Exchange of a Prison books and stories free download online pdf in Gujarati

પાંજરાની અદલાબદલી


મિત્રો આજકાલ સમગ્ર દેશમાં અને વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે તેનાથી બચવા માટે આપણી સરકારે સમગ્ર દેશમાં અલગ અલગ તબક્કામાં લોકડાઉન એટલે કે સંપૂર્ણ બંધનો આદેશ આપ્યો હતો. એટલે આપણી ઇચ્છા હોય કે ના હોય પણ આપણી, આપણા પરિવારની, અને સમગ્ર દેશની સુરક્ષા માટે આપણે સહુ અત્યારે ઘરમાં રહીએ છીએ. શરૂઆતમાં તો મેટ્રો ટ્રેનમાં બેઠા હોય અને અચાનક શોર્ટ બ્રેક વાગી હોય એવો અહેસાસ થતો હતો. પૂરપાટ ઝડપે ભાગતી જીંદગીમાં અચાનક જ થંભી ગઈ. પોતાના જ ઘરમાં રહીને સમય પસાર નહોતો થતો. દરરોજની આદત પ્રમાણે સવારે જ બધુ પરવારીને બેસી જતી હતી અને પછી ઓફીસના લંચ ટાઈમ પ્રમાણે વર્ષોની જમવાની આદત પડી ગઇ હોવાના કારણે વચ્ચેના સમયમાં નાં તો કંઈ ખાવું પીવું ગમે કે ના તો બીજું કંઈ કામ કરવું ગમે. ટીવી અને મોબાઈલ પણ જોઈ જોઈને લોકો કેટલા જોવાના હતા. પછી એક દિવસ સવારે થોડી વહેલા જ આંખ ખૂલી ગઈ અને શું કરીશ એની કેટલીય અસમંજસ બાદ વિચાર આવ્યો કે લાવ ને જરા બહાર જઈને વહેલી સવારે પેલું જે દૂધ આવે છે તાજું એ જ લેતી આવું અને એ બહાને થોડું-ઘણું ખુલ્લી હવામાં ચાલી પણ લેવાશે. તેથી હું અમારા ઘરની નજીકમાં જ આવેલી દૂધની દુકાન ઉપર પહોંચી જાઉં છું પણ હું થોડી વહેલી પહોંચી હતી તેથી દૂધ વગર જ પાછું આવવું પડ્યું. પછી મનમાં વિચાર આવ્યો કે ઘરે તો બધા ક્યાંય જવાનું ના હોવાના કારણે બહુ મોડા ઉઠશે તો હું જઈને શું કરીશ. એટલે હું પેલા કોરોના વાયરસ ના ડરના કારણેમોઢા ઉપર રૂમાલ બાંધીને મારા ઘરની આસપાસ કુદરતી વન સ્વરૂપ ઝાડીઓ આવેલી છે અને તેની મધ્યમાં જ એક શિવાલય છે એ બાજુ ચાલવા માટે નીકળી પડું છું. અમારી સોસાયટી ની હદ પૂરી થતાની સાથે જ વૃક્ષોથી અને ઊંચા ઊંચા ઘાસ અને નાના મોટા છોડ થી ભરેલું એ ખુબજ વિશાળ વન ચાલુ થઈ જાય છે. વનની હદમાં પ્રવેશતાની સાથે જ મને અંદર ઝાડીઓમાંથી કંઈક હલચલ નો અવાજ આવે છે. એટલે હું વનમાં અંદરની તરફ આતુરતાથી જોવા લાગી કે એ શેનો અવાજ હતો. પણ મને કંઈ જ દેખાયું નહીં એટલે મેં વિચાર્યું કે કદાચ કોઈ પક્ષી હશે અથવા તો ખિસકોલી કે ઉંદર જેવું કોઈ નાનું પ્રાણી હશે. ફરીથી મેં ધીરે ધીરે આગળ ચાલવાનું ચાલુ કર્યું તો ફરી પાછો મને પહેલા આવ્યો હતો એવો જ અવાજ સંભળાયો. એટલે મેં સહેજ વાર માટે ફરીથી આમતેમ શોધ્યું. પછી મને અંદર ઘાસમાંથી ઉંદર જેવું કોઈ પ્રાણી ઊંચું થઈને જોતું હોય એવું લાગ્યું. પણ ઉંદર તો એટલા ઊંચા હોય નહીં એટલે મને તાલાવેલી લાગી કે આ કયું પ્રાણી છે એ હું થોડું નજીકથી જોવું. આ બધા નાના મોટા પક્ષીઓ અને પ્રાણીઓ આપણે જ્યાં સુધી કોઈ અવાજ કે હલનચલન કરતા હોઈએ ત્યાં સુધી જ આપણાથી ગભરાય પણ જેવા આપણે સ્થિર થઈ જઈએ અને કોઈ અવાજ કર્યા વગર શાંતિ જાળવી રાખીએ તો એ લોકો સામે ચાલીને જ આપણી પાસે આવે આ વાત હું જાણતી હતી. એટલે હું રોડની બાજુ પર જ એક વિશાળ ઝાડ હતું તેની પાસે જ થોડીવાર માટે નીચે ફૂટપાથ ઉપર બેસી ગઈ. પેલુ પ્રાણી તો અંદર ઊંચુંનીચું થઈને મને જોયા જ કરતું હતું, પણ હું સહેજ પણ હલનચલન કર્યા વગર અને તેની સામે જોયા વગર જ બેસી રહી. કારણકે મારે તો તે પ્રાણીને નજીકથી જોવું હતું. પ્રાણી નજીક આવે એની પહેલાં તો જ્યારે હું જે ઝાડ નીચે બેઠી હતી, તે ઝાડ માંથી કંઈક ઠક ઠક અવાજ કરીને બીજું કોઈ મને પોતાની તરફ ધ્યાન દોરવા માટે મજબૂર કરતું હતું. પહેલા તો સહેજ જ આમતેમ જોયું પણ કહી દેખાયું નહીં એટલે મેં વિચાર્યું કે હું હલીસ તો પેલું પ્રાણી જતું રહેશે. એટલે ત્યાં જ બેસી રહેવાનો નિર્ણય કર્યો. સહેજ વાર પછી ફરીથી ઝાડમાંથી ઠક ઠક અવાજ આવ્યો અને મારા માથા ઉપર કંઈક લાકડાના છીણ જેવું પડવા લાગ્યું. એટલે તરત મેં સીધુ જ મારી ઉપર જોયું તો મારી બરોબર ઉપર ઝાડની એક ડાળી હતી એમાં કોઈ પક્ષી પોતાની જાડી ચાંચથી લાકડાને ખોતરી રહ્યું હતું. નાનપણમાં આ પક્ષી વિશે સાંભળ્યું હતું એટલે તરત જ યાદ આવ્યું કે આ તો લક્કડખોદ લાગે છે. પહેલી વખત આ પક્ષી અને એની કરામતને આટલું નજીકથી જોવાનો લ્હાવો મળ્યો હતો. વળી અલગ અલગ ડાળીઓ ઉપર અનેક બખોલ હતી તેની તરફ ધ્યાનથી જોયું તો એક બખોલમાં પોપટભાઈ પરિવાર સાથે રહેતા હતાં, તો વળી બીજી બખોલમાં ખિસકોલી બહેન તેમના પરિવાર સાથે રહેતા હતા. ઝાડમાં અન્ય પક્ષીઓનાં એક બે માળા પણ દેખાતા હતાં. આ બધું ધ્યાનથી નિહાળવામાં હું તો એકદમ મગ્ન થઈ ગઈ હતી. એટલામાં મારો એક હાથ જમીન પર અડેલો હતો, તેને કંઈક સ્પર્શ થતું હોય એવો અહેસાસ થતો હતો. મને લાગ્યું જરૂર આ ખિસકોલી કે ઉંદર કે પછી બીજું કોઈ પક્ષી કે પ્રાણી હશે, એટલે મારે એકદમ ઝડપથી માથું ફેરવીને જોવાના બદલે ધીમે-ધીમે તે ડરી ના જાય તેવી રીતે એ બાજુ જોવું જોઈએ. ધીમે ધીમે મેં એ તરફ જોયું તો એક ખુબ જ સુંદર પ્રાણી બે પગથી ઊંચું થઈને મારા હાથને અને મારા ખભાને સ્પર્શ કરીને સહેજ દૂર ભાગી જતું હતું. અને થોડે દૂર ઊભા રહીને એવા જ બીજા ચાર-પાંચ પ્રાણીઓ આ બધું જોઈ રહ્યા હતા. અને મેં સહેજ પણ ડર્યા વગર એ પ્રાણી જે કરી રહ્યું હતું એમ જ એને કરવા દીધું. ધ્યાનથી જોતા મને સમજાયું કે મારી નજીક જે પ્રાણી છે, તે પરિવારનું મુખિયા હતું અને બાકી બધા તેમના પરિવારના અન્ય સભ્યો હતા. ઘણું વિચાર્યા પછી ટીવીમાં પ્રાણીઓની ચેનલ ઉપર આ પ્રાણીને જોયું હતું એવું યાદ આવ્યું. નામ તો તેમ છતાં યાદ ન જ આવ્યું, પણ વિચાર્યું કે ઘરે જઈ ને ઇન્ટરનેટ પર જોઈ લઈશ. થોડી વાર સુધી એ પ્રાણી એ ખૂબ જ આતુરતાથી મારું નિરીક્ષણ કર્યું અને નિરીક્ષણ પૂરું કર્યા બાદ તેના પરિવાર સાથે ફરીથી અંદર ઝાડીઓમાં જતું રહ્યું. આ બધું જોવામાં ઘણો સમય જતો રહ્યો હોવાથી મેં ઘર તરફ પાછું જવાનું નક્કી કર્યું.
મિત્રો, આ એ જ રસ્તો હતો કે જે રસ્તા ઉપર હું લગભગ છેલ્લા 10 વર્ષોથી જતી હતી પણ આટલો સુંદર નજારો મેં ક્યારેય જોયો નહોતો. લાગે છે કદાચ એમાં પણ આપણાં માણસોનો જ વાંક હશે. જ્યાં જુઓ ત્યાં વાહનો લઇને નીકળી પડતા હોઈએ છીએ એટલે તેના અવાજના અને ધુમાડાના પ્રદૂષણને કારણે આવા અનેક નાના-મોટા જીવો અને કુદરતની અનેક સુંદર રચનાઓથી આપણે વંચિત રહી જતા હોઇએ છીએ. પેલા પોપટનો પરિવાર, ખિસકોલીનો પરિવાર, પેલા સુંદર પ્રાણીનો પરિવાર અને આવા જ બીજા અનેકો પરિવાર મારા ઘરથી આટલા નજીક વસવાટ કરતા હશે એનો મને સ્વપ્નેય ખયાલ નહોતો. ઘરે પહોંચીને સૌથી પહેલાં જ મેં ઈન્ટરનેટ ઉપર પેલા પ્રાણી વિશે ચેક કર્યું તો ખબર પડી કે એ નોળિયો હતો. લોકડાઉનના પહેલા બે તબક્કા મેં ખુબ જ દુઃખી થઈને વિતાવ્યા હતા. દુખી એટલા માટે કે મોબાઇલ ફોન અને ઈન્ટરનેટના જમાનામાં લાખો અને હજારો કિલોમીટર દૂર રહેલા વ્યક્તિની સાથે તો આપણે તરત સંપર્ક સાધી શકીએ છીએ પણ આપણી સામે જ હાજર રહેલા વ્યક્તિ સાથે બે ઘડી વાત કરવા માટે પણ આપણને નવરાશ રહેતી નથી. ઘરના દરેક સભ્યો પોત પોતાનું રોજિંદું કામ પતાવીને એકસાથે તો બેસતા હતા પણ માત્ર બધાના શરીર જ એકબીજાની સાથે હતા. બાકી બધાના મગજ તો કંઈક અલગ અલગ દિશાઓમાં જ વ્યસ્ત હતા. પણ આ લોકડાઉનનો ત્રીજો તબક્કો મારા જીવનમાં આટલી સુંદર સવાર લઈને આવશે એની મને આશા જ નહોતી. પછી તો બીજા દિવસે હું એ બધા પક્ષીઓ અને પ્રાણીઓ સાથે મિત્રતા કરવા માટે મારા ઘરેથી થોડુંક ચણ અને નોળિયા માટે થોડું ભોજન લઈને ગઈ હતી. અને માટીનું એક જૂનું પડેલું વાસણ પણ લઈ ગઈ હતી, જેમાં પાણી ભરીને પેલા ઝાડ નીચે જ મૂકી દીધું. અને એ ઝાડ નીચે જ પક્ષીઓ માટે ચણ અને નોળિયા માટે માત્ર શાકાહારી ખોરાક એટલેકે રોટલી જ લઈ ગઈ હતી તે બધું જ મૂકી દીધું. જમવાનું અને પાણી ત્યાં જ મૂકીને હું મંદિર તરફ આગળ ચાલવા લાગી. મને ખબર હતી કે પક્ષીઓ અને પ્રાણીઓ ખાવા-પીવાની બાબતમાં થોડા શરમાળ હોય છે, એટલે આપણી સામે કદાચ એ ખાવાનું પસંદ ના કરે. મંદિરે જઈને જોયું તો જે શિવાલય હંમેશા ભક્તોની ભીડથી ભરેલું રહેતું હતું તે આજે સાવ સુમસામ ખંડેર જેવું લાગતું હતું. પછી મને લાગ્યું કે આમ તો ભગવાનને લોકો લોટી ભરી ભરીને ભગવાન થાકી ગયા હોય તો પણ પીવડાવ્યા જ કરે છે અને ભગવાન ઘરાઈ ગયા હોય તો પણ દૂધ પીવડાવ્યા જ કરે છે તો હમણાંથી તો કોઈ આવ્યું નથી એટલે હું જ થોડું પાણી આપી દવ ભગવાનને. તેથી મંદિરના આંગણમાં પાણી ભરવા ગઈ ત્યાં વાંદરાનું એક સાવ નાનું બચ્ચું તેની મમ્મીની પૂંછડીથી રમી રહ્યું હતું. તે સાવ નિખાલસ અને સાવ માસુમ લાગતું હતું. મિત્રો, બાળક આપણું હોય કે બીજા કોઈ જીવવું પણ બાળક તો હંમેશા ખૂબ વ્હાલું જ લાગે. એટલે એની મસ્તીમાં ખલેલ ના પહોંચે તેથી મેં વિચાર્યું કે ભગવાન પાસે તો બધો જ ભંડાર છે એટલે એમની જ આપેલી વસ્તુ માંથી આપણે એમને કંઈ નહીં આપીએ, તો એ કંઈ ભૂખ્યા નહીં રહી જાય. પછી મેં મંદિરની પ્રદક્ષિણા કરવાનો ચાલુ કર્યું તો મંદિરના પાછળના ભાગે પૂજારીજી મંદિરના ફળિયામાં વાવેલા વ્રુક્ષો માંથી અમુક ડાળીઓ અને થોડા ઘણા ફળો તોડીને નીલ ગાયના ટોળાંને ખવડાવતા હતા. અને થોડે દૂર જ એક નર નીલ ગાય ઉભા રહીને તેના પરિવારનું ધ્યાન રાખી રહી હતી. બાજુમાં જ થોડા મોર અને ઢેલ પણ પોપટ, કાબર, કબુતર, હોલા જેવા અનેક પક્ષીઓ સાથે ચણ ચણી રહ્યા હતા. પછી પુજારીજી અંદર આવ્યા એટલે મેં સહજતાથી તેમને પૂછ્યું કે શું આ બધા પક્ષીઓ અને નીલગાય દરરોજ અહીંયા આવે છે? મેં તો પહેલા ક્યારેય તેમને જોયા નથી. પૂજારીજી હસીને જવાબ આપે છે, બેટા આ બધા રહે છે તો વર્ષોથી આપણી આજુબાજુ જ, પણ આપણે માણસો હંમેશા આગળ વધવાની હોડમાં અને કંઈક નવું કરવાની ભાવનાથી એવું બધું કરતા રહીએ છીએ કે કોઈને કોઈ રીતે પર્યાવરણને અને આપણા સિવાયના અન્ય જીવોને ખલેલ પહોંચે. હું જ્યારે આજથી પચાસ વર્ષ પહેલા અહીંયા આવ્યો, ત્યારે આ બધા પશુ-પક્ષીઓ હંમેશા અહીં મંદિરના આંગણમાં જ સંપીને રહેતા હતા. પણ જેમ જેમ શહેર વિકાસ પામ્યું અને છેક આ મંદિરથી નજીક સુધી માણસો વસવાટ કરવા લાગ્યા, ત્યારે તેમની અવરજવરથી, તેમના મકાનોના બાંધકામથી, તેમના વાહનોના પ્રદુષણથી, તેમજ બીજી અનેક રીતે તેઓ આ બધા પ્રાણીઓના જીવનને ખલેલ પહોંચાડવા લાગ્યા. તેથી ધીમે ધીમે આ બધાં પ્રાણીઓએ વન માંથી બહાર આવવાનું જ બંધ કરી દીધું હતું. પણ ઈશ્વર તો હંમેશા સૌને સમાન ન્યાય આપે છે. તેથી તેમણે કંઈક એવું કર્યું કે આપણે માણસો આજે પાંજરે પૂરાઈને રહેવા માટે મજબૂર થઈ ગયા છીએ અને આ બધા અબોલ પશુ પક્ષીઓને ફરીથી ઈશ્વરે આપેલી આ દુનિયામાં છુટથી અને કોઈપણ ભય વગર રહેવાનો અવસર મળ્યો.

મિત્રો, પૂજારીજીની આ વાત મારા મનને ખૂબ જ અંદર સુધી અસર કરી ગઇ અને મેં દ્રઢ નિશ્ચય કર્યો કે હું અને મારા પરિવારના દરેક સભ્યો આ વનની ફરતે દર થોડા થોડા અંતરે વન્યજીવોને પાણી પીવા માટે માટીના વાસણ મુકીશું અને દરરોજ તેમને ભોજન પણ આપીશું. સાથે જ પર્યાવરણને નુકસાન ના થાય તેથી જરૂર વગર વાહનનો ઉપયોગ નહીં કરીએ. અને દરેક મહિને કમ સે કમ એક વૃક્ષ તો જરૂર વાવીશું. મારી તો આપ સૌને પણ એ જ વિનંતી છે કે આવનારા પર્યાવરણ દિવસ નિમિત્તે તમે પણ તમારા જીવનમાં આપણા પર્યાવરણને તેમજ આપણી જ જેમ ઇશ્વરના બનાવેલા અન્ય જીવોને બચાવવા માટે કોઈને કોઈ સંકલ્પ જરૂર કરજો, જેથી ફરી ક્યારેય ઈશ્વરે આમ "પાંજરાની અદલાબદલી" નાં કરવી પડે.


- પૂર્વી 🧚



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED