Island - 32 books and stories free download online pdf in Gujarati

આઇલેન્ડ - 32

પ્રકરણ-૩૨.

પ્રવીણ પીઠડીયા.

એ તિલસ્મી ઘટના ગણો કે પછી વેંકટાએ આત્મસાત કરેલી દૈવી શક્તિઓનો ચમત્કાર, તેણે છોડેલું તીર સીધું જ સૌથી પાછળ ચાલતાં સૈનિકની ખોપરી વિંધી ગયું હતું અને તે નીચે ખાબક્યો હતો. એ હૈરતઅંગેજ ઘટનાથી કમ નહોતું કારણ કે તે પડયો ત્યારે સહેજે અવાજ થયો નહોતો.

વેંકટાએ બીજું તીર છોડયું અને બીજો સૈનિક વિંધાયો. એમ એક પછી એક… એક-એક કરતાં પાછળ ચાલતાં બધા જ સૈનિકોનો વેંકટાનાં તીરથી વિંધાઈને જંગલની ભયાનકતામાં સમાઈ ગયા હતા. અને એથી પણ વિસ્મયકારક એ હતું કે તેનો સહેજે ભણકારો અંદાજ આગળ ચાલતાં હુકમસિંહનાં કાને પડયો નહોતો. હુકમસિંહ સહીત બીજા લોકોને ખ્યાલ જ આવ્યો નહોતો કે તેમની પીઠ પાછળ શું બની રહ્યું છે. એ ભયંકર આશ્વર્યજનક હતું. એવું જણાતું હતું કે વેંકટા રેડ્ડીનાં ફફડતાં હોઠો વચ્ચેથી કોઈ અધોર શ્લોકો નીકળી રહ્યાં છે જેની અસર તળે એ બધું બની રહ્યું છે. તે એવો કોઈ મંત્ર ફૂંકી રહ્યો છે જેના કારણે એક શૂન્યાવકાશ સર્જાયો હતો અને બધું ખામોશ બની ગયું હતું.

દસ સૈનિકો વિંધાઈ ચૂક્યાં હતા. વેંકટાએ ફરી તીરનું અનુસંધાન કર્યું પરંતુ એકાએક તે રોકાયો. આટલે દૂરથી પણ તેને હુકમસિંહે પહેરેલું બખ્તર અને ચંદ્રનાં પ્રકાશમાં માથે પહેરેલો ચળકતો ટોપો સાફ દેખાયા હતા. તેણે ધનુષ હેઠું કર્યું. હુકમસિંહનું બખ્તર વિંધી શકે એવું તીર તેના ભાથામાં નહોતું. તેની વિધા ફક્ત જીવીત મનુષ્યો ઉપર જ કામ કરતી હતી. નિર્જીવ વસ્તુઓને કાબું કરવામાં હજું તે થોડો કાચો પડતો હતો. તેણે તુરંત ઘોડાઓને ડચકાર્યાં અને પલક ઝપકે એટલી વારમાં હુકમસિંહની પડખે પહોંચી ગયો હતો.

------------

ડફેરોએ વિજયગઢને રીતસરનું ધમરોળી નાંખ્યું હતું. તેઓ મહેલ ઉપર કબ્જો કરે એટલી જ વાર હતી. એ પછી વિજયગઢ ઉપર ડફેરોનું સામ્રાજ્ય સ્થાપીત થવાનું હતું. એક એવી પ્રજા કે જેની પોતાની કોઈ સભ્યતા નહોતી. એ પ્રજા હવે એક સમયનાં અતી સમૃધ્ધ અને સભ્ય ગણાતાં વિજયગઢ ઉપર રાજ કરવાની હતી. વિધીની વક્રતા તો જૂઓ કે જંગલી પ્રજાને અંગ્રેજોનું પીઠબળ મળ્યું હતું જેના કારણે તેમણે એક આખું રજવાડું હાસીલ કરી લીધું હતું. પરંતુ વાત એટલેથી જ અટકી હોત તો એક નવી જ કહાની સર્જાઈ હોત. અને તો હું… એટલે કે રોની… એટલે કે રોનક કામદાર… આ કહાનીનો હિસ્સો બન્યો જ ન હોત, કે ન સર્જાઈ હોત આ કહાની.

