Leave the mobile chase, run for studies. books and stories free download online pdf in Gujarati

મોબાઈલનો પીછો છોડો, અભ્યાસ માટે દોડો.

મોબાઇલનો પીછો છોડો, અભ્યાસ માટે દોડો.


નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? ઘણાં બધાં બાળકોને પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હશે, કેટલાંક બાળકોને પરીક્ષા ચાલુ હશે તો હજુ ઘણાં બાળકોને પરીક્ષા શરૂ જ થઈ નહીં હોય. આ પરીક્ષાના સમયમાં ખાસ અને એ પછી તમારે મોબાઇલની મૈત્રીથી કેવી રીતે દૂર રહેવું? તે માટેની યુક્તિ લઈને આવી છું. કારણકે તમે સૌ સારી રીતે જાણો છો કે, મોબાઈલ તમારાં અભ્યાસમાં કેવી રીતે અવરોધરૂપ બની તમારો સમય વેડફે છે! તમે ઈચ્છવા છતાં પણ મોબાઈલ છોડી શકતાં નથી. તો છો ને તૈયાર? તમારે મોબાઇલની મૈત્રી છોડવી છે ને ?


અભ્યાસમાં અવરોધ રૂપ મોબાઈલ :


હા, બાળકો. પહેલાં મોબાઈલ અભ્યાસમાં કેટલું નુકશાન કરે છે સાથે સાથે તન અને મનનું સ્વાસ્થય પણ જોખમાય છે. આ મોબાઇલનો વધારે પડતો ઉપયોગ પ્રથમ તો તમારો વધારે પડતો સમય આ મોબાઈલ ખાઈ જાય છે. તમે આળસુ બની જાઓ છો. મોબાઈલ તમને રોગીષ્ટ બનાવે છે. નાની ઉંમરે જ વધારે વજન અને ડાયાબીટીશ જેવાં રોગોને નોતરે છે. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ તમારી આંખોને લાંબાગાળે ખૂબ જ નુકશાન પહોંચાડી રંગઅંધતાની ખામી એટલે કે તમે એક સમયે કોઈ રંગોને ઓળખી શકતાં નથી ફક્ત ધોળું કાળું જ દેખાય. ભગવાને આપણને આટલી કિંમતી આંખો આપી છે તો તેનું રક્ષણ કરીએ.


આઉટડોર ગેમ્સ :

હવે બહાર ખુલ્લાં મેદાનોમાં અને ખેતરોમાં રમવા જાઓ. ક્રિકેટ, ફૂલરેકેટ, કબડ્ડી, ખો ખો, પકડદાવ, સંતાકૂકડી, સતોડિયું,,,, ઓહો હો હો!!!! કેટલી બધી મજાની રમતો છે ! આવી રમતો રમવાથી તમારો વ્યક્તિત્વ વિકાસ થાય છે અને તમે સંપૂર્ણ સ્વસ્થતા મેળવો છો.


પ્રકૃતિ સાથે પ્રેમ :

પ્રકૃતિને પ્રેમ કરો. સવારે વહેલાં ઊઠીને ઝાડ પાન સાથે વાતો કરો અને અનુભવો કે તમારી વાત કરવાથી વૃક્ષો કેટલાં ખુશ ખુશ થઈ જાય છે. તમને જવાબ આપવા માટે આતુર ! કુમળાં સૂર્યનાં કિરણોને શરીર પર ઝીલો. ઠંડો ઠંડો પવન અનુભવો. પ્રાણીઓ અને પંખીઓને સાચવો. નદી કિનારે જઈને પાણી સાથે રમો. ખુલ્લાં ખેતરોમાં ચાલો. માટી સાથે રમો અને માટીનાં રમકડાં બનાવો. બાગકામ કરો. ફૂલ છોડને પાણી આપો.


પુસ્તકાલયમાં જાઓ :

દર અઠવાડિયે શનિ રવિ પુસ્તકાલયમાં જાઓ. ત્યાં અવનવાં પુસ્તકો જુવો અને વાંચો. એ સિવાય ત્યાં ઘણાં બધાં બાળ મેગેઝિન અને તમામ વર્તમાનપત્રો આવે છે તે વાંચો. તમારાં ઘરે કદાચ નાનું પુસ્તકાલય હશે અને વર્તમાનપત્ર પણ આવતું જ હશે પરંતુ પુસ્તકાલયમાં જવાથી બધાં જ પ્રકારનાં પુસ્તકો, મેગેઝીનો અને વર્તમાન પેપરો તમને વાંચવા અને જોવા મળશે. પુસ્તકાલય એક વાર અચૂક જઈ આવો. તમને વારંવાર જવું ગમશે. ત્યાંના શાંત વાતાવરણમાં બેસીને ઘણાં બાળકો પરીક્ષાની તૈયારી માટે પણ આવે છે. આખો દિવસ કોઈપણ પ્રકારનાં ખલેલ વિના વાંચવું હોય તો પુસ્તકાલય જેવી મજા બીજે ક્યાંય નથી!


ઘરકામમાં મદદ :

તમારાં મમ્મી પપ્પાને ઘરકામમાં મદદ કરો. તમારો રૂમ અને કબાટ તમારી જાતે જ સાફ રાખો. ઘરમાં પડેલી વસ્તુઓને યોગ્ય જગ્યાએ મૂકવાનો આગ્રહ રાખો અને તે માટે તમે મમ્મીને મદદ પણ કરો. વેકેશનમાં કે રજાના દિવસોમાં ઘરમાં ઝાડુ પોતા મારો. મમ્મીને રસોઈકામમાં મદદ કરો. પપ્પાને તેમની કાર કે વ્હિકલ સફાઈ માટે મદદ કરો. ઘરમાં ઘરડાં દાદા બા હોય તો તેમને પણ મદદ કરો. દાદા બા સાથે મંદિરે જાઓ. દાદા બા ને દવા લઈ આપો. દાદા બા પાસેથી વાર્તાઓ સાંભળો અને પહેલાંના જમાનાની વાતો જાણો.


સંગીતની સોબત સારી :

સંગીતને માણો. મનપસંદ સંગીત સાંભળો. સંગીતના સાધનો જેવાકે, હાર્મોનિયમ, વાંસળી, સિતાર, તબલાં કે ઢોલક જેવાં સાધનો વગાડતાં શીખો. સંગીત શીખવા માટેના ગાયન અને વાદન માટેના શાસ્ત્રીય સંગીતના ક્લાસમાં જોડાઓ. સંગીતથી મન હળવું થાય છે. મગજ ફ્રેશ થાય છે. " સંગીત હૈ શક્તિ ઇશ્વરકી ; હર સ્વરમે બસે હૈ રામ, રાગી જો સુનાએ રાગીન તો રોગી કો મિલે આરામ. "

જોયું ને બાળકો, મોબાઇલની જગ્યાએ કેટલાં બધાં વિકાસ માટેના સ્તોત્રો છે? જે તમને સાચો આનંદ આપે છે. ઉપર આપેલાં જે વિધાનો છે તે સિવાય ઘણાં બધાં છે જે મોબાઇલની જગ્યાએ આપણો સર્વાંગી વિકાસ કરે છે. તો તૈયાર છો ને ? મોબાઈલની મૈત્રી, મોબાઇલની લત છોડાવવા અને મોબાઇલનું વ્યસન છોડવા ?
બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED