પમરાટ ઍક પુષ્પનો Jagruti Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પમરાટ ઍક પુષ્પનો

તાજા કોઈ સ્પર્શોના ફૂલોની વેણી એમ ગૂંથી છે શરમાઈ કેશમાં

વેણીના ફૂલો પર બાઝેલી ઝાકળ જેમ પ્રસરી જાય જીવતરના દેશમાં.

- જીગર જોષી.

ગુલાબના ફૂલોનાં બગીચામાં જ્યારે મને રોપવામાં આવ્યું, ત્યારે મને ખૂબ જ ખુશી થઈ. મારાં બાંધવોની સાથે રહેવું, રમવું અને વિકસવું એ જ મારી ખુશી. મારાં ઘણાં મિત્રો પણ થઈ ગયાં હતાં. ત્યાં દરરોજના પાંચ હજાર ઉપરની સંખ્યામાં ખીલી જતાં. માળી અમારી સારી માવજત કરે. માળી સૌને એક વાંસના ટોપલામાં સાચવીને રાખે. કોઈ ફૂલોની દુકાનવાળાઓ આવે અને લઈ જાય. કોઈ ભગવાન માટે ફૂલોના હાર બનાવે તો કોઈ ડેકોરેશન માટે તો કોઈ નનામી શણગારે તો કોઈ અત્તર કે ગુલાબજળ અને ગુલકંદ બનાવવા લઈ જાય. આ બઘું જ જોતાં જોતાં અને સૌ મિત્રોની વાતો સાંભળતા સાંભળતા હું મોટો થઈ ગયો.

હવે હું મોટો થઈ ગયો. મારે એક કળી પણ આવી. હું ખૂબ જ ખુશ હતો. મારાં કરતાં માળી વધારે ખુશ હતો. મોટા થવું અને ખીલવું મને ગમતું પરંતું મને માળીને છોડીને જવું ન ગમતું. કેટલી ઉત્તમ પ્રકારે મારી માવજત કરાતી !

અને, થોડાં જ દિવસો પછી હું સુંદર મજાનું ખીલી ગયું. આજે તો હું સંપૂર્ણ ખીલેલું હતું. હું સવારના સૂર્યોદયની રાહ જોતો હતો. વહેલી પરોઢના ઝાકળે મને ભીંજવીને ઠંડુ ઠંડું કર્યુ હતું. મારી પત્તીઓ ભીની ભીની થઈ ગઈ હતી અને ઠંડો પવન મને ધ્રુજાવી રહ્યો હતો. હવે આકાશમાં ઝાંખું ઝાંખું અજવાળું પથરાઈ ગયું હતું. થોડીવારમાં જ ખુલ્લા આકાશમાં સોનેરી સવારે પોતાનું સામ્રાજ્ય વધારી દીધું હતું. પ્રસન્ન રવિના કોમળ કિરણો મને સ્પર્શતા હું હૂંફ અનુભવી રહ્યો હતો. આખી રાતમાં ચઢેલી ઠંડીથી હવે હું સ્નેહ રશ્મિનાં વહાલભર્યા સ્પર્શથી પ્રસન્ન જણાતો હતો. ' મારો માલિક મને જોઈને કેટલો ખુશ થશે ?' તે વિચારે હું અતિશય પ્રસન્ન થઈ ગયો. ઠંડીમાં અર્ધ બિડાયેલી મારી કળીઓ હવે ખીલીને સૂરજનું સ્વાગત કરતી હતી.

મારો માલિક આવ્યો. સૌથી વધુ સુંદર હું જ હતો. મારા માલિક મારી પાસે આવ્યા અને ખુબ વ્હાલથી મારે માથે હાથ ફેરવ્યો અને ધીરેથી મને મારી ડાળીથી અલગ કર્યું. મને જેટલું દુઃખ મારી ડાળીથી અલગ થવાનું હતું તેટલું જ દુઃખ મને મારા માલિકથી અલગ થવાનું હતું. પરંતું હવે હું સત્ય સ્વીકારીને મારાં બાંધવો અને મિત્રો સાથે વાસનાં ટોપલામાં ગોઠવાઈ ગયો. સૌથી અલગ હું જ તરી આવતો. અમે સૌ અમને લેવા કોણ આવે છે તેની રાહમાં હતાં ત્યાં જ એક ભાઈ આવ્યા અને થોડાં ફૂલોનાં હાર સાથે અમને લઈ ગયા. અમે સૌ અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે આપણને ક્યાં લઈ જશે ? ત્યાં જ ગાડી એક શાળામાં આવીને અટકી. અમે સૌ માથા ઊંચા કરીને જોવા લાગ્યાં. અમને ઊંચકીને શાળાની ઓફિસમાં લઈ ગયા. શાળાના શિક્ષકો અને સૌ અમને જોઈને ખુશ ખુશ થઈ ગયા.

એ પછી અમને એક હોલમાં લઈને આવ્યા. અહીં આવ્યા પછી ખબર પડી કે અહી મીનાબેન અને ભાવનાબેનનો વિદાય સમારંભ છે. શાળાનાં ખીલેલાં પુષ્પો સાથે અમે એક થઈ ગયાં. શાળાનાં પુષ્પોનો કલરવ અને અમારો પમરાટ એક બની ગયાં. અમારાંમાંથી એક હાર લઈને સરસ્વતીમાતાના ફોટાને પહેરાવવામાં આવ્યો. અમે સૌ આ વિદાય સમારંભ જોતાં હતાં. થોડીવારમાં શબ્દો અને પુષ્પોથી સૌનું સ્વાગત કરવામાં આવ્યું.

ઘણાં લોકો આવ્યા હતા. સૌના હાથમાં ગુલાબનાં ફૂલો હતાં. એમાંથી અમુક શિક્ષકોએ પોતાની પાસેનું ગુલાબ પોતાનાં હાથમાં રાખ્યું, કોઈએ નીચે જમીન પર મૂકી દીધું, કોઈએ વાતો વાતોમાં ગુલાબનું ફૂલ મચડી નાખ્યું તો કોઈ અમને ખાઈ ગયું. અમારાં જેવાં પણ હાલ કર્યાં અમે સૌને સુગંધ જ આપી.

શિલ્પાબેને મને એમનાં માથાની પીનમાં પરોવી લીધું. તેમની સાથે આવેલી બહેનોએ સૌએ શિલ્પાબેનના માથામાં પરોવેલાં ફૂલની સાથે પોતાનાં ફૂલો જોડીને સુંદર મજાની વેણી બનાવી. ખુલ્લા, રેશમી અને સુગંધીદાર વાળમાં મને ગમ્યુ. હું પણ ખુશ અને શિલ્પાબેન અને તેમની સખીઓ પણ ખુશ. માથાની વેણી બની કોઈની સુંદરતામાં વધારો કરી સૌને પ્રસન્ન જોઈને મારી ખુશી બમણી થઈ. આજે મને મારું જીવન સાર્થક જણાયું.

તમારી અદાઓના શું જવાબ આપું

આ અભિનય ને શું કિતાબ આપું

કોઈ તારાથી સુંદર ગુલાબ હોત તો લાવત

પણ જે પોતે ગુલાબ છે તેને શું ગુલાબ આપું.

ભગવાનનો એટલો પાડ કે હું કોઈનાં પગ નીચે ન કચડાયો કે મને કચરો થતાં બચાવ્યો. હે પ્રભુ, ફરી પણ મારો ઉપયોગ કોઈ સત્કાર્યમાં થાય અને મારું જીવન સાર્થક બને એવુ મને ભાગ્ય આપજે.