આ કહાનીમાં હજું ઘણું બાકી હતું જે ભવિષ્યની અંધારી ગર્તામાં ઢબૂરાઈને પડયું હતું.

--------

શંકર ખળભળી ઉઠયો. તેનું રોમ-રોમ થથરી ગયું. તેની આંખો સામે દેખાતો નજારો ભલભલા કઠણ કાળજાનાં વ્યક્તિઓને પણ ખળભળાવી મૂકવાં પૂરતો હતો. તેની નજરો જ્યાં સુધી પહોંચતી હતી ત્યાં સુધી ચારેકોર લાશોનાં ઢગ ખડકાયા હતા. શેરીઓ સળગી રહી હતી. લોકોનાં મકાન, દુકાન, હાટડીઓ… બધુંજ આગમાં બળીને ધ્વસ્ત થયું હતું. ઘવાયેલા અને અર્ધ બળેલા લોકોની મરણચીખોથી વાતાવરણ ગમગીન બન્યું હતું. એ જોઈને શંકરનાં હદયમાં એક ન સમજાય એવો વાંઝિયો ક્રોધ ઉદભવતો હતો જે તેને છેક અંદર સુધી ઝકઝોરી રહ્યો હતો. તેની મુઠ્ઠીઓ ભિંસાઈ, દાંતમાં કડકડાટી બોલી, ઝડબું સખ્તાઈથી ભિડાયું, આંખોમાં લોહી ધસી આવ્યું. તેણે એ સમયે જ પ્રતિજ્ઞા લીધી કે તે જાલમસંગને આ કૃત્ય બદલ બક્ષસે નહી. વિજયગઢની બરબાદીનો હિસાબ લઈને જ જંપશે. તેણે જીતનાં ઉન્માદમાં બેકાબું બનેલા ડફેરોની સેના સામે એકલા હાથે લડવાને બદલે સીધું જ થડીયું કાપી નાંખવાનો નિર્ણય કર્યો અને જે દિશામાં ડફેરો ગયા હતા તેની પાછળ ચૂપકીદીથી આગળ વધ્યો.

-----------

રાજમહેલનો લોખંડી દરવાજો તૂટયો અને જાલમસંગે અંદર પગ મૂક્યો. એ સાથે જ ભયંકર કીકીયારીઓથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠયું અને ડફેરોએ પોતાની જીતની ઉજાણી શરૂ કરી. તેઓએ ક્યારેય આટલો વિશાળ, ભવ્યાતિભવ્ય રાજમહેલ જોયો નહોતો કે નહોતું જોયું આટલું અપાર ઐશ્વર્ય. જાલમસંગ પણ આભો બનીને રાજમહેલની ભવ્યતાં જોઈ રહ્યો. તેણે હુકમ કરીને મહેલની અંદરની કોઈપણ વસ્તુને હાથ લગાવાની મનાઈ ફરમાવી દીધી. તે આગળ વધ્યો અને મહેલનાં વિશાળ સભાખંડમાં મૂકાયેલા સિંહાસન ઉપર આરૂઢ થયો. તે સિંહાસન ઉપર બેઠો એ સાથે જ ફરીથી ગગનભેદી કીકીયારીઓથી સભાખંડ ભરાઈ ગયો. જાલમસંગની છાતીમાં ગર્વ મિશ્રિત અસીમ આનંદ ઉદભવ્યો. પરંતુ… તેનો એ આનંદ વધું સમય ટકવાનો નહોતો. તેના ભાગ્યમાં કંઈક અલગ જ લખાયું હતું.

--------

પોહ ફાટવાને હજું વાર હતી. રાત્રીનો છેલ્લો પ્રહર વીતી રહ્યો હતો. વિજયગઢ માટે આજની રાત કાળરાત્રી બનીને ત્રાટકી હતી અને નગર સંપૂર્ણપણે ખંડેરમાં તબદીલ થઈ ચૂક્યું હતું. બાકી વધ્યું હતું એ ડફેરોએ લૂંટી લીધું હતું અને હવે રાજમહેલનો વારો હતો.

શંકર ચૂપકીદીથી રાજમહેલમાં પ્રવેશ્યો અને સભાખંડ સુધી આવ્યો હતો. સભાખંડ ડફેરોથી હકડેઠઠ ભરેલો હતો. ચારેકોર ભયંકર કોલાહલ મચ્યો હતો. તે સાવધાનીથી એક પિલ્લર પાછળ સંતાયો. અહીથી તેને સિંહાસન ઉપર આરૂઢ થયેલો જાલમસંગ સ્પષ્ટ દેખાતો હતો. એ જોઈને ભયંકર ગુસ્સાથી તેનું માથું ફાટફાટ થવા લાગ્યું. તેણે એ સમયે જ જાલમસંગને પડકાર ફેંકયો હોત પરંતુ એ સામે ચાલીને આત્મહત્યાં કરવા બરાબર હતું એટલે તેણે પોતાનાં ક્રોધ ઉપર કાબું રાખ્યો. તેની પાસે હવે જાલમસંગ એકલો પડે એ સમયની પ્રતિક્ષા કરવા સીવાય બીજો કોઈ આરો નહોતો. અને… એ મોકો તેને બહુ જલ્દી સાંપડયો હતો.

જાલમસંગ અને તેના સાથીઓએ રાજમહેલનાં સભાખંડમાં જ શરાબની મહેફિલ જમાવી હતી અને જીતની ઉજાણી કરવામાં મશગુલ બન્યાં હતા. મદિરાનાં જામ ઉછળવા લાગ્યાં, ડફેરો નશામાં મસ્ત બનીને બેફામ ઝૂમતા હતા. એવા સમયે જાલમસંગને અચાનક મહેલ જોવાની ઈચ્છા ઉદભવી અને તે સિંહાસન ઉપરથી ઉઠયો. બેફામ ઢિંચેલા શરાબનાં નશામાં તેના પગ લથડતાં હતા. એ હાલતમાં જ તે મહેલની અંદરની દિશામાં ચાલ્યો. શંકરે એ જોયું હતું અને તેની આંખોમાં વિચિત્ર ચમક ઉભરી આવી. સમય ગુમાવ્યાં વગર તે તેની પાછળ લપકયો.

મહેલનો ઘણોખરો ભાગ અંધકારમાં લિત્પ હતો. ઘણે ઠેકાણે  ઝગતાં ફાનસો અને ઠેર-ઠેર ખોડેલી મશાલોનો પ્રકાશ વહી જતી રાતનાં અંધકારને દૂર કરવાની વ્યર્થ મથામણ કરતો હતો. મહેલમાં કામ કરતાં નોકરો, દાસીઓ અને રખેવાળો તો પહેલેથી જ પલાયન કરી ચૂક્યા હતા એટલે મહેલ સંપૂર્ણપણે ખાલી અને ભેંકાર ભાસતો હતો. જાલમસંગ નશામાં ચૂર બની લથડતી ચાલે લાલ મૂલાયમ જાજમ પાથરેલા મહેલનાં ગલીયારામાં આવ્યો હતો. એ તરફથી ઉપર જવાનો વિશાળ દાદર હતો. એ દાદરનાં પગથીયા ચડીને ઉપર બનેલા રાણીવાસમાં જવાતું. તે એ પગથીયે આવ્યો અને દાદરનો કઠેડો ઝાલીને ઉપર ચઢવા લાગ્યો. એ દરમ્યાન તેની પાછળ બીજા બે ડફેર સૈનીકો પણ આવ્યાં હતા પરંતુ જાલમસંગે તે બન્નેને ધૂત્કારીને પાછા ચાલ્યાં જવાનું ફરમાન કર્યું એટલે તેઓ પાછા વળી ગયા હતા. એ જોઈને શંકરને ’હાશ’ થઈ હતી નહીતર તેણે એ બન્નેનો પણ સામનો કરવો પડત. જો એવું થયું હોત તો ચોક્કસ મોટો હોબાળો ઉદભવ્યો હોત અને તો સતર્ક બનેલા જાલમસંગને ખતમ કરવો અઘરો થઈ પડયો હોત. પરંતુ શંકરનું નસીબ પાધરું પડયું અને એવું કંઈ થયું નહી. એ દરમ્યાન જાલમસંગ ઉપર પહોંચી ગયો હતો. અહી પણ લાંબી ગલીયારી હતી જેના એક તરફનાં ભાગે લાઈનબંધ ઝરૂખાઓ હતા અને બીજી તરફ કમરાઓની સળંગ હારમાળા દેખાતી હતી. એ ઝરૂખાઓની અટારીએથી સમસ્ત વિજયગઢ દેખાતું. જાલમસંગ હાથમાં શરાબનો પ્યાલો પકડીને લગભગ બેધ્યાન બનીને જ એક ઝરૂખામાં આવ્યો. ઝરૂખામાંથી અસ્તાચળ તરફ પ્રયાણ કરી રહેલા ચંન્દ્રમાનો આછો પ્રકાશ ગલીયારાની ફર્શ પર રેલાતો હતો જેમા હવે જાલમસંગનો પડછાયો પણ ભળ્યો હતો. ઝરૂખામાં પ્રવેશીને તેણે દૂર સુધી ખંડેરમાં તબદિલ થઈ ચૂક્લા વિજયગઢને એક નજરમાં આવરી લીધું. ધૂં-ધૂં સળગતાં વિજયગઢને જોઈને તેનાં ચહેરા ઉપર કાતીલ હાસ્ય ઉદભવ્યું અને પછી… એકાએક તેના ગળામાથી અટ્ટહાસ્ય રેલાયું. મહેલનાં પહેલા મઝલાની ગલીયારીઓમાં છેક ઉંડે સુધી એ હાસ્ય પડધાઈ ઉઠયું હતું. આ નગરનો સ્વામી હવે તે ખૂદ હતો. તેનો જનમ થયો ત્યારથી અત્યાર સુધી તેણે સાવ ફક્કડ અને ભટકતી જીંગદી જ વિતાવી હતી. તેમાં અચાનક તકદીરનું પાનું ફર્યું હતું અને હવે તે એક નગરનો રાજા બની ગયો હતો એ ખ્યાલે જ તે બેફામ હસી રહ્યો હતો.

કે સાવ અચાનક જ… કોઈક તેની પીઠ પાછળ આવ્યું હોય એવો ભણકારો ઉદભવ્યો. તેની પાછળ કોઈ હલચલ થઈ હોય એવું લાગ્યું. તેનું હાસ્ય એકાએક રોકાયું હતું અને એક ઝટકે તે પાછળ ફર્યો. નશામાં બોઝિલ બનેલી તેની આંખોનાં પોપચા બરાબર ખૂલે, એ હલચલ શેની છે એ સમજે, એ પહેલા… એક આછો પડછાયો તેની નજરો સામે લહેરાયો. એકાએક તેને સમજાયું કે કોઈક તેની સામે ઉભું છે. પહેલા તો લાગ્યું કે તેણે જે સૈનિકોને ધૂત્કારીને પાછા કાઢયાં હતા તેમાથી કોઈ હશે પરંતુ નહી…! પડછાયો ઘણો વિશાળ હતો. તે એકાએક સતર્ક થયો પરંતુ… ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.

શંકરને જે મોકાની તલાશ હતી એ મોકો સાવ અનાયાસે જ  તેને સાંપડયો હતો. અને હવે કોઈ ભૂલ કરવાનો તો સવાલ જ ઉદભવતો નહોતો. તે ભારે સાવધાનીથી ઉપર ચઢયો હતો અને જાલમસંગની પાછળ ઝરૂખામાં આવીને ઉભો રહ્યો હતો. જેવો જાલમસંગ પાછળ ફર્યો કે… સહેજે સમય ગુમાવ્યાં વગર તેણે પોતાની ભેંટમાં ખોસેલી કટારી એક ઝટકે બહાર ખેંચી કાઢી હતી જાલમસંગનાં ગળે ફેરવી દીધી હતી. જાલમસંગની આંખો બરાબર ખૂલે, તેની સામે આવીને કોણ ઉભું છે એ સમજે, એ પહેલા શંકરનાં સ્ફૂર્તીલા હાથે હરકત કરી નાંખી હતી અને કટારીની અણીનો આછો લસરકો જાલમસંગનાં ગળે થયો હતો. જાલમસંગની આંખોમાં ભયંકર વિસ્મય ઉમટયું. ગળાની ચામડી ઉપર કોઈ તીણો પદાર્થ ઘસાયો હોય એવી બળતરા ઉપડી. એ શું હતું તેનો વિચાર મનમાં ઉદભવે કે કોઈ હરકત કરે એ પહેલા તો તેના ગળામાંથી લોહીનો ફૂવારો ઉડયો હતો. એ લોહીમાં ખૂદ શંકર આખો ખરડાઈ ઉઠયો. જાલમસંગનાં હાથમાંથી આપમેળે શરાબનો ગ્લાસ છટકીને નીચે ફર્શ ઉપર પડયો અને તેના બન્ને હાથ ગળા ફરતે વિંટળાયા. તેની આંખોમાં દર્દ મિશ્રિત અપાર વિસ્મય ઉભર્યું. તેની હથેળીઓ ચીકણા પ્રવાહીમાં લીપ્ત બની. ગળાની બળતરા છેક છાતીની અંદર સુધી ફેલાઈ. તે ચીખવા માંગતો હતો, બાંગ નાંખીને કોઈકને બોલાવવા માંગતો હતો, પરંતુ જાણે તેના ગળાનાં સ્નાયુંઓએ બળવો પોકાર્યો હોય એમ તેનાં મોં માંથી ફક્ત ’ધરરર્….’ આછી ઘરઘરાટીનો અવાજ જ નિકળ્યો. તેન નેત્રો વિસ્ફારીત બન્યાં અને આંખોનાં ડોળામાં લોહી ધસી આવ્યું. તેના ગળે માત્ર એક પાતળા દોરા જેવી લાઈન ખેંચાઈ હતી પરંતુ એ શંકરની કટાર હતી. તેણે તેનું કામ બરાબર કર્યું હતું. કટારની તિક્ષ્ણ ધાર જાલમસંગની ધોરી નસ કાપતી ગઈ હતી અને તે લોહીમાં નાહી ઉઠયો હતો.

શંકરનાં જીગરમાં અપાર સુકૂન છવાયું. વિજયગઢને બરબાદ કરનાર વ્યક્તિ આજે તેની સામે તરફડી રહ્યો હતો. મોતની કગાર પર આવીને ઉભો હતો. તેણે જાલમસંગની બુજાતી જતી આંખોમાં ઝાંક્યું અને… તેણે તેની છાતીની બરાબર વચાળે લાત ઠોકી. તેના પગમાં એટલું જોર હતું કે જાલમસંગ રીતસરનો હવામાં ઉછળ્યો અને ઝરુખાની પાળીએથી ગડથોલું ખાઈને નીચે ફેંકાયો. શંકર એ જોવા પણ ન રોકાયો કે તેનું શું થયું. અહીનું તેનું કામ સમાપ્ત થયું હતું એટલે રોકાવાનો કોઈ મતલબ નહોતો. તે મહેલની બહાર નિકળ્યો ત્યારે દૂર ક્ષિતિજમાં ઉજાસ ફેલાવો શરૂ થયો હતો. હવે તેની મંઝિલ રુદ્ર દેવનાં ખજાના તરફની હતી.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED