પ્રકરણ-૩૪.
પ્રવીણ પીઠડીયા.
મારું માથું ચકરાતું હતું. માનસા મારી નજદિક, મારાં ખભાનો ટેકો લઈને ઉભી હતી. તેનાં હાથમાં સળગતી મિણબત્તીનો માંદલો પ્રકાશ કમરાની ભયાનકતા કમ કરવાને બદલે ઓર વધારી રહ્યો હતો. પાછળની દિવાલે અમારા પડછાયા કોઈ ભૂતની જેમ નાચતાં હતા અને અમને જ ડરાવી રહ્યાં હતા. મને લાગ્યું જાણે જીવણાની ખોલીમાં પથરાયેલો રાતનો સન્નાટો ઓર ગહેરો બન્યો છે. છતમાં મઢેલા પતરાં ઉપર તડાતડી બોલાવતાં વરસાદનાં પાણીનાં છાંટાઓનો અવાજ છાતીમાં વિચિત્ર સ્પંદનો પેદા કરતો હતો. અને… મારાં હાથમાં ધ્રૂજતું પૂસ્તક, તેના પાના ઉપર લખાયેલા, લગભગ ભૂંસાવાની અણી ઉપર આવેલા શબ્દો, મારા હદયનાં પોલાણમાં ધડબડાટી બોલાવતાં હતા. હું કોઈ મૂઢ વ્યક્તિની જેમ પૂસ્તકનું લખાણ વાંચી રહ્યો હતો.
“તને વંચાય છે એમાં શું લખ્યું છે એ…?” માનસાએ આંખો ઝીણી કરીને મારી સામે નિરખતા પૂછયું. મને ખ્યાલ નહોતો આવતો કે એ શું અનુભવતી હશે કારણ કે આછા અંધકારમાં તેના ચહેરા ઉપરથી કશું કળાવું મુશ્કેલ હતું છતાં એટલું તો સ્પષ્ટ હતું કે તેને પુસ્તકનાં ધૂંધળા શબ્દો વંચાતા નહોતાં. મારા માટે એ સારી બાબત હતી.
“નહી, એક કામ કરીએ. આ પુસ્તક આપણે સાથે લેતા જઈએ. કાલે દિવસનાં અજવાશમાં કંઈક ખ્યાલ આવશે કે આખરે તેમાં છે શું…?” મેં તેના સવાલનો અધ્ધર શ્વાસે જવાબ આપ્યો. પુસ્તકનાં પાને લખાયેલી કહાની અને તેમાં દોરેલા ચિત્રો… જો કે મોટેભાગે તેમાં ચિત્રો જ વધું હતા, એનો શું મતલબ છે એ જ્યાં સુધી મને ખૂદને સમજાય નહી ત્યાં સુધી માનસાને એ બાબતે કંઈ કહેવું યોગ્ય લાગતું નહોતુ. પૂસ્તકનાં આગળનાં થોડા પાના મેં વાંચ્યાં હતા એમાથી કોઈ સ્પષ્ટ નિષ્કર્ષ કાઢવો મુશ્કેલ હતો છતાં હું આભો બની ગયો હતો એટલે માનસાને કેટલું કહેવું અને કેટલું નહી એ બહું સમજી વિચારીને જણાવવું પડે એમ હતું. વળી હજું સુધી મને તેની ઉપર પૂરેપૂરો ભરોસો પણ ક્યાં હતો…? એક અજાણી રહસ્યમય યુવતીની જેમ તે અડધી રાત્રે એક અજાણ્યાં યુવક સાથે આ બિહામણા જંગલમાં ઉભેલી એકલી અટૂલી ડરામણી ઝૂપડીમાં આવી હતી એ પણ ભયાનક અચરજ સમાન જ હતું ને. ભલે હું તેને અને તેના બાપ શ્રેયાંશ જાગીરદારને ઓળખતો હોઉં, પરંતુ એ ઓળખાણ આખી અલગ બાબત હતી અને તેનું મારી સાથે આવવું એ પણ અલગ હતું.
“એ બહેતર રહેશે.” તે બોલી અને મારા ખભેથી હાથ હટાવી થોડી પાછળ હટી. મેં ઝડપથી પૂસ્તક બંધ કર્યું અને વરસાદમાં પલળે નહી એમ ઘર સુધી લઈ જવા માટે પ્લાસ્ટિકની થેલી કે એવું કઈંક શોધવા રૂમમાં નજર ફેરવી. એ દરમ્યાન માનસા રૂમમાં આંટા મારવા લાગી હતી. “યાર, મજા ન આવી. મને હતું કે જીવણનાં ઘરમાંથી કંઈક રહસ્યમય વસ્તું હાથ લાગશે. પેલા જાસૂસી ફિલ્મોમાં નથી બતાવતા.. એવું જ કંઈક. અને એની ગૂથ્થી ઉકેલવા આપણે બન્ને જીવ સટોસટીની બાજી ખેલીશું. પણ અહી તો એવું કશું જ નથી. હાઉ બોરીંગ.” એક લાંબું બગાસું ખાઈને તેણે અંગડાઈ લીધી. તે કંટાળી હતી, ઉપરાંત આખી રાત જાગતાં જ વિતી હતી એટલે કદાચ તેને ઉંઘ પણ આવતી હતી. એ દરમ્યાન મને એક થેલી મળી હતી જેમાં સાવચેતીપૂર્વક મેં પૂસ્તકને સેરવ્યું હતું અને તેનું મોઢું વાળીને બંધ કર્યું જેથી તેમા પાણી ન ધૂસે.
“શું કરી શકાય..! મેં પહેલા જ કહ્યું હતું કે તું ઘરે જતી રહે પરંતુ તારે તો તારી નોકરાણીનાં બાપાનું મર્ડર કેમ થયું એ જાણવું હતું.” તેની વાતો સાંભળીને ખરેખર મને તાવ ચઢી જતો હોય એવું ’ફિલ’ થતું હતું. હું નક્કી નહોતો કરી શકતો કે તે ભેજાગેપ છે કે ઈન્ટેલીજન્ટ. જ્યારથી અમારો ભેટો થયો હતો ત્યારથી તે ગોળ-ગોળ વાતો કરતી હતી જેમાં હું અટવાઈ ગયો હતો. હાં, તેના વિશે એક વાત છાતી ઠોકીને કહી શકું એમ હતો કે તે વેટલેન્ડની સૌથી સુંદર છોકરી હતી. કદાચ તેનો સ્વયંમવર યોજાય તો વેટલેન્ડનાં છોકરાઓ વચ્ચે જબરજસ્ત હરીફાઇ જામે એ નિર્વિવાદીત સત્ય હતું અને તેને પામવા કેટલાય આપસમાં જ લડીને કૂટાઈ મરે એમાં પણ કોઈ શંકા નહોતી.
“એ તો હું જાણીને જ રહીશ અને…” તે શ્વાસ લેવા રોકાઈ. “એ બધા સમયે તું મારી સાથે જ હશે એની ગેરંટી આપું છું. આખરે આપણી જાસૂસી કંપનીમાં તું મારો બોસ છે અને હું તારી સેક્રેટરી.” તે હસી પડી. હું મોં વકાસીને તેને જોઈ રહ્યો. તે ખરેખર પાગલ હતી એ હવે પાક્કું થયું હતું. તેના હાથમાં સળગતી મિણબત્તીનો પ્રકાશ તેની ભૂખરી કાળી આંખોની કીકીઓમાંથી પરાવર્તિત થઈને અજીબ, અલૌકિક આભા ઉત્પન્ન કરતો હતો જાણે ઉગતાં સૂર્યનાં કિરણો તેની આંખોમાં પથરાતા ન હોય. તેના ઉઘાડ બંધ થતા પોપચા પાછળ ઘડીક સંતાતો… ઘડીકમાં ઉજાગર થતો એ પ્રકાશ મને સંમોહન તરફ લઈ જતો હતો. જો તે ધડ-માથા વગરની વાતો ન કરતી હોત તો ક્યારનો હું તેના પ્રેમમાં ઉંધે-કાંધ પડી ચૂક્યો હોત. એથી પણ મહત્વનું એ હતું કે મારે તેને આ બધા ઝમેલાથી દૂર રાખવી હતી. એ મારી સાથે હોય એ મને ગમતી વાત હતી પરંતુ જીવણાનાં મોત સાથે તેને કોઈ લેવાદેવા નહોતી. “એય, પાછો શું વિચારમાં પડી ગયો…?”
“હમણાં સવાર પડી જશે. મને લાગે છે કે આપણે જવું જોઈએ.” મેં વાત બદલી હતી.
“હાં યાર, મને ઉંઘ પણ આવે છે. ચાલ જઈએ.” તે બોલી અને એક દિલકશ અંગડાઈ લીધી. મેં તેની તરફથી નજર ફેરવી લીધી કારણ કે તેની અદાઓ મારું ઈમાન ડોલાવી રહી હતી. એ જોઈને તે ફરીથી હસી. તેની આંખોમાં શરારત હતી જાણે મને હેરાન કરવામાં તેને મજા આવતી ન હોય.
મેં પેલી બૂક મારી પેન્ટમાં પાછળ ખોસી અને અમે બહાર નિકળ્યાં. વરસાદ ધીમો પડયો હતો અને દૂર આકાશમાં આછો ઉજાસ ફેલાવો શરૂ થયો હતો. અમે બાઈક પર સવાર થયાં અને વેટલેન્ડ ભણી ચાલી નિકળ્યાં. માનસાને તેના ઘરે ઉતારીને હું બસ્તીમાં પાછો ફર્યો હતો. પરંતુ… કોઈક હતું જેણે અમને બસ્તીનાં મોડ પરથી વેટલેન્ડનાં રસ્તે જતાં જોઈ લીધા હતા અને તેનો ચહેરો ભયંકર આશ્વર્થથી તરડાયો હતો. એ હતો ઈન્સ્પેકટર દેવ બારૈયા. તેની જીપ વેટલેન્ડ અને બસ્તીને જોડતાં વળાંક પાસે આવેલી ચાની એક નાની ખોલી જેવી દુકાનનાં પતરા નીચે ઉભી હતી. જીવણાનાં ઘર તરફ જતાં રસ્તેથી મારી બાઈક વેટલેન્ડ તરફ વળી ત્યારે તેણે અમને જોયા હતા અને તેના ચહેરા ઉપર અચરજ છવાયું હતું.
દેવ બારૈયા હોસ્પિટલેથી ચોકીએ પહોંચ્યો ત્યારથી ઉંચો નિચો થતો હતો. તેનું મન ક્યારનું જીવણાનાં મકાને પહોંચી ગયું હતું. જો બહાર ધોધમાર વરસાદ ચાલું ન હોત તો તેણે એ સમયે જ જીપ મારી મૂકી હોત પરંતુ વરસાદે તેને રોકી રાખ્યો હતો અને જેવો વરસાદ થોડો ધીમો પડયો કે તુરંત તેણે જીપને રમરમાવી હતી. તે જંગલ તરફ જતાં રસ્તાનાં ત્રિ-પાંખીયા ચોરાહે આવીને થોભ્યો હતો. જીપ રોકવાનું કારણ ત્યાં બનેલી નાનકડી ચાની દુકાન હતી. એ દુકાન જોઈને તેને ચા ની તલબ ઉદભવી હતી અને તેણે જીપને દુકાનનાં પતરાનાં શેડ નીચે લીધી હતી. ચા વાળો હજું જોગ્યો જ હતો અને તે કઈક ગડમથલમાં પરોવાયો હતો કે પોલીસ જીપને જોઈને તે ચોંક્યો હતો અને દોડતો બહાર આવ્યો હતો.
“ચા મળશે કે…?” તે કંઈ પૂછે એ પહેલા જ બારૈયાએ પૂંછયું હતું.
“હાં સાહેબ, હમણાં બનાવી આપું.” આધેડ ઉંમરનાં એ વ્યક્તિ પાસે નાં પાડવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો કારણ કે પોલીસ જીપ જોઈને જ તેના મોતીયા મરી ગયા હતા અને તે ગભરાઈ ગયો હતો. તેણે ઉતાવળે પ્રાઈમસ ધમધમાવ્યો હતો અને ચાનું પાણી ઉકાળવા મૂકી દીધું હતું. એ દરમ્યાન બારૈયાએ ખિસ્સામાંથી સિગારેટનું પેકેટ કાઢી તેમાથી એક સિગારેટ સળગાવી હતી અને પાછળ ફરીને જંગલ તરફ જતાં રસ્તાને નિરખતો કશ મારવા લાગ્યો હતો. હજું તો એક જ દમ માર્યો હશે કે એકાએક તેની આંખો ઝીણી થઈ. જંગલનાં કાચા રસ્તેથી એક ટૂ-વ્હિલર આ તરફ આવી રહ્યું હતું. આટલી વહેલી સવારે અને એ પણ ધોધમાર વરસાદમાં ઘેરા જંગલ વિસ્તારમાંથી કોઈ આવતું હોય એ ભયાનક અચરજની બાબત હતી. એકાએક તે સતર્ક થયો અને સાવધાની વર્તતો જીપ પાછળ સંતાઈને ઉભો રહી ગયો. મૂખ્ય રસ્તો ઘણો દૂર હતો એટલે કોઈ પ્રયત્નપૂર્વક આ બાજું જૂએ નહી ત્યાં સુધી ખ્યાલ આવે નહી કે ત્યાં કોણ ઉભું છે છતાં એક સાવચેતી વર્તવા ખાતર તે સંતાયો હતો. અને… તેના મોંમાંથી સિગારેટ પડતાં પડતાં રહી ગઈ. તેની નજરોમાં દુનિયાભરનું આશ્વર્ય આવીને સમાયું. એક અસંભવ દ્રશ્ય તે જોઈ રહ્યો હતો. વેટલેન્ડનાં સૌથી શ્રિમંત અને વગદાર વ્યક્તિની યુવાન છોકરી બસ્તીનાં એક ગેરેજ મિકેનિકની બાઈક પાછળ પાણીથી લથબથ પલળેલી હાલતમાં એકદમ ચિપકીને બેઠી હતી.
“ઓહ માય… માય…” તેના ગળામાંથી શબ્દો સર્યા. બાઈક સડસડાટ દોડતી વેટલેન્ડ તરફ વળી અને પૂલ વટાવીને અંતર્ધાન થઇ ત્યાં સુધી તેણે નજરો ખેંચીને જોયે રાખ્યું. એ દરમ્યાન તેનું દિમાગ રોકેટ ગતીએ એ દ્રશ્યનું પૃથ્થકરણ કરતું હતું. તે પોતાની સગ્ગી આંખે જોયેલા દ્રશ્યની સચ્ચાઈ માનવા તૈયાર નહોતો. ભલા એક અબજોપતિની છોકરી સાવ ફટીચર અને ફાલતું છોકરાની સાથે કેમ કરતાં હોઈ શકે..! તેને રોનીને ધન્યવાદ આપવાનું મન થયું. ખરું પંખી પાડયું હતું તેણે. પરંતુ અત્યારે તેઓ ક્યાં જઈ આવ્યાં હશે…? એકાએક તેં ચોંક્યો. ક્યાંક એ લોકો જીવણાનાં ઘર તરફ તો નહી ગયા હોય ને…? એ વિચારે તેના મનમાં ધમધમાટી વ્યાપી. ચોક્કસ એ લોકો ત્યાં જ ગયા હશે નહિતર આટલાં ખરાબ વાતાવરણમાં તેઓ પ્રેમ કરવા માટે પણ જંગલમાં તો ન જ જાય. પણ શું કામ…? એ લોકોને જીવણાનાં મોત સાથે શું લેવાદેવા હશે…? જીવણાનું મૃત્યુનું રહસ્ય દિવસેને દિવસે નવા વમળો ઉભા કરતું હતું.
“સાહેબ ચા.” અચાનક તેનું ધ્યાન ભંગ થયું. ચા વાળો તેની તરફ ચા નો પ્યાલો લંબાવીને ઉભો હતો. તેણે ફટાફટ ચા પીધી અને સહેજે સમય ગુમાવ્યાં વગર જીપમાં બેઠો અને જીપને જંગલ તરફ મારી મૂકી.
--------
ભયાનક આંધીની ઝડપે વેંકટો આગળ ચાલતાં સૈનિકો ઉપર ફરી વળ્યો હતો અને માત્ર ગણતરીનાં સમયમાં એ તમામનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો. કોઈને ભાગવાનો કે સામનો કરવાનો સહેજે મોકો મળ્યો નહી. અરે... મરતી વખતે પણ જાણે તેમને વિશ્વાસ ન હોય એમ તમામની આંખો ખૂલ્લી જ રહી ગઈ હતી. વેંકટો ખરખર કાળ હતો. તેના હાથમાંથી બચવું લગભગ અસંભવ સમાન હતું. એમ સમજો કે તેની સામે ટક્કર ઝિલવાની શક્તિ આજે કોઈનામાં નહોતી.
તે અટક્યો ત્યારે ફક્ત એક જ વ્યક્તિ જીવિત બચી હતી. અને એ હતાં દમયંતી દેવી.
(ક્રમશઃ)