વરદાન કે અભિશાપ (ભાગ-૪)
(વિશ્વરાજ નામે એક ગાદીપતિ હતા. ગાદીપતિ એટલે જેમના માથે દેવીશક્તિનો હાથ હોય અને જે પરિવારના મોભી હોય. વિશ્વરામના મોટા દીકરા ધનરાજે અલગ રહેવા જવાનું નકકી કર્યુ. તેને શહેરમાં સારી એવી નોકરી મળી ગઇ હતી. વિશ્વરાજે તેને શહરેમાં જવાની પરવાનગી તો આપી પણ સાથે-સાથે એક વચનમાં બંધાવાની વાત કરી. વચન ફકત એટલું હતું કે, જયારે વિશ્વરાજની હયાતી ના હોય ત્યારે બંને ભાઇઓએ મળીને દેવીશક્તિની ગાદી અને વારસો સંભાળવો પડશે. દેવરાજ અને ધનરાજ બંનેએ સંપીને દેવીશક્તિની પૂજા-પાઠ કરવાનું વચન આપ્યું. સવારે વહેલા ધનરાજ તેના પરિવાર સાથે માતા-પિતાના આર્શીવાદ લઇને શહેરમાં જવા નીકળે છે. તે પછી આ બાજુ કેસરબેનને ધનરાજની બહુ યાદ આવતી હતી. દિવસમાં એક વાર તો તેઓ ધનરાજને યાદ કરીને રડી પડતાં. તેમની આવી હાલત જોઇને વિશ્વરાજનો જીવ બળી જતો. એટલે તેમણે એક વાર સામેથી કેસરબેનને ધનરાજના ઘરે જવા માટે કહ્યું. કેસરબેન તો બહુ જ ખુશ થઇ ગયા. તેઓ શહેર જવા રવાના થયા. ઘરે પહોંચતા જ બાળકો તો હવે આખો દિવસ ઘરમાં જ પૂરાઇ રહેતા. તેઓ દાદા-દાદી સાથે રમવામાં જ મશગૂલ થઇ જાય છે. દાદા તેઓના માટે સલામત જગ્યા હતી. દાદા-દાદી હવે થોડા સમયમાં ઘરે જવાના હતા. હવે આગળ................)
(ધનરાજ અને મણિબા તેમને બસ-સ્ટેશન મૂકવા તૈયારી કરે છે. ચારેયની આંખો એકબીજાને જોઇને દુ:ખી હતી.)
વિશ્વરાજ : ધનરાજ, મારે તને એક વાત કરવી હતી ?
ધનરાજ : હા પિતાજી. કહો.....
વિશ્વરાજ : તારી મા ત્યાં ગામડે આ છોકરાઓ વગર એકલી પડે છે. તો તું આ પાંચેયને દર વેકેશનમાં મારી જોડે રહેવા મોકે તો સારું.
ધનરાજ : અરે આમાં કયાં પૂછવા જેવું છે, પિતાજી. તમે લઇ જજો આ પાંચેયને.
વિશ્વરાજ : બીજી એક વાત. હાલ વેકેશન જ છે. તો આજે જ સામાન ભરીને આ પાંચેયને મોકલી દેને !!!!
ધનરાજ : મે તમને કોઇ દિવસ કોઇ વાત માટે ના પાડી નથી. હું સામાન તૈયાર કરાવી દઉં છું. પણ તમે પણ રોકાઇ જાવ ને અહીં.
વિશ્વરાજ : ના બેટા, હવે મારે ઘરે જવું પડશે. હું અહી આવતો રહીશ. તું ચિંતા ના કર.
ધનરાજ : તમે અહી આવશો તો મને બહુ જ સારું લાગશે. મને પણ તમારી સેવાનો અવસર મળશે.
(પાંચેય બાળકો તો બહુ જ ખુશ થઇ જાય છે. હવે તેમને દર વેકેશનમાં દાદાના ઘરે જવા મળશે. બધા પોતપોતાનો સામાન તૈયાર કરી દે છે અને દાદા-દાદી સાથે તેઓ ગામડે જવા રવાના થાય છે.)
ગામડે પહોંચતા જ બધા બાળકોને જોઇને દેવરાજ અને તેમના પત્ની ધનીબા બહુ જ ખુશ થઇ જાય છે. તેઓ બધા બાળકો કાકાના દીકરાઓ સાથે હળીમળીને રમતાં થઇ જાય છે. વિશ્વરાજ બધા બાળકોને આમ હળમળીને રમતાં જોઇને બહુ જ ખુશ હતા. ધનરાજના બાળકોને તેમના કાકા-કાકી પણ વ્હાલથી રાખતા હતા. તેમના બાળકોની જેમ જ તેમને પ્રેમ આપતા હતા. આથી તો બાળકો દર વર્ષે વેકેશનમાં દાદા-દાદીના ઘરે જવા હમેશા જીદ્દ કરતા અને અમુક દિવસ દાદા-દાદી પણ શહેરમાં તેમની જોડે રહેવા આવતા. આમને આમ વર્ષો વીતવા લાગ્યા અને ધનરાજ અને દેવરાજ બંનેના બાળકો મોટા થઇ ગયા. બાળકો પણ હવે વેકેશન પડવાની રાહ જોતા રહેતા હતા. ધનરાજ અને દેવરાજના બધા બાળકો સુખેથી અને શાંતિથી રમતા જોઇને વિશ્વરાજને એક આશા બંધાઇ હતી કે મારા બંને બાળકોની જેમ મારી આ ત્રીજી પેઢી પણ દેવેીશક્તિની પૂજા ભેગા મળીને જ કરશે. પણ કોણ જાણે કેમ બાળકોને મોટા થતા જોઇને વિશ્વરાજની ચિંતામાં થોડો વધારો થયો હતો. તેમને બાળકોને જોઇને જે આશા જાગી હતી તેમાં શંકા પણ સ્થાન લઇ રહી હતી. ખાસ કરીને ધનરાજના મોટા દીકરા નરેશને જોઇને.
શું કારણ હતું વિશ્વરાજ ચિંતાનું ? શા માટે તેઓ ધનરાજના પુત્ર નરેશને લઇને ચિંતામાં હતા? શું હતું રહસ્ય?
(વધુ આવતા પ્રકરણે ભાગ-૫ માં)
- પાયલ ચાવડા પાલોદરા