Island - 36 books and stories free download online pdf in Gujarati

આઇલેન્ડ - 36

પ્રકરણ-૩૬.

પ્રવીણ પીઠડીયા.

જેમ્સ કાર્ટર વિચારમગ્ન અવસ્થામાં તેનાં તંબુમાં આમથી તેમ આંટા મારતો હતો. તેનો માણસ વજાખાન જે માહિતી લઈને આવ્યો હતો એ વિસ્ફોટક હતી. વિજયગઢનો ખજાનો લૂંટાયો હતો અને એ લૂંટનારા ખૂદ વિજયગઢનાં સત્તાધિશો જ હતા. તેનો એક સીધો મતલબ નિકળતો હતો કે વિજયગઢમાં હવે કંઈ જ બચ્યું નથી. વિજયગઢની જે સમૃધ્ધી અને જાહોજલાલી પાછળ તે ખેંચાઈને આવ્યો હતો એ જાહોજલાલી ખૂદ વિજયગઢનાં રાજાએ અને બાકી રહ્યું હતું એ રાણીએ ખતમ કરી નાંખી હતી. અને જોવાની વાત એ હતી કે ખૂદ તેમનાં હાથમાં પણ કંઈ આવ્યું નહોતું. રાજા કમોતે મરાયો હતો અને રાણીને કોઈક લૂંટીને ભાગી ગયું હતું. કોણ હતું એ…? એ ગમે તે હોય પરંતુ અત્યારે સત્ય હકીકત એ હતી કે તેની પાસે વિજયગઢનો અડધો ખજાનો હતો. કાર્ટરનાં મનમાં ન સમજાય એવા વમળો ઉઠયાં. તેણે હિન્દુસ્તાની રજવાડાઓની સોના, ચાંદી, હિરા, માણક, જવેરાત પ્રત્યેની દિલચસ્પી વિશે ખબર હતી. તેનાં ઈંગ્લેન્ડને તો હિન્દુસ્તાનનાં  નાનકડા એક રાજ્યનો સૂબો પણ ખરીદી શકે એટલી દોલત ધરાવતો હોય એ બાબત જાણતો હતો અને એમાં જરાપણ અતીશયોક્તિ નહોતી. એ હિસાબ માંડીએ તો દમયંતી દેવીનાં હાથમાંથી જે ખજાનો લૂંટાવામાં આવ્યો હતો એની કિંમત આંકવી લગભગ અશક્ય થઈ પડે. કાર્ટરનું માથું ઠનક્યું. તેણે એ સમયે જ વિજયગઢને પડતું મુકવાનો નિર્ણય કર્યો અને પેલા ખજાનાની પાછળ જવાનું મન બનાવી લીધું. હિન્દુસ્તાન આવવાનો તેનો  મૂળ મકસદ તો આખરે અઢળક દોલત એકઠી કરવાનો જ હતો ને. અને તેને એ મોકો અણધાર્યો જ મળ્યો હતો એટલે તે બેવકૂફ નહોતો કે આવી સોનેરી તક ચૂકે. તેણે તુરંત તૈયારીઓ આરંભી કારણ કે મોડું કરવાથી હાથમાં આવેલી તક સરકી જવાનો ભય હતો.

--------

ઈન્સ્પેકટર દેવ બારૈયા આખા ઘરમાં ઘૂમી વળ્યો. બધું જ જૈસે થે.. એવી સ્થિતીમાં વેર-વિખેર પડયું હતું. રહી-રહીને તેને લાગતું હતું કે અહી આવવામાં તે મોડો પડયો છે. હવે તેને જીવણાનાં ઘરમાંથી કંઈ નહી મળે. એકાએક તેનો મૂડ ’ઓફ’ થઈ ગયો. ચોક્કસ એ બન્ને છોકરાઓ અહી જ આવ્યાં હશે અને તેમને જરૂર કંઈક મળ્યું હશે એવો અંદેશો થતો હતો. જીવણાની બોડી જોઈને અને ડોકટરની વાતો સાંભળીને જે ઉન્માદ તેને જાગ્યો હતો એ ઉન્માદ એકાએક ઓટ આવી હતી. હવે એ છોકરાઓને પકડવા જરૂરી હતા. તે અહી આવ્યાં હોય તો શું કામ…? એ જાણવું જરૂરી હતું. અને તેમાં પણ ખાસ પેલો ગેરેજવાળો છોકરો તેની આંખોમાં કણાની જેમ ખૂંચતો હતો. એ જ્યારથી મળ્યો હતો ત્યારથી તેના વિશે કોઈ સારો અભિપ્રાય તેના મનમાં બંધાયો નહોતો. મનોમન ધૂંધવાતો તે જીવણાનાં ઘરમાંથી બહાર નિકળ્યો અને જીપને ફરી પાછી ચોકીનાં રસ્તે નાંખી હતી.

-------

“માયગોડ…” જેમ જેમ બુકનાં પાના હું ફેરવતો જતો હતો એમ એમ બસ આ શબ્દો જ મારાં જહેનમાં ઉભરતા હતા. બુક ખરેખર અજીબ હતી. આ પહેલા ક્યારેય આવું મેં જોયું નહોતું એટલે આશ્વર્ય ઉદભવવું સ્વાભાવિક હતું. તેમાં એક કહાની લખી હતી અને એથી પણ વિશેષ ઢગલાબંધ ચિત્રો હતા. એ કહાની દક્ષિણનાં કોઈ રાજ્ય વિજયગઢ વિશેની હતી. કહાનીનો સમયગાળો કે આ પૂસ્તક ક્યારે લખાયું હતું અને તેને કોણે લખ્યું હતું એ વિશે પુસ્તકમાં લગભગ કંઈ જ નહોતું. અથવા તો કદાચ મને અત્યાર સુધી એ ધ્યાને ચડયું નહોતું. પરંતુ… સાચું કહું તો એ ફટીચર હાલતમાં મળેલું પૂસ્તક હજું મેં ઉચ્ચક જીવે જ બધું વાંચ્યું હતું. તેમાથી કોઈ જ વાત સ્પષ્ટપણે ઉભરતી નહોતી. મારે નિરાંતે એનો અભ્યાસ કરવો પડે એમ હતો અને એ માટેનો અત્યારે યોગ્ય સમય નહોતો કારણ કે ઓલરેડી મારી આંખો ભારે ઉંઘથી ઘેરાતી હતી. મેં પુસ્તકને તકીયા નીચે દબાવીને પડખું ફેરવી લંબી તાણી હતી. ત્યારે ખરેખર હું નહોતો જાણતો કે એક ભયાનક લોહીયાળ કથા ઉપર માથું રાખીને હું સૂતો છું.

--------

વિજયગઢનો હવાલો વજાખાનને સોંપવામાં આવ્યો. ગુપ્તચરોએ મેળવેલા સમાચાર મુજબ સાર્જન્ટ પીટર એન્ડરસનને બંદી બનાવીને કારાગૃહમાં રાખવામાં આવ્યો હતો એટલે વજાખાન સૌથી પહેલા તેને છોડાવે એ જરૂરી હતો. એ પછી શું કરવું એ સાર્જન્ટ એન્ડરસનને બરાબર ખ્યાલ હતો કારણ કે કાર્ટર અને એન્ડરસન વચ્ચે એ બાબતે પહેલેથી જ ચર્ચા થઈ ચૂકી હતી. વજાખાને એ પછી સાર્જન્ટ કહે એમ કરવાનું હતું. વજાખાન કેમ્પમાંથી નાનકડી સેના સાથે વિજયગઢ તરફ રવાનાં થયો ત્યારે લગભગ બપોર ઢળવા આવી હતી. સૂરજનાં તીખા કિરણોનો પ્રકોપ મંદ વહેતા પવનમાં ભળીને ગરમ લૂ ફેંકતાં હતા. વિજયગઢનો સલામત ગણાતો કિલ્લો અને એ કિલ્લામાં પ્રવેશવાનો મૂખ્ય દરવાજો ધ્વસ્ત હાલતમાં વજાખાનનું સ્વાગત કરી રહ્યાં હતા. વજાખાન બેધડક વિજયગઢમાં દાખલ થયો હતો કારણ કે તેને રોકવાવાળું કોઈ જીવીત બચ્યું નહોતું. વિજયગઢ સંપૂર્ણપણે તબાહ થઈ ચૂક્યું હતું. જંગલી ડફેરોએ એક-એક ઘર સળગાવ્યું હતું અને જે લોકો તેમના હાથે ચઢયા હતા એમને ગાજર-મૂળાની જેમ કાપી નાંખ્યાં હતા. આખી રાત એ મારકાપ ચાલી હતી જેના અવશેષો અત્યારે પાછળ છુટેલા દેખાતા હતા. ચારેકોર છવાયેલી ભેકાંર વેરાની હૈયાફાટ આક્રંદ કરતી હતી જેનો ખામોશ ઓથાર વાતાવરણને ઓર બોઝિલ બનાવી રહ્યો હતો.

વજાખાન એકદમ ખામોશી ઓઢીને આગળ વધી રહ્યો હતો. તેના ચહેરાની લકીરોમાં સહેજે હલન-ચલન નહોતું જાણે સામે દેખાતા ભયાનક દ્રશ્યોથી તેને કોઈ જ ફરક નહોતો પડતો. તેનો મકસદ સાફ હતો… સાર્જન્ટ પીટરસનને છોડાવીને તે કહે એ પ્રમાણે આગળ વધવું. તે સીધો જ કારાગૃહ વિસ્તારમાં પહોંચ્યો હતો. મહેલ તરફનાં રસ્તે જઈને ડફેરોનો સામનો કરવાનો તેનો કોઈ ઈરાદો નહોતો. કારાગૃહની અંદર ભેંકાર સન્નાટો વ્યાપેલો હતો. કારાગૃહની સલામતીમાં રોકાયેલા સૈનિકો તો ક્યારનાં પલાયન કરી ગયા હતા. ગનીમત એ હતું કે ડફેરોનું આક્રમણ નગરની અંદર જ રહ્યું હતું. આ વિસ્તાર તેમનાં ધ્યાનમાં આવ્યો નહોતો એટલે સલામત બચ્યો હતો નહીતર અહી પણ વિનાશ વેરાયો હોત. સાવ ધણીધોરી વગરનું જેલખાનું તેમાં બંદી બનાવાયેલા કેદીઓની ભયાવહ ચીખોથી ગુંજી રહ્યું હતું. બધાને બહાર નિકળવું હતું પરંતુ કોઈ તેમનો હામી નહોતો. તેમા વજાખાનની ટૂકડી આવતાં જ ફરીથી ભયંકર દેકારો મચવો શરૂ થયો હતો. વજાખાનને તેનાથી કોઈ મતલબ નહોતો. તેણે સાર્જન્ટ પીટર એન્ડરસનનું બેરેક ખોળી કાઢયું હતું અને તેને બહાર કાઢી કર્નલ કાર્ટરનો સંદેશો આપ્યો હતો.

સાર્જન્ટ પીટર એન્ડરસનને આ પળનો જ ઈંતજાર હતો. વજાખાને તેને કર્નલ કાર્ટરનો સંદોશો આપ્યો એ સાથે જ તે ગેલમાં આવી ગયો હતો અને તેના માટે લવાયેલા અલાયદા ઘોડા ઉપર સવાર થયો હતો. તેણે ટૂકડીને સીધી જ મહેલ તરફ કૂચ કરવાનો આદેશ આપ્યો હતો. તેની અને કર્નલ વચ્ચે નક્કી થયેલી યોજના મુજબ હવે ડફેરોનો કાંટો કાઢવાનો વખત નજીક આવી પહોંચ્યો હતો. તેમાં પણ જ્યારે પીટરને વજાખાને સમાચાર આપ્યાં કે ડફેરોનો સરદાર જાલમસંગ મરાયો છે ત્યારે તેની ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો. એ એક સમાચારે તેની રાહ ઓર આસાન બનાવી નાખી હતી અને વધું ઉત્સાહમાં આવીને તેણે ઘોડાને રમરમાવ્યો હતો.

અને… ખરેખર બન્યું પણ એવું જ. જાલમસંગનાં મોતનાં સમાચારથી ડફેરોમાં એકાએક આતંક પ્રસર્યો હતો. સરદાર મરાતાં જ જાણે તેમની એકતાં ભાંગી પડી હોય એમ ગિરોહમાં ખળભળાટ મચી ગયો હતો. છેવટે હતી તો એ સાવ જંગલી અને ગમાર પ્રજા જ ને. તેમને દોરવાવાળી મૂખ્ય વ્યક્તિ સાવ અન-અપેક્ષિત રીતે એકાએક હણાતાં તેઓ આતંકીત બનીને આમ-તેમ ભાગવા લાગ્યાં હતા. અત્યાર સુધી બેફામ બનીને કત્લેઆમ મચાવી રહેલા ડફેરોનો આત્મવિશ્વાસ અચાનક સાવ તળીયે પહોંચી ગયો હતો અને તેઓ ચારેકોર કોઈ જ મકસદ વગર ભાગ્યાં હતા. તેમને તો એમ જ લાગ્યું જાણે કોઈકે તેમની ઉપર આક્રમણ કરી દીધું છે અને એનો સામનો કરવામાં તેમનો સરદાર મરાયો છે.

પીટર અને વજાખાનની ટૂકડી મારતાં ઘોડે મહેલ સુધી આવી પહોંચી હતી. મહેલ અને તેની આસપાસ ભયંકર અફરા-તફરી મચી હતી. ગાંડા-ઘેલા, ગંધાતા, લાંબા વાળ ધારી જંગલી લોકો ભયાનક કીકીયારીઓ પાડતાં મહેલની બહાર તરફ ધસી આવતાં હતા એ જોઈને પીટરનાં દિમાગમાં શિકાર પર ચડેલાં કોઈ તીરંદાજ જેવો ઉન્માદ જાગ્યો અને મ્યાનમાંથી તલવાર ખેંચીને બેફામ ભાગતાં ડફેરો ઉપર રીતસરનો તૂટી પડયો હતો. વજાખાન પણ પાછળ રહ્યો નહી. તેણે સાથે આવેલા સૈનિકોને છૂટો દોર આપી દીધો. એ સાથે જ ફરીથી શરૂ થયો એક ભયાવહ કત્લેઆમનો સીલસીલો… અને આ વખતે વારો હતો ડફેરોનો.  ડફેરોએ જે બર્બરતાથી વિજયગઢ વાસીઓનો માર્યાં હતા એનાથી પણ વધું ભયાનક મોત તેમને મળ્યું. એક પછી એક… અસંખ્ય ડફેરો હણાયાં હતા. જે લોકોએ વજાખાન સાથે આવેલા કાર્ટરનાં તાલીમબધ્ધ યોધ્ધાઓનો સામનો કરવાની કોશીશ કરી હતી તેમને તો ઓર બેરહમ મોત નસીબ થયું હતું. એ સીલસીલો લગભગ કલાકેક ચાલ્યો હશે. અસંખ્ય ડફેરોની લાશો ઢળી હતી અને બાકી બચ્યાં હતા એ પલાયન કરી ગયા હતા. તેમને તો એમ જ હતું કે જેણે સરદારને માર્યાં છે એજ લોકોએ તેમની ઉપર હુમલો કર્યો છે.

લગભગ સાંજ ઢળતાં સુધીમાં પીટર અને વજાખાનનાં કબજામાં વિજયગઢનો મહેલ અને સંપૂર્ણ વિજયગઢની હુકુમત આવી ચૂક્યાં હતા. એક જ દિવસમાં વિજયગઢે ઘણું બધું જોઈ નાંખ્યું હતું જેનો ઉલ્લેખ ઈતીહાસનાં કોઈ પાને દર્જ થયો નહોતો. એ દર્દ ફક્ત વિજયગઢનાં બાશિન્દાઓએ ભોગવ્યું હતું અને તેમની પેઢીઓ સુધી એનો ઓછાયો માતમ બનીને છવાયેલો રહ્યો હતો.

----------------

કાર્ટરને બહું જલ્દી ’લીડ’ મળી હતી. તેણે ગોઠવેલું ગુપ્તચરોનું ઝાળું એકદમ પરફેક્ટ રીતે કામ કરતું હતું અને તેમાથી જ એક સમાચાર આવ્યાં હતા કે વિજયગઢનો સેનાપતી વિરસેન ડફેરો સામે લડતાં મરાયો ત્યારે તેનો ખાસ આદમી શંકર કોઈ ભેદી હલચલ કરતો નજરે ચડયો હતો. કાર્ટરને એ બાબતનું ભયંકર આશ્વર્ય ઉદભવ્યું હતું અને તે એ સમાચારનાં પૃથ્થકરણમાં પરોવાયો હતો. જે હુકુમતનો સર-સેનાપતી યુધ્ધ મોરચે સમરાંગણ ખેલી રહ્યો હોય એવા સમયે તેનો અંગત વ્યક્તિ તેને સાથ આપવાનાં બદલે બીજા કામમાં વ્યસ્ત હોય એ બાબત ઘણી વિચિત્ર અને વિચારવા લાયક હતી. કાર્ટરે જંગલ તરફ રવાનાં થતાં પહેલા તેનું પગેરું મેળવવાનાં આદેશ આપ્યાં હતા. એ પછી તે વેંકટા રેડ્ડીની પાછળ રવાના થયો હતો.

(ક્રમશઃ)

મિત્રો આ કહાની આપને કેવી લાગે છે એ કોમેન્ટ સેકશનમાં ચોક્કસ જણાવશો.

બીજા રસપ્રદ વિકલ્પો