શમણાંની શોધમાં - પ્રકરણ 12 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શમણાંની શોધમાં - પ્રકરણ 12

          શ્યામ સવારે સાતેક વાગ્યે ઉઠ્યો. એ જયારે ઉઠ્યો એ પહેલા અર્ચના એને લેવા આવી ગઈ હતી. અર્ચના સાથે એ એની રૂમ પર ગયો. કાવ્યાએ પહેલા દિવસની જેમ દૂધ અને નાસ્તો બનાવ્યા. નાસ્તો પતાવી અર્ચનાએ ટીવી શો-કેસના ડ્રોઅરમાંથી એક ડબ્બી કાઢી ત્યારે એ એને જોઈ રહ્યો. એણીએ એની પાસે જઈ ડબ્બી ખોલી. એમાં બે સુંદર સીલ્વર રીંગ હતી. એક વીંટીમાં સફેદ નંગ ફીટ કરેલ હતું અને બીજીમાં રેડ નંગ ચમકતું હતું.

          “આપને મુજે દેખ લિયા. મેં સ્ટીક કે સહારે ચલતી હું. મેરા એક પેર પોલીઓ કી વજહ સે નીક્મ્મા હો ગયા હે. મેં દિખને મેં ભી સિમ્પલ હું. મુજે નહિ પતા કી મેરા પરિવાર આપકો એસેપ્ટ કરેગા યા નહિ. લેકિન મેં આપકો દિલસે ચાહતી હું ઔર ચાહતી રહુંગી. આપ અભી ભી આપકા ડીસીઝન બદલ સકતે હો. મુજે કોઈ દુ:ખ નહિ હોગા. મુજપે ભરોસા કરકે આપ યહા તક મેરે લિયે આયે ઇસ બાતસે હી મેં બહુત ખુશ હું ઔર ઇસ બાતપે હી મેં અપની પૂરી જિંદગી બીતા લુંગી.”

          એટલું બોલતા અર્ચના ઉદાસ થઇ ગઈ. સેક્ટર-17 માં એકટીવા પર બેઠી ત્યારે એના ચહેરા પર જે ઉદાસી હતી તેવી જ ઉદાસી ફરી એના ચહેરા પર ફરી વળી.

          પાંચેક મિનીટ સુધી રૂમમાં નીરવતા છવાઈ ગઈ.

          આખરે નીરવતાને તોડતા શ્યામ બોલ્યો, “મેંરા નેચર પસંદ હે?”

          “દિલસે પસંદ હો..”

          “તુજે કોનસી બીન્ટી પસંદ હે..?” શ્યામે પૂછ્યું.

          “મુજે રેડવાળી અંગુઠી પસંદ હે ઈસલીયે મેને આપકે લિયે રેડવાલી ચુની.” 

          શ્યામને ભાન થયું કે વીંટીનું હિન્દી બીન્ટી નહિ પણ અંગુઠી થાય છે. જોકે અર્ચના એની વાત સમજી ગઈ હતી.

          “વ્હાઈટ પસંદ નહિ હે..?”

          “વ્હાઈટ તો મેને મેરે લિયે લી હે...”

          “કયું...?”

          “આપને મેરી અંધેરી જિંદગી મેં રંગ ભરે હે ઈસલીયે આપકો મેં રેડ અંગુઠી પેહનાના ચાહતી હું.”

          “વ્હાઈટ કે પીછે ભી કોઈ વજહ હે ક્યા?”

          “આપકા પ્યાર નિસ્વાર્થ ઔર પવિત્ર હે ઈસલીયે મેં ચાહતી હું કી આપ મુજે વ્હાઈટ રીંગ પહનાઓ..”

          શ્યામ બેડ પરથી નીચે ઉતર્યો. અર્ચનાની સામે બેઠો. કાવ્યા એની પાસે બેઠી. શ્યામે અર્ચનાના હાથમાંથી લાલ ડાયમંડવાળી વીંટી લીધી અને એના જમણા હાથની રીંગ ફિંગર પર પહેરાવી. અર્ચનાએ એને વ્હાઈટ રીંગ પહેરાવી.

          “મંગની હો ગઈ....” કાવ્યા ખુશીથી ઉછળી પડતાં બોલી.

          કાવ્યા કિચનમાં દોડી ગઈ, ઝપાટાભેર મીઠાઈનું બોક્સ લઈને આવી અને બંનેનું મો મીઠું કરાવ્યું.

           શ્યામને કોઈ અલગ જ પ્રકારના બંધનમાં બંધાયો હોય એવી લાગણી થઇ.

           “આપને દીદી કો રેડ રીંગ કયું પેહનાઈ, જીજુ..? વો તો આપકે લિયેથી ના...?” ફરી એમની સામે ગોઠવાતા કાવ્યાએ પૂછ્યું.

           “જિસકી જિંદગી મેં મેરે આને સે રંગ ભર ગયે હો ઉસકે હાથો મે કલર રીંગ હોની ચાહિયે..”

           એ શબ્દો સાંભળી અર્ચનાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા.

          ત્યારબાદ એકાદ કલાક સુધી ત્યાં નીચે જ બેસીને ત્રણેય વાતો કરતા રહ્યા. દસેક વાગ્યે અર્ચનાને કોલ આવ્યો ત્યાં સુધી એ વાતો કરતા રહ્યા.

          “મેરા કઝીન સતારા ઉતર ગયા હે. પ્લીઝ, આપ દસ મીનટ કે લિયે બાહર ચલે જાઓ. ગુરુદ્વારા કે પાસ બેઠના.” ફોન ડીસકનેક્ટ કર્યા પછી એણીએ શ્યામને કહ્યું.

          એ બહાર નીકળ્યો. ગુરુદ્વારા પાસે જઈને બેઠો. થોડીવાર પછી થયું કે ગુરુદ્વારામાં જઈ આવું. માથે કેસરી કપડું બાંધી ગુરુદ્વ્રારામાં દર્શન કરવા ગયો.

          “હું નથી જાણતો કે તમને શું કહેવાય, કદાચ વાહેગુરુ કે કઈક બીજું પણ મને એટલી ખબર છે કે બધાના ઈશ્વર એક જ છે. આજે મારા હ્રદયમાં કાજલ માટે જે ભાર હતો એ હળવો બન્યો છે. કાજલ સાથે જે થયું એવું અર્ચના સાથે ન થાય એવી રહેમ કરજે... કાજલની આત્માને શાંતિ મળશે....”

          એટલું જ મનોમન બોલી આંખના ખૂણા લુછી શ્યામ બહાર આવ્યો ત્યાં એણે કાવ્યાને એના કઝીન સાથે જતી જોઈ. એનો કઝીન જુએ નહી એમ કાવ્યાએ એને હાથથી બાયનો ઈશારો કર્યો અને રૂમ પર જવા કહ્યું.

          એ ઝડપથી રૂમ પર પહોચ્યો. એને ફરીવાર જોઇને અર્ચના ખુશ થઇ ગઈ. એ બેડ પર બેઠો. અર્ચનાએ એના બુટ બેડ નીચે સંતાડી દીધા. એણીએ દરવાજો બંધ કર્યો અને રસોડા તરફ ગઈ.

          “કિચન મે આ જાઓ. કોઈ આ જાયે તો આપ કીચન સે બાહર મત નિકલના.”

          “કયું...?” એની પાછળ જતા શ્યામે પૂછ્યું.

          “મે અકેલી હું. શાયદ મકાન માલકીન આ જાયે ઔર આપકો દેખ લે તો પાપા તક બાત પહુચ જાયે. મેં નહિ ચાહતી કી પાપા કો અભી આપકે બારે મે પતા ચલે.”

          “ઠીક હે...” કહી શ્યામે એમ કર્યું.

          બંને કિચનમાં બેઠા. અર્ચનાએ કિચનમાં એક લાકડાના નાનકડા પાટલા પર માતાજીનો ફોટો અને લડ્ડુ ગોપાલ (શ્રી કૃષ્ણ) ની પિત્તળની મૂર્તિની સ્થાપના કરેલી હતી ત્યાં પૂજા કરીને પ્રાથના કરી.

          “હમારી શાદી કબ હોગી..?” પૂજા કરતા પહેલા માથા પર ચડાવેલી ઓઢણી ઉતારતા એ બોલી.

          “તુમ કબ ચાહતી હો?” પૂજા કરતી અર્ચનાને જોવામાં ડૂબી ગયેલો શ્યામ તરત સ્વસ્થ થઈને બોલ્યો.

          “મેં તો અભી ચાહતી હું.”

          એ ઊભો થઈને બહાર રૂમમાં જઈ બેડ પર મુકેલી એની બેગમાંથી એક બોક્સ લઇ આવ્યો.

          “ગીફ્ટ લાયે હો મેરે લિયે..?” એ નવાઈથી બોલી.

          પણ શ્યામ નિશબ્દ રહ્યો. એણે બોક્સ ખોલીને અંદરથી મંગલ સૂત્ર નીકાળ્યું. એ કંઈ સમજે એ પહેલા એણે મંગલસુત્ર એના ગળામાં પહેરાવી દીધું.

          બંને ક્યાય સુધી કઈક અજીબ ભાવથી બેનામાં સબંધના પાત્રો જેમ જોઈ રહ્યા.

                                                                                                 *

          કાવ્યાને એનો કઝીન લેવા આવ્યો એ પછી સદનસીબે કોઈ અર્ચનાને મળવા આવ્યું જ ન હતું. બપોરે શ્યામ અને અર્ચના બંનેએ ભેગા મળીને જમવાનું બનાવ્યું. ભેગા બેસીને તેઓએ ખાધું નહિ પણ એકબીજાને ખવરાવ્યું. આખો દિવસ તેમની વાતો ચાલતી રહી.

          “અબ મુજે બુઆ કે ઘર જાના પડેગા. અકેલી હોતી હું તબ બુઆ કે ઘર જાકર સોતી હું. સુબહ આ જાઉંગી.” સાંજે છ એક વાગ્યે અર્ચનાએ જવાની તૈયારી દર્શાવી.

          “સુબહ સાડે સાત બજે મેરી ટ્રેન હે.” શ્યામે એને યાદ અપાવ્યું.

          “મે સુબહ પાંચ બજે આ જાઉંગી.”

          અર્ચનાએ સાંજનું જમવાનું બનાવ્યું. જમવાનું પતાવીને એ એકટીવા લઈને એની ફોઈને ઘરે ઊંઘવા ચાલી ગઈ.    

                                                                                                  *

          સવારના પાંચ વાગ્યે અર્ચનાએ દરવાજો ખખડાવી શ્યામને જગાડ્યો ત્યારે એ મીઠી ઊંઘ લેતો હતો. પેલા સપનાએ એનો પીછો છોડી દીધો હતો. એણે દરવાજો ખોલ્યો. અર્ચના અંદર આવી અને દરવાજો બંધ કર્યો.

          “મે દૂધ ગરમ કરતી હું ઔર નાસ્તા બના દેતી હું.”

          “ઇસ મે એક ઘંટા વેસ્ટ હો જાયેગા. પાંચ બજ ચુકે હે. અભી થોડી દેર મેં મુજે નિકલના પડેગા. એક ઘંટા અચ્છે સે બાતે કર લેતે હે. નાસ્તા તો મેં રેલ્વે સ્ટેશન પર ભી કર લુંગા.”

          માથા પર ઓઢેલુ અને હાથમાં સ્ટીક શ્યામ જોઈ રહ્યો... કાજલ પણ એવી જ રીતે સ્ટીક પર ચાલતી. સવારે કૃષ્ણની પૂજા કરીને માથા ઉપર દુપટ્ટો ઓઢી એ બધાને પ્રસાદ આપતી. સ્મિત વેરતી....! કઈક એવું જ સ્મિત અર્ચનાના ચહેરા પર જોઈ શ્યામ પલકારા વગર એને જોઈ રહ્યો. કદાચ અર્ચના પણ કૃષ્ણ પાસે શ્યામ મળ્યાનો રાજીપો ઠાલવીને આ સ્મિત લઈને આવી હશે એવું એના કપાળ પર લગાવેલું તિલક કહી જતું હતું..

          “લેકિન.....”

          “લેકિન વેકીન કુછ નહી....”

          થોડીવાર અર્ચનાએ નાસ્તા માટે ફોર્સ કર્યો પણ વાતો કરી લેવાની લાલસાએ એણીએ માંડી વાળ્યું. બંને ફરી વાતે વળગ્યા. આડા અવળી વાતો ચાલતી રહી.

          “પ્લીઝ, મુજે નાસ્તા બનાને દો. મેરી ઈચ્છા હે કી મેં આપકો મેરે હાથો સે બનાયા કુછ ખીલા કે બીદા કરું.” અડધા કલાક બાદ ફરી અર્ચનાએ નાસ્તો બનાવી આપવાની જીદ પકડી.

          શ્યામેં નાસ્તો બનાવવાની એની જીદ માની લીધી. અર્ચનાએ નાસ્તો બનાવ્યો. તેઓ નાસ્તો કરવા બેઠા. નાસ્તો પતાવ્યો ત્યારે છ વાગવાની તૈયારી થઇ ગઈ હતી. શ્યામની વિદાયને દસેક મિનીટ જ બાકી રહી હતી ત્યારે અર્ચનાનું હ્રદય કોઈ અજાણ્યા ભાવથી ઉભરાઈ ગયું.

          “જાના હી પડેગા...?” ઉદાસ અવાજે એ એટલું બોલી.

          “જાના તો પડેગા હી..” શ્યામ પણ ઉદાસ થઇ ગયો.. અર્ચના એને ભેટી પડી. “પ્લીઝ, આપ રુક જાઓ.”

          “પાગલ મત બન. મુજે જાના હી પડેગા. અગલી બાર મેં યહા સેટલ હોનેકે લિયે આઉંગા. અભી મેં બીના કોઈ પ્લાન નહિ રુક સકતા. થોડા ઔર ઇન્તઝાર કર લો.”

          “પર આપ વાપસ કબ આઓગે...?” એ હજુ એને ગળે વળગી રડી રહી હતી.

          “જુન યા જુલાઈમેં...”

          “વાદા...?”

          “વાદા. મેં વાપસ આઉંગા. યે વાદા હે મેરા.” ખુદા ગવાહના ગીતની પંક્તિ એ બોલ્યો.

          અર્ચના રડવા લાગી. એ આંસુઓ રોકી શકવા અસમર્થ હતી. શ્યામનું જવું એનાથી સહન થઇ શકે એમ ન હતું. કદાચ જીવનમાં ક્યારેય કોઈ એને સ્વીકારશે કે નહી એની હમેશા ચિંતામાં રહેતી અર્ચના માટે શ્યામનું મળવું એ એક અદભુત આનંદની વાત હતી. એને એમ શ્યામથી અલગ થવું ન ગમ્યું. ક્યાંક એમાં ભય પણ હતો. સાયદ મેરા પેર ઓર સ્ટીક દેખકે ઉસકા મૂડ બદલ જાયે ઓર કભી વાપસ ન આયે તો?

          “આપ નિકલ જાઓ. મેં અબ અપને આંસુઓ કો રોક નહિ પાઉંગી.”

          “રેલ્વે સ્ટેશન તક છોડને નહિ આઓગી...?” શ્યામે એની આંખોમાં જોઇને પૂછ્યું ત્યારે એણીએ નજર ફેરવી લીધી.

          “નહિ, મેં આપકો ટ્રેનમેં જાતે નહિ દેખ પાઉંગી. સ્ટેશન પર મેં રોઉંગી ઔર લોગો કો દેખને કો તમાશા મિલ જાયેગા. સોરી.”

          “મેં વાપસ આઉંગા. તુમ મુજે દિલ સે પસંદ હો. સપને મે ભી મત સોચના કી મેં તુમે ભૂલ જાઉંગા.” જાણે અર્ચનાના મનનો ભય એ પારખી ગયો હોય એમ બોલ્યો ત્યારે ઘડીભર તો અર્ચના સ્તબ્ધ બની ગઈ.

          શ્યામ બેગ લઈને નીકળ્યો ત્યારે અર્ચના લપસણી ટાઈલ્સ પર સ્ટીક ચુકી જશે એ ડર ભૂલીને ઝડપથી દરવાજે જઈને ઉભી રહી. 

          ઘરથી થોડેક દૂર જ વળાંક શરુ થતો હતો. શ્યામે ત્યાં પહોચી પાછળ જોયું. એ ઉદાસ ચહેરે એને જોઈ રહી હતી. અર્ચનાએ હાથથી બાય કર્યું અને રડતી આંખે અંદર ચાલી ગઈ.

          શ્યામ ગુરુદ્વારા પાસેથી ઓટોમાં બેઠો.

          “ભૈયા, રેલ્વેસ્ટેશન જાના હે.”

          “આપ પી.જી.આઈ. ઉતર જાના. વહાં સે બસ મિલ જાયેગીં.” ઓટો ડ્રાયવરે કહ્યું.

          “ઠીક હે..”

          શ્યામ પી. જી. આઈ. ઉતર્યો. ત્યાંથી બસમાં રેલ્વે સ્ટેશન પહોચ્યો. સાત વાગી ગયા હતા. સાડા સાતે ટ્રેન આવી. એ ટ્રેનમાં ચડ્યો. એના બર્થ પર બેઠો એ સાથે જ એની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. અર્ચના સામે એ રડવા માંગતો ન હતો.

          “મેં ટ્રેનમેં બેઠ ગયા હું...” એણે અર્ચનાને ફોન લગાવ્યો.

          અવાજ પરથી અર્ચનાને ખબર પડી ગઈ કે શ્યામ રડી રહ્યો હતો.

          “રોના બંધ કરો આપ સંભલ કે જાના. ફોન કરતે રેહના.”

          ટ્રેન ઉપડી.

                                                                                                    *

          શ્યામ ગુજરાત પહોચ્યો.  

          અનિરુદ્ધે એ ઘરમાં પ્રવેશ્યો ત્યારે જ કહી દીધું કે પિતાજી અને સત્યમના સામે ન જતો. જમવાનું હવે તારે બહાર જ રાખવું પડશે. પિતાજીએ ઘરના સભ્યમાંથી તને કાઢી નાખ્યો છે એમ જ સમજ.

          બપોર અને સાંજે શ્યામ બજારમાં જ જમવા લાગ્યો. અર્ચના સાથે વાતો કરતો એ સમય વિતાવવા લાગ્યો. જાન્યુઆરીમાં કાવ્યા અને મનીષાના લગ્ન થઈ ગયા.

          ફેબ્રુઆરીમા અંતિમ દિવસે શ્યામે વિધાર્થીઓને વિદાય આપી. પહેલી માર્ચના રોજ આખો દિવસ એ ઊંઘ્યો એમ કહીએ તો પણ ચાલે.

                                                                                                      *

          બીજી માર્ચના રોજ શ્યામ વહેલો ઉઠી ગયો. હવે ટ્યુશન નહોતું. માર્ચ એના માટે રજાઓ. એપ્રિલ મે બે મહિના એ સ્પોક્નના ક્લાસ ચલાવતો. અને જુનથી એ જ ગીલ્લી અને એ જ દાવ. પણ કિસ્મત કઈક અલગ જ વળાંક લેવા માંગતું હતું. એ સવારે જાગ્યો ત્યારે જ અર્ચનાનો ફોન આવ્યો.

          “આપ અબ તો આ જાઓ પ્લીઝ....”

          અર્ચનાની વાત જરાક નાદાનીભરી હતી પણ શ્યામ એને કડક શબ્દોમાં કઈ કહી શકે એમ ન હતો. જયારે જયારે એને ગુસ્સો આવતો એની આંખ સામે કાજલનો ચહેરો તરવરી ઉઠતો.

          એને થયા કરતુ હેન્ડીકેપ છોકરીને ન કોઈ ખાસ મિત્રો હોય, ન ક્યાય ફરવાનું હોય, ઘણા તો મજાક ઉડાવે... ન કોઈ એની સાથે લગ્નજીવન વિતાવવા તૈયાર થાય એટલે જે કોઈ પણ એના પ્રત્યે હાથ લંબાવે એ હાથ એ સજ્જડ પકડી લે...!

          શ્યામે અર્ચનાને થોડીક સમજાવી અને  તૈયાર થઇ નીચે ગયો. નીચે જઈ છાપું વાંચતા પિતાજી સામે ઉભો રહ્યો.

          “તને કહ્યું તો છે તારે મારી સામે ન આવવું...” છાપાની ઘડી કરીને બાજુમાં મુકતા રામેશ્વર શાસ્ત્રી કડક શબ્દોમાં બોલ્યા.

          “હું તમને કઈક કહેવા આવ્યો છું...”

          “કહેવા કે કઈક નવો ફેસલો સંભળાવવા આવ્યો છે?” હજુ એ જ નારાજગી પિતાજીના શબ્દોમાં હતી, “કહેવાનું તો અજ્ઞાકિત દીકરાઓને હોય તારે તો ફેસલા જ સંભળાવવાના હોયને?”

          પિતાજીની કટાક્ષ ધ્યાનમાં ન લઇ શ્યામે કહ્યું, “હું એક હેન્ડીકેપ છોકરી સાથે લગન કરવાનો છું.”

          હેન્ડીકેપ...... શબ્દ શાસ્ત્રી રામેશ્વરના જીગરમાં તેલ રેડાયું હોય, કોઈ જુનો ઘા ગરમ સળીયાથી ખોતરી દીધો હોય એમ એ ઉભા થઇ ગયા.

          “શું કહ્યું? હેન્ડીકેપ? મારા ભણેલા ગણેલા સાજા નોર્મલ છોકરાને ગળે હું કોઈ હેન્ડીકેપ છોકરી વળગવા દઈશ એમ?” લાલચોળ આંખો શ્યામની આંખમાં પરોવી રામેશ્વર તાડૂક્યા. શ્યામની મમ્મી બહારથી અવાજ સાંભળી અંદર દોડી આવી. પણ શ્યામ શાંત અવાજે બોલ્યો.

          “વાહ! ગળે વળગવાનું એમ? વાહ રામેશ્વર શાસ્ત્રી વાહ તમારી હેન્ડીકેપ દીકરી માટે તમારે સાજો નોર્મલ છોકરો જોઈતો હતો એ ભૂલી ગયા?”

          પિતાજી કે પપ્પાને બદલે રામેશ્વર શાસ્ત્રી શબ્દે જાણે દીકરો છીનવી લીધો હોય એમ શ્યામની મા તો દરવાજે જ જડાઈ ગઈ. પિતાજી આ સાવ બદલાઈ ગયેલા શ્યામને જોઈ રહ્યા.

          “તો હવે વાત રામેશ્વર શાસ્ત્રી અને શ્યામ શર્માની થઇ ગઈ છે એક બાપ બેટાની નહી...”

          “એ નથી સમજતો તમે તો....” શ્યામની મમ્મીએ વચ્ચે પડી બાપ દીકરાને ઝઘડતા રોકવા કહ્યું પણ રામેશ્વરના ધારદાર અવાજ સામે એ આગળ ન બોલી શકી.

          “બસ... બહુ થઇ ગયું તું હવે એની વ્હારે ન જતી...”

          “કઈક એવું જ કાજલ વખતે પણ હતું, ત્યારે તમને સ્ટીકના સહારે ચાલતી કાજલ માટે સારા છોકરા શોધવા હતા ને હવે વાત કોઈ બીજાની દીકરીની આવી ત્યારે રામેશ્વર શાસ્ત્રી સ્વાર્થી બની ગયા? કે પહેલેથી જ હતા પણ કાજલ પોતાનું ખૂન હતું એટલે જ બસ એ વ્હાલી હતી?”

          “શ્યામ....” ગુસ્સામાં ભડકેલા રામેશ્વર એની પાસે ધસી ગયા. શ્યામને તમાચો લગાવી દીધો.

          “આ તમે શું કરો છો? આવડા છોકરાને આમ મરાય.....” એની મમ્મી નજીક દોડી આવી..

          “નહિ મમ્મી આ તમાચો કહી દે છે કે પપ્પા પાસે કોઈ જવાબ નથી...”

          એની મમ્મીએ રામેશ્વરને શ્યામથી દુર હઠાવી લેવા સોફા પર બેસાડયા. એમના શ્વાસ ફૂલી ગયા હતા એટલે એ તરત પાણી લઇ આવી.

          “નીકળી જા મારા ઘરથી....” પાણી પીને તરત એ બોલ્યા.

          “મમ્મી ધ્યાન રાખજે રામેશ્વર શાસ્ત્રીનું.... હું મારી બહેનના આત્માને શાંતિ આપવા જાઉં છું.”

          “પણ શ્યામ બેટા....”

          “ના મમ્મી, મને સમજાવવાની જરૂર નથી, મને ખબર છે તારા મનમાં શું, કેવા, અને કેટલા સવાલો છે, તારે એ સવાલોના જવાબ જોઈતા હોય તો મારા રૂમમાં કાજલનો ફોટો છે, મા બનીને સવાલ કરીશ તો તને જવાબ મળી જશે...”

          ‘મા બનીને સવાલ કરીશ તો’ શબ્દો ઉપર ભાર આપીને શ્યામે પિતાજીને સંભળાવ્યું હતું તમે જો કાજલના બાપ બનીને વિચાર્યું હોત – વિચારી શક્યા હોત તો આ અવરોધ ઉભો ન થયો હોત.

          શ્યામ ઉપર ગયો. થોડો સામાન લઇ એ નીચે આવ્યો. માના આશીર્વાદ લીધા ત્યારે એ લાચાર મા કહેવા તો માંગતી હતી કે બેટા રોકાઈ જા પણ એ શ્યામને જાણતી હતી અને કાજલની ચિઠ્ઠીના શબ્દો એ રોજ યાદ કરીને ઊંઘતી હતી એટલે એને રોકી ન શકી.

          શ્યામે છેલ્લીવાર પિતાજીના આશીર્વાદ માટે હાથ લંબાવ્યો પણ પણ એમણે પગ ખસેડી લીધા.

          “મને બાળવા ન આવતો.....”

          પણ શ્યામ કઈ બોલ્યો નહિ એ માથું હલાવી આંખના ખૂણા લૂછતો ઘર બહાર નીકળી ગયો.

                                                                                                        *

          શ્યામે તત્કાળમાં પાલનપુરથી ચંડીગઢ ટીકીટ બુક કરાવી. અર્ચનાને ફોન કરી જણાવ્યું કે એને તત્કાળમાં ટીકીટ મળી ગઈ છે. એ સાંજે ટ્રેનમાં બેસી જશે અને આવતીકાલે ચંડીગઢ આવી જશે. ઘરે શું થયું એ કાઈ અર્ચનાને કહ્યું નહિ.

                                                                                                         *

          રામેશ્વર શાસ્ત્રી સાવ ખોટા નહોતા. એક સજ્જન માણસ હતા પણ કાજલ માટે પોતાની અપંગ દીકરી કાજલ માટે ઠેક ઠેકાણે ભટક્યા ત્યારે પોતાની આબરૂ પોતાનો સમાજનો રુદબો એક છોકરો આપી શક્યો નહોતો.

          પોતાની સામાજિક આબરૂ, સંસ્કારી ઘર એ બધાનો ગર્વ લેતા રામેશ્વર શર્મા જેને લોકો શાસ્ત્રી કહેતા એ સાવ તૂટી ગયા હતા. પત્ની સાથે કાજલની વાત કરતા ને કાજલ છાની છાની સાંભળતી. વર્ષો સુધી એવું ચાલ્યું અને કાજલ આખરે પિતાની એ  હાલત ન જોઈ શકી. એક ચિઠ્ઠી લખીને કાજલે જીવન ટૂંકાવી નાખ્યું હતું.

          રામેશ્વર શાસ્ત્રીના મનમાં હ્રદયમાં કાજલની ચિતા ક્યારે ઠરી જ નહોતી. એ સદાય સળગતા રહેતા.

          શ્યામ નફરતને બદલે પ્રેમમાં માનતો હતો. એના હ્રદયમાં પણ વ્હાલી કાજલની ભડભડ બળતી ચિતા ક્યારેય ઠરી નહોતી પણ એણે નફરતને બદલે પ્રેમનો રસ્તો અપનાવ્યો. ઓનલાઈન ટાઇમ પાસ માટે કરેલી સર્ચ અર્ચના પાસે લઈ ગઈ ને એમાં કાજલ નામનો ભૂતકાળ ભળી ગયો. એણે નક્કી કરી લીધું જે કાજલને ન મળ્યું એ હું અર્ચનાને આપીશ.

                                                                                                          *

          રામેશ્વર શાસ્ત્રી ગુસ્સામાં ભડક્યા હતા. કહેતા ઘરથી નીકળવાનું કહી દીધું પણ એ જાણતા નહોતા કે શ્યામ પણ કાજલના રસ્તે પહોંચી જશે. પણ કિસ્મત પોતાનું ધાર્યું કરે છે, પ્રેમ આપવા જતો શ્યામ, નફરત હ્રદયમાં સમાવીને બેઠા રામેશ્વર, અણધારી આવેલી અર્ચના, લાચાર શ્યામની મા..... બધી ઘટનાઓ નસીબમાં પહેલેથી જ લખાઈને આવતી હશે કદાચ?

ક્રમશ: