આઇલેન્ડ - 38 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 117

    ભાગવત રહસ્ય-૧૧૭   જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી. અને થવ...

  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

શ્રેણી
શેયર કરો

આઇલેન્ડ - 38

પ્રકરણ-૩૮.

પ્રવીણ પીઠડીયા.

“સબૂર… એ મારો શિકાર છે.” કાર્ટર ગર્જી ઉઠયો હતો અને તેણે તેના સિપાહીઓને રોક્યાં હતા. તલવાર બાજીમાં તે એક્કો હતો, સામે વેંકટો પણ કંઈ કમ નહોતો. તે બન્નેની તલવારો વિજળીનાં ચમકારાની જેમ ચમકતી હતી. પહેલો વાર કાર્ટરે જ કર્યો હતો.

“ખનનનન્…” તલવારોનાં આપસમાં ટકરાવાનો ભયંકર અવાજ થયો અને ચમકારા મારતાં તિખારાઓની બૌછાર ઉડી. એ સાથે જ કાર્ટરનાં હાથમાં ભયાનક થડકો લાગ્યો અને આપોઆપ તે પાછળ ધકેલાયો. ઘડીક તો એવું લાગ્યું જાણે તેના હાથ ઉપર કોઈએ ભારેખમ હથોડો ઝિંકી દીધો છે. તેણે વેંકટા રેડ્ડી જેવા ભિમકાય વ્યક્તિ સાથે તલવાર યુધ્ધ છેડયું હતું એ કંઈ ખાવાનાં ખેલ નહોતું. એ તેનાથી ત્રણ ગણો શક્તિશાળી અને પહાડ જેટલો ઉંચો હતો. તેની સામે કાર્ટર નાનકડું બચ્ચું જ લાગતો હતો. એક રીતે તો તેણે રીતસરની મોત સાથે બાથ ભીડી હતી પરંતુ આજે ખૂદને અજમાવાનાં મૂડમાં હોય એમ ફરીથી તે દોડયો હતો અને વેંકટા ઉપર તલવારનો ઘા કર્યો હતો. વેંકટાએ તેની તલવાર આડી કરીને એ ઘા ઝિલ્યો અને એ હાલતમાં જ પગ ઉઠાવીને કાર્ટરનાં પેડુમાં લાત ઠોકી દીધી. ભયંકર ફોર્સથી એ લાત કાર્ટરનાં પેટ અને કમરનાં વચ્ચેનાં ભાગે લાગી. કાર્ટર કરાહી ઉઠયો. તેને લાગ્યું જાણે તેનું પેટ ફાટી પડયું છે અને તેમાથી આંતરડાઓ બહાર નિકળી આવ્યાં છે. એટલું ઓછું હોય એમ તે વેંકટાની ફેંટથી હવામાં ઉછળ્યો હતો અને દૂર જઈને એક ઝાડનાં થડ સાથે પીઠભેર અથડાયો હતો. એ પછડાટથી તેની કમરરજ્જૂમાં કડાકો બોલી ગયો હતો. બેવડા મારથી તેની આંખોમાં આસું ઉભરાઈ આવ્યાં. ઘડીભર માટે તેનું મગજ સૂન્ન પડી ગયું હતું અને કાનમાં એક સાથે હજ્જારો તમરા ઘૂસી ગયા હોય એવો ગુંજરાવ શરૂ થયો હતો. વેંકટાનાં એક જ પ્રહારે તેનું અભીમાન રસાતાળમાં ધરબાઈ ગયું હતું અને તે સમજી ગયો હતો કે તેનો પનારો કોઈ સામાન્ય આદમી સાથે નથી પડયો પરંતુ એક રાક્ષસ સાથે પડયો છે.

કર્નલની હાલત જોઈને તેની સાથે આવેલા સૈનિકો તેની નજીક દોડી આવ્યાં હતા. કાર્ટરનાં હુકમનાં કારણે તેઓ રોકાયા હતા નહીતર અત્યાર સુધીમાં તેમણે વેંકટાને ગોળીઓથી ભૂંજી નાંક્યો હોત પરંતુ હવે તેમને પણ ડર લાગવાં માંડયો હતો કારણ કે તેણે કર્નલની એક જ ફેંટમાં જે હાલત કરી નાંખી હતી એ ભલભલાને છળાવી મૂકવા પૂરતું હતું.

“બંદૂક… મારી બંદૂક… લાવો.” કાર્ટરે એકાએક તેની નજીક ઉભેલા એક સૈનિકને ઉદ્દેશીને કહ્યુ. તેના ગળામાંથી મહા-મુસીબતે અવાજ નિકળ્યો હતો.  તેને સમજાઈ ગયું હતું કે સામે ઉભેલા દાનવને તે દ્વંદ યુધ્ધમાં તો ક્યારેય હરાવી નહી શકે એટલે એનો ખાત્મો કરવા બીજી નીતી અપનાવવી પડશે. હુકમ થતાં જ  પેલો સૈનિક દોડયો હતો અને કાર્ટરે જમીન ઉપર ફેંકી દીધેલી બંદૂક શોધી લાવીને કાર્ટર તરફ લંબાવી હતી. કાર્ટરે ધ્રૂજતા હાથે બંદૂક લીધી અને મહા-મહેનતે વેંકટા તરફ નાળચું તાક્યું. વેંકટા રેડ્ડી હજું પણ એમ જ ઉભો હતો. તેને કાર્ટરનાં ઉભા થવાની રાહ હતી પરંતુ એકાએક તેણે કાર્ટરનાં હાથમાં વિલાયતી બંદૂક જોઈ અને… તે હસ્યો. પહેલા ધીરેથી અને પછી જોરથી અટ્ટહાસ્ય વેર્યું. તેના હાસ્યથી આખું જંગલ ધ્રૂજી ઉઠયું હતું. કાર્ટર અને તેના બાશિંદા ફાટી આંખોએ તેને હસતો જોઈ રહ્યાં. એમાં હસવા જેવું શું હતું…? જો બંદૂક ચાલી તો તેનું મોત નિશ્ચિત હતું છતાં તે હસી રહ્યો હતો એ ભયંકર આશ્ચર્યજનક હતું. કાર્ટરે દાંત ભિસ્યાં. વેંકટો તેની મજાક ઉડાવી રહ્યો હોય એ તેનાથી સહન થયું નહી અને તેણે ટ્રિગર દબાવી દીધું. ગોળી ચાલવાનો ધડાકો થયો અને તેની બીજી જ પળે “ખણિંગ…” કરતો અવાજ આવ્યો. ફરીથી વેંકટાનાં અટ્ટહાસ્યથી જંગલની ધરા થથરી. કાર્ટરનાં જીગરમાં દુનિયાભરનું વિસ્મય આવીને સમાયું. એ ઘટના અવિશ્વનિય… અકલ્પનિય હતી. કોઈએ તલવારની ધારથી બંદૂકની ગોળી રોકી હોય એવો તેનાં જીવનનો આ પહેલો અને કદાચ છેલ્લો કિસ્સો હતો. તેની જેમ તેના સૈનિકો પણ એ હૈરતઅંગેજ દ્રશ્ય જોઈને છળી પડયા હતા. તેમને પણ હવે વેંકટાનો ડર પેઠો હતો. જે રીતે વેંકટાએ તલવારથી કાર્ટરની બંદૂકમાંથી નિકળેલી બૂલેટને રોકી એ કોઈ અસૂરી શક્તિનો ઓછાયો તેમને જણાયો એટલે તેઓ એ સમયે જ હથીયાર હેઠા મૂકીને ભાગવા લાગ્યાં. એ જોઈને કાર્ટરનો ક્રોધ સાતમા આસમાને પહોંચ્યો. “સ્ટોપ ઈટ… આઈ સે સ્ટોપ, અધરવાઈઝ આઈ વીલ ફાયર ઓલ ઓફ યુ.” તે ચિલ્લાઈ ઉઠયો. તેની આંખોમાં લોહી ધસી આવ્યું હતું અને લાલઘૂમ નજરોથી જ તેણે વેંકટા ભણી જોયું. એ હજું પણ ઉપહાસપૂર્ણ રીતે હસી રહ્યો હતો. કાર્ટરે તેની બંદૂક નીચે મૂકી અને એક સૈનિક હમણાં જ રાઈફલ મૂકીને ભાગ્યો હતો એની રાઈફલ ઉઠાવી. તેણે વેંકટાનું નિશાન તાક્યું અને આંખો બંદ કરીને ટ્રિગર દબાવી દીધું. “ધાંય….” કરતો ધડાકો થયો. અને… આ વખતે વેંકટો ઉછળ્યો. રાઈફલમાંથી છૂટેલી ગોળી સીધી જ તેના સીનામાં સમાઈ ગઈ હતી અને તેની છાતીની ડાબી તરફ લાલચોળ રક્તનો ધબ્બો ઉપસી આવ્યો. તેણે નજરો નીચી કરીને છાતીમાંથી ઉભરાતા લોહીને તાક્યું. ઘડીક તો તેને સમજાયું નહી કે એ કેમ કરતાં બન્યું. તે પોતાની તાકાત ઉપર મુસ્તાક હતો. એમ સમજોને કે વેંકટો હંમેશા પોતાને અપરાજીત માનતો હતો. તેને ખ્યાલ હતો કે તેને હરાવવો લગભગ અસંભવ સમાન છે. પરંતુ… તે એક વાત ભૂલી ગયો હતો કે તેનો પ્રભાવ નિર્જીવ વસ્તુઓ ઉપર ઘણી વખત ચાલતો નહી. તે ફક્ત જીવિત વ્યક્તિઓ કે વસ્તુઓને પોતાની શક્તિઓ વડે કાબુમાં કરી શકતો પરંતુ ક્યારેક જડ પદાર્થો ઉપર તેનો પ્રભાવ વર્તાતો નહી. અત્યારે પણ એવું જ થયું હતું. એક વખત તેણે કાર્ટરની બંદૂકમાંથી નિકળેલી ગોળીને પોતાની તલવાર આડી ધરીને ચૂકવી હતી પરંતુ બીજી વખત તે ચૂકી ગયો હતો. તેણે તલવાર તો જરૂર આડી ધરી પણ આ વખતે કાર્ટરની રાઈફલમાંથી છૂટેલી ગોળી તલવારને ચાતરીને સીધી જ તેના સીનામાં ધરબાઈ ગઈ હતી.

અને… એ જોઈને કાર્ટરનાં હદયમાં દીવાઓ ઝળહળ્યાં. એકપણ સેકન્ડ ગુમાવ્યાં વગર તેણે ફરીથી ગોળી ચલાવી દીધી. અને પછી એ અટક્યો નહી. ધડાધડ કરતાં રાઈફલમાં કારતૂસ ભર્યાં અને આંખો મીચીને બેફામ ગોળીબાર શરૂ કર્યો. માત્ર થોડી ક્ષણોમાં જ તેણે વેંકટાની છાતીને કોઈ ચારણીની માફક વિંધી નાંખી હતી. વેંકટો કોઈ હરકત કરે કે કાર્ટરનો પ્રતીકાર કરવાની કોશીશ કરે એ પહેલા તો તેનો પહાડી દેહ ધડામ કરતો ધરતી ઉપર ખલાઈ ચૂક્યો હતો. માત્ર ગણતરીની સેકન્ડોમાં એ ખેલ ભજવાઈ ગયો હતો અને વેંકટો ધરાશાયી થયો હતો. કાર્ટર માટે તો એ અકલ્પનિય ઘટના સમાન દ્રશ્ય હતું. તેના જીગરમાં એકસાથે હજ્જારો દીવાઓ ઝગમગ્યાં હતા. રાયફલને એમ જ હાથમાં પકડીને ઉભો થયો અને તે દોડયો હતો. પેટમાં ઉઠયાં વમળોને અવગણીને તે વેંકટાની નજીક પહોંચ્યો. તે એટલો ઉત્સાહમાં આવી ગયો હતો કે ઘડીભર માટે પોતાની પીડાને પણ વિસરી ગયો હતો. વેંકટાએ પહેરેલું ખમીસ અને તેની ઉપરનું આવરણ લોહીથી ઉભરાતું હતું. તેની આંખો ઉંચે આકાશ ભણી તકાયેલી હતી. હાથમાં પકડેલી તલવાર એમ જ રહી ગઈ હતી. તે મહા-મહેનતે શ્વાસ લઈ રહ્યો હતો. કદાચ એ તેના છેલ્લા શ્વાસોશ્વાસ હતા. કાર્ટરને પોતાના માથે ઝળુંબતો જોઈને તેણે ઉભા થવા પ્રયત્ન કર્યો. તે હજુંપણ હાર માનવા તૈયાર નહોતો પરંતુ તેનું શરીર નકામું પડી ચૂક્યું હતું. હાથની આંગળીઓ જાણે ખોટી પડી ગઈ હોય એમ તલવાર ઉપરની પકડ છૂટી ગઈ હતી. શરીરના અણુંએ અણુંમા ગરમ લ્હાય સળગતી હોય એમ તેનું શરીર તપવા લાગ્યું હતું. તેની ખૂલ્લી આંખોએ છેલ્લી વખત એક ઝબકારો માર્યો. તેની પાપણો હલી અને શ્વાસ ગળામાં જ અટકી ગયો. એ હાલતમાં જ તે મૃત્યું પામ્યો. મરતી વખતે તેને શંકરે સોંપેલું કાર્ય પૂર્ણ ન કર્યાંનો વસવસો હતો પરંતુ આખરે મૃત્યું જીત્યું હતું અને કાર્ટરની ગોળીઓથી તે મરાયો હતો.

કાર્ટરે એ જોયું. વેંકટાનાં છેલ્લા શ્વાસો તૂટયા પછી તે તેના નિષ્પાણ દેહની નજીક ઉભડક પગે બેઠો. તેણે રાઈફલનાં નાળચેથી વેંકટાનો દેહ હલાવીને ખાતરી કરી લીધી કે ખરેખર તે મરી ચૂક્યો છે કે નહી કારણ કે હજુંપણ તેનાં જીગરમાં વેંકટાનો ખૌફ છવાયેલો હતો. પરંતુ તે મરી ચૂક્યો હતો. કાર્ટરને અજીબ રાહત ઉપજી. તેણે એક લાંબો શ્વાસ પોતાની છાતીમાં ભર્યો અને ત્યાં જ બેસી પડયો. એ દરમ્યાન ભાગી છૂટેલા તેના સૈનિકો પણ પાછા આવ્યાં હતા. કાર્ટરે એ વખતે જ એ તમામને ફાંસીને માચડે લટકાવાનો નિર્ણય કરી લીધો હતો પરંતુ અત્યારે તેમની જરૂર હતી એટલે કંઈ બોલ્યો નહી.

પણ… વેંકટા જેવો બહાદૂર અને સ્વામી ભક્ત વ્યક્તિ હણાયો હતો એ સત્ય હકીકત હતી. એક વિદેશી આક્રાંતાને આજે ફરી વખત જીત હાસલ થઈ હતી એ હિન્દુસ્તાનની કમનસીબી હતી. એટલું ઓછું હોય એમ વિજયગઢનો ખજાનો પણ તેના હાથે લાગ્યો હતો. એ સમયે જ કાર્ટરે ખજાનો ભરેલા ગાડાઓને પાછા વાળ્યાં હતા અને તેને પોતાની અંગત જાગીરમાં સમાવેશ કરી દીધા હતા. હવે એ ખજાનો બ્રિટિશ ગવર્મેન્ટનો નહી પરંતુ તેનો પોતાનો હતો.

(ક્રમશઃ)