સવાઈ માતા - ભાગ 20 Alpa Bhatt Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

સવાઈ માતા - ભાગ 20

નવલકથા : સવાઈ માતા (ભાગ - ૨૦)

સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા

તારીખ : ૨૭-૦૪-૨૦૨૩


રમીલા તેનાં માતા - પિતા સાથે ગાડી સુધી પહોંચી. બેયને પાછળની સીટમાં બેસાડી દરવાજો બંધ કરી પોતે ડ્રાઈવિંગ સીટ સંભાળી. બેય બાળકો મેઘનાબહેન સાથે પાણીની બોટલ ઉંચકીને ગાડી પાસે આવ્યાં અને ક્યાં બેસવું એ જ વિચારતાં હતાં ત્યાં જ મેઘનાબહેને ડ્રાઈવિંગ સીટની બીજી તરફનો દરવાજો ખોલી સમુને અંદર જવા ઈશારો કર્યો.


સમુની આંખો તો રમીલાને ડ્રાઈવિંગ સીટ ઉપર જોઈ ચમકી ઊઠી અને તે બોલી, "તે બુન, તન તો ગાડી ચલાવતાય આવડે. મનેય હીખવાડને."


રમીલા સ્મિત આપતાં બોલી, "હા, થોડી મોટી થઈ જા પછી શીખવાડી દઈશ, બરાબર ને મોટી મા?"


મેઘનાબહેન મનુને ગાડીમાં વચ્ચેની સીટમાં બેસવાનો ઈશારો કરતાં બોલ્યાં, "હા વળી, આવતા વર્ષે સ્કૂટર ચલાવતા શીખી જા અને કોલેજમાં આવે પછી ગાડી."


રમીલાએ તેમની વાત ઉપર હકારમાં માથું ધૂણાવ્યું, પોતાનો અને સમુનો સીટબેલ્ટ બાંધ્યો અને ગાડીનું એરકન્ડીશનર ચાલુ કરી સેન્ટ્રલ લોક લગાવ્યું. હળવેકથી ગાડી કમ્પાઉન્ડમાંથી મુખ્ય રસ્તા ઉપર લીધી જે તરફ ન્યુ વે ક્લોધિંગ શોપ હતી.


" માહી, બુન તો મસ્ત ગાડી ચલાવે છે. મઝા પડી ગૈ. ઉં બી હીખીશ.", મનુ બોલ્યો.


મેઘનાબહેન હસીને બોલ્યાં, "હા, હા, તું ય શીખજે,પણ પહેલાં ભણવાનું."


પાછળની સીટમાં બેઠેલું દંપતિ પોતાનાં બાળકોની ગાડી શીખવાની ઈચ્છાથી મલકી રહ્યું. માતાને તેનાં દૂર રહેલાં, મજૂરી કરતાં બાળકો, માતી, મેઘો અને પારવતી યાદ આવી ગયાં. તેમાંય મેઘો અને પારવતીને તો બાળકો પણ હતાં. તે ય પોતપોતાનાં માતાપિતાની મજૂરીની જગ્યાએ ધૂળમાં રમી લૂખુંસૂકું ખાઈ રહેતાં. અહીં, તેમની માસીની આટલી મોટી પ્રગતિથી બિલકુલ અજાણ એવાં એવું માનતાં કે એક પરી જેવી તેમની માસી પણ છે. સુવિધાઓથી વંચિત પોતાનાં બાળકોને યાદ કરતાં મા ની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં.


તે પરણીને આવી ત્યારથી પતિ ગરીબ, નિરક્ષર અને સ્વભાવે જડ હતો, પણ દીકરીનાં સતત દૂર રહેવાથી આટલાં વર્ષોમાં વધુને વધુ લાગણીશીલ થતો ગયો હતો. તે પત્નીની પીડા તેની આંખોમાં ઝળકી રહેલાં આંસુમાં જ પામી ગયો અને સાંત્વના આપતો બોલ્યો, "ચિંતા હું કામ કરે? આ રમુની જેમ જ ધીરે ધીરે બધ્ધાંય સોકરાં મઝેના કામે લાગી જહે."


તેની સહજતાથી કહેવાયેલી વાતને મેઘનાબહેને અનુમોદન આપ્યું, "હા, હા, જોજો ને, એકાદ વર્ષમાં તો તમારાં બધાંય બાળકોની જીંદગીમાં ફેરફાર આવી જશે."


તેમણે પાણીની બોટલ તેમની સીટ તરફ ધરી. રમીલાનાં પિતાએ તે લઈ પોતાની પત્નીને આપી. તેણે થોડું પાણી પી, મોં અને આંખો સાડીનાં પાલવથી લૂછ્યાં અને મનમાં બાળકોની પ્રગતિ જોઈ રહી હોય તેમ મીઠું મલકાઈ ઊઠી. આખાંય રસ્તે હળવી વાતો ચાલતી રહી. જેવું ન્યૂ વે ક્લોધિંગ શોપનું હોર્ડિંગ દેખાયું રમીલાએ ગાડી તેનાં પાર્કિંગ તરફ વાળી. પાર્કિંગ બેઝમેન્ટમાં હોવાથી તેણે ગાડીની ઝડપ ઓછી કરી બ્રેક ઉપર પૂરતો કન્ટ્રોલ રાખી આખાંયે વર્તુળાકાર રસ્તે ગાડી હાંકી. પહેલાં તો સમુને લાગ્યું કે જાણે ચગડોળમાં બેઠી છે.


જેવી રમીલાએ ગાડીને હારબંધ ઉભેલી ગાડીઓની સાથે પાર્ક કરી, તે રમીલાને વળગી પડી, "બુન, તું તો હું ગાડી ચલાવે સ! ડર તો લાયગો પણ મજા પડી ગૈ."


રમીલાએ તેનો ડાબો હાથ સમુનાં માથે પસવારતાં, જમણાં હાથે ગાડીનું સેન્ટ્રલ લોક ખોલ્યું. મોબાઈલ ફોન અને પર્સ લઈ તે નીચે ઉતરી. બધાં નીચે ઉતર્યાં બાદ તેણે દરવાજા ચકાસ્યા અને ગાડી લોક કરી. ત્યાં સુધીમાં મેઘનાબહેન અને તેમની જોડાજોડ ચાલતો મનુ લીફ્ટ સુધી પહોંચી ગયાં હતાં. મેઘનાબહેને તેને લીફ્ટની જમણી બાજુનું બટન દબાવવા કહ્યું. મનુએ હોંશમાં ત્રણેક વખત બટન દબાવી દીધું.


એકાદ મિનિટમાં લિફ્ટ આવી ગઈ. અંદરથી ઉતરનાર કોઈ હતાં નહીં એટલે બરાબર ખીલેલો મનુ ઝડપથી લીફ્ટમાં જતો રહ્યો. તેની પાછળ સમુ, મેઘનાબહેન, રમીલા અને તેનાં માતા-પિતા પણ પ્રવેશ્યાં. લીફ્ટની પાછળની દિવાલે મોટો અરીસો હતો તે જોઈ મનુ અને સમુની આંખો પોતપોતાને નિહાળી રહી. આટલો મોટો અરીસો તો તેમણે ક્યાંય જોયો નહોતો. રમીલાએ સમુની આંગળી પકડી લીફ્ટનાં ટચ પેડનાં એક નંબર ઉપર દબાવી. તે વધુ મલકી ઊઠી.


પહેલા માળ ઉપર જેવી લીફ્ટ ખૂલી કે સમુ બહાર નીકળી અને સામે કાચનાં શો કેઈસમાં રાખેલ મેનીક્વીનની હાર ઉપર પહેરાવાયેલાં તેની ઉંમરની કિશોરીઓને શોભે તેવાં સુંદર વસ્ત્રો જોઈ હરખાઈને મા ને વળગીને બોલી, "ઓ માડી, આંયથી લૂગડાં લેવાનાં સ! આવાં તો મેં જોયાં ય નથ. કેટલાં મોંઘા અહે?"


મા એ જવાબ વાળ્યો, "જો, આ મોટાંબુને તાર બુનની પાછળ મે'નત કરીન એને ભણાઈ, રમુડીય તે લગનથી ભણી એટલે આપણે બધાંયને આવો હારો દિ દેખવા મયલો. આજ તું કપડાં લેઈ લે. પસી બોવ ભણીન તારાં મોટા ભઈબુનનાં સોકરાંનેય આંય લય આવજે. ઈયે તો જુવે આવું હારું હારું ને પેરે આવું મજાનું."


ત્યાં જ પિતા બોલ્યો, "તાર મા હાચું જ કેય સે. અવ તમારેય તે હારું ભણવું પડહે તો જ મોટાંબુન તમાર માટ નવી નવી ચીજો લેહે."


મનુ સામેથી જ બોલ્યો," એ હા બાપુ, ઉં તો બોવ જ મે'નત કરા. ની આવડે તો વારેવારે પેલા ભઈને ને આ માહીને પૂછા, પણ રમુબુન જેવું રીજલ લાવા."


પિતાએ તેનાં વાળમાં હેતની પોતાનાં આંગળાં ફેરવ્યાં.


રમીલા અને મેઘનાબહેન તેમની વાત સાંભળતાં મલકાતાં તેમની પાછળ ચાલી રહ્યાં. જેવો શોરૂમમાં પ્રવેશવાનો દરવાજો આવ્યો તેમને મેટલ ડિરેક્ટરથી ચેક કરાયાં. આ વખતે રમીલાની માતાએ પોતાનાં પતિને સમજાવ્યો," બીતા નય. આ તો કોય કાંઈ ચપ્પુ કે બંધુક એવું લયને અંદર ના પોંચી જાય ને, એટલે જ તપાસ કરે સ."


બેય એકમેક સામું જોઈ મલક્યાં અને અંદર પ્રવેશ્યાં. મેઘનાબહેન સાથે કાંઈ સંતલસ કર્યાં પછી રમીલા સમુને લઈને મીડી ફ્રોકનાં વિભાગ તરફ ગઈ. ત્યાંથી સમુનાં માપના ત્રણેક કપડાં ઉઠાવી તેને લઈ ટ્રાયલ રૂમ તરફ ગઈ. ટ્રાયલ લેવડાવી તેમાંથી બે મીડી પસંદ કરી. ત્યાં સુધીમાં મેઘનાબહેને સમુના માપ પ્રમાણે થોડાં ટોપ કઢાવી રાખ્યાં હતાં. તેની પણ ટ્રાયલ થઈ અને તેમાંથી ચાર પસંદ કરાયાં. હવે સમુ માટે સ્કર્ટ અને પેન્ટ લેવાયાં. સમુ પોતાનાં ખરીદાયેલાં કપડાં અને રમીલાએ પહેરેલાં કપડાં તરફ વારાફરતી જોયા કરતી હતી.


તેને નિહાળતો મનુ બોલ્યો, "ઓય સમુડી, તાર કપડાં તો રમુબુનનાં કપડાં જેવાં જ પોચાં પોચાં અન રંગીન છે."


વળતા જવાબે સમુ મલકી ઊઠી. આખી જીંદગીમાં તેનાં માતા પિતા બધાંયનાં મળીનેય આટલાં બધાં કપડાં ખરીદી શક્યાં નહતાં.


ક્રમશ:


મિત્રો,


વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.


ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻


આભાર 🙏🏻