ઘૂંઘરું Jagruti Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘૂંઘરું

વેદાંતીએ જ્યારથી ભરતનાટ્યમના કલાસ શરૂ કર્યા ત્યારથી તેનામાં ગજબનું પરિવર્તન જણાયું છે. એકદમ આળસુ એવી વેદાંતી નિયમિત બની ગઈ છે. તેની સ્વસ્થતા અને સુંદરતામાં અનેક ગણો વધારો થઈ રહ્યો છે. તેનાં આચાર વિચારો સુસંસ્કૃત થઈ ગયા છે. રોજ સવારે વહેલાં ઊઠી ભરતનાટ્યમના કલાસ ભરવા, ઘરે આવી જમીને શાળાએ જવું અને સાંજે ટ્યુશન. રાત્રે વાંચવા બેસે અને વહેલી સૂઈ જાય. તેની માતા ખૂબ જ ખુશ હતી. એકદમ સ્વચ્છંદી અને સ્વતંત્ર વિચારો ધરાવતી વેદાંતી અચાનક જ બદલાઈ ગઈ તેનું કારણ તેનાં ભરતનાટ્યમના ગુરૂ પૂ.શ્રી ધીમહિ મેડમ. ધીમહિ મેડમના આશીર્વાદ. ધીમહિ મેડમની પ્રેરણાદાયી વાતો, તેમનું તેજસભર વ્યક્તિત્વ અને સાથે સાથે તેમનું અનુશાસન.

કોલેજમાં અભ્યાસ કરતી વેદાંતી હવે ધીર ગંભીર અને વધુ પરિપક્વ બનતી જાય છે. રોજ સવારે બ્રહ્મમુહૂર્તમાં વેદાંતીની ભરતનાટ્યમની સાધના કરતી. વેદાંતી હવે કૃષ્ણ ભક્તિ તરફ ઢળી. તેનાં નૃત્યોની સાથે શ્રીકૃષ્ણની આરાધના કરતી. વેદાંતીને ઘૂંઘરું ખૂબ પસંદ. એનાં ઘૂંઘરુંને શ્રીકૃષ્ણની મૂર્તિ હોય તેમ સાચવે. વેદાંતી હોય ત્યાં ઘૂંઘરું હોય જ.

વેદાંતીના લગ્ન એક શ્રીમંત ભણેલા ગણેલા પરિવારમાં થયાં. પતિ સોહમ તેને ખૂબ પ્રેમ કરે. સાસુ સસરા અને ઘરનાં સર્વેની લાડલી વેદાંતી. વેદાંતીની માતાએ તેને કરિયાવરમાં ઘૂંઘરું પણ આપ્યાં હતાં કારણકે ઘુંઘુરું તો વેદાંતીની જાન હતાં. લગ્નનું પહેલું અઠવાડિયું કુળદેવી દર્શન, અન્ય રીતરિવાજો અને સગાં સંબંધીઓને મળવાનું પૂર્ણ કર્યા પછી સોહમે તેની કોલેજની જોબ શરૂ કરી. ઘરનાં સર્વેની નિયમિત જીવનશૈલી શરૂ થઈ. હવે વેદાંતીએ સવારે વહેલાં ઊઠી તેની બેગ ખોલીને તેનાં ઘૂંઘરું કાઢયાં. તેનાં પગમાં પહેર્યા વિના રહી ન શકી. તેણે નૃત્ય શરૂ કર્યુ. મોબાઈલમાં તેનુ મનપસંદ ગીત વૃંદાવનમે રાસ રચાય..વગાડવું શરૂ કરીને નૃત્ય સાથે કૃષ્ણની આરાધના શરૂ કરી.

ઘરનાં બધાંએ ઘૂંઘરું સાથે નૃત્ય કરતી અને કૃષ્ણમય વેદાંતીને જોઈ. ખુશ થવાને બદલે બધાં ગુસ્સે થયાં. તેનાં સાસુમાએ મોટેથી બૂમ પાડીને કહ્યું, ' વેદાંતી, બંધ કરો આ નાચગાન ! આજ પછી આપણાં ઘરમાં કદી નાચગાન જોઈએ નહીં ! ' વેદાંતી એકદમ ચોંકી ગઈ. સોહમ સામે જોયું તો તેનો ચહેરો ગુસ્સે ભરેલો હતો. હવે જે ઘૂંઘરું તેનાં જીવનનું અમૂલ્ય ઔષધ હતું તે જ ઘૂંઘરું તેનાં બંધનનું કારણ બન્યાં. ઘરનાંએ તેનાં ઘૂંઘરું લઈ લીધાં હતાં. જીવનમાં પહેલીવાર વેદાંતી ખૂબ રડી. આમ કરવા પાછળનું કારણ શું હશે ? તે વિચારતી રહી. આખો દિવસ અને રાત કોઈની સાથે બોલી નહીં. જમ્યા વિના રડતાં રડતાં સૂઈ ગઈ. વહેલી સવારે બ્રહ્મમૂહુર્તમાં ' જાગો વેદાંતી, જાગો બેટા. ઊઠ ઊભી થા અને નૃત્ય સાથે આરાધના કર. હું તારી સાધનાની રાહ જોવું છું. જેમ તું નૃત્ય વિના નથી રહી શકતી તેમ હવે હું પણ તારી સાધનાનો આશિક બની ગયો છું.'

વેદાંતીએ આંખ ખોલી જોયું તો સાક્ષાત શ્રીકૃષ્ણ ! વેદાંતીએ શ્રીકૃષ્ણના ચરણસ્પર્શ કર્યા અને શ્રીકૃષ્ણના પગ ઉપર માથું મૂકીને ચોધાર આંસુડે રડી. શ્રીકૃષ્ણએ વેદાંતીને ઊભી કરી અને સોનાના ઘૂંઘરું આપ્યાં. વેદાંતી ફરી રડી. શ્રીકૃષ્ણએ કહ્યું, ' હવે આ ઘૂંઘરું પહેરીને તું તારી સાધના અવિરત રાખજે. આ ઘૂંઘરું અવાજ નહીં કરે. તું હવે સંગીત વિના પણ નૃત્ય કરી શકીશ. હું તારી સાધનાથી પ્રસન્ન થયો છું. બેટા, આ કળયુગી દુનિયા કદી ભક્તિ નહીં કરવા દે. માટે જ કળિયુગમાં આપણે આપણી સાધના ગુપ્ત રાખવી પડતી હોય છે. આ ઘૂંઘરું પહેર અને તું આ સંસારનાં બંધનોમાંથી મુક્ત થા. સાચું બંધન એટલે આત્મા અને પરમાત્મા વચ્ચેનું.' આટલું કહી શ્રીકૃષ્ણ અદ્રશ્ય થઈ ગયા ! વેદાંતી ચોધાર આંસુડે રડતાં રડતાં " હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે" મહામંત્રનુ રટણ કરવા લાગી.