પ્રણય પરિણય - ભાગ 39 M. Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણય પરિણય - ભાગ 39



પ્રણય પરિણય ભાગ ૩૯


ખૂબ રડવાથી ગઝલની આંખો સહિત પૂરો ચહેરો લાલ થઈ ગયો હતો. તેનુ નાક પણ વહેવા લાગ્યું હતું. ટીપોઈ પરથી ટિશ્યૂ પેપર લઇને નાક ખેંચતી એ દાદીની રૂમમાં જઈને બેડ પર બેઠી.


તે મનમાં વિચારી રહી: 'આ ઘર છોડતા પહેલા હું મલ્હાર વિશે ખાતરી કરી લઈશ. જો એ મને સાચે જ પ્રેમ કરતો હશે તો મને ચોક્કસ સ્વીકારી લેશે. અને જો એ ખરેખર ખરાબ માણસ હશે તો?' એક ક્ષણ માટે તે ધ્રુજી ઉઠી.


પણ પછી પોતે મક્કમ થઈને મનમાં બોલી: 'જો એવું હશે તો ખોટા માણસને પ્રેમ કરવાની મારી ભૂલની સજા હું આ ઘરમાં રહીને જ ભોગવીશ. અને વિવાનને પણ મરજી વિરૂધ્ધ મારી સાથે લગ્ન કરવાની સજા તેની સાથે રહેવા છતાં તેનાથી અલગ રહીને આપીશ.'


'વહુ બેટા..' દાદી રૂમમાં આવ્યાં. રડવાને લીધે ગઝલની આંખો હજુ લાલ હતી. તેનો ચહેરો પડી ગયો હતો.


'હું સમજી શકું છું કે લગ્ન પછી નવા ઘરે રહેવું, નવા લોકો સાથે ભળવું, બઘાનો સ્વભાવ સમજવો એ અઘરુ છે. દરેક નવવધૂ સાથે આવું થાય છે. મારી સાથે પણ થયું હતું. પણ તું બિલકુલ ચિંતા નહીં કર, હું ફક્ત વિવાનની નહીં તારી પણ દાદી છું. તારે કંઈ પણ જોઇએ તો મને બિંદાસ મને કહેવાનું, જરા પણ મુંઝવણ હોય તો મને પૂછી લેવાનું.. હું છું તારી સાથે.' દાદીએ ગઝલની પીઠ પર હાથ પસવારતા કહ્યુ.


દાદીની વાત સાંભળીને તેનુ દિલ હજુ વધુ ભરાઈ આવ્યું. તે દાદીની ગોદમાં માથું રાખીને હીબકાં ભરવા લાગી. દરવાજાની બહારથી વિવાન આ જોઈ રહ્યો હતો. તેને ખૂબ દુખ થતું હતું પણ તેની પાસે આનો કોઈ ઉપાય નહોતો. એનુ ચાલ્યું હોત તો એ ગઝલને ડોલીમાં બેસાડીને વાજતે ગાજતે લાવ્યો હોત.


'વિવાન..' દાદીએ તેને બહાર ઉભેલો જોઈને બુમ મારી. એ તરતજ અંદર આવ્યો.

ગઝલ થોડી વ્યવસ્થિત થઇને સરખી બેઠી. તેના હીબકાં હજુ ચાલુ હતાં.


'હાં દાદી..' વિવાન ગઝલ સમે જોતા બોલ્યો.


'ડોબા.. આટલી સુંદર છોકરીને ભગાડીને પરણ્યો છે ને હવે એ રડે છે ત્યારે તું આમ બાઘાની જેમ જોઈ રહ્યો છે?' દાદી ગુસ્સાથી કહ્યુ.


'પણ એ રડે એમાં મારો શું વાંક?'


'એને સમજાવ.. તારા લીધે જ એ રડે છે..'


'મેં એને કશું નથી કર્યું દાદી..'


'ના કર્યું હોય તો હવે કર..' કહીને દાદીએ રમતિયાળ સ્માઈલ કરી.


'હું શું કાર્ટુન છું કે એને એન્ટરટેઈન કરું!' વિવાન હોઠ કાઢીને બોલ્યો.


'હાં, તું કાર્ટૂન જ છે.. ગઝલ બેટા તુ આનાથી બિલકુલ ગભરાતી નહીં. તારો આના પર પૂરો અધિકાર છે, હું હવે આની નહીં તારી દાદી છું. જો આ તને જરાય હેરાન કરે તો મને કહેવાનું આપણે બંને દાદી દિકરી ભેગા થઇને આની ધુળ કાઢી નાખીશું. ઘરવાળીને સાચવતાં નથી આવડતું તો લગ્ન કર્યા શું કામ?' દાદી વિવાનનો કાન ખેંચતા બોલ્યા.


'ઓ.. માં.. દુખે છે..'


'તું એજ લાગનો છે. મારી પરી જેવી વહુની આંખમાં તારા લીધે આંસુ છે. મને પ્રોમિસ કર કે આજ પછી તું એને બિલકુલ રડવા નહીં દે.'


'હાં મરી માં.. હું એનુ ધ્યાન રાખીશ અને બિલકુલ રડવા નહીં દઉં.. હવે તો મારો કાન છોડો..'


'ઠીક છે.. હવે તમે વાતો કરો, હું આવું જરા.. અને હાં ફક્ત વાતો જ કરવાની.. એ પણ દુર બેસીને સમજ્યો?' દાદીએ આંખો કાઢીને વિવાનને કહ્યુ.


'હાં..' વિવાન માથુ ખંજવાળતા બોલ્યો. દાદી રૂમની બહાર નીકળી ગયા. વિવાને ગઝલ સામે જોયુ. રડી રડીને તેનો ચહેરો લાલઘૂમ થઈ ગયો હતો. તેની સુંદર કથ્થઈ આંખોમાં પણ લાલાશ તરી આવી હતી. તેના નાકનું ટીચકું ઘેરુ ગુલાબી થઈ ગયું હતું. ગળા પાસેની નસ હળવી બ્લૂ થઈ ગઈ હતી.


'સોરી..' વિવાન બોલ્યો. ગઝલએ ગુસ્સાથી તેની સામે જોયું. તેના કપાળમાં પણ આછેરી નસ ઉપસી આવી.


'વ્હાય આર યૂ સેઈંગ સોરી વિવાન? તમારા લીધે મારે અનિચ્છાએ આ ઘરમાં રહેવું પડ્યું છે. મારા ભાઈ ભાભી મારી વાત સાંભળવાને બદલે તમને સપોર્ટ કરે છે.. ઈટ ઇઝ ઓન્લી બિકઝ ઓફ યૂ, આઈ એમ ફીલિંગ લોન્લી ટૂડે..' બોલતાં ગઝલનું ડૂસકું નીકળી ગયું.


વિવાને ટિશ્યૂ બોક્સમાંથી એક ટિશ્યૂ પેપર કાઢીને તેની સામે ધર્યો. ગઝલએ તેનો હાથ હડસેલ્યો. વિવાને ફરીથી ટિશ્યૂ ધર્યો. તેણે ફરીથી હડસેલો માર્યો. આવું બે ત્રણ વાર ચાલ્યું.


'શું કામ હેરાન કરો છો મને? પ્લીઝ ગો..' ગઝલ ચિડાઈને બોલી.


'જ્યાં સુધી તું રડવાનુ બંધ નહીં કરે ત્યાં સુધી હું ક્યાંય નહીં જાઉં.' કહીને વિવાને ફરી તેની સામે ટિશ્યૂ ધર્યો. ગઝલએ ગુસ્સાથી તેની તરફ જોયું અને ઝટકો મારીને તેના હાથમાંથી ટિશ્યૂ ખેંચી લીધો.


'જાવ હવે..'


'આંખો લૂછને..' વિવાન એકદમ નાના બાળકની જેમ લાડથી બોલ્યો.


'હાં લ્યો..' કહીને ગઝલએ આંખો લૂછી પછી બોલી: 'હવે ખુશ?'


વિવાને નકારમાં માથું ધુણાવ્યું. ગઝલએ હવે શું એવા ભાવથી ભવાં ઉંચક્યા.


'પ્લીઝ સ્માઈલ ના..'


'પહેલા કોઈને ઝખમ આપવાનાં અને પછી સ્માઈલ કર કહેવાનું..' ગઝલએ ખિન્નપણે કહ્યુ અને મોઢું ફેરવી લીધું.


'મેં ઝખમ આપ્યા છે તો એના પર મલમ પણ હું જ લગાવીશ.' વિવાન હળવેથી બોલ્યો. તેના અવાજમાં ગઝલને ભીનાશ વર્તાય રહી હતી. તેણે મોઢુ ફેરવીને તેની સામે જોયું. તેને તકલીફમાં જોઈને વિવાનને પણ દુખ થતું હતું એનો અહેસાસ ગઝલને થયો. ગઝલના ગાલ પર આવી ગયેલાં આંસુને વિવાને પોતાના હાથે લૂછયાં.


'તને અહી કોઈ તકલીફ નહીં પડે. ના મારા તરફથી કે ના ફેમિલીના કોઈ પણ સભ્ય તરફથી. આપણે હવે પતિ પત્ની છીએ એટલે જે કંઈ મારું છે એ બધું તારુ પણ છે. તારું-મારુ હવે કંઇ નથી, બધુ આપણું છે. હવેથી હું એવું કશું નહી કરુ કે જેનાથી તને તકલીફ થાય કે તારું દિલ દુભાય. સામે તુ પણ એવી રીતે વર્તજે કે જેથી આપણા ઘરનાને તકલીફ ના થાય. તારે જે કંઈ ત્રાસ આપવો હોય તે મને આપજે. તારી બધી ખીજ મારા પર ઉતારજે.. તારો બધો ગુસ્સો હું ચુપચાપ સહન કરી લઈશ. આપણી વચ્ચેનાં ઇશ્યૂ ઘરવાળા સુધી ના પહોંચે એનો ખ્યાલ રાખજે.' કહીને વિવાને ઉંડો શ્વાસ લીધો.


વિવાને તેની આંગળી ગઝલની હડપચીએ રાખીને હળવેથી તેનો ચહેરો ઉપર કર્યો.


'તને ખબર નથી પણ છેલ્લા ઘણાં દિવસોથી ઘરના બધા હસવાનું જ ભૂલી ગયા હતા. ખૂબ દુખ સહન કર્યું છે બધાએ. તારા આવવાથી તેમના ચહેરા પર મુસ્કાન આવી છે. દુઃખ ભૂલીને થોડા ખુશ થયાં છે. તારી ઉદાસી જોઈને તેઓ દુખી થશે. મારા પરનો ગુસ્સો ગુસ્સો તુ એમના પર નહીં ઉતારતી પ્લીઝ.. મારા માટે નહીં તો એ લોકો માટે પણ તારા ચહેરા પર સ્મિત રાખજે. મને ખબર છે કે આ બધુ તારા માટે અઘરું છે પણ ટ્રસ્ટ મી ગઝલ, થોડા દિવસોમાં તને પણ બધા ગમવા લાગશે. આ ઘર, આ ફેમિલી હવે તારુ છે.' કહેતાં વિવાને એક હાથ વડે ગઝલના વાળ તેના કાન પાછળ સેરવ્યા.

તે પ્રેમપૂર્વક ગઝલને સમજાવી રહ્યો હતો અને તે પણ એક સમજુ બાળકની જેમ શાંતિથી સાંભળી રહી હતી.

વિવાનની આંખોમાં પ્રેમ અને તેના પ્રત્યેની કાળજી ગઝલને સ્પષ્ટ દેખાઇ રહી હતી.


'તું કરીશ આટલું મારા માટે?' વિવાને આશાભરી આંખે ગઝલ સામે જોયુ.


ગઝલ કંઇ જ બોલી નહીં પણ તેના ચહેરા પરથી તેની વાત એ જરુર માનશે એમ વિવાનને સમજાઇ ગયું.


'હવે તું આરામ કર.' એમ કહીને વિવાન તેના કપાળ પર હળવું ચુંબન કરીને બહાર નીકળી ગયો. વિવાનના ગયા પછી ગઝલએ પોતાના કપાળ પર જ્યાં વિવાનના હોઠ અડ્યાં હતાં એ જગ્યાએ હાથ મૂક્યો. ખૂબ પ્રેમ અને ઉષ્મા હતી તેના સ્પર્શમાં. થોડી ક્ષણો માટે તેના દિલમાં પણ લાગણીની સરવાણી ફૂટી. પણ તરતજ તેના દિમાગે યાદ અપાવ્યું કે આ લગ્ન તેની મરજી વિરૂધ્ધ થયા છે અને તેણે આમ લાગણીમાં વહી જવાનું નથી.


રાત્રે ડિનર માટે પણ ગઝલ બહાર આવી નહિ. દાદીએ તેનુ જમવાનું રૂમમાં મંગાવીને પોતાના હાથે તેને જમાડી. તેનો પ્રેમ અને પોતીકાપણું જોઈને ગઝલને સારુ લાગ્યું. વિવાન સાચુ કહેતો હતો, તેની ફેમિલી ખરેખર ઘણી પ્રેમાળ છે એવો વિચાર તેના મનમાં આવીને ગયો. રાત્રે સૂતી વખતે પણ દાદીએ તેમના ઘર વિશે, માણસો વિશે અને બધાના સ્વભાવ વિશે ઘણી બધી વાતો કરી. દાદીની વાત પરથી એને લાગ્યું કે તેના ઘરના બધા પ્રેમાળ અને ખુલ્લા મનનાં છે.


**

બીજા દિવસે સવારે ઘરમાં સત્યનારાયણની પૂજા થવાની હતી એટલે વહેલી સવારથી જ ઘરમાં દોડધામ હતી. રાત્રે રિસેપ્શન હતું એના માટે પુરતો સમય રહે માટે પુજા સવારે વહેલી રાખવામાં આવી હતી. વિવાન દાદીના આદેશ પ્રમાણે વહેલો ઊઠીને પૂજા માટે તૈયાર થઇ ગયો હતો.

રઘુ અને વિવાન હોલમાં સોફા પર બેસીને સાંજના રિસેપ્શન બાબતની ચર્ચા કરી રહ્યા હતા. ગોર મહારાજ પુજાની તૈયારીઓ કરી રહ્યાં હતા.


'માં.. ગોર બાપા વહુને બોલાવવાનું કહે છે..' વૈભવી ફઈ બોલ્યા.


'હાં, મે તેને કહેવડાવ્યું છે. તૈયાર થઈને આવતી જ હશે.'

એટલી વારમાં પાયલનો મીઠો રણકાર બધાના કાને પડ્યો. બધાની નજર અવાજની દિશામાં ગઈ.. મરૂણ કલરનુ સોનેરી ઝરીકામ વાળું ઘરચોળુ પહેરીને માથામાં વેણી, હાથમાં ચૂડલો અને ચહેરા પર હળવો મેકઅપ કરીને ઘરચોળાનો પાલવ સંભાળતી ગઝલ નવવધૂના શણગારમાં રુમઝુમ પગલે આવી રહી હતી. તે અત્યંત સુંદર લાગી રહી હતી. વિવાન સુધબુધ ખોઈને એકીટશે તેની સામે જોઈ રહ્યો હતો.


'માં, વહુ એકદમ ભાભી જેવી જ લાગે છે ને?' વૈભવી ફઈને વિવાનની મમ્મી જાનકી યાદ આવી ગઈ.


'હાં, અદ્દલ.. શણગાર પણ બધો જાનકીનો જ છે. મેં ધાર્યું નહોતું કે વહુ આજે તેનું ઘરચોળુ પહેરશે.' બોલતાં દાદી આંખોમાં પાણી આવ્યાં.


વિવાનની મમ્મીનું ઘરચોળુ અને દાગીના ગઝલએ તેમના આશીર્વાદ સમજીને પહેર્યાં હતાં. તે ધીમી ચાલે નજર ઢાળીને હોલ તરફ આવી રહી હતી. કૃષ્ણકાંત પણ વિવાનની પસંદગી પર ગર્વ અનુભવી રહ્યાં હતાં. તે ખુબ હરખાઈ રહ્યા હતા.

ગઝલ ખુબ વ્યવસ્થિત તૈયાર થઈ હોવાથી તેનો ચહેરો પણ ખીલી ઉઠ્યો હતો. તે પ્રસન્ન લાગતી હતી. એટલે હજુ વધુ સુંદર દેખાતી હતી.


તે દાદી અને વૈભવી ફઈ પાસે જઈને ઉભી રહી.


'ખૂબ સુંદર, ખુબ મીઠડી લાગે છે..' એમ કહીને દાદીએ ગઝલનાં ઓવારણાં લીધા.


'વૈભવી, વહુ બેટાની નજર ઉતારી લે..' દાદીએ કહ્યુ. એટલે ગઝલ મીઠું હસી અને તેના ગાલ પર ખંજન પડ્યાં, એ જોઈને વિવાન ક્લિન બોલ્ડ થઈ ગયો.


'વિવાન... ' દાદીએ તેને બોલાવ્યો.


'હાં દાદી..' એ ધડકતા હૃદયે દાદી પાસે ગયો.


'તમે બેઉ સજોડે પૂજામાં બેસો. મહારાજ.. પુજા શરૂ કરો..' દાદીએ કહ્યું.


'હાં.. આવો.' કહીને ગોર મહારાજે બેઉને આસન પર બેસાડ્યા. મંત્રોચ્ચાર સાથે બંનેના હાથમાં નાડાછડી બાંધી અને પૂજા શરૂ કરી.


'થેંક્સ..' વિવાન ગઝલના કાન પાસે જઈને ધીમેથી બોલ્યો.


'વેલકમ.' ગઝલ મોઢું મચકોડીને બોલી. તેની એવી અદા જોઇને વિવાનને હસવું આવ્યું.


પૂજા કરતાં કરતાં વચ્ચે બંનેને એકબીજાને સ્પર્શ થતો હતો. એ સ્પર્શ ટાળવાં માટે ગઝલ સંકોરાઈને બેસવાની કોશિશ કરતી હતી. જ્યારે વિવાન હાથે કરીને વધુ ટચ થાય એ માટે તેની નજીક સરતો હતો. બેઉને માટે સાવ અલગ જ ફીલિંગ હતી એ.


પૂજા સંપન્ન થઇ. બેઉ જણા સજોડે બધાને પગે લાગ્યા અને આશિર્વાદ લીધા.

ગોર મહારાજ ગયાં પછી બધા બ્રેકફાસ્ટ કરવા માટે ડાઇનિંગ ટેબલ પર આવ્યાં.


'ગઝલ બેટા, અહીં આવો.' કૃષ્ણકાંતે કહ્યું.

ગઝલએ દાદી તરફ જોયું.

દાદીએ આંખો નમાવીને 'હાં જા..' એવું કહ્યું.


ગઝલ કૃષ્ણકાંતની નજીક જઈને ઉભી રહી. કૃષ્ણકાંતે વિવાનને પણ બોલાવ્યો અને કહ્યું: 'તુ અહીં બેસ.'


'પણ ડેડી.. આ તો તમારી જગ્યા છે. હેડ ઓફ ધ ફેમીલી.'


'હાં, પણ આજથી મારી આ ચેર તારી.. મતલબ હેડ ઓફ ધ ફેમીલીની ચેર હવેથી તારી.. અને તેની બાજુની ચેર અમારી આ વહુની.' કૃષ્ણકાંત હસીને બોલ્યા.


'પણ ડેડી..'


'પણ બણ કશુ નહીં.. આજથી હું રિટાયર્ડ થઉ છું. ઘરની જવાબદારીમાંથી હું મુક્ત થઈ રહ્યો છું. હવે પછી મારે મારો બધો સમય મારા પોતરા પોતરીઓને આપવાનો છે.' કહીને કૃષ્ણકાંત ગઝલ તરફ ફર્યા.


'વહુ બેટા તમે અહીં બેસો.. વિવાનની બાજુમાં.. આજથી આ જગ્યા તમારા બેઉની.. તમારે બંનેએ રોજ અહીં જ બેસવાનું.' કૃષ્ણકાંત ગઝલના માથે હાથ ફેરવીને બોલ્યા.


ગઝલ બેઠી એટલે દાદી એની પાસે આવ્યા. એના હાથમાં સોનાનો બનેલો ચાવીઓનો ઝુડો મૂકતા બોલ્યાં: 'દિકરી.. આજથી આ જવાબદારી પણ તારી.'

ગઝલને દાદીનો અને કૃષ્ણકાંતનો તેના તરફનો વ્યવહાર નવીન લાગતો હતો. હજુ કાલે જ તો એ આ ઘરમાં આવી હતી. અને આજે તો બધા હક્ક મળી ગયાં હતાં. નોર્મલી બધા નવી વહુને સરખી રીતે પારખી લીધા પછી ઘરનો કારભાર સોંપે પણ અહીં તો ઓલરેડી બધુ તેના હાથમાં મૂકી દેવામાં આવ્યું હતું. એ વિચારમાં પડી ગઈ.


'શું થયું વહુ બેટા? શું વિચારે છે?' દાદીએ પૂછ્યું.


'હું.. આ.. આ બધું કેવી રીતે..' ગઝલ અચકાતા બોલી.


'લઇ લે બેટા.. તુ ફિકર નહી કર.. અમે છીએ તારી સાથે..' વૈભવી ફઈએ હસીને કહ્યું. ગઝલએ નાનકડી સ્માઈલ કરી.


'એકદમ નિઃસંકોચ અને બિન્દાસ રહેવાનું. આ ઘર તમારુ જ છે અને તમારે જ એને સંભાળવાનું છે.' કૃષ્ણકાંત ગઝલના માથા પર હાથ મૂકીને બોલ્યા.


'થેન્ક યૂ અંકલ..' ગઝલ સ્મિત કરીને બોલી.


'અંકલ નહીં.. ડેડી કહે.' કૃષ્ણકાંતે કહ્યુ.


'ડેડી નહીં હું પપ્પા કહીશ..' ગઝલ તરતજ બોલી.. તેનાથી બોલાય ગયું.


'પપ્પા..!' કૃષ્ણકાંત સાનંદાશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યાં.


'હા, મારા પપ્પા તો હું નાની હતી ત્યારે જ ગુજરી ગયાં, મને ખાસ યાદ નથી. પણ મને લાગે છે કે એ તમારા જેવા જ હશે.'


'હાં દિકરી, તું મને પપ્પા જ કહેજે..' કહીને કૃષ્ણકાંતે ગઝલના માથે હેતથી હાથ ફેરવ્યો.


ગઝલની વાતો સાંભળીને વિવાન બહુ ખુશ થયો. તેને લાગ્યું કે તે ધીરે ધીરે આ લગ્નને સ્વીકારી રહી છે.

.

.

ક્રમશઃ


**


ગઝલના મનમાં શું ચાલી રહ્યું હશે?


ગઝલનુ વર્તન એકદમથી કેમ બદલી ગયું?


શું વિવાને સમજાવેલી વાત ખરેખર ગઝલ સમજી ગઇ હશે?


શું એ ધીરે ધીરે આ લગ્નને સ્વીકારી રહી છે? કે એના મનમાં કંઈ બીજુ જ હશે?


**


મિત્રો, નવલકથાનું આ પ્રકરણ વાંચીને તમારો અભિપ્રાય જરૂર આપશો. 🙏

હું રાહ જોઇશ.