Pranay Parinay - 41 books and stories free download online pdf in Gujarati

પ્રણય પરિણય - ભાગ 41

પ્રણય પરિણય ભાગ ૪૧


ગઝલ બે ચાર ક્ષણ એમજ ઉભી રહી પછી વિચારવા લાગી: 'અહીં બધા લોકો કેટલા સમજદાર છે! આવી ચા જો મેં ઘરે બનાવી હોત તો ભાભીએ આખુ ઘર માથે લીધુ હોત. અને બોલ્યા હોત કે સાસરે જઈને શું થશે તારું?'


'સાસરુ?' ગઝલ પોતાના વિચારો પર જ ચમકી અને તેનાથી હસી પડાયું. એ મનમાં બોલી: 'હું પણ ક્યાં આવા વિચારે ચઢી ગઈ! કાલે અહીંથી ગયા પછી કોને ખબર છે શું થશે..!' તેણે એક ઉંડો શ્વાસ લીધો અને દાદીની રૂમ તરફ ચાલી.


દાદીની રૂમમાં પ્રવેશતા જ ગઝલની નજર બેડ પર ગીફ્ટ રેપ કરેલા બોક્સ પર પડી.


'શું હશે તેમાં?' ગઝલ મનમાં જ બોલી.


'જે હોય તે, મારે શું? હું એ દુષ્ટ ડેવિલની ગીફ્ટને હાથ પણ નહીં લગાવું.' ગઝલ મનમાં જ વિચારી રહી હતી છતાં મોઢુ મચકોડયું.


આજે આ ઘરમાં તેનો બીજો દિવસ હતો છતાં હજુ સુધી તેણે આ રૂમ વ્યવસ્થિત જોઇ નહોતી. આજે પહેલી વાર તેણે રૂમમાં આજુ બાજુ જોયું. રૂમ ઘણો મોટો હતો. ખુબ સરસ હવા ઉજાસ હતો. રૂમમાં ખુબ જ સુઘડતા હતી. દિવાલો સફેદ હતી. એક રોયલ પ્રકારની સાદગી વર્તાતી હતી. દિવાલ પર ત્રણ ચાર મોટી સાઈઝની ફ્રેમ લગાવવામાં આવી હતી. ફ્રેમની અંદર રહેલાં ફોટામાંની એક પણ વ્યક્તિને તે ઓળખતી નહોતી એટલે તેના પર તેણે દુર્લક્ષ કર્યું.


એક દિવાલમાં મોટો કબાટ હતો તેમાં ઘણાં બધાં પુસ્તકો હતા. બાજુમાં જૂનાં જમાનાનો એક ઈલેક્ટ્રીક રેડિયો હતો. એનું પ્લગ સોકેટમાં ભરાવેલું હતું એટલે એ રેડિયો હજુ ચાલુ સ્થિતિમાં હશે તેવું લાગી રહ્યું હતું.

સોફા હોય, ટેબલ હોય કે ચેર હોય, રૂમમાં દરેક ફર્નિચર રજવાડી સ્ટાઈલનું એન્ટિક હતું.


ગઝલ કુતુહલથી બધુ જોઈ રહી હતી. તેની નજર જમણી બાજુ રહેલા લાકડાંના નકશીદાર ડ્રેસિંગ ટેબલ પર ગઈ. ખરેખર ખૂબ સુંદર ડ્રેસિંગ ટેબલ હતું એ.

તે ડ્રેસિંગ ટેબલ પાસે ગઈ. 'કેટલું સરસ છે, એકદમ એન્ટિક.' ગઝલ ડ્રેસિંગ ટેબલની નક્શી પર હાથ ફેરવતાં બોલી.


'મારા બાપુજીએ આપ્યું હતું.' પાછળથી દાદીએ કહ્યુ.


'અચ્છા! ઘણુ જુનુ હશે નહીં? કેટલા વરસ થયા હશે?'


'હાં, લગભગ સાઈઠ વર્ષ થઈ ગયા.'


'બાપરે..!!'


'બા બાપુજી તો રહ્યા નથી પણ એની કેટલીક યાદગીરી છે, જે મેં સાચવી રાખી છે. આ અત્યારે તું જે ફર્નિચર જોઈ રહી છેને એ મારા બાપુજીએ મારા લગ્ન વખતે આપ્યું હતું. અત્યારના મોડર્ન જમાનામાં આવું ફર્નિચર કોઈને ગમે નહીં, પણ મારા માટે આ અણમોલ છે.'



'કેટલું સરસ નકશીકામ છે.. મને તો ગમ્યું, સ્પેશિયલી આ ડ્રેસિંગ ટેબલ તો મને ખૂબ ગમ્યું. કોઈ મહારાણીનું હોય તેવું લાગે છે એકદમ..' ગઝલ ડ્રેસિંગ ટેબલ પર હાથ ફેરવતાં બોલી.



'ઠીક છે, તો પછી આજથી એ તારું.' દાદીએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કહ્યું.



'મારું? નહીં નહી.. મેં તો બસ એમજ કીધું.'



'અરે! લઇ લે.. મારા બા બાપુજીનાં આશિર્વાદ છે એમા. હું તને આપુ છું. મારી પૌત્રવધૂને.'



'પણ બા, આ હું કેવી રીતે..' ગઝલને ખચકાટ થતો હતો.



'અરે બેટા..! તારા પાસે હોય કે મારી પાસે.. વાત તો એકજ છેને! અને એમ પણ હવે હું ક્યાં અરીસામાં જોઇને તૈયાર થવાની છું? તારી પાસે રાખ. હું હમણાં જ તમારા રૂમમાં મૂકવાનું દઉં છું.'



'અરે પણ બા.. રેવા દો..' ગઝલ બોલી પણ ત્યાં સુધીમાં દાદી બહાર નીકળી ગયા હતાં.


ગઝલ ડ્રેસિંગ ટેબલના મિરર સામે જઈને ઉભી રહી. અજાણતાં જ એ સાડીનો પાલવ સરખો કરવા લાગી.

જોકે બધી મહિલાઓનું એવું જ હોય, મિરરની સામે આવે એટલે પોતાને નીરખીને જોવા લાગે.


મિરરમાંથી વળી પાછું ગઝલને બેડ પર પડેલું પેલુ ગીફ્ટ બોક્સ દેખાયું. તેણે પાછળ ફરીને જોયું.


'જોઉં તો ખરી એ વિલને શું ગિફ્ટ આપી છે.' ગઝલ મનમાં બોલી.


'નહીં, રહેવા દે. નકામું તેને એવું લાગશે હું તેને ભાવ આપુ છું.' તેણે મનમાં જ દલીલ કરી અને નજર ફેરવી લીધી. પણ રહી રહીને તેનુ ધ્યાન એ બોક્સ તરફ જતું હતું. છેવટે તેણે બોક્સ ખોલી જ નાખ્યું.

અંદર બ્લેક કલરનો ખૂબ જ સુંદર સોલ્ડરલેસ ગાઉન હતો. સાથે ડાયમંડનો નેકલેસ, ઈયરિંગ્સ અને બ્રેસલેટ હતા.


'વાઉ.. કેટલો મસ્ત ગાઉન છે.' ગઝલ ગાઉન પર હાથ ફેરવતાં બોલી. પછી તેણે જ્વેલરીનું બોક્સ ખોલ્યું. અંદરનો નેકલેસ જોઈને તે બોલી ઉઠી: 'વિલન દેખાય છે તો ડેવિલ જેવો પણ ચોઈસ સરસ છે!'


જ્વેલરીના બોક્સની બાજુમાં એક ચોકલેટનું બોક્સ પણ હતું. ગઝલએ તે બોક્સ ખોલ્યું. અંદર એક ચીઠ્ઠી હતી એમાં શાયરી લખી હતી.


જાનથી પણ વધારે ચાહું છું તને,

દરેક ખુશીથી પણ વધુ માગું છું તને!

જો કોઈ પ્રેમની હદ હોય તો,

એ હદથી પણ વધુ ચાહું છું તને!

પ્રેમ માં પડવાનું એક જ કારણ હતું,

મને તારી આંખો નું આમંત્રણ હતું..!


સાથ તારો મજાનો લાગે,

પ્રીત જાણે ખજાનો લાગે,

હજું તો ઘડીભર પહેલા જ મળ્યા 'તા આપણે,

પણ વીત્યો જાણે જમાનો લાગે..!


શાયરી વાંચીને ગઝલની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. શાયરી અને ચોકલેટ બોક્સ બંને સેમ ટુ સેમ પેલા ફૂલોના બૂકે સાથે આવતા હતાં એવાજ હતાં.


'મતલબ એ ચોકલેટ અને બૂકે વિવાન મોકલતા હતા?!' ગઝલ બોલી પડી.


'હાં ભાભી..' પાછળથી રઘુનો અવાજ આવ્યો. દાદીના કહેવાથી બે નોકરોને લઇને એ ડ્રેસિંગ ટેબલ શિફ્ટ કરાવવા આવ્યો હતો.


રઘુનો અવાજ સાંભળીને ગઝલ ચમકી ગઈ. તેણે પાછળ જોયું.


'આ ડ્રેસિંગ ટેબલ ભાઈ ભાભીનાં રૂમમાં લઈ જાઓ. હું આવું છું હમણાં.' રઘુએ નોકરોને કહ્યુ. ગઝલ રઘુની સામે જોઈ રહી.


'ભાભી.. ભાઈ પહેલાથી જ તમને પ્રેમ કરે છે. જે દિવસે તમે અમારી ગાડી ઠોકી હતીને? એ દિવસથી જ ભાઈ તમારા પ્રેમમાં પડી ગયા હતા. તમને રોજ જે બુકે, ચોકલેટ મળતાં હતાંને એ ભાઈ જ મોકલાવતા હતા.' એમ કહીને રઘુ ત્યાંથી નીકળી ગયો.


'હે! એ બુકે વિવાન મોકલતા? મને લાગતું કે મલ્હાર મોકલે છે..! એટલે જ મને શાયરી વાળો મલ્હાર અને રુબરુ મળ્યો હતો એ મલ્હાર મને અલગ અલગ લાગતાં. છતાં મને કયારેય તેને પૂછવાનો વિચાર કેમ ના આવ્યો?' ગઝલએ ફરી ફરીને પેલી શાયરીઓ વાંચી. વાંચતા વાંચતા એ વિચારતી રહી. વચ્ચે બૂકે આવતા બંધ થઈ ગયા ત્યારે પોતાને ગમતું નહોતું એ પણ તેને યાદ આવ્યું. દરેક બૂકે સાથે આવતાં કાર્ડમાં લખેલી શાયરીઓમાં વિવાનની ફીલિંગ્સ હતી એ પણ તેને સમજાયું.


અનાયસજ તેણે ગાઉન પર પ્રેમથી હાથ ફેરવ્યો. પછી ઝટકાથી ખેંચી લીધો. તેની આંખોમાં પાણી આવ્યાં. શું કામ આવ્યાં એ તેને સમજાતુ નહોતું.


તેણે આંખો લૂછી અને સ્વગત જ બોલી: 'કંઈ પણ હોય, તેણે મારી સાથે જબરદસ્તી લગ્ન કર્યા છે એ વાત હું કેવી રીતે ભૂલી શકું. ભલે મને ગમે તેટલો પ્રેમ કરતાં હોય, તો શું તેણે મારી સાથે આવું કરવાનું? તેણે મારા મનનો, મારા ભાઈ ભાભીનો, તેમની આબરુનો કશાનો વિચાર ના કર્યો..? કેટલી બદનામી થઈ ભાઈ ભાભીની.. વિવાન, તમે જો મને પ્રેમ કરતા હોતને તો મારા મનનો વિચાર જરુર કર્યો હોત.. તમે મને મારા પ્રેમથી અલગ કરી દીધી. એના માટે હું કદી તમને માફ નહીં કરું.. આઈ હેટ યુ..'


**


વિવાને ઓફિસ પહોંચીને રઘુ અને વિક્રમને બોલાવ્યા.


'રઘુ યાદ છે એ દિવસે તું મલ્હારે બિઝનેસમાં કરેલા ગોટાળાની સાબિતીઓ લઈને મારી પાસે આવ્યો હતો?' વિવાને પૂછ્યું.


'હાં ભાઈ, તમે કહ્યું હતું કે તેના પર હજુ નજર રાખજો અને આ સાબિતીનો વખત આવ્યે ઉપયોગ કરીશું.' રઘુએ યાદ કરતાં કહ્યું.


'હવે સમય આવી ગયો છે. એ ફાઈલ કયાં છે?'


'મે સાચવીને રાખી છે. એ ફાઈલ તો પહેલા કરતા ઘણી જાડી થઈ ગઈ છે. હમણાં લેતો આવું.' એમ કહીને વિક્રમ બહાર ગયો.

દસ મિનિટ પછી વિવાનના ટેબલ પર એ ફાઈલ પડી હતી, જેમાં મલ્હારનાં બિઝનેસ ગોટાળાઓની આખી કરમ કુંડળી હતી.


ત્રણે જણાએ મળીને અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં રહેલા તેના એક સોર્સને મોકલાવી આપી.

પછી વિવાન ચેરને પાછળ કરીને પોતાનું માથું ટેકવીને વિચારે ચઢ્યો.


'મલ્હાર તારે જેટલા જલ્સા કરવા હોય તે કરી લે. તારા પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. થોડા દિવસોમાં તારા પર ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તૂટી પડશે.

પહેલાં તારો પ્રેમ.. હવે તારા પૈસા અને પ્રતિષ્ઠા.. તું ગણતો જા.. તારુ શું શું જાય છે તે.. તું પૂરેપૂરો બરબાદ ના થઈ જાય ત્યાં સુધી મારો બદલો પૂરો નહીં થાય.' વિવાન મનમાં વિચારી રહ્યો હતો.


તેને વિચારોમાં ખોવાયેલો જોઈને રઘુએ પૂછ્યું: 'ભાઈ.. શું વિચારે ચઢી ગયા?'


વિવાને મલ્હાર વિશેના વિચારો ખંખેરી નાખ્યા. અને સ્વસ્થતા કેળવીને કહ્યુ: 'કશું નહી, રાતના રિસેપ્શન વિશે વિચારી રહ્યો હતો. તૈયારી થઈ ગઈ બધી?'


'અરે ભાઈ, હું અને વિક્રમ હોઈએ પછી તમારે ટેન્શન લેવાનું ના હોય.. બધુ વ્યવસ્થિત ગોઠવાઇ ગયું છે. બસ તમે અને ભાભી રાતના સ્ટેજ પર આવો એટલી જ વાર.'


"બધાને આમંત્રણ મોકલાઈ ગયાં છે?'


'હાં બોસ, તમે કીધા પ્રમાણે જ સરપ્રાઈઝ પાર્ટી તરીકે આમંત્રણ મોકલવામાં આવ્યા છે. તમારા લગ્નનો કે રિસેપ્શનનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. વિક્રમે કહ્યુ.


'વ્હોટ એબાઉટ રાઠોડ્સ?'


'પ્રતાપ ભાઈ કોઈ કામથી આઉટ ઓફ ટાઉન છે એટલે મલ્હારની ઓફિસમાં આમંત્રણ મોકલાવ્યુ છે.'


'ભાઈ, હવે તમે ઘરે જઈને થોડો આરામ કરી લો. પછી તમારે રિસેપ્શન માટે તૈયાર પણ થવાનું છે.' રઘુએ કહ્યુ.


'હમ્મ..' કહીને વિવાન ઉભો થયો.


**


શ્રોફ બંગલાની પાછળ, બંગલાને અડીને રહેલા તેમની જ માલિકીના વિશાળ ગ્રાઉન્ડમાં રિસેપ્શન કમ સરપ્રાઈઝ પાર્ટી રાખવામાં આવી હતી. રઘુ અને વિક્રમે ખરેખર કમાલનું આયોજન કર્યું હતું. શહેરની બધી નામી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને આટલી શોર્ટ નોટિસમાં પણ બધાએ હાજરી આપી હતી. પાર્ટી શાની છે એ કોઈ જાણતું નહોતું. રાઠોડ ફેમિલીના પ્રતાપ ભાઈ તો બહારગામ હતા. અને તેણે ગઝલ મળી ગઈ છે એ વિષે મલ્હારને વાત પણ નહોતી કરી. એના માણસો તો બિચારા હજુ ગઝલને શોધતા હતા.


અત્યારે અચાનક વિવાન પાર્ટી શુ કામ આપી રહ્યો છે એ પ્રશ્ન મલ્હારને મૂંઝવી રહ્યો હતો. 'શું કાવ્યા હોશમાં આવી ગઈ હશે?' મલ્હારને ધ્રાસકો પડ્યો. તેણે માણસોને તપાસ કરવા દોડાવ્યાં. માણસોએ માહિતી આપી કે કાવ્યા તો હજુ હોશમાં નથી આવી. એટલે તેનો જીવ હેઠો બેઠો.

'હશે કંઈક, પાર્ટીમાં જઈશ ત્યારે જોઈશુ.' તેણે વિચાર્યુ હતુ.


પાર્ટીમાં ધીરે ધીરે ગિરદી જામી રહી હતી.


'આવો આવો મિહિર ભાઈ, આવો કૃપા બેન..' કૃષ્ણકાંત સ્વાગત કરવા માટે ઉભા હતા તેણે મિહિર અને કૃપાને હાથ જોડીને આવકાર્યા.


'ધન્યવાદ, અને અભિનંદન.. ભવ્ય આયોજન કર્યું છે.' મહિરે પણ સામે હાથ જોડીને કહ્યુ.


'અમારા એકના એક દિકરાના જીવનમાં આટલી મોટી ખુશી આવી છે તો એનુ સ્વાગત પણ ભવ્ય થવુ જોઇએ ને!' કૃષ્ણકાંત ગર્વથી બોલ્યા. અને કૃપા અને મિહિર અંદર ગયાં.


'પણ એ સુખનું નામ અને કારણ તમે કીધું નહીં..' પટેલ ઈન્ડસ્ટ્રીઝના માલીક જયસુખ પટેલ અંદર આવતા બોલ્યા. તેમની જસ્ટ પાછળ મલ્હાર ઉભો હતો.


'આવો આવો પટેલ સાહેબ, કારણ તો તમને થોડીવારમાં જ ખબર પડી જશે.' કૃષ્ણકાંત હસતાં હસતાં તેમનું સ્વાગત કરીને બોલ્યા. જયસુખ ભાઈ અંદર ગયાં. પછી મલ્હાર આગળ આવ્યો. કૃષ્ણકાંતે તેનુ સ્વાગત કર્યું અને પુછ્યું: 'પ્રતાપ ભાઈ ના આવ્યાં?'


'ડેડ બહારગામ ગયા છે એટલે હું એકલો આવ્યો.'


'મમ્મી પણ નથી આવ્યા? એમને તો લાવવા જોઈતા હતા..!'


'મમ્મીની તબિયત હમણાં નરમ ગરમ રહે છે એટલે એ ક્યાંય બહાર જતા નથી.' મલ્હારે અષ્ટમપષ્ટમ સમજાવ્યુ અને અંદર આવ્યો.


અંદર જતાં જ તેને મિહિર અને કૃપા દેખાયા. તેને આશ્ચર્યનો આંચકો લાગ્યો. મલ્હાર તેની નજીક ગયો.


અરે! મિહિર ભાઈ, ભાભી.. તમે અહીં?'


મિહિર તેની તરફ તુચ્છકારભર્યુ હાસ્ય કરીને કટાક્ષમાં બોલ્યો: 'શહેરના બધા બિઝનેસમેનને આમંત્રણ છે. તો અમને પણ હોયને!'


'હં.. હાં.. પણ મને એમ કે ગઝલના લીધે તમે કદાચ નહીં આવો.' મલ્હાર બોલ્યો.


મિહિર - કૃપાએ કોઈ જવાબ ન આપ્યો.


'ગઝલ મળી ગઈ કે?' મલ્હારે પૂછ્યું.


મિહિર કંઇક બોલવા જતો હતો ત્યાં રઘુએ તેની પાસે આવીને કહ્યું: 'મિહિર ભાઈ, તમને બેઉને ભાભી અંદર બોલાવે છે.'


મલ્હાર તરફ જોઈને 'પછી મળુ તને..' કહીને મિહિર કૃપાને લઇને ત્યાથી નીકળી ગયો.


'મિહિર કંઇક અલગ અલગ લાગે છે આજે..' મલ્હાર વિચારમાં પડ્યો: 'પરમ દિવસ સુધી જે ચહેરા પર ટેન્શન હતું એ આજે દેખાતુ નથી.. બહેન ગાયબ છે અને આ માણસ એકદમ બિન્દાસ છે. નક્કી કંઇક ગરબડ છે. એવું શું છે જે મારી પકડમાં નથી આવતું? શું ગઝલ મળી ગઈ હશે? નહીં, ગઝલ મળી ગઈ હોય તો તો પહેલી ખબર મને જ પડે.. પણ વિવાનની બહેન હોસ્પિટલમાં હોવા છતાં આટલી મોટી પાર્ટી આપી રહ્યો છે મતલબ નક્કી કંઇક તો જોલ છે..!'

.

.

ક્રમશઃ


**

શું ગઝલ વિવાને આપેલો ગાઉન સ્વીકારશે?


મલ્હાર જ્યારે વિવાન અને ગઝલને સાથે જોશે ત્યારે તેના શા પ્રત્યાઘાત હશે?


ઈન્કમટેક્સ વિભાગ મલ્હારના ગોટાળાઓની ફાઈલ પર શું એકશન લેશે?


શું વિવાનનો બદલો પૂરો થશે?


આજની રિસેપ્શન પાર્ટીમાં શું થશે?


**


મિત્રો, ખૂબ મોટા પ્રમાણમાં તમારા પ્રતિભાવો મળી રહ્યાં છે. આવો જ સાથ સહકાર આપતા રહેશો. આ પ્રકરણ વાંચીને કોમેન્ટ તથા રેટિંગ જરુરથી આપશો. ❤


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED