વરદાન કે અભિશાપ (ભાગ-૫)
(વિશ્વરાજ નામે એક ગાદીપતિ હતા. ગાદીપતિ એટલે જેમના માથે દેવીશક્તિનો હાથ હોય અને જે પરિવારના મોભી હોય. વિશ્વરામના મોટા દીકરા ધનરાજે અલગ રહેવા જવાનું નકકી કર્યુ. તેને શહેરમાં સારી એવી નોકરી મળી ગઇ હતી. વિશ્વરાજે તેને શહરેમાં જવાની પરવાનગી તો આપી પણ સાથે-સાથે એક વચનમાં બંધાવાની વાત કરી. વચન ફકત એટલું હતું કે, જયારે વિશ્વરાજની હયાતી ના હોય ત્યારે બંને ભાઇઓએ મળીને દેવીશક્તિની ગાદી અને વારસો સંભાળવો પડશે. દેવરાજ અને ધનરાજ બંનેએ સંપીને દેવીશક્તિની પૂજા-પાઠ કરવાનું વચન આપ્યું. એ પછી ધનરાજના શહેરમાં ગયા બાદ વિશ્વરાજ ને કેસરબેન ધજરાજના ઘરે રોકાવા જાય છે. ત્યાં બાળકો તો બહુ જ ખુશ થઇ જાય છે. એ પછી ઘરે જવાના સમયે વિશ્વરાજ પાંચેય બાળકોને તેઓની સાથે લઇ જવા માટે ધનરાજને વાત કરે છે. ધનરાજ તેમની વાતને માન આપે છે. બધા પોતપોતાનો સામાન તૈયાર કરી દે છે અને દાદા-દાદી સાથે તેઓ ગામડે જવા રવાના થાય છે. તેઓ બધા બાળકો કાકાના દીકરાઓ સાથે હળીમળીને રમતાં થઇ જાય છે. વિશ્વરાજ બધા બાળકોને આમ હળમળીને રમતાં જોઇને બહુ જ ખુશ હતા. ધનરાજના બાળકોને તેમના કાકા-કાકી પણ વ્હાલથી રાખતા હતા. તેમના બાળકોની જેમ જ તેમને પ્રેમ આપતા હતા. આથી તો બાળકો દર વર્ષે વેકેશનમાં દાદા-દાદીના ઘરે જવા હમેશા જીદ્દ કરતા અને અમુક દિવસ દાદા-દાદી પણ શહેરમાં તેમની જોડે રહેવા આવતા. આમને આમ વર્ષો વીતવા લાગ્યા. વિશ્વરાજ ઘણા ખુશ હતા પણ ધનરાજના પુત્ર નરેશને લઇને તેઓ ચિંતામાં હતા. હવે આગળ..................)
વિશ્વરાજ તેમના બંને બાળકોમાં સંતુલન સારી રીતે જાળવતા હતા. કોઇ ભેદભાવ રાખતા ન હતા. જે રીતે તે નાના દીકરા દેવરાજ અને તેના પરિવારનું ધ્યાન રાખતા તે જ રીતે તેઓ ધનરાજના પરિવારનું પણ ધ્યાન રાખતા.
ધનરાજ અને દેવરાજના બાળકો મોટા થઇ રહ્યા હતા. બધા પોતાનો અભ્યાસ પૂરો કરીને કામ ધંધે વળગી પડયા હતા. વિશ્વરાજને બધા બાળકોમાંથી સૌથી પ્રિય નરેશ હોય છે. બધા બાળકો કરતાં તેમને નરેશ પ્રત્યે વિશેષ લગાવ હોય છે. હવે આ બાજુ નરેશ યુવાનીની અવસ્થામાં પહોંચી ચૂકયો હોય છે.
નરેશનો અભ્યાસ પત્યા બાદ તે પ્રેસની ટ્રેનીંગમાં લાગી જાય છે. પ્રેસની ટ્રેનીંગની સાથે-સાથે તે ઘરના કામકાજમાં પણ તેનો સહયોગ આપતો હોય છે. ચાર ભાઇ-બહેનોમાં નરેશનો ત્રીજો નંબર આવતો. તેનાથી એક બહેન મોટી હતી. મણિબેન એટલે કે, નરેશની માતા, તે નરેશને હમેશા ઘરની બહારના કામકાજ માટે તેને જ મોકલતી. ઘરના કરિયાણાથી લઇને ઘરના સરસામાન સુધી તે જ બધુ લઇ આવતો. એ જમાનામાં ચાંદીના મંગળસૂત્ર બનાવવાની ફેકટરી લાગતી અને ઘરે-ઘરે રોજગારી માટે બધાને મંગળસૂત્ર બનાવવા આપતા.. નરેશ એ કામમાં સારો એવો કારીગર હતો. રોજના પચાસ મંગળસૂત્ર તો તે આસાનીથી બનાવી દીધો. દીવાળી જેવા તહેવારમાં તો ફેકટરીનો શેઠ ખાસ નરેશનો તેનો ઓર્ડર પૂરો કરવા માટે શોધતો-શોધતો તેના ઘરે આવતો અને નરેશ તેનો બધો જ ઓર્ડર એક જ દિવસમાં પૂરો કરી દેતો.
નરેશનો જન્મદિવસ એ વખતમાં બધાને યાદ હોય. કેમ કે, તેના જન્મદિવસે તે ખાસ વી.સી.આર. મંગાવતો અને એરીયાના બધા પરિવારના લોકો આખી રાત બેસીને ફિલ્મો જોતા અને નરેશ આરામથી ઘરે જઇને સૂઇ જતો. આથી દર વર્ષે આજુબાજુના લોકો તેના જન્મદિવસની આતુરતાથી રાહ જોતા. તેમના પિતા ધનરાજ નોકરી પર જતા રહે અને તેની માતા મણિબેન અને તેઓ ચાર ભાઇ-બહેન ઘરે જ હોય.
અભ્યાસના પૂરો કર્યા બાદ તેણે પ્રેસમાં ટ્રેનીંગ ચાલુ કરી. પ્રેસની ટ્રેનીંગમાં જાય ત્યારે પણ ત્યાના પ્રોફેસર તેને વખાણતા હતા. કેમ કે તેના જેવું મશીન કોઇ ચલાવી શકતું નહિ. પ્રેસમાં પણ તેના નામની બૂમ હતી. બધાને આશા હતી કે, તેને પ્રેસમાં નોકરી આવી જ જશે અને તેનું જીવન સુધરી જ જશે. પણ કુદરતને કંઇક અલગ જ મંજૂર હતું. તેને એકવાર ગામડે દાદા અને દાદીને મળવાની ઘણી ઇચ્છા થઇ. આથી તે ઘરે જાણ કરીને દાદા અને દાદીને મળવા ગામડે પહોંચી ગયો. ઘરના બધા સૌ ખુશ થઇ ગયા. પ્રેસમાંથી ચાર-પાંચ દિવસની રજા લઇને તે દાદા વિશ્વરાજ પાસે રોકાઇ ગયો. દાદા પણ તેને ખૂબ વ્હાલ કરતા. એ જ દિવસે દાદાએ નરેશ પાસે દાળવડા મંગાવ્યા અને કહ્યું કે, ‘નરેશ તું દાળવડા લઇને આવે એટલે પછી મારી જોડે બેસજે. મારે તને અગત્યની વાત કરવી છે.’ ‘હા દાદા’ એમ કહી નરેશ દાળવડા લેવા ચાલ્યો ગયો. દાળવડા લઇને આવ્યો પછી કાકાના દીકરા અને દીકરી, દાદા-દાદી બધા સાથે બેસીને જમ્યા. જમ્યા બાદ દાદાએ નરેશનને વ્હાલથી પોતાની પાસે બેસાડયો અને કહ્યું કે, ‘જીવનમાં હમેશા નીતિથી ચાલવું. કોઇનું ખરાબ કરવું નહિ. મારી પાસેની ગાદીનો તું ઉત્તરાધિકારી છે. જે મને સ્પષ્ટ દેખાય છે.’ નરેશ વિચારમાં પડી જાય છે તેની સમજમાં વાત નથી આવતી કે દાદા શું કહેવા માંગે છે. પછી વિશ્વરાજ કહે છે કે, જા તું તારા ભાઇઓ સાથે બેસ. સમય આવશે ત્યારે તું આપોઆપ બધુ સમજી જઇશ. ભગવાન હમેશા તારી સાથે રહે.’ એવા સારા આર્શીવાદ આપીને રોજની ટેવ પ્રમાણે તે થોડો સમય સૂઇ જાય છે. નરેશ તેના ભાઇ-બહેનો સાથે વાતો કરવામાં મગ્ન હોય છે અને આ બાજુ વિશ્વનાથને કંઇક અલગ જ અનુભૂતિ થાય છે કે તે હવે થોડા દિવસના જ મહેમાન છે. તે હવે વધારે ચિંતામાં આવી જાય છે.
શું વિશ્વનાથ હવે થોડા દિવસના જ મહેમાન હશે? તેમના જવાથી ઘરમાં શું પરિવર્તન આવવાનું હતું ? શું તેઓ આગળનું જોઇ શકતા હતા ?
(વધુ આવતા પ્રકરણે ભાગ-૬ માં)
- પાયલ ચાવડા પાલોદરા