ઉલ્લાસમય ઉત્તરાયણ ઊજવતી વખતે કઈ કઈ કાળજી રાખીશું ?
વ્હાલાં બાળકો, નમસ્કાર. આજે તો સૌથી મજાનો દિવસ છે નહીં ? તમારો, મારો અને આપણાં સૌનો માનીતો તહેવાર એટલે ઉત્તરાયણ. પતંગ ચગાવવાની કેવી મઝા! હા, ભાઈ હા. આખુ વર્ષ યાદ રહે તેવી મઝા પડે. ઉત્તરાયણ નજીક આવે ત્યાં જ આકાશ રંગબેરંગી બની જાય છે. એ પીપૂડાનો અવાજ અને ખુલ્લી અગાસીમાં મ્યુઝિક સિસ્ટમ સાથે મનાવેલી ઉત્તરાયણ આખું વર્ષ યાદ રહે' સ્તો. પણ, આજે હું તમને એક ખાસ અગત્યની વાત કહેવા માંગુ છું. પતંગ ચગાવતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે તે જોઈએ.
સવારે વહેલાં ઊઠી જાઓ:
આમ, પણ તમે સૌ વહેલાં જ ઉઠવાના છો. વહેલાં ઊઠીને ઠંડી હવામાં થોડાં પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર કરો.વહેલા ઉઠવાથી થોડાં વહેલાં પતંગ ચગાવવા શરૂ કરો જેથી કરીને બપોરે થોડો સમય આરામ મળે અને તાપથી આપણી આંખો અને ત્વચાને રક્ષણ મળે.
ખુલ્લાં મેદાનોમાં પતંગ ચગાવવા:
શક્ય હોય ત્યાં સુધી મેદાનમાં જઈને પતંગ ચગાવવા. ખુલ્લા મેદાનમાં જઈને પતંગ ચગાવવાથી પડી જવાની બીક રહેતી નથી. ધાબા પર કે પતરાં ઉપર એકલાં એકલાં જવું નહીં. મમ્મી પપ્પા કે મોટા ભાઈ બહેન સાથે જ અગાસી ઉપર ચઢવું.
પતંગ લૂંટવા દોડાય નહીં:
એક પતંગ કરતા જિંદગી અનેકગણી વધારે મૂલ્યવાન છે. થોડી ગફલત કે અન્ય વ્યક્તિની મુર્ખામી ક્યારેક કોઈનો જીવ જાય તેવા અકસ્માતનું કારણ બની શકે છે. ઉત્તરાયણ દરમિયાન પડવા-વાગવા કે ગંભીર ઈજા થવાના અનેક કેસો હૉસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે આવે છે, જેમાં મહદઅંશે નાની ભુલો જ કારણરૂપ હોય છે.
વીજતાર કે ઝાડ સાથે સાવચેતી :
ઝાડ, ઈલેક્ટ્રિક થાંભલા કે વીજતાર પર પડેલી પતંગને ઉતારવાનો પ્રયાસ કદાપિ ન કરો, તેના કારણે જીવનું જોખમ થઈ શકે છે. બાળકોને યોગ્ય દેખરેખ હેઠળ રાખવા જોઈએ, જેથી પતંગ- દોરી કે ધાબા પર પડવા-વાગવાથી તેમને બચાવી શકાય.
સતત સૂર્યપ્રકાશમાં ન રહેવું. :
સૂર્યપ્રકાશમાં આખો દિવસ રહેવાથી કે આકાશમાં જોવાથી આંખોમાંથી પાણી આવવું- ખંજવાળ આવવી, આંખની આસપાસ બળતરા થવી, આંખો લાલ થવી, જેવી સમસ્યાઓ થઈ શકે છે તેથી ઈન્ફેક્શન ન થાય તે માટે યોગ્ય માર્ગદર્શન લઈ આઈ-ડ્રોપનો ઉપયોગ કરવો. ખાસ બપોરનાં સમયે સનગ્લાસનો ઉપયોગ કરવો.
ત્વચાની કાળજી :
ત્વચાની કાળજી આવશ્યક છે. સતત સૂર્યપ્રકાશમાં રહેવાને કારણે ત્વચાની સમસ્યા થઈ શકે છે. પવન અને તડકો ત્વચાને શુષ્ક બનાવે છે જેથી ચામડી લાલ થવી, ફોલ્લી થવી, એલર્જી થવી, ખંજવાળ આવવી, ચકામા થવા, ખરજવું થવું વિગેરે થઈ શકે છે. આ ન થાય તે માટે દર ચાર કલાકે સનસ્ક્રિન લોશન(મિનિમમ 30 SPF) ખુલ્લી ત્વચા પર લગાવું જોઈએ. આંખી બાંયના વસ્ત્રો પહેરવા જોઈએ. મોશ્ચરાઈઝર અને જો એલર્જી ન હોય તો એલોવેરા (કુંવારપાઠું) લગાવવું જોઈએ, જે ત્વચાને રક્ષણ આપે છે અને નરમ રાખે છે.
પુષ્કળ પાણી પીઓ :
શરીરમાં ડિહાઈડ્રેશન ન થાય તેનું ધ્યાન રાખો. પુષ્કળ પાણી પીવું જોઈએ. નાળિયેર પાણી, ફ્રેશ ફ્રુટ્સ, ફળોનો રસ, ગ્રીન ટી, છાસ વિગેરે પીણાં લઈ શકાય.
પક્ષીઓનું ધ્યાન રાખવું. :
સવારના અને સાંજે પક્ષીઓ પોતાનાં માળામાંથી બહાર નીકળે છે. આ સમયે ખૂબ જ ખ્યાલ રાખવો. ઉત્તરાયણ દરમિયાન કાચ પાયેલી દોરી, પતંગ અને તુક્કલને કારણે આકાશમાં ઉડતા કેટલાક પક્ષીઓની જાન પણ જતી રહે છે. ઘણી વખત ઉડતા પક્ષીઓ આવી દોરીઓમાં ફસાઈ જાય, ત્યારે તેમની પાંખો પર ઉંડા ઘા પડી જાય છે. કેટલાક કિસ્સાઓમાં તેમનું મૃત્યુ પણ થઈ જાય છે.જો થોડી સાવચેતી રાખવામાં આવે તો ચોક્કસ પક્ષીની જાનહાનિ ટાળી કે ઓછી કરી શકાય છે.
ચાઈનીઝ દોરીનો ઉપયોગ ટાળો:
ચાઈનીઝ દોરી બિલકુલ ઉપયોગમાં લેવી નહીં. ચાઈનીઝ દોરી એ અન્યના મોતનું કારણ બની શકે છે. આ દોરી ખૂબ જ ઘાતક હોઈ સરકારે પણ પ્રતિબંધ કર્યો છે. આ દોરી વીજળીના તારને અડવાથી કરંટ લાગે છે.
તો જોયું ને, બાળકો. ઉત્તરાયણની મજા ચોક્કસ અનેરી છે. ઉત્તરાયણના આનંદમાં ઈજારૂપી અંતરાય ન આવે તેનું ધ્યાન રાખીએ અને ઉત્તરાયણને ઉમંગથી ઉજવીએ! બાળકો આ બધી જ બાબતોનું ધ્યાન રાખીને ઉલ્લાસમય ઉત્તરાયણ ઊજવીએ.