Island - 18 books and stories free download online pdf in Gujarati

આઇલેન્ડ - 18

પ્રકરણ-૧૮.

પ્રવીણ પીઠડીયા.

આકાશમાં કાળા ઘનઘોર બિહામણા વાદળોનાં ધાડેધાડા ઉમટી પડયા હતા અને સમગ્ર નભને પોતાની આગોશમાં સમાવી લીધુ. વાદળોનાં આપસમાં ટકરાવથી ઉત્પન્ન થતા ગર્જનાભર્યા અવાજોથી એવું લાગતું હતું કે આજે જરૂર ભયંકર તોફાન આવશે. છેલ્લા એક અઠવાડિયાથી અવીરત વરસતાં ધોધમાર વરસાદ અને કાતિલ ઠંડા પવનોનો મારો ઝેલીને ગાંડોતૂર બનેલો સમૃદ્ર પણ આજે પરવાન ચઢયો હતો અને જાણે સમગ્ર ધરતીને પોતાના પેટાળમાં સમાવી લેવા માંગતો હોય એમ તેના કિનારા વળોટીને જમીનમાં અંદર સૂધી ધૂસી આવ્યો હતો. એવા સમયે બંદર પર સન્નાટો પથરાઈ ચૂકયો હતો. વસંત માડુએ બંગરગાહ ઉપર ખતરાનું લાલ સિગ્નલ આપ્યું હતું અને ત્યાં કામ કરતાં થોડાક માણસોને છોડીને બીજા બધાને રજા આપી દીધી હતી. સમૃદ્રમાંથી ઉઠતાં વિકરાળ રાક્ષસી મોજા ડક્કા ઉપર લાંગરેલા જહાજોને પોતાની સાથે ભયંકર રીતે ઉછાળીને કિનારા તરફ ફેંકી રહ્યાં હતા જેના લીધે જહાજો ભયાનક ધડાકા સાથે ડક્કાની જેટ્ટીનાં પાટિયા સાથે અથડાઈ રહ્યાં હતા. જો આવી જ હાલત બની રહી તો ચોક્કસ એ જહાજો ભાંગીને ભૂક્કો થઈ સમૃદ્રમાં ગરકાવ થઈ જવાનાં હતા એમા કોઈ શંકા નહોતી.

વસંત માડુ સંપૂર્ણપણે પલળી ગયો હતો. તેનાં શરીર ઉપર માત્ર ગંજી હતું અને નીચે ખદ્દડ કાપડનું જાડું પેન્ટ પહેર્યું હતું. ગોદીમાં કામ કરી-કરીને તેની ચામડી કાળી પડી ચૂકી હતી. એ મહેનતને લીધે તેની છાતીનાં સ્નાયુઓમાં ઉભરેલો કસાવ અત્યારે ગંજી નીચે સ્પષ્ટ ઉજાગર થતો હતો. તે અને તેણે રોકી રાખેલા બીજા ચાર માણસો ડક્કાનાં એક ખૂણે બનેલી નાનકડી કેબિનમાં જમાં થયા હતા અને બહાર મચેલા કુદરતી આતંકને ફાટી આંખોએ જોઈને રહ્યા હતા. તે બધાનાં દિલમાં અજીબ ફફડાટ ઉદભવતો હતો. માડુ મનોમન પોતાની નોકરી અને ઉપરી સાહેબ, બન્નેને કોસતો, થરથર ધૂજતો કેબિનની બારીમાંથી બહાર તાકતો ઉભો હતો. તેની આંખો બેસબ્રીથી વરસતા વરસાદની પેલે પાર જોઈ રહી હતી કે ક્યારે સાહેબ આવે અને તે બધા છૂટા થાય. તેને ઘરે જવું હતું. આવી પરિસ્થિતીમાં તેના પરીવારનું શું થયું હશે એ ઉપાધી તેને બેચેન બનાવી રહી હતી. પરંતુ… તે એમ છૂટો થવાનો નહોતો. આજે તેની અને તેની સાથે રોકાયેલા માણસોની તકદિર ભયંકર રીતે ગોથે ચઢવાની હતી. તેમના માટે આજનો દિવસ કયામતનો દિવસ સાબિત થવાનો હતો. તેઓ નહોતા જાણતા કે આજ પછી તેમના જીવન સંપૂર્ણપણે બદલાઈ જવાનાં હતા.

એ ઘટનાની શરૂઆત ઘણાં લાંબા સમય પહેલા થઈ હતી. બન્યું એવું હતું કે….

-----------

હિન્દુસ્તાનનાં પશ્ચિમ દરિયા કાંઠાનું એક રાજ્ય વિજય ગઢ. વિજય ગઢ ઉપર મહારાજા ઉગ્રસેનની ધજા લહેરાતી હતી. મહારાજા ઉગ્રસેન આજે એક મહત્વની ચર્ચા વિચારણા કરવા માટે ખાસ માણસો સાથે દરબાર ભરીને બેઠા હતા. રાજ્યનાં સેનાપતી વીર સેન ઉભા થઈને બોલતાં હતા.

“મહારાજ, હવે હદ થાય છે. જો આવું જ ચાલ્યું તો એક દિવસ આ રાજ્ય આપણાં હાથમાં નહી રહે. જાલમસંગની રંજાડ આપણાં સિમાડા ઓળંગીને રાજ્યમાં દાખલ થવા લાગી છે. હજું સમય છે… તમે અંગ્રજ કંપનીમાં કહેણ મોકલો અને આપણા રાજ્યની મદદે તેમની સેના મોકલવાનું કહો.” સેનાપતી વીર સેને સાતમી વખત આ વાત દોહરાવી હતી. તે હવે થાક્યો હતો અને એટલે જ ભર્યા દરબારમાં તેણે ફરી વખત મૃદ્દો ઉઠાવ્યો હતો.

પાછલાં બે વર્ષથી રાજ્યની સરહદ પર જાલમસંગ નામનાં ડફેર સરદારની રંજાડ શરૂ થઈ હતી જે દિવસેને દિવસે વધતી જતી હતી. જાલમસંગ ખરેખર તેના નામ પ્રમાણેનાં જ ગૂણ ધરાવતો હતો. તે અત્યંત ક્રૂર અને ઘાતકી હતો. તેની નાનકડી ટોળકી વાવાઝોડાની માફક સરહદની અંદર ધૂસી આવતી હતી અને સતત હુમલાઓ કરીને પ્રજામાં ભયંકર આતંક ફેલાવી રહી હતી. એ ખતરનાક જંગલી લોકોની ટોળી જે હાથમાં આવે તેને લૂંટીને મારકાટ મચાવતી હતી જેનાથી રાજ્યની પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી હતી. એવા સમયે રાજ્યનાં સૈનિકોને જાલમસંગનો સામનો કરવા છૂટો દોર આપવાનાં બદલે તેના મહારાજા રંગ મહેલની અંદર નાચ ગાનની મહેફિલ મસ્ત રહેતા હોય એ તેનાથી સહન થતું નહોતું. એવું નહોતું કે રાજ્યનાં સૈનિકો જાલમસંગનો સામનો કરવા સક્ષમ નહોતાં પરંતુ ખાટલે મોટી ખોટ એ હતી કે તેમને રાજ્ય તરફથી કોઈ હુકમ આપવામાં આવતો નહોતો એટલે તેમના હાથ બંધાયેલા હતા.

એ ઉપરાંત બીજી પણ એક મુસીબત હતી... તેમની પાસે શસ્ત્રોની તંગી હતી. શસ્ત્રોનાં નામે આદમનાં જમાનાની જંગ ખાઈ ગયેલી તલવારો અને એક ઘાએ બટકી જાય એવી ઢાલો હતી. રાજ્ય પાસે સૈન્ય સંખ્યાની સામે ઘોડાઓની પણ અછત હતી. તેનું કારણ એ હતું કે પાછલાં કેટલાય વર્ષોથી યુધ્ધ જેવી કોઈ પરિસ્થિતીનો સામનો કરવાનો થયો જ નહોતો એટલે એ બાબતમાં સદંતર દૂર્લક્ષ્ય સેવવામાં આવ્યું હતું. રાજ્યનાં શસ્ત્રાગારમાં પણ કોઈ નવા હથીયારો વસાવવામાં આવ્યાં નહોતા. બીજું કારણ એ પણ હતું કે રાજ્યની સુરક્ષા પાછળ જે ખર્ચ કરવો જોઈએ એ ખર્ચ મહારાજની અંગત જરૂરીયાત પૂરી કરવામાં વપરાઈ જતો હતો. સેનાપતી વીર સેને એ બાબતે ઘણી વખત મહારાજાનું ધ્યાન દોર્યું હતું પરંતુ અત્યંત રંગિન મિજાજ ધરાવતા મહારાજાએ ધરાર એ બાબતની અવગણના કરી હતી.

સામા પક્ષે જાલમસંગની ટૂકડી પાસે નવા અને આધૂનિક હથીયારો હતા જે ભલભલા શક્તિશાળી સૈન્યને બરાબરની ટક્કર આપવા સક્ષમ હતા. એક ડફેર રાજા પાસે એવા હથીયારો હોવા આશ્વર્યની વાત હતી. ખબર નહી કોણ તેને એ હથીયારો પૂરા પાડતું હશે…? કુલ મળીને વાત એમ હતી કે જરી-પૂરાણા હથીયારો સાથે જાલમસંગ સામે યુધ્ધ લડવાં જવું એ સામે ચાલીને મોતને આમંત્રણ આપવા બરાબર હતું. તેના લીધે રાજ્યનાં સૈનિકોનો જૂસ્સો પણ ઓસરતો જતો હતો અને સૈન્ય છાવણીમાં એક જાતનો નિરાશાનો માહોલ પ્રવર્તવા લાગ્યો હતો.

“શું આપણી સેના એટલી નિર્માલ્ય છે કે એક ડફેરનો સામનો નથી કરી શકતી…?” મહારાજા ઉગ્ર સેનનો અવાજ ક્રોધથી કાંપી ઉઠયો. “તો તમારાં સેનાપતી હોવાનો શું મતલબ..?”

“મહારાજ, આ વિષય ઉપર આપણાં વચ્ચે પહેલા પણ ચર્ચા થઈ ચૂકી છે. તમે જ આશ્વાસન આપ્યું હતું કે સેના માટે નવા હથીયારો ખરીદવામાં આવશે પરંતુ હજું સુધી એ મૃર્હુત આવ્યું નથી.” ન ચાહવા છતાં વીર સેનનાં અવાજમાં કડવાહટ ભળી હતી. સેનાપતીની વાત સાંભળીને સભામાં સન્નાટો પ્રસરી ગયો. દરબારમાં બેસેલા દરબારીઓ એક-બીજાનું મોં તાકવા લાગ્યાં. એક વાત નક્કી હતી કે હવે સેનાપતીનાં જીવનનો અંત સમય નજીક હતો. મહારાજા ઉગ્રસેન સામે થનારનો અંજામ બહું ભયાનક આવતો અને તેમા કોઈ બાકાત રહેતું નહી.

“એટલે તમે એમ કહેવા માંગો છો કે રાજ્યની સુરક્ષા મારે કરવાની છે..? તો પછી તમારું સેનાપાતી હોવું નકામું છે વીર સેન.” ઉગ્રસેનનો અવાજ વધું ઉગ્ર બન્યો. તે અત્યારે જ વીરસેનને સેનાપતી પદેથી ઉતારી દેવા માંગતાં હતા પરંતુ તુરંત તેમણે પોતાની ઉપર કાબુ મેળવ્યો. એમ કરવામાં જોખમ એ હતું કે એનાથી સૈન્ય છાવણીમાં બળવો ઉદભવે અને ન કરે નારાયણ અને જાલમસંગ રાજ્ય ઉપર હુમલો કરી દે તો પરિસ્થિતી હાથ બહાર જતી રહે. એટલે જ ઉગ્રસેન વિચારમાં પડયા અને પોતાના ક્રોધને શાંત કર્યો. “ઠીક છે… તમે કહો છો એમ કરી જોઈએ. અંગ્રેજ છાવણીમાં ખબર મોકલાવો કે મહારાજા ઉગ્રસેન મળવા માંગે છે. પછી શું કરવું એ વિચારીએ.” અને તેઓ ઉભા થઈ ગયા. સભા ત્યાં જ સમાપ્ત થઈ ગઈ. ઉગ્રસેન પોતાનાં રાજમહેલમાં ચાલ્યાં ગયા અને વીરસેને એક દૂતને અંગ્રેજ છાવણી તરફ દોડાવ્યો હતો.

ત્યારે કોઈને નહોતી ખબર કે એ એક નિર્ણયથી વિજય ગઢ રાજ્યની તકદિર બદલાઈ જવાની છે. એક વૈભવશાળી રાજ્ય જેની કિર્તીનાં પરચમ ચારેકોર લહેરાતા હતા એ રાજ્ય એક ખોટા નિર્ણયથી તબાહ થઈને રાખમાં ભળી જવાનું હતું. જો કે… એ પણ કોઈ નહોતું જાણતું કે નિર્ણય અનાયાસે લેવાયો હતો કે કોઈ ષડયંત્રનાં ભાગ રૂપે લેવાયો હતો…! એ સવાલનો જવાબ આવનારા ભવિષ્યમાં ઢબૂરાઈને પડયો હતો.

----------------

એ સમયે હિદુસ્તાન અજીબ પરિસ્થિતીમાંથી પસાર થઈ રહ્યું હતું. ચારેકોર આંધાધૂંધી પ્રવર્તતી હતી. એક તરફ મોગલ સામ્રાજ્યની નિંવમાં અંગ્રેજ શાસને લૂણો લગાડવાનું શરૂ કર્યું હતું તો બીજી તરફ દેશી રાજા રજવાડાઓ અંગ્રજોને પોતાની સુરક્ષાની જવાબદારીઓ સોંપીને પોતે જ પોતાની કબર ખોદી રહ્યાં હતા. એવું કરવાનું સૌથી મોટું કારણ એ હતું કે અંગ્રેજો બહું સલૂકાઈથી કપટનિતી વાપરી જાણતા હતા. સન સત્તાવનનાં વિપ્લવમાં ભલે તેઓ જીત્યાં હોય પરંતુ એક વાત તેમને બરાબર સમજાઇ ચૂકી હતી કે જો હિન્દુસ્તાન ઉપર રાજ કરવું હશે તો હિન્દુસ્તાની પ્રજાનો જ સહકાર લેવો પડશે. અને એટલે જ અત્યંત કૂનેહથી તેમણે પોતાની જાળ ચારેકોર ફેલાવા માંડી હતી.

અંગ્રેજ સરકારનાં અફસરો મદદ કરવાનાં બહાને એક રાજ્યને બીજા રાજ્ય સાથે દુશ્મનાવટ ઉભી કરાવીને તેમને આપસમાં લડાવવાનું શરૂ કર્યું હતું. આપસની લડાઈમાં જ્યારે તેમનાં રાજ્ય કંગાળ બનતાં ત્યારે એ રાજ્યને ખાલસા કરીને પોતાના હસ્તક તેનો વહીવટ લઈ લેતા હતા. પછી એ રાજ્યનું સુકાન ભલે દેશી રાજા પાસે રહેતું હોય પરંતુ હુકુમત તો અંગ્રેજ સરકારની જ ચાલતી. એ પછી રાજાઓ બ્રિટિશ સલ્તનતનાં ઈશારે કઠપૂતળીની જેમ નાચતાં.

આમ તેઓએ સમગ્ર હિન્દુસ્તાન ઉપર પોતાનો અજગર ભરડો ભરવો શરૂ કર્યો હતો અને કેટલાય રાજ્યોને સંપૂર્ણ પણે પોતાનાં કબજા હેઠળ લઈ લીધા હતા. તેમા હવે એક ઓર રાજ્યનો ઉમેરો થવા જઈ રહ્યો હતો અને એ હતું વિજય ગઢ રાજ્ય.

એ આખી બાજી બહું કુનેહ અને જબરજસ્ત પ્લાનિંગથી ગોઠવાઈ હતી જેમાં ભલભલા કૂટનિતિજ્ઞ વ્યક્તિઓ પણ ગોથા ખાઈ ગઈ હતી. જો એ ન થયું હોત તો “વેટલેન્ડ” જહાજની કહાની પણ ન ઘડાઈ હોત.

-----------------

વિજય ગઢથી સંદેશો લઈને આવેલા અસવારને સંપૂર્ણ માન સન્માન સાથે… મહેમાનોનાં ઉતારા માટે ફાળવાયેલી ભવ્ય કોઠીમાં એક કમરો આપવામાં આવ્યો અને તેની સરભરા માટે એક દાસીને મૂકવામાં આવી. એક સંદેશા વાહક માટે એ સગવડતાં ઘણી વધારે પડતી કહેવાય પરંતુ કર્નલ જેમ્સ કાર્ટર માટે તો એ સોનાની તાકસમાં સામેથી પિરસાયેલું વિજય ગઢ રાજ્ય હતું. એ મોકો તે કેમ ચૂકે…? આ ક્ષણની તૈયારી તેણે બે વર્ષ પહેલા આરંભી હતી જેનું ફળ આજે તેને મળ્યું હતું. તે હસ્યો… જોર જોરથી હસ્યો. તે પોતાની કેબિનમાં એકલો હતો. ખરેખર તો તેને નાચવાનું મન થતું હતું, ગાવાનું મન થતું હતું… હજું વધું જોરથી હસતા હસતા આળોટવાનું અને બરાડા પાડવાનું મન થતું હતું. પરંતુ એમ કરવામાં કોઈ તેને પાગલ ગણી લે તો નાહકની તેની ફજેતી થાય એટલે તેણે પોતાનાં ઈમોશન ઉપર કાબું રાખ્યો હતો. તેણે ટેબલ ઉપર રાખેલા બેલની ઘંટડી દબાવી. દૂર કોઈ ખૂણે બેલ વાગ્યો એટલે એક નોકર દોડતો કાર્ટરની ઓફિસમાં દાખલ થયો. કાર્ટરે તેને હમણાં જ ઈંગ્લેન્ડથી તેણે મંગાવેલી સ્પેશ્યલ વ્હિસ્કની બોટલ અને ગ્લાસ લઈ આવવાનું ફરમાન કર્યું. નોકરને આશ્વર્ય ઉદભવ્યું કે ખરા બપોરે સાહેબને વળી વ્હિસ્કી પિવાની શું મતી સૂઝી…! પરંતુ તે આ અંગ્રેજ સાહેબોની મથરાવટી જાણતો હતો એટલે સલૂકાઈથી ઓફિસની બહાર નિકળી ગયો.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED