Night Market books and stories free download online pdf in Gujarati

રાત્રી બજાર

રાત્રી બજાર

મિત્રો! બજાર વિશે કોઈ વાત કરીએ અને એમાં સ્ત્રીનું પાત્ર નાં હોય એવું તો સાવ અશક્ય જ છે. તો આજે હું પણ તમને એક સ્ત્રી અને તેના જીવનમાં એક બજારમાં થયેલા તેના અનુભવ વિશેની વાત કહેવા જઈ રહી છું. તે છોકરીનું નામ છે શીતલ. જેવું નામ એવોજ એનો સ્વભાવ. ક્યારેય કોઈની સાથે ઝગડો નાં કરે, કે નાં તો કોઈને હેરાન કરે. એ તો બસ એનીજ દુનિયામાં મસ્ત રહેતી. તેના તો બસ બે જ શોખ હતા; એક તો નવી નવી જગ્યાએ ફરવા જવાનું અને બીજું નવા નવા શહેરોમાં જઈને ત્યાંના બજારોમાં ફરવાનું અને નાની મોટી વસ્તુ ખરીદવાની. પણ બાળપણથી લઈને યુવાની સુધીમાં તેણે ગુજરાત માંજ અલગ અલગ શહેરોમાં વસતા તેના સગા સંબંધીઓના ઘર સીવાય બીજું કંઈજ જોયું નહોતું. ક્યારેક તે એની મંમ્મીને નવી જગ્યાએ ફરવા જવાનું કહેતી તો તેની મંમ્મી લગ્ન પછી ફરજેને તારા પતિ સાથે તારે જ્યાં ફરવું હોય ત્યાં એવું કહીને તેની ઈચ્છાઓ ઉપર પાણી ફેરવી દેતી હતી. આમને આમ જોત જોતામાં શીતલનાં લગ્ન માટે મૂરતિયા જોવાનું ચાલુ થાય છે. અને દરેકને શીતલ એકજ શોખ માટે પૂછતી કે તમને ફરવાનો શોખ છે? તમને વર્ષમાં કેટલી વખત ફરવા જવાનો શોખ છે? આમ પૂછપરછ કરતાં કરતાં એક દિવસ તેની મુલાકાત રાકેશ સાથે થાય છે. અને શીતલ તો હજુ કંઈ પણ પૂછે તેની પહેલા જ રાકેશ કહે છે કે, જુઓ ! મને ફરવાનો બહુ શોખ છે એટલે મેં નોકરી પણ એવીજ પસંદ કરી છે કે જેમાં મને કામની સાથે સાથે નવી નવી જગ્યાએ ફરવા જવાનો મોકો મળે. એટલે હું એવી છોકરી સાથેજ લગ્ન કરવા માગીશ કે જેને હરવા ફરવાનો શોખ હોય. શું તમને નવી નવી જગ્યાએ ફરવા જવાનું ગમશે? શીતલ એની વાતથી એટલી ખુશ થઇ જાય છે અને જવાબમાં પોતાની એક બૂક બતાવે છે ; જેનું નામ એણે ચમકદાર પેનથી લખ્યું હોય છે, મારૂં સપનું. જેમાં શીતલે જુદા જુદા શહેરોમાં ફરવાલાયક સ્થળોનાં ફોટા લગાવ્યા હતા. રાકેશ તેની આ બૂક જોઈને સમજી જાય છે કે શીતલ તેની સંગીની બનવા માટે યોગ્ય છે અને વહેલી તકે મૂરત જોવડાવી બંનેનાં લગ્ન થઈ જાય છે. હનીમૂન માટે બંને મનાલી જાય છે. શીતલ પોતાના સ્વપ્નને પૂરું થતાં જોઈને ખૂબજ ખુશ થાય છે. ત્યાં મન ભરીને ફરી લીધા પછી પાછા આવતા પહેલા, છેલ્લા દિવસે શીતલ ત્યાંના બજારોમાં ફરીને ખૂબજ શોપિંગ કરે છે. રાકેશને ઓફિસના કામથી વારંવાર જુદા જુદા શહેરોમાં જવાનું થતું રહેતું અને શીતલ પણ દરેક વખતે તેની સાથે જઈને પોતાના સપનાને જીવી લેતી હતી.

એકાદ વર્ષ જેવું આ સીલસીલો ચાલુ રહ્યા બાદ એક દિવસ રાકેશ અને શીતલ ક્યાંક જવા માટે તૈયારી જ કરતાં હતાં, ત્યાં તો શીતલને અચાનક ચક્કર આવે છે અને બેહોશ થઈને જમીન ઉપર પડી જાય છે. રાકેશ તો આ જોઈને એકદમ ગભરાઈ જાય છે અને એમની બાજુમાંજ ડોક્ટર રહેતા હોવાથી ફટાફટ બોલાવીને આવે છે. ડોક્ટરને પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે વારંવાર ફરવાના સ્ટ્રેસનાં કારણે શીતલ બેહોશ થઈ ગઈ હતી. તેમ છતાં તેમણે કોઈ ટેસ્ટ કરાવવાનું પણ કીધું હતું. એટલે શીતલને હોશ આવતાની સાથેજ તે બંન્ને ટેસ્ટ કરાવવા માટે જાય છે. અને એ બંન્નેએ તો સ્વપ્નમાં પણ કલ્પના નહીં કરી હોય તેવો રીપોર્ટ આવ્યો. શીતલ 'માં' બનવાની હતી. બંને આ વાતથી ખૂબજ ખુશ થઇ જાય છે. પણ પછી ડોક્ટર શીતલની પ્રેગ્નન્સીમાં રહેલા કોમ્પ્લીકેશન વિશે જણાવે છે અને શીતલને હરવા ફરવા માટે નાં પાડે છે. શીતલના માથે તો જાણે અચાનક આભ ફાટ્યું હોય એટલું દુઃખ થાય છે. હરવું ફરવું એજ એના જીવનની સાચી ખુશી હોય છે. અને હવે એક વખત ફરીથી શીતલ તેના બાળક માટે થઈને પોતાના શોખને જતો કરે છે. રાકેશને ઓફીસનાં કામથી વારંવાર બહાર આવવા જવાનું થતું હોવાથી શીતલ તેની બહેનને તેના ઘરે રહેવા આવવા માટે બોલાવી લે છે. પ્રેગ્નન્સી દરમ્યાન શીતલનો હરવા ફરવાનો અને શોપિંગનો શોખ સહેજ પણ ઓછો થયો નહીં. બલકે એમ કહો તો ચાલે, કે એ થોડો વધી ગયો. શીતલ હવે દરરોજ ટીવીમાં ટ્રાવેલ શો જ જોતી હતી અને ફરી એક વખત પોતાની ફરવાની ઇચ્છા પ્રમાણેનું એક લિસ્ટ બનાવવા લાગી. ટ્રાવેલ શો જોતા જોતા તેને જાણ થઈ કે દેશમાં ઘણા બધા મોટા મોટા શહેરોમાં ખૂબજ લોકપ્રિય રાત્રિ બજારો ભરાય છે. આ બજારોમાં ખૂબજ અવનવી વસ્તુઓ વેચાતી હોય છે અને વળી રાત્રિનું બજાર હોવાથી તેને ખૂબ જ વિશેષ લાઈટો દ્વારા સજાવેલું હોય છે. દરિયા કિનારો ધરાવતા અમુક શહેરોમાં તો આવું બજાર દરિયાના કિનારાને લગતું જ ભરાય છે. આવુંજ એક બજાર ગોવામાં વરસમાં એકજ વખત એક અઠવાડિયા માટે ભરાય છે; જેમાં દેશ-વિદેશથી અનેક સહેલાણીઓ આ બજારને જોવા માટે અને ખરીદી કરવા માટે આવતા હોય છે. શીતલને હવે ગોવાના બજારમાં જવાની ખુબ જ ઈચ્છા જાગી હતી. જોતજોતામાં શીતલ એક સુંદર મજાની બાળકીને જન્મ આપે છે. પોતાની બાળકી સાથે હવે સમય વિતાવવા માટે રાકેશ પણ તેની ઓફિસમાં થોડા સમય માટે તેને કોઈ નજીકના વિસ્તારમાંજ કામ કરવા મોકલે તેવી વિનંતી કરે છે. બાળકી નાની હોય છે એટલે રાકેશ અને શીતલ તેની ખૂબજ દરકાર લે છે. પણ તેઓ બંને હરવા-ફરવાનાં અને મોજમસ્તીનાં ખૂબજ શોખીન હોવાથી થોડાજ સમયમાં તેઓ તેમની આ જીવનશૈલીથી કંટાળી જાય છે કે અને માતા-પિતા બન્યા પહેલાના તેમના સમયને અને જીવનને ખૂબજ યાદ કરે છે.

જોત જોતામાં તેમની દીકરી રાશિ ૩ વર્ષની થઈ જાય છે અને તેઓ હવે ક્યાંક ફરવા જવાનું નક્કી કરે છે. શીતલ પાસે તો લાંબુ લીસ્ટ તૈયાર જ હતું. એમાંથી જોઈને રાકેશ અને શીતલ ગોવા જવાનું નક્કી કરે છે. શીતલનો તો હરખ સમાતો નથી કારણકે એ સમયે ગોવામાં દરિયા કિનારે પેલું રાત્રી બજાર ભરાતું હોય છે જેમાં જવાની તેની ઘણા સમયથી ખૂબજ ઈચ્છા હતી. રાકેશ એક ખૂબ જ સુંદર રીસોર્ટમા તેમનું બુકિંગ કરાવી લે છે. ગોવા પહોંચીને તરતજ રાકેશ, શીતલ અને રાશિ ત્રણેય રિસોર્ટ ઉપર બધો સામાન મુકીને ફટાફટ ફરવા માટે નીકળી પડે છે. આખો દિવસ આમતેમ ફરવા છતાંય એ લોકો થાકતા નથી. વળી રાશિ પણ તેના મમ્મી પપ્પાની જેમ જ ફરવાની ખૂબ જ શોખીન. સાંજે થોડો આરામ અને ભોજન કર્યા બાદ એ લોકો પેલા રાત્રી બજારમાં જવાના હોય છે.

રાત્રી બજારમાં પહોંચીને જુએ છે, તો દરિયાના કિનારે સફેદ ઠંડી રેતીમાં લગભગ ત્રણેક કિલોમીટર સુધી અનેક સ્ટોલ લાગેલા હતા. અને એ બધા ઉપર સુંદર મજાની લાઈટો ગોઠવેલી હતી અને દરિયામાંથી આવતો લહેરોનો અવાજ અને ઠંડો ઠંડો પવન આ બજારને ખુબજ આકર્ષક બનાવતું હતું. બજારમાં પહોંચતાની સાથેજ રાકેશને તેના એક મિત્રનો ફોન આવે છે, અને તે શીતલને કહે છે કે તું અહીં બધું જોઈ લે, હું જરા આગળ જઈને વાત કરતો આવું. પોતાના પપ્પાને દરિયા તરફ જતા જોઇને રાશિ તેની મમ્મીનો હાથ છોડાવીને રાકેશની પાછળ પાછળ ભાગે છે. એટલે શીતલ તરતજ રાકેશને બૂમ પાડીને કહે છે કે રાકેશ જરા રાશિનું ધ્યાન રાખજો. પણ રાકેશ ફોનમાં વ્યસ્ત હોવાથી શીતલની આ વાત તેના કાન સુધી પહોંચતી જ નથી. અને તે ફટાફટ આગળ ચાલતો રહે છે અને રાશિ પાછળ દોડતી હોય છે. વળી શીતલ પણ તેની શોપિંગમાં મસ્ત થઈ જાય છે. રેતીમાં પગ ફસાઈ જવાથી રાશિને ઠેસ આવે છે અને તે નીચે પડી જાય છે. પણ નાનકડી રાશિ ફરીથી ઉભી થઈને પોતાના કપડાં સહેજ ખંખેરીને ફરીથી તેના પપ્પા તરફ જવા માટે આગળ વધે છે, અને જુએ છે તો તેના પપ્પા તો ક્યાંય દેખાતા જ નથી. તેથી તે પેલી દુકાનમાં જ્યાં તેની મમ્મી ઊભી હતી તે તરફ દોડતી દોડતી પાછી જાય છે. ત્યાં જઈને જુએ છે તો તેની મંમ્મી તો ત્યાં હોતીજ નથી. દેશ-વિદેશના અનેકો પ્રવાસીઓ વચ્ચે એ નાનકડી રાશિ ખોવાઈ જાય છે. ડરના કારણે અને ત્યાં મોટેથી વાગતા સંગીતના કારણે એ નાનકડી બાળકીની પુકાર તેની મંમ્મીનાં કાન સુધી પહોંચતી જ નથી. બીજી તરફ શીતલ એની શોપિંગમાં મસ્ત હોય છે અને રાકેશ તેના ફોનમાં. શીતલ વિચારે છે કે રાશિ આવે તેની પહેલાં એનાં માટે એક સુંદર મજાની ઢીંગલી લઈને રાખું. આવશે એટલે જોઈને ખુશ થઈ જશે.પણ શીતલને ક્યાં ખબર હતી કે એની પોતાની નાનકડી ઢીંગલી કોઈ મુશ્કેલીમાં છે. લગભગ ૨૦ મીનીટ સુધી રાકેશનો ફોન ચાલે છે અને જેવો તે શીતલને ફોન કરીને એની પાસે પહોંચે છે કે તરતજ શીતલ પૂછે છે રાશિ ક્યાં ગઈ? રાકેશ કહે છે શું મજાક કરે છે! તમે બન્ને અહીં બજારમાં પણ મસતી કરવા લાગ્યા. રાશિ બેટા ! બહાર આવીજા. આવું બધું તો ઘરમાંજ રમાય. આવું જ્યારે રાકેશ કહે છે, ત્યારે શીતલનાં ધબકારા વધી જાય છે અને તે રાકેશને કહે છે કે રાશિ તમારી સાથેજ તો આવી હતી. સાચુ બોલોને તમે એને ક્યાંય એકલી બેસાડીને મને બોલાવવા તો નથી આવ્યાને ? રાકેશ પણ શીતલના ચહેરા ઉપરથી સમજી જાય છે કે રાશિ શીતલ પાસે પણ નથી. રાકેશ શીતલને જવાબ આપ્યા વગરજ દોડીને પોતે જ્યાં ઉભા રહીને ફોન ઉપર વાત કરી રહ્યો હતો એ જગ્યા ઉપર જાય છે. શીતલ પણ સમજી જાય છે કે રાશિ રાકેશ સુધી પહોંચીજ નથી. રાકેશ અને શીતલનાં માથે તો જાણે મોટું આભ તુટી પડે છે. એ આખીયે રાત શીતલ અને રાકેશ આખાયે બજારમાં રાશિને શોધે છે. જે દુકાન ઉપર રાશિ એની મંમ્મીથી છૂટી પડી ગઈ હતી, ત્યાં પણ ગયા. પણ રાશિ તો ત્યાં હતીજ નહીં. શીતલ અને રાકેશ આખી રાત એક દુકાનથી બીજી દુકાન રાશિનો ફોટો લઈને તેને શોધતા જ રહ્યા. બજારમાંથી આવતા જતા દરેક વ્યક્તિને પણ પૂછપરછ કરી અને પાર્કિંગમાં પણ. દરિયા કિનારે પણ દૂર સુધી જઈને જોયું પણ સવાર પડી ગઈ તેમ છતાં એમની લાડકવાયી રાશિ મળી નહીં. શીતલ અને રાકેશ બંને ભાંગી પડે છે અને ત્યાંજ કિનારે બેસીને રડતા હોય છે. પેલું રાત્રી બજાર બંધ થવાનો સમય થાય છે એટલે લોકલ પોલીસ પેટ્રોલિંગ કરવા આવે છે અને ત્યારે તેમની નજર રાકેશ અને શીતલ તરફ જાય છે તો તેઓ તરતજ એમની પાસે જઈને સામાન્ય પુછપરછ કરે છે. જેમતેમ કરીને તેઓ પોલીસને રાશિ વિશે બધુ જણાવે છે અને પોલીસ તેમને આશ્વાસન આપે છે તથા ફરીયાદ નોંધીને શોધખોળની કાર્યવાહી પણ શરૂ કરી દેછે. રાકેશ અને શીતલ બીજા દિવસે બપોર સુધી પોલીસ સ્ટેશનની બહારજ બેસી રહે છે. પોતાની લાડકવાયી આવે એટલે તરત એને પોતાની છાતી સરસી ચાંપી લેવાય એવી આશથી. પોલીસ કર્મીઓ બપોરે જમવા માટે જાય છે, ત્યારે તેમને જુએ છે તો તે લોકો રાકેશ અને શીતલને વિનંતી કરે છે કે તમે લોકો મહેરબાની કરીને તમારી હોટલ ઉપર જતા રહો. આવી રીતે ભૂખ્યા અને તરસ્યા બેસી રહેશો તો તમારી તબિયત ખરાબ થઈ જશે અને તમારી દીકરીને શોધવામાં તમે અમારી કોઇ મદદ પણ નહિ કરી શકો. બંને જણા રાતનાંજ ભૂખ્યા-તરસ્યા હતા અને દીકરીના વિલાપમાં સાવ દયનીય બની ગયેલા હતા તેથી પોલીસ કર્મીઓજ તેમને પોતાની જીપમાં બેસાડીને રાકેશ અને શીતલ જ્યાં રોકાયા હતા તે રિસોર્ટ ઉપર મૂકીને આવે છે. તે દિવસ અને રાત પણ આખા વીતી જાય છે અને રાકેશ અને શીતલ થોડા થોડા સમયે પોલીસ સ્ટેશન ફોન કરીને પોતાની દીકરીની જાણકારી મળી કે નહીં તે વિશે પૂછતા રહે છે. દિવસ અઠવાડિયામાં બદલાય છે અને તેમ છતાં રાશિની કોઈજ જાણકારી પોલીસને મળતી નથી. રાકેશ અને શીતલ ગોવામાં એક નાનકડું ઘર ભાડે લઈ લે છે અને રાકેશ પોતાની વર્ષો જૂની નોકરી છોડીને ગોવામાંજ નાનકડું કામ શોધી લે છે. એવા કયા માં-બાપ હોય જે પોતાના બાળકને, પોતાના કાળજાના કટકાને ભૂલીને ચાલ્યા જાય? રાકેશ અને શીતલ દિવસ આખો પોલીસ સ્ટેશનમાં ફોન કરે અને પોતાની રીતે પણ આખા શહેરમાં ગલી ગલી, દુકાને દુકાને, રાશિનો ફોટો લઈને તેના વિશેની જાણકારી મેળવવા પ્રયત્ન કરતા રહેતા હતા. અને રાત્રે પેલા રાત્રી બજાર જઈને ત્યાં આવતા દરેક સહેલાણીઓને તથા દુકાનદારોને રાશિ વિશે પૂછતા રહેતા હતા. માત્ર એકજ અઠવાડિયું ભરાતું એ બજાર તો થોડાજ દિવસોમાં બંધ થઈ જાય છે. જોતજોતામાં મહિનાઓ વિતી જાય છે. રાકેશ અને શીતલના દિવસ અને રાત પોતાની લાડકવાઈ રાશિની ચિંતા માંજ વીતે છે અને તેણે ખાધું હશે કે નહીં, તે કોઈ ખોટા હાથોમાં તો નહીં આવી ગઈ હોય ને, તે ભૂલથી દરિયા તરફ તો નહીં જતી રહી હોય ને, તેને કોઈ તકલીફ તો નહીં આપતા હોય ને આવા વિચારો તેમને સુવા પણ નથી દેતા. પોલીસ તો હવે આટલો સમય થયો એટલે બીજા નવા કેસો ઉપર વધારે ધ્યાન આપવા લાગ્યા. દરેક ગલી અને દુકાનો ફરી લીધા પછી અને આટલો સમય વીતી ગયા પછી પણ રાકેશ અને શીતલ રાશિના નામનાં પોસ્ટરો છપાવીને તેની જાણકારી આપનારને બહુ મોટી કિંમત ઈનામમાં આપવાની પણ જાહેરાત કરે છે અને શહેરના લગભગ દરેક વિસ્તારમાં પોસ્ટરો લગાવે છે.

જોતજોતામાં અનેક વર્ષો વીતી જાય છે; પણ રાકેશ અને શીતલ તેમની રાશિને મળવાની આશા નથી છોડતા. રાશિને ગુમાવ્યા બાદ પણ શીતલ અને રાકેશ દરેક વર્ષે પેલા રાત્રી બજારમાં દરરોજ અચૂક પહોંચી જતા અને બજાર ચાલુ થાય ત્યારથી પૂરું થાય ત્યાં સુધી આમથી તેમ તેમની નજરો માત્ર તેમની રાશિને જ શોધ્યા કરે. લગભગ દસેક વર્ષ આમ ને આમ વિતાવ્યા પછી રાકેશ અને શીતલના પરિવારજનો તેમને પાછા આવવા માટે સમજાવે છે અને કહે છે કે, તેમના વૃદ્ધ માતા-પિતાને પણ તેમના સહારાની જરૂર છે. રાકેશ અને શીતલ અસમંજસમાં મુકાઈ જાય છે, કે માતા પિતા તરીકેની પોતાની ફરજ નિભાવવી જોઈએ કે બાળક તરીકેની પોતાના માતા પ્રત્યેની ફરજ નિભાવવી. પોતાના કાળજા ઉપર પથ્થર રાખીને તે લોકો ગોવા છોડવા માટે તૈયાર થઈ જાય છે. જે દિવસે તેમની ટ્રેન હોય છે એ દિવસથીજ પેલું રાત્રી બજાર ચાલુ થવાનું હોય છે. આટલા બધા વર્ષો સુધી એ બજારમાં રાશિને શોધવા છતાં રાશિ મળી નાં હોવાથી રાકેશ શીતલને કહે છે કે, શીતલ આપણે આ કદમ ઉઠાવવો જ પડશે. આપણાથી જેટલું બનતું હતું એટલું આપણે કરી લીધું અને કોણ જાણે રાશિ કદાચ કિસ્મતથી આપણા શહેર જ પાછી પહોંચી ગઈ હોય કે પછી આપણને રસ્તામાં જ ક્યાંક મળી જાય. એક માંની મમતા ઉપર પિતાની આ શાંત્વના ભર્યા શબ્દો કંઈ ખાસ અસર કરી શકતા નથી. ટ્રેનમાં બેસી ગયા પછી પણ શીતલનું મન પોતાની લાડકવાયીથી દૂર જવા માટે તૈયાર થતું નથી અને તે ઝડપથી ટ્રેનમાંથી ઉતરી જાય છે. રાકેશ પણ પછી બધો સામાન લઈને ઉતરી જાય છે. શીતલ રાકેશને કહે છે કે મારું મન કહે છે કે આપણી દીકરી આપણને જરૂર મળશે અને જ્યાં સુધી એ ન મળે ત્યાં સુધી હું આ શહેર છોડીને ક્યાંય નહીં જાવ. શીતલની મમતા આગળ રાકેશ હાર માની લે છે અને શહેર છોડીને જવાનો વિચાર છોડી દઈને શીતલનો સાથ આપે છે. આ વર્ષે પણ તે બંને પેલા રાત્રી બજારમાં જઈને પોતાની દીકરી માટે પૂછપરછ કરતા હોય છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આખું અઠવાડિયું વીતી જવા છતાં રાશિની કોઈ જાણકારી મળતી નથી; અને તે લોકો નિરાશ થઈને દરિયા કિનારે જ આખી રાત બેસી રહે છે. સવાર થતાં જ તે લોકો તેમના ઘર તરફ જવા રવાના થાય છે, તો જુએ છે કે કોઈ ફાટેલા તુટેલા કપડા વાળી અને વિખરાયેલા વાળ વાળી ભિખારી જેવી દેખાતી છોકરી તેમને દૂરથી જોઈ રહી હોય છે. રાશિને ગુમાવ્યા બાદ રાકેશ અને શીતલ દાન ધર્મના અનેક કામો કરતા હોય છે કે જેથી ભગવાન તેમના પુણ્યનાં બદલામાં તેમને તેમની લાડકવાઈ પાછી આપીદે. તેથી પેલી છોકરીને જોઈને રાકેશ અને શીતલ તેની પાસે જઈને તેને જમવા માટે પૂછે છે પણ તે છોકરી કઈજ બોલતી નથી. પછી તે બંને તેને થોડા રૂપિયા આપે છે પણ તે છોકરી એ પણ લેતી નથી. રાકેશ અને શીતલ પછી એવું વિચારે છે કે આ છોકરી કદાચ માનસિક રીતે અસંતુલિત હશે તેથી તેની પાસે થોડું જમવાનું અને થોડા રૂપિયા મૂકીને તે લોકો રાશિ નાં મળવાનાં વિચારોમાં દુઃખી થઈને તેમના ઘર તરફ ચાલવા લાગે છે. ચાલતાં ચાલતાં તેમને અહેસાસ થાય છે કે કોઈ તેમનો પીછો કરી રહ્યું છે. પાછળ ફરી ને જુએ છે તો પેલી અસ્થિર મગજની દેખાતી હતી તે છોકરી તેમની પાછળ પાછળ આવતી હતી. તેથી તે લોકો સહેજ રોકાઈને તેને પૂછે છે કે તારે બીજું કઈ જોઈએ છે? પણ તે છોકરી કંઈ જ બોલતી નથી અને ડરીને તેમનાથી થોડીક દૂર ચાલી જાય છે. તેમના ઘરે પહોંચ્યા બાદ નાઈ ધોઈને રાકેશ જ્યારે કામ કરવા માટે નીકળે છે અને શીતલ દરવાજો બંધ કરવા માટે બહાર આવે છે તો તે બંનેની નજર પેલી છોકરી ઉપર જાય છે. તેમના ઘરની આજુબાજુ તે છોકરી આંટા મારતી હોય છે. આ જોઈને રાકેશ સહેજ ઊંચા અવાજે તેને કહે છે કે કેમ આમ પીછો કરે છે જા તારું કામ કર. અને એ છોકરી ખૂબજ ડરી જાય છે અને ત્યાંજ બેસીને પોતાના બે પગ વચ્ચે માથું દબાવીને રડવા લાગે છે. આ જોઈને રાકેશ અને શીતલ સાવ સ્તબ્ધ બની જાય છે. કારણ કે આ છોકરી તો બિલકુલ તેમની રાશિની જેમ જ રોઈ રહી હતી. તે બંને દોડીને સીધા તે છોકરી પાસે જાય છે અને તેને ધ્યાનથી જુએ છે. અને તેને અનેક સવાલો પૂછે છે. બેટા તારું નામ શું છે? તું ક્યાં રહે છે? તું મારી પાછળ પાછળ કેમ આવી રહી હતી? અનેક સવાલો પૂછવા છતાં પેલી છોકરી કઈ જ બોલતી નથી. તેથી નિરાશ થઈને શીતલ અને રાકેશ તેમના ઘરમાં જાય છે. ત્યાંતો પાછળથી પેલી છોકરી દોડીને શીતલની સાડીનો પાલવ એવી રીતે પકડી લે છે, કે જેવી રીતે બાળપણમાં રાશિ તેની મમ્મી કંઈક કામથી તેનાથી દૂર જાય ત્યારે પકડતી હતી. શીતલ અને રાકેશને વિશ્વાસ થઈ જાય છે કે આતો તેમની નાનકડી રાશિ જ છે. વર્ષો વીતી જવાના કારણે અને તેના હાલ-બેહાલ હોવાના કારણે તે લોકો પોતાની દીકરીને ઓળખી શક્યા નહોતા. તે બંનેની આંખો આંસુથી છલકાઈ જાય છે. પોતાની વહાલસોયીને આટલા વર્ષો બાદ પામીને તે લોકો તેના ઉપર પોતાના પ્રેમનો વરસાદ કરી દે છે. રાશિ પણ કંઈજ બોલી શકતી નથી અને પોતાની માંને ભેટીને ખુબજ રડે છે. શીતલની આંખો તો પોતાની દીકરીને જોઈને ધરાતી જ નહોતી. થોડીવારમાંજ તે રસોડામાં જઈને રાશિ માટે જમવાનું લઇ આવે છે અને પોતાના હાથેથી તેને ખવડાવે છે. રાકેશ પણ તેની બાજુમાં બેસીને રાશીનાં માથા ઉપર પ્રેમથી હાથ ફેરવતો રહે છે. પછી થોડા સમય બાદ શીતલ રાશિને ફરીથી થોડા સવાલો પૂછે છે પણ રાશિ કંઈ જવાબ આપતી નથી અને બસ રડવા લાગે છે. શીતલ અને રાકેશ વિચારે છે કે આટલી નાની છોકરી આટલા સમય સુધી પોતાના પરિવારથી દૂર થઈ ગઈ હોવાને કારણે તે કદાચ આઘાતમાં હોવાને કારણે કંઈ બોલી શકતી નહીં હોય. શીતલ અને રાકેશ થોડા દિવસ સુધી પોતાની દીકરીને કોઈ સવાલ પૂછ્યા વગર ખૂબજ પ્રેમથી તેને ઘરમાં સાચવે છે.

થોડા દિવસો પછી પણ જ્યારે રાશિ કંઈ બોલતી નથી, ત્યારે તેમને થોડી ચિંતા થાય છે. એટલે તેઓ રાશિને ડોક્ટર પાસે લઈ જાય છે. અને તેમના દિલને ઠેસ પહોંચે તેવું એક સત્ય જાણવા મળે છે કે, રાશિએ કોઈ કારણસર તેનો અવાજ ગુમાવી દીધો છે. વળી રાશિ ખૂબજ નાની ઉંમરમાં ગુમ થઈ ગઈ હોવાના કારણે તે કંઈ લખીને સમજાવી શકે એટલું ભણેલી પણ નહોતી. રાશિ બોલી નાં શકતી હોવાના કારણે રાકેશ અને શીતલને દુઃખ તો થાયજ છે પણ તે લોકોને એ વાતની ખુશી વધારે હોય છે કે તેમના આટલા વર્ષોની તપસ્યા આખરે સફળ થઈ અને તેમને તેમની દીકરી સહીસલામત મળી ગઈ. રાકેશ અને શીતલ હવે દરરોજ રાશિને ઘરે જ વાંચતા શીખવાડે છે. અને થોડા મહિનાઓ બાદ જ્યારે રાશિ લખતા શીખી જાય છે, ત્યારે એક દિવસ અચાનક એક કાગળમાં કંઈક લખીને શીતલ અને રાકેશને આપે છે. તેઓ આતુરતાથી તે કાગળમાં જોવે છે, કે તેમની રાશિએ શું લખીને આપ્યું છે. કાગળમાં નીચે મુજબ લખેલું હોય છે.
મમ્મી! હું પપ્પાની પાછળ દોડતી દોડતી જતી હતીને, તો રેતીમાં પગ ફસાઈ ગયોને એટલે હું પડી ગઈ હતી. પણ હું રડી નહોતી. રેતી હતીને એટલે મને વાગ્યુંજ નહીં. પછી હું ઉભી થઇને પપ્પા જે બાજુ જતા હતા ત્યાં ગઈ, તો પપ્પા હતાજ નહીં. પપ્પા! મેં તમને કેટલી બધી બૂમો પાડી હતી. તમે કેમ મારો અવાજ નાં સાંભળ્યો? પછી મને ડર લાગ્યોને તો હું મમ્મી! તું જે દુકાને ઉભી હતીને, ત્યાંજ પાછી આવીને ઉભી રહી હતી. તું પણ ત્યાં નહોતી એટલે મને બહુ ડર લાગતો હતો. મેં તને પણ કેટલી બધી બૂમો પાડી હતી મમ્મી. તે કેમ મારી બુમ નાં સાંભળી? પછી મને એકલા ડર લાગતો હતો એટલે હું બે પગ વચ્ચે માથું રાખીને રડતી હતી. ત્યારે કોઈએ મને એક કોથળામાં પૂરી દીધી અને મને ગાડીમાં બેસાડીને અહીં પાસે ગામ છે ત્યાં લઈ ગયા હતા. પછી મને ગાડીમાં થોડું વાગ્યું હતુંને, તો હું રડતા રડતા અને તમને બંનેને બૂમો પાડતાં પાડતાં સુઇ ગઇ હતી. પછી હું સવારે જ્યારે ઉઠીને તો હું કંઈ બોલીજ નહોતી શકતી. મેં રાત્રે કદાચ તમને બહુ બૂમો પાડી હતીને એટલે મારા ગળામાં કંઈક થઈ ગયું હતું. પછી મેં જોયું કે બહુ બધા ગંદા અંકલ દૂર ઉભા ઉભા વાતો કરતા હતા અને મને એક ખુરશીમાં હાથ અને પગ બાંધીને બેસાડેલી હતી. એ લોકો દરરોજ કોઈને ફોન ઉપર કહેતા હતા કે પાંચ લાખ આપો અને માલ લઈ જાઓ. ત્યાં એક આંટી દરરોજ બધા માટે જમવાનું લઈને આવતા હતા. પણ પેલા ગંદા અંકલ તેમને પણ હેરાન કરતા અને મારતા હતા. પછી એક દિવસ ગંદા અંકલ સુતા હતાને ત્યારે પેલા આંટી મને ત્યાંથી છોડાવીને ક્યાંક દૂર બીજા ગામ લઈ ગયા હતા. એ આંટીએ મારી બહુ હેલ્પ કરી હતી. પણ પેલા ગુંડા અંકલ ત્યાં પહોંચી જાય છે અને આંટી મને કહે છે તું ભાગી જા. હું આ લોકોને રોકી રાખીશ. પછી હું ત્યાંથી ભાગતી ભાગતી જંગલમાં પહોંચી ગઈ હતી. મને ત્યાં બહુજ બીક લાગતીતી. ભૂખ પણ લાગી હોય છે. મમ્મી, પપ્પા, હું બહુ જ થાકી ગઈ હતી. હું તમારી રાહ જોતી હતી. તમારી રાહ જોતા જોતા હું રાત્રે જંગલમાંજ સુઈ ગઈ હતી. પછી સવારે એક બીજા આંટી આવે છે. તે મને એમની સાથે એમના ઘરે લઈ જાય છે. મને લાગ્યું આ આંટી પણ પેલા આન્ટીની જેમ જ સારા હશે. પણ આંટીના ઘરે તો મારા જેવા બીજા બહુ બધા બાળકો હતા. આંટી અમને દરરોજ મંદિરની બહાર, સિગ્નલ ઉપર, મોટા મોટા ઘરની બહાર, એવી જુદી જુદી જગ્યાએ ભીખ માગવા માટે મોકલતા હતા. અને અમને જે પૈસા મળે એ બધાજ તે રાખી લેતા હતા અને અમને સવારે અને સાંજે ખાલી એક સૂકી રોટલી જ ખાવા આપે. મમ્મી મને તારા હાથનું જમવાનું બહુ યાદ આવતું હતું. પપ્પા તમે મને બાર જમવા લઈ જતા હતાને, એ પણ મને બહુ યાદ આવતું હતું. પેલુ બજાર હતુંને જ્યાં હું ખોવાઈ ગઈ હતી, તે બજારમાં મારો ભીખ માગવાનો વારો સૌથી છેલ્લા દિવસે આવ્યો. અને હું તમને બંનેને જ શોધતી હતી. રાશિની આવી દર્દ ભરી વાતો સાંભળીને રાકેશ અને શીતલ ખૂબજ રડવા લાગે છે અને તે રાશિને તેમના ગળે વળગાડીને તેને ખૂબજ વહાલ કરે છે અને તેની માફી માગે છે કે તેમની એક સાવ નાનકડી ભૂલને કારણે તેમની દીકરીની આવી હાલત થઈ. અને તેઓ રાશિને આશ્વાસન અને વચન આપે છે કે, આજ પછી તેઓ રાશિને ક્યારેય તેમનાથી દૂર નહીં જવા દે.

મિત્રો, રાકેશ અને શીતલનાં જીવનમાં આ જે ઘટના બની અને નાનકડી રાશિનું બાળપણ જે રીતે બરબાદ થયું, તે ઘટના ક્યારે પણ કોઈની પણ સાથે ઘટી શકે છે. આમ જોવા જઈએ તો રાકેશ કે શીતલ કોઈનો વાંક નહોતો. કે નહોતું પેલું બજાર ખરાબ. બાળકોતો આવા ચંચળ જ હોય છે. અને ઘણી વખત એવું બને કે આપણા બાળકો આપણો હાથ છોડાવીને ઘરના બીજા કોઈ સભ્ય પાસે જતા હોય છે અને આપણે પણ વિશ્વાસથી તેમને જવા દેતા હોઈએ છીએ. પણ એક વખત એ નાનકડું બાળક જ્યાં જતું હોય ત્યાં બરાબર રીતે પહોંચી જાય છે કે નહીં તેની ચકાસણી જરૂર કરવી જોઈએ. એક નાનકડી ચુકનાં કારણે રાકેશ અને શીતલનાં જીવનમાં તેમજ રાશિના જીવનમાં જે કંઈ દર્દ અને તકલીફો આવ્યા તે આપણા કોઈના જીવનમાં ન આવે તેનું ધ્યાન રાખવું એ આપણા જ હાથમાં છે.

- પુર્વી 🧚🏻‍♀️

બીજા રસપ્રદ વિકલ્પો