A Story of a Song books and stories free download online pdf in Gujarati

એક ગીતની કહાની

મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. ક્યા બોલે મોર ક્યાં બોલે મારે ટોડલે બેઠો.. જ્યારે હું નાની હતી ત્યારે આ ગીતના બોલ મારા નાનીમાને અવારનવાર ગણ-ગણાવતા સાંભળ્યા હતા. વાત એમ છે કે આપણે સૌ આપણા બાળપણમાં જ્યારે સ્કૂલમાં વેકેશન પડે ત્યારે મામાના ત્યાં અથવા તો ફોઇ ને ત્યાં વેકેશન ની રજાઓ માણવા માટે જતા હોઇએ છીએ. જોકે હવે આ ટ્રેન્ડ લુપ્ત થવા જઇ રહ્યો છે. પણ સાચું કહું તો મારા માટે તો મામાના કે ફોઈના ત્યાં જેવું એ કાશ્મીર પ્રવાસ જેટલી જ ખુશી આપતું હતું. ખાવા-પીવાનું, ભાઈઓ બહેનો સાથે રમવાનું, મામા માસી ની કે પછી કાકા અને ફોઈની બાળપણની વાતો સાંભળવાની, અને રાત્રે સુતા પહેલા દાદીમા અથવા તો નાનીમા પાસેથી કહાની સાંભળવાની. મારા ફોઈ અને બે કાકા બધા શહેરોમાં રહેતા હતા. જ્યારે મારા મામા અને મારા નાનીમા એક ગામડામાં રહેતા હતા. તેથી વેકેશનમાં વધારે દિવસ તો હું મારા મામાના ઘરે જવાનું જ પસંદ કરતી હતી કારણ કે શહેરોમાં રહેતા લોકોને હંમેશા ગામડા પ્રત્યેક ખાસ આકર્ષણ રહે છે. ત્યાની શાંતિ, ત્યાંના લોકોનો પ્રેમ ભર્યો સ્વભાવ, આત્મીયતા, ગાયો ભેંસો, તળાવની પાળ, રાતના અંધકારમાં દેખાતા અઢળક તારાઓ કે જે શહેરોમાં ક્યારેય જોવા નથી મળતા. મારા નાનીમાં રસોડામાં હોય કે પછી બહાર ફળિયામાં ખાટલો ઢાળીને બેઠા હોય ત્યારે અનેકવાર તેમના મોઢે મેં પેલુ મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે એ ગીત સાંભળેલું. નાનપણમાં તો મેં તેમને ક્યારેય ટોડલે એટલે શું એવું સવાલ નહોતો કર્યો પણ થોડી મોટી થઇ પછી એ સવાલ મેં એમને પૂછ્યો હતો અને પછી એમણે મને જણાવ્યું હતું કે પહેલાના જમાનામા ઘરની બહાર લાકડાનું એક એવું ડિઝાઇન જેવું બનાવતા જેને ટોડલો કહેતા. પછી તેમણે મને તેમના મોર પ્રત્યેના ખાસ આકર્ષણ અને પ્રેમ વિશે જણાવતા તેમના બાળપણની અનેક વાતો કીધી હતી. તેમના કહેવા પ્રમાણે જ્યારે તેઓ નાના હતા એટલે કે દસ-બાર વર્ષના હતાં ત્યારે તેમના જમાનામાં વાહનોના નામ પર ભાગ્યે જ ક્યારેક ઘોડાગાડી જોવા મળતી એ પણ મોટા શહેરોમાં. ગામડામાં તો લોકો બળદગાડામાં અથવા તો પગપાળા જ પ્રવાસ કરે. તેથી પ્રદૂષણ તો સાવ નહીંવત બરાબર હતું. અને ગામડામાં ખૂબ જ વૃક્ષો અને ફૂલ છોડ જોવા મળતા. અને ખાસ કરીને એમના ઘરમાં ઘરની આગળ અને પાછળ એમ બંને બાજુએ ખૂબ મોટું ફળિયું હતું. ફળિયામાં બંને બાજુએ નાના-મોટા અનેક ફૂલોના છોડ અને લીમડો, પીપળો, વડ, આંબો એવા વૃક્ષો વાવેલા હતા. જેમાં ખૂબ જ પક્ષીઓ સવાર-સાંજ આવતા અને ફળીયામાં તેમના માટે જે ચણ નાખ્યું હોય તે ચણતા અને ખૂબ જ મીઠા અવાજો કરતા. તે ફળિયામાં આ બધા પક્ષીઓ સીવાય દરરોજ ત્રણ-ચાર મોર અને બે-ત્રણ ઢેલ પણ ચણ ચણવા આવતા. એ મોર તો તેમના એટલા હેવાયા થઇ ગયા હતા કે મારા નાનીમા જ્યાં બેઠા હોય તેની બાજુમાં આવીને ઉભા રહી જતા, અવાજો કરતા, અને ઘણીવાર તો મારા નાની માને ચાંચ અડાળીને ગલી ગલી પણ કરતા. ચોમાસામાં તો એ બધા મોર તેમના ફળિયામાં જ કળા કરીને મન મૂકીને નાચતા. આવું દ્રશ્ય કોને ના ગમે? પછી નાનીમા કહે છે કે એક દિવસ તેઓ ફળિયામાં બધા વૃક્ષોને અને છોડને પાણી આપવા જતા હોય છે તો તેમની નજર એક ઢેલ ઉપર જાય છે. ખૂણામાં આંબાના ઝાડની નીચે થોડું ઘણું ઘાસ ઉગ્યું હોય છે તેની વચ્ચે એક ઢેલ સંતાઈને બેઠી હોય છે. પહેલા તો તેમને લાગે છે કે કદાચ તે ઘાયલ હશે એટલે ત્યાંથી હલતી નથી. પછી મારા નાનીમા તેનાં વિશે તેમના મમ્મીને જણાવે છે અને તેઓ બહાર જોવા આવે છે તો તે જુએ છે કે ઢેલ માટીમાં થોડો ખાડો કરીને પછી બેઠી છે. એટલે તે સમજી જાય છે કે જરૂર ત્યાં તેણે પોતાના ઇંડા મૂક્યા છે અને તેને સેવવા માટે તે બેઠી છે. પછી તેઓ મારા નાનીમાને જણાવે છે કે અહીંયા તો ઢેલના ઈંડા છે અને થોડા દિવસમાં તેની અંદરથી નાના બચ્ચા બહાર નીકળશે. જ્યાં સુધી બચ્ચા બહાર આવવાનો સમય નહીં થઈ જાય ત્યાં સુધી એ ઢેલ ત્યાંથી ઊભી નહીં થાય. આ વાત સાંભળીને તો મારા નાનીમાની ખુશીનો પાર રહેતો નથી. અને ખુશી કેમ ના થાય આપણા ઘરે જ મોર જેવા સુંદર પક્ષી ના બચ્ચા આવવાના હોય તો કેટલી ખુશી થાય. અરે આપણે તો કબુતર , કે હોલા , ચકલી કે પછી કાબર ના બચ્ચા હોય તો પણ જોઇને ખુશ થતા હોઈએ છીએ. તે દિવસથી લઈને રોજ મારા નાનીમા ઢેલને ખાવા માટે તેની નજીક જઈ ને થોડું ચણ નાખતા અને તેને પીવા માટે એક માટીના વાસણમાં પાણી પણ તેની નજીક રાખ્યું હતું. થોડા દિવસો પછી પાંચ બચ્ચા જન્મ લે છે અને તેમના ફળિયામાં એ બચાઓ તેની માતા ની પાછળ પાછળ ફરતા હોય છે. મારા નાની માં આ બધું જોઈને ખૂબ જ ખુશ હતા. થોડા દિવસો પછી બચ્ચાં પણ જાતે ચણ ચણવા લાગ્યા. જેમ આપણા બાળકો નાદાન અને નટખટ હોય તેવી જ રીતે પશુ પક્ષીઓ ના બચ્ચા પણ બાળપણમાં એટલાં જ નાદાન અને નટખટ હોય. ઢેલના એ પાંચેય બચ્ચા દરરોજ મારા નાનીમાના ઘરની અંદર જાય અને જાણે એ તેમનું જ ઘર હોય તેમ આમ તેમ બધે ફરતા અને ઘણીવાર તો સંતાઈ પણ જતા. મારા નાનીમા તેમને શોધવા જાય અને તે બધા ક્યાંક ખૂણામાં જઈને કોઈ વસ્તુ ની પાછળ જઈને સંતાઈ જતાં. મારા નાનીમા અને બચ્ચાઓની મિત્રતા એટલી બધી ગાઢ થઈ ગઈ હતી કે એક દિવસ જ્યારે ઢેલની સાથે તેના બચ્ચાઓ વગડામાં કે ખેતરમાં જતા રહે છે અને પાછા નથી ફરતા તો મારા નાનીમા ખૂબ જ દુઃખી થાય છે અને તેઓ કંઈ ખાતા-પીતા પણ નથી અને તેમના વિરહમાં સાવ બીમાર થઈ જાય છે. લગભગ આઠેક દિવસ પછી પાંચમાંથી ત્રણ બચ્ચાં તેની જાતે જ ઉડી ને મારા નાનીમાના ઘરે આવે છે અને તેમના બાળપણની યાદો તાજી કરવા તેઓ ઘરમાં અંદર જાય છે અને સંતાઈ પણ જાય છે. સંતાઈને અલગ અલગ અવાજો કરતા હોય છે. મારા નાનીમાને ખબર પડી જાય છે કે આ તો તેમના મિત્રો પાછા આવી ગયા અને તેઓ હરખથી દોડીને તેમને શોધવા જાય છે. પહેલા તો પાંચમાંથી ત્રણ જ આવ્યા હોય છે તેનું તેમને દુઃખ થાય છે પણ પછી કોઈના ના હોવા કરતા ત્રણ તો આવ્યા તેમ વિચારીને તેઓ એમની સાથે રમવા લાગે છે. એ ત્રણે બચ્ચાઓ માંથી બે મોર હોય છે અને એક ઢેલ હોય છે. તે બંને મોર અને ઢેલ મારા નાનીમાના લગ્ન થયા ત્યાં સુધી એ જ ઘરમાં રહેતા હતા અને લગ્ન પછી પણ મારા નાનીમાએ તેમના સાસરીવાળા ની પરવાનગી લઈને એ મોર અને ઢેલ ને તેઓ પોતાના સાસરે લઇ ગયા હતા. પણ તેમનો જીવનકાળ આપણા કરતા થોડો નાનો હોય એટલે એક એક કરતાં એ બધા મરી ગયા અને મારા નાનીમા પણ થોડો સમય એમનાં વિરહમાં રહ્યા અને પછી એમનો ઘર સંસાર સંભાળવામાં લાગી ગયા. અનેક વર્ષો પછી જ્યારે સિનેમા જગત ની બોલબાલા વધી અને ગુજરાતી સિનેમા માં આ ગીત આવ્યું અને મારા નાનીમાએ કોઇના મોઢે થી પેલું ગીત એટલે કે 'મારા ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે' એ સાંભળ્યું અને એ ગીત તેમના મનમાં ઘર કરી ગયું. એમને હંમેશાથી મોર અને ઢેલ સાથે આટલો લગાવ હતો તેથી આ ગીતને તેઓ પોતાના મનમાંથી નીકાળી ન શક્યાં અને નવરાશની પળોમાં વારંવાર તે ગીત તેમના મોઢેથી સાંભળવા મળી જતું.

✍🏻 પૂર્વી 🧚🏻‍♀️

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED