પ્રણય પરિણય - ભાગ 34 M. Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણય પરિણય - ભાગ 34

પાછલા પ્રકરણનો સાર:


વિવાને બતાવેલા વિડિયોનાં ડરથી ગઝલ લગ્ન માટે તૈયાર થઇ જાય છે. રઘુએ સાધેલા વકીલ અને રજીસ્ટ્રાર તે બંનેના લગ્ન કરાવી આપે છે. લગ્ન પછી ગઝલ તેના ભાઈ ભાભી અને મલ્હારને યાદ કરીને ખૂબજ રડી રહી હતી, એ જોઈને વિવાન ખૂબ દુઃખી હતો. તેણે ગઝલને સમજાવવાની કોશિશ કરી કે મલ્હાર તારા લાયક નથી પણ એનાથી ગઝલ વધુ ભડકી. વિવાનની દશા ખરાબ હતી, સમય આવ્યે બધુ ઠીક થઇ જશે કહીને રઘુએ તેને હિંમત બંધાવી.

આ બાજુ મહેતા અંકલ મલ્હાર વિશે ઘણી બધી ચોંકાવનારી વિગતો લઇ આવે છે. મલ્હાર વિષે એ બધુ જાણીને મિહિર અને કૃપા વિચારે છે કે સારુ થયુ એ લગ્ન ના થયા.

વિવાન હેલિકોપ્ટર દ્વારા મુંબઈ જવાનો પ્લાન બનાવે છે પણ ગઝલ ડરના માર્યા તેમા બેસવાની ના પાડી દે છે. છેવટે વિવાન તેને જબરદસ્તી ઉઠાવીને હેલિકોપ્ટરમાં બેસાડી દે છે.


હવે આગળ..


પ્રણય પરિણય ભાગ ૩૪


થોડીવાર સુધી નીચેનો નજારો જોયા પછી ગઝલએ વિવાનની સામે જોયુ. તે ગઝલની કમર ફરતે હાથ વીંટાળીને તેને ચીટકીને બેઠો હતો.


'શું છે આ?' ગઝલએ તેને પૂછ્યું.


'ક્યાં, શું?'


'એડવાન્ટેજ લો છો?'


'તુ જ તો ચીપકી ગઈ હતી મને પછી હું એવો મોકો શું કામ છોડું?' વિવાન મસ્તીભર્યુ હસતાં બોલ્યો.


'દૂર હટો.. દુષ્ટ માણસ ક્યાંના..' કહીને ગઝલ પોતે થોડી દૂર ખસી. પણ વિવાને હજુ હાથ ત્યાં જ રાખ્યો હતો.


'તને ડર લાગે છેને.. એટલે પકડી રાખી છે.'


'હવે નથી લાગતો છોડો..'


'ઠીક છે, માણસ પોતાની પત્નીને પણ પકડી ના શકે! શું જમાનો આવ્યો છે.' વિવાન નારાજ થવાનું નાટક કરતાં બોલ્યો અને તેની કમર પાસેથી હાથ ખેંચી લીધો.


**


હેલિકોપ્ટર મુંબઈના પનવેલમાં આવેલા વિવાનના ફાર્મહાઉસમાં ઉતર્યું. સૌથી પહેલા રઘુ ઉતર્યો. પછી વિવાન નીચે ઉતર્યો. પછી તેણે ગઝલને ઉતરવામાં મદદ કરી. તે વિવાનનો હાથ પકડીને નીચે ઉતરી. સામે વિક્રમ તેઓનું સ્વાગત કરવા માટે તૈયાર ઉભો હતો.


'વેલકમ સર, વેલકમ મે'મ..'


'ઈઝ એવરીથીંગ ઓકે?' વિવાન, વિક્રમ અને રઘુ વાતો કરતા કરતા આગળ ચાલી રહ્યા હતા અને ગઝલ તેમની પાછળ.

'યસ બોસ, એવરીથીંગ ઈઝ સેટ..'

ત્રણેય જણ વાતો કરતા કરતા ફાર્મહાઉસમાં ગયાં.


અડધો કલાક આરામ કર્યા પછી ઘરે જવાની તૈયારી કરતાં રઘુએ પૂછ્યું: 'ભાભી ઘરે પહોંચીને કંઈ તમાશો તો નહીં કરેને? તમને ડેડીનો સ્વભાવ ખબર છેને? જો કંઈ ગડબડ થઈ તો ડેડ આપણો વારો કાઢશે, ખાસ તો તમારી ધુળ કાઢી નાખશે.'


'નહીં, તે એવું કંઇ નહીં કરે..' કહીને વિવાન ગઝલ તરફ ગયો અને તેનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યુ: 'મારે તારી સાથે થોડી વાત કરવી છે.'


'મારે ઘરે જવું છે, મારા ભાઈ ભાભી પાસે..'


જઈશુ એના પહેલા આપણે આપણા ઘરે જવાનું છે.


'મારે મારા ઘરે જવું છે.' ગઝલ ઉંચા અવાજે બોલી.


'તું નકામી જિદ્ કરીને તારી અને મારી બંનેની સમસ્યાઓ વધારી રહી છે. આપણા લગ્ન થઈ ગયા છે એ વાત સ્વીકારી લે ગઝલ.. મેં તને પ્રોમિસ કર્યુ છે કે તને તારા ભાઈ ભાભી પાસે લઇ જઇશ, તો હું ખરેખર લઇ જઈશ.. પણ તે પહેલાં આપણે આપણા ઘરે જવાનું છે. અને ત્યાં જઇને કોઈ ગરબડ કે ચાલાકી કરવાની નથી. બધાને લાગવું જોઈએ કે આ લગ્ન આપણાં બંનેની મરજીથી થયા છે.. સમજી?' વિવાને કડક પણ ઠંડા અવાજમાં કહ્યુ.


'હું એવું કંઈ કરવાની નથી, ઊલટાનું હું બધાને સાચી હકીકત કહી દેવાની છું.'


'ઠીક છે, તો પછી આપણે હંમેશા અહીં જ રહીશું. તને તારા પિયર પણ જવા નહીં મળે. તારા ભાઈ ભાભીને ક્યારેય ખબર નહીં પડે કે તું ક્યાં છે! અને પેલો વિડિયો જોયો છેને તે? હું હજુ બી કંઈ પણ કરાવી શકું તેમ છું.' કહીને વિવાને આંખ પર ગોગલ્સ ચઢાવ્યા.


'નહીં.. નહીં.. તમે જેમ કહો તેમ કરીશ.. પણ પ્લીઝ વિવાન, મારા ભાઈ ભાભીને કશુ નહીં કરતાં..' બોલતા ગઝલની આંખોમાં પાણી આવી ગયાં.


'ગુડ.. તું જ્યાં સુધી મારુ માનીશ ત્યાં સુધી એ લોકો સુરક્ષિત રહેશે.. લેટ્સ ગો..' કહીને વિવાન આગળ ચાલ્યો. ગઝલની આંખોમાં આંસુ જોઈને તેની પોતાની આંખો પણ ભીની થઈ ગઈ હતી. આ બધું કરવાનું તેને બિલકુલ પસંદ નહોતું. પણ અત્યારે તેની પાસે બીજો કોઈ ચારો નહોતો.


ગઝલએ આંખો લૂછી અને ઉભી થઇને તેની પાછળ ચાલી.


ગાડીની નજીક આવીને વિવાને ગઝલ માટે દરવાજો ખોલ્યો. તે અંદર બેઠી. વિવાન તેની બાજુમાં બેઠો.


'નીકળશું?' રઘુએ પૂછ્યું.


'હાં.'


થોડીવાર પછી તેઓ શ્રોફ બંગલાના વિશાળ ગેટ પાસે હતાં. વિવાનની ગાડી જોઈને ચોકીદારે ગેટ ખોલ્યો. ગાડી અંદર ગઈ. રઘુએ ગાડી બંગલાના પોર્ચમાં લીધી.


'બા.. વિવાન આવ્યો લાગે છે.' વૈભવી ફઈ બોલ્યા.


'સાચે..?' ખુશ થતાં દાદી અને ફઈ બેઉ મુખ્ય દરવાજા પાસે આવ્યા.


ગાડીમાંથી પહેલાં રઘુ ઉતર્યો અને તેણે દાદી તરફ મોટી સ્માઈલ કરીને વિવાન માટે દરવાજો ખોલ્યો. વિવાન ગાડીમાંથી બહાર આવ્યો.


'આવી ગયો મારો દિકરો..' દાદીની આંખમાં હર્ષના આંસુ આવ્યા. વિવાન તેમને ગળે મળ્યો.


'વિવાન બેટા, ચાર પાંચ દિવસે તારુ મોઢુ જોવા મળ્યું.. તને ખબર છેને કે બાને, ભાઈને, મને કેટલી ઉપાધિ થાય તારી?' વૈભવી ફઈ વિવાનની પીઠ પર હાથ ફેરવતાં બોલી.


'સોરી ફઈ, કામ જ એટલું મહત્વનું હતું.' કહીને વિવાન તેને ભેટ્યો.


'અરે! પણ તું આટલા દિવસો હતો ક્યાં? નહીં ફોન નહીં કંઈ, અહીં બધાના જીવ ઉંચા થઇ ગયા હતા.' દાદીએ પૂછ્યું.


'એક ખૂબ અગત્યના કામમાં હતો દાદી..'


'ઠીક છે ચાલો અંદર જઈને વાત કરીએ.' ફઈએ કહ્યુ.


'ફઇ એક મિનિટ..' વિવાને તેમને રોક્યા


'શું થયું?' દાદીએ પૂછ્યું.


'એક મિનિટ હં..' કહેતો વિવાન ગાડી પાસે ગયો.


'કમ.' વિવાને દરવાજો ખોલીને ગઝલ તરફ હાથ લંબાવ્યો. ગઝલ તેના હાથમાં હાથ આપીને નીચે ઉતરી. દાદી અને ફઈ, હવે આ કોણ હશે? એવા ભાવથી જોઈ રહ્યા.


લાલ રંગની સાડી, સેંથામાં કુમકુમ, હાથમાં ચૂડલો, કપાળમાં બિંદી ગળામાં મંગળસૂત્ર.. નવી પરણેતરના વેશમાં ગઝલ વિવાનની બાજુમાં આવીને ઉભી રહી. ઘડીભરમાં નોકરોનુ ટોળું તેમને ઘેરી વળ્યું.


'વિવાન..!!' દાદીને રીતસર આશ્ચર્યનો આંચકો લાગ્યો.


'દાદી.. ફઈ.. આ છે ગઝલ વિવાન શ્રોફ, તમારી વહુ..' વિવાન થોડો ડરતા ડરતા બોલ્યો.


'હેએએ ?!!?' આશ્ચર્યથી દાદી અને ફઈના મોઢા ખુલ્લા રહી ગયા. બધા નોકરો તો હેરતથી આ નવા શેઠાણી તરફ જોઈ રહ્યા હતા.



'આ શું બોલે છે તું વિવાન?' સામેથી કૃષ્ણકાંત આવ્યા. નોકરો સાઈડમાં ખસી ગયા. કૃષ્ણકાંતનો ભારેખમ સત્તાવાહી અવાજ સાંભળીને ગઝલ નર્વસ થઇ ગઇ. તેણે બીકમાં વિવાનનો હાથ પકડી લીધો અને તેની પાછળ લપાઈ ગઈ.


"ડેડ, અં.. એ..' વિવાન લોચા વાળવા લાગ્યો.


'અં.. આ.. શું? સ્પષ્ટ બોલ.. આમ ચુપચાપ લગ્ન કરવાનું કારણ શું છે?'


'બોલો હવે.. બોલોને..' ગઝલ મનમાં ખુશ થઈ: 'સારુ થયુ કોઈ તો આને સવાલ પૂછવા વાળુ છે.. આ અંકલ મારી હેલ્પ કરશે એવું લાગે છે. થેંક ગોડ..' ગઝલનાં મનમાં આશા બંધાઈ.


'ડેડ.. એ અં.. અમે.. અમે બેઉ એકબીજાને પ્રેમ કરીએ છીએ એટલે..' વિવાન બીતો બીતો બોલ્યો.


'માય ગોડ.. કેટલું ખોટું બોલે છે આ માણસ..!! એકબીજાને પ્રેમ કરીએ છીએ એમ બોલે છે! અંકલ તમે આની વાત બિલકુલ નહીં માનતા..' ગઝલ મનમાં બોલી.


'પ્રેમ કરો છો એ તો ઠીક છે, સમજ્યા. પણ આમ કીધા વગરના ચુપચાપ લગ્ન શું કામ કર્યાં?' કૃષ્ણકાંતનો અવાજ ઉંચો થયો.


'ડેડ, હું આને ભગાવીને લાવ્યો છું.'


'જોયું હવે કેવું સાચું બોલ્યા?' ગઝલ મનમાં ખુશ થઈ.


'હે ભગવાન! તુ આને ભગાડીને લાવ્યો? પણ શું કામ?' દાદીએ પૂછ્યું.


'ગઝલના ઘરવાળા તેની મરજી વિરૂધ્ધ તેને જબરદસ્તી બીજા છોકરા સાથે પરણાવવા માંગતા હતા. એમાં આ આત્મહત્યા કરવાની હતી. એટલે નાછુટકે મારે એને ભગાડવી પડી.'


'માં કસમ.. કેટલો ખોટાડો છે આ માણસ..' ગઝલ અંદરથી ઉશ્કેરાઈ ગઈ પણ વિવાને આપેલી પેલી ધમકીને કારણે કશું બોલી શકે તેમ નહોતી.


'પછી?' કૃષ્ણકાંતને જિજ્ઞાસા થઈ.


'પછી.. અમે પહેલા મંદિરમાં લગ્ન કર્યા, બાદમાં કોર્ટે મેરેજ કરી લીધા.' વિવાન એકદમ ભોળો થઈને બોલ્યો.


'બસ કૃષ્ણા.. બહુ થયુ હવે.. વહુ મને ગમે છે.' દાદીએ ફેસલો સંભળાવી દીધો.


'મને પણ ગમી.. કેટલી સુંદર છેને!' ફઈએ પણ દાદીને સાથ આપ્યો.


'આ બૈરાઓનું ચસકી ગયું છે કે શું? આને ખીજાવાને બદલે વહુ-વહુ કરે છે.' ગઝલ હવે મનમાં ધુંધવાતી હતી.


'મેં ક્યાં કહ્યુ કે મને નથી ગમી.. મને તો બસ એ આમ કીધા વગરનો લગ્ન કરી આવ્યો એ નથી ગમ્યું.. કેટલા બધા અરમાનો હતા મારા.. મોટી જાન લઇને જવુ હતું મારે દિકરો પરણાવવા..' કૃષ્ણકાંત બોલ્યા.


'સત્યાનાશ... મારા તો નસીબ જ ખરાબ છે.. મને લાગ્યું કે આ કાકા મારી મદદ કરશે. પણ એ સુદ્ધા એના દિકરાના કારનામાથી ખુશ છે.. ગઝલ બેટા.. તારી આશાની નાવડી ડૂબતી જાય છે.. પણ ડોન્ટ વરી.. એકવાર ઘરે જાવ પછી ભાઈને બધુ કહી દઈશ.. પછી જો.' ગઝલએ ખુદને સમજાવી.



'વિવાન.. વહુનું નામ શું કીધું? તારા બાપે વચમાં બહું પુછપરછ કરી એમાં હું ભૂલી ગઈ.' દાદી બોલ્યા.


'ગઝલ..' વિવાન માથુ ખંજવાળતા શરમાઈને બોલ્યો.


'બા, હું આરતીની થાળી તૈયાર કરાવું.' ફઈએ કહ્યુ.


'હાં, હાં જા જલ્દી..'


વૈભવી ફઈ એક નોકરને લઈને અંદર ગયાં. થોડીવારમાં બધુ તૈયાર કરાવીને આવ્યા. તેણે પહેલા વરઘોડિયાને અક્ષત કંકુથી વધાવ્યા. પછી આરતી ઉતારી.


'ગઝલ બેટા હવે આ કુમકુમ વાળી થાળીમાં પગ મૂકીને પછી ઘરમાં આવ..' વૈભવી ફઈએ કહ્યુ.


ગઝલએ કહ્યા પ્રમાણે કર્યું અને પોતાની સાસરીમાં કંકુ પગલાં કર્યા. બધા નોકરોએ હર્ષની ચિચિયારી પાડી અને ગઝલને તાળીઓથી વધાવી.


બંને જણાએ પહેલા વિવાનની મમ્મીના ફોટોને નમસ્કાર કર્યા પછી ભગવાનને પગે લાગ્યા.


'દાદી..' બેઉ જણા દાદીને પગે લાગ્યા.


'સદા સુખી રહો..' દાદીએ આશિર્વાદ આપ્યાં.


'ફઈ..'


'ઘણું જીવો અને આનંદ કરો..' વૈભવી ફઈએ આશિર્વાદ આપ્યાં.


'ડેડી..' વિવાન તેના પપ્પાના ચરણોમાં ઝૂક્યો સાથોસાથ ગઝલ પણ ઝૂકી.


'અરે બેટા.. દિકરીએ પગે ના લાગવાનું હોય.. ખૂબ ખુશ રહો.. તમારી જોડી સાત જન્મો સુધી સાથે રહે..' કૃષ્ણકાંતે બંનેને આશિર્વાદ આપ્યાં. પછી વિવાનને ભેટી પડ્યા.


'આઇ એમ સોરી ડેડી, તમને કીધા વગર મેં લગ્ન કરી લીધા..' વિવાન ગળગળો થઇ ગયો.


'ઈટ્સ ઓકે બેટા..' કૃષ્ણકાંતે વિવાનની પીઠ થાબડી પછી ઉમેર્યું: 'બસ, વહુનું સ્વાગત સરખી રીતે ન કરી શકાયુ..'


'એમાં શું? આપણે હજુ પણ ભાભીનું જોરદાર સ્વાગત કરી શકીએ..' રઘુ અંદર આવતા બોલ્યો.


'મતલબ?' દાદીએ પૂછ્યું.


'આપણે ભાઈ ભાભીનું રિસેપ્શન રાખીએ.'


'નહીં.. બિલકુલ નહીં.. કાવ્યા નથી તો..' વિવાનની આંખો ભરાઈ આવી.


'એવું કેમ બોલે છે વિવાન? કાવ્યા હોત તો કેટલી ખુશ થાત.. તમને બેઉને જોઈને એ આખુ ઘર માથે લઈને ફરતી હોત.. અને કેટલી મુસીબત પછી આ એક સુખનો પ્રસંગ આવ્યો છે ત્યારે રિસેપ્શન રાખીને એક નાનકડુ સેલિબ્રેશન તો કરવું જોઇએ.' વૈભવી ફઈએ કહ્યુ.


'પણ ફઈ..?'


'ઠીક છેને.. સત્યનારાયણ પુજા તો કરવાની જ છે. તો સાથે સાથે નજીકના સગા સંબંધીઓને બોલાવીને એક નાનકડી પાર્ટી આપી દઈએ.' કૃષ્ણકાંતે વચલો રસ્તો ચીંધ્યો.


'પણ ડેડી, આપણા બિઝનેસ રિલેશન્સ બહુ મોટા છે. એ લોકોને નારાજ કેમ કરાય?' રઘુએ કહ્યુ.


'રઘુની વાત વ્યાજબી છે વિવાન.. અને વહુના મનનો પણ વિચાર કર.. લગ્ન સાદાઈથી કર્યા છે હવે રિસેપ્શન તો આપણા સ્ટેટસ પ્રમાણે આવવુ જોઇએ. પ્લીઝ બેટા.. આમાં ના નહીં કહેતો.' દાદીએ કહ્યુ.


'ઠીક છે દાદી..'


'કાલે જ રિસેપ્શન આપીશું.. તૈયારી કરો અને બધાને આમંત્રણ મોકલાવો.' કૃષ્ણકાંતે કહ્યુ.


'હાં ડેડી, હું અને વિક્રમ બધુ સંભાળી લેશું.' રઘુ ખુશ થતાં બોલ્યો.


'વિવાન.. તું વહુને રૂમમાં લઈજા.. થોડો આરામ કરો જાવ..' દાદીએ કહ્યુ.


'જી..' વિવાન ગઝલને લઈને બેડરૂમ તરફ ગયો.

પાછળ એક નોકર ગઝલની બેગ લઇને ગયો.


.

.

ક્રમશ:


ગઝલ તેના ભાઇ ભાભીને મળશે ત્યારે શું થશે?


મિહિર અને કૃપા આ લગ્ન વિશે જાણીને કેવું રિએક્ટ કરશે?


શું મલ્હારને આ લગ્ન વિશે જાણ થશે?


**


વાચક મિત્રો, આપના અભૂતપૂર્વ પ્રતિસાદના કારણે માતૃભારતી દ્વારા અધવચ્ચે જ આ નવલકથાનો સમાવેશ 'વિશેષ નવલકથા' સેગમેન્ટમાં કરી દેવામાં આવ્યો છે. જે આપણા સહુ માટે ગર્વની વાત છે. આવી રીતે જ આપ સૌ સાથ આપતા રહેજો. 🙏


❤ હું આપના અમૂલ્ય પ્રતિભાવની પ્રતિક્ષા કરીશ. ❤