ્ર જીવનની સફળતાના સંદર્ભમાં તેના બાળપણનું શું મહત્વ છે?


એક નાનકડા પાંચ વર્ષના બાળકની આ કહાની છે .તે કોઈની સાથે હળતો - મળતો નથી. નથી વાત કરતો . ઘણા બાળકો નિશાળમાં રમતા હોય ત્યારે તે રમતો નથી. તે મોટે ભાગે ઘુમસુમ રહે છે. ઉદાસ રહે છે. ક્યાં ખોવાયેલો રહે છે , તો ક્યારેક અત્યંત હિંસક બની જીદે ચડી જાય છે. આ એક એવા એકલવાયા બાળકની કથની છે ,જેના મનમાં કોઈ ધમસાણ ચાલી રહ્યું છે, પરંતુ તેને કોઈ સમજી શકતું નથી. મા-બાપ અને શિક્ષકો માટે તે કોયડા રૂપ બની ગયો છે . તેની સમસ્યા શું છે તે કોઈ સમજી શકતું નથી. આ એક અનોખા બાળકની દાસ્તાન છે. જેણે પોતાની આસપાસ દીવાલો ચણી દીધી હતી. જે હંમેશા પોતાની સ્વરચિત જેલની અંદર પુરાયેલો રહેતો હતો. પરંતુ છેવટે પોતાની જાત સાથે સંઘર્ષ કરે છે અને હેરતજનક રીતે આત્મવિશ્વાસ પ્રાપ્ત કરે છે.
અને આ એક એવા અદભુત બાળકની વાત છે, જેને પ્રેમ અને સ્વતંત્રતાભર્યુ વાતાવરણ જ્યારે મળે છે ત્યારે તેના આત્મવિશ્વાસની એક એક પાંખડી ખીલે ઊઠે છે. અને તેની ખીલવાની પ્રક્રિયા આપણને એવી સ્પર્શી જાય છે કે આપણી દ્રષ્ટિ પણ બદલાયા વિના રહેતી નથી આ બાળકનું નામ છે ડિબ્ઝ.

ડિબ્ઝ એક પાંચ વર્ષનો બાળક છે . અમેરિકાનાં ન્યુયોર્ક શહેરની એક શાળામાં ભણી રહ્યો છે. તેના માતા પિતા ઉચ્ચતમ અભ્યાસ પામેલાં,સુશિક્ષિત અને શ્રીમંત છે. પરંતુ પોતાના બાળકને તેઓ સમજી શકતા નથી. તેની વર્તણૂક તેઓને વખતોવખત ક્ષોભ પણ પમાડે છે અને ક્યારેક અકળાવે પણ છે . સમસ્યાને સમજી નહીં શકવાથી તેઓ સતત મૂંઝાયેલા અને ચિંતાગ્રસ્ત રહે છે. ધનાઢય હોવા છતાં તેઓ અસહાયતા અનુભવે છે. નસીબસંજોગે ડિબ્ઝ એક સ્નેહાળ બહેનના સંપર્કમાં આવે છે. અને તેમની અનોખી મનોચિકિત્સા નો લાભ પામે છે. અને શરૂ થાય છે એક રોમાંચક કહાની. હા આમ તો આ બાળ ઉછેરના મનોવિજ્ઞાનની મનુષ્યના વિકાસની સંકુલ પ્રક્રિયાની વાત છે. પરંતુ હર પ્રકરણ એક નવા પરિમાણને ખોલે છે ! હરેક પ્રકરણ પછી 'હવે શું થશે '? તેમ અનુભવાય છે. જેમ જેમ વાત આગળ વધતી જાય છે તેમ તેમ વધુને વધુ દિલધડક થતી જાય છે અને છેલ્લે આવે છે આંખો ભીંજવી નાખતો ક્લાઇમેક્સ!

વાર્તાની શરૂઆત આ રીતે થાય છે.

અમેરિકામાં જન્મેલ અને ઉછરેલ ડીબ્ઝ ( કાલ્પનિક નામ) નામનો બે વર્ષનો બાળક ન્યુયોર્કની એક શાળાના છૂટવાના સમયે, સાવ એકલો, અટૂલો, સંતાઈને ઊભો છે. એને ઘેર નથી જવું. જો કે, શાળામાં પણ એ કોઈની સાથે ભળતો નથી. તે આક્રમક છે. તે કશું બોલતો પણ નથી. તેની માતા તેને પરાણે ઘેર લઈ જાય છે.


અને છેલ્લા પ્રકરણમાં વીસ વર્ષનો ડીબ્ઝ એક સમારંભમાં વ્યાખ્યાન આપે છે. જેમણે નેતૃત્વ અને સામાજિક સેવાના ક્ષેત્રે વિશિષ્ઠ યોગદાન કર્યું હોય તેવા ત્રણ આશાસ્પદ યુવાનોનું બહુમાન કરવા માટેનો એ સમારંભ છે. પોતાના બાળપણમાં છ જ મહિનાના જેના પ્રયત્નોથી આ પરિવર્તન શકય બન્યું હતું; તે બાળશિક્ષિકા મેરીને પોતાની સિદ્ધિનો બધો યશ સમર્પિત કરે છે.


અને અંતે,,, કઠણ હૃદયે લખવું પડે છે, જે આ પુસ્તકમાં લેખકે લખ્યું છે,

" બાળકો કદી સમસ્યા રૂપ કે ખરાબ નથી હોતાં.
માબાપ અને શિક્ષકોનું અજ્ઞાન જ ખરી સમસ્યા છે. "




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